Hiral's Blog

July 5, 2015

મજાની ખિસકોલી -મારી પ્રથમ બાળવાર્તા.

Filed under: મારી બાળવાર્તાઓ,Jina — hirals @ 10:05 am

મારી દીકરી મને ‘કેમ’ બહુ પૂછે. મોટેભાગે હું જવાબો આપવા પ્રયત્ન કરું. (હાંફી જવાય ને થાકી જવાય એ હું તમને ખાનગીમાં કહું).

એને ત્રિભોવનદાસ વ્યાસ લિખિત અને ઇવિદ્યાલય હેઠળ બનાવેલો મારો ‘મજાની ખિસકોલી’ વિડીયો બહુ જ ગમે.

પણ ખાલી ગમે? એણે મને પૂછ્યું, મમ્મી એ મજાની ખિસકોલી કેમ?

જવાબમાં મેં એને વાર્તા કહી. એને તો બહુ જ ગમી. તમને પણ ગમશે જ.  તો ચાલો પ્રાણીઓની સભામાં ને જાણીએ કે ‘મજાની ખિસકોલી’ કેમ કીધું?

તમારો પ્રતિભાવ ચોક્કસથી જણાવશો. જોડણી અને ભાષાની ભૂલો બતાવશો તો મારી કલમે લખેલી પ્રથમ બાળવાર્તા હું ઇવિદ્યાલય પર મૂકવા જેવી મઠારી શકીશ.

—–

એક દિવસ જંગલમાં બધા પ્રાણીઓની સભા ભરાઇ.
સભાનો મુખ્ય ઉદ્દેશ ‘શ્રેષ્ઠ પ્રાણી/પક્ષી’ નો ખિતાબ આપવાનો હતો.
બધાની નાતના એક એક સભ્ય હાજર હતા અને દરેકે પોતાની આગવી વિશેષતા બતાવવાની હતી.

જીરાફ કહે,

ઉંચું અમારું કદ, લાંબી લાંબી ડોક.

ઝાડને આંબી જઇએ ને દુરથી દેખાઇએ.

બોલો છે કોઇ અમારા જેવું?

બધા એની ઉંચી ડોક તરફ જોઇ રહ્યા. સૌ પોતાના શરીરને ખેંચીને ઉંચા થવા લાગ્યા અને પોતે જીરાફભાઇ જેવા ઉંચા નથી તેવા ભાવ સાથે એની ઉંચાઇને કમને વધાવવા લાગ્યા.

એવામાં ખિલખિલ કરતી ખિસકોલી આવી. ઝટપટ ઝાડ પર ચઢી ગઇ ને જીરાફભાઇને હરખભેર અભિનંદન આપતા કહે, વાહ જીરાફભાઇ, હું તમારા માટે ખુબ ખુશ છું. તમે ખરેખર સૌથી ઉંચા છો. તમને મળવા હું ઝાડ પર ઝટપટ ઉંચે ચઢી. મને તો બહુ મજા પડી.

વાહ, મજા આવી ગઇ તમને મળીને.
ખિસકોલીએ ખરા દિલથી જીરાફનું હસીને અભિવાદન કર્યું તે જીરાફને બહુ ગમ્યું.

હવે આવ્યો હાથીનો વારો,

અમે સૌથી વિશાળકાય. અમારી બરોબરી કોઇથી ના થાય.

સૌથી લાંબું અમારું નાક. પાણીનો ફુવારો કરીએ ખાસ.
એમ કહી એણે મોટો ફુવારો ઉડાડ્યો.
અને ધમ ધમ ચાલતાં હાથીભાઇએ એક કેટવોક કરી.

આ વખતે બધા પ્રાણી પોતે હાથી જેવા વિશાળ નહિં હોવાનું સ્વીકારીને હાથીની વિશાળકાયાનું અભિવાદન કરવા લાગ્યાં. ખુદ જીરાફને પણ લાગ્યું કે પોતે ઉંચો ખરો પણ હાથી જેવો ચારે બાજુથી વિસ્તરેલો નથી. હાથી જેવી લાંબી સૂંઢ નંઇ. એવો મનમાં જ એને અફસોસ પણ થયો.

એવામાં પેલી ખિલખિલ કરતી ખિસકોલી આવી, ઝાડ પરથી સીધી હાથીની પીઠ પર બેઠી ને કહે, વાહ હાથીભાઇ હું તમારા માટે બહુ જ ખુશ છું. તમારા પર સવારી કરવાથી હું તો ભવ્યતા અનુભવું છું. વાહ, શું તમારું કદ ને શું તમારી વિશાળ કાયા. અને આ તમારી સૂંઢની થઇ ગઇ મને માયા.

મજા આવી ગઇ તમને મળીને.
ખિસકોલીએ ખરા દિલથી હાથીનું હસીને અભિવાદન કર્યું તે હાથીને બહુ ગમ્યું.


હવે આવ્યો ઝેબ્રાનો વારો.
કહે,

ઉંચું કદ (જીરાફ સામે જોઇને) ને કદાવર કાયા (હાથી સામે જોઇને), હશે ભલે તમારી ભાયા.
અમારી વિશેષતા છે અમારું રુપ.
કાળા-ધોળા પટ્ટા શરીરે. પાડે છે એ નોખી ભાત.

છે કોઇની નાતમાં અમારા જેવું ખાસ?

શહેરના રસ્તા પર માણસો વાપરે આ ખાસ ભાત ને બહુમાન અમારું કર્યું

આપી એનું ‘ઝેબ્રા ક્રોસિંગ’ નામ.

આ વખતે જીરાફ અને હાથી સહિત બધા કાળા-ધોળા પટ્ટા જેવું અનોખું શરીર જોઇને થોડા ઝંખવાણા થયા ને બધાએ ઝેબ્રાને અભિનંદન આપ્યા. ખાસ તો માણસોએ ‘ઝેબ્રા-ક્રોસિંગ’ નામ આપ્યું એના માટે બધાને મનમાં ને મનમાં ઇર્ષા પણ થઇ.

એવામાં ખિલખિલ કરતી ખિસકોલી ઝેબ્રાના પગ આગળ રમત કરવા લાગી.
વાહ ઝેબ્રાભાઇ વાહ. તમારું અનોખું રુપ જોઇને મને તો બહુ જ આનંદ થયો. અને માણસોએ પણ આ ખાસ ચટ્ટા-પટ્ટાને જાહેર માર્ગો પર તમારા નામ સાથે બહુમાન કર્યું એથી તો મને વિશેષ આનંદ થયો.

મજા આવી ગઇ તમને મળીને.
ખિસકોલીએ ખરા દિલથી ઝેબ્રાનું હસીને અભિવાદન કર્યું તે ઝેબ્રાને બહુ ગમ્યું.


ઝેબ્રાનું રુપ-રંગનું અભિમાન ઉતારવા મેદાને આવ્યો મોર.

ટેહૂંક કરતોને એણે કર્યો મીઠો ગુંજારવ.
જોઇ રહ્યા સૌ એને પહોળી આંખે અહોભાવથી.
બોલ્યો મોર સભામાં કળા કરીને નોખી.
કાળા-ધોળા પટ્ટા તે છે કોઇ દેખાવ?
રુપ –રંગની વાતે કોઇ અમારી નહિં હારોહાર.
રહી વાત માણસમાં બહુમાન પામવાની, તો
‘મોર’ રાષ્ટ્રીય પંખી કહેવાય.

બધાની આંખો મોરની કળા જોઇને પહોળી થઇ ગઇ. ને ઝેબ્રા, હાથી, જીરાફ સહુ થોડા ઝંખવાણા થયા.

એવામાં ખિલખિલ કરતી ખિસકોલી મોર પાસે આવીને આંખો મટકાવવા લાગી.
વાહ મોરભાઇ વાહ. તમારું અનોખું રુપ જોઇને, તમારા રંગબેરંગી પીંછા જોઇને મને તો બહુ જ આનંદ થયો. અને કળા કરીને જ્યારે તમે ટેહૂક કરીને ગુંજારવ કર્યો. વાહ, મોરભાઇ, ખુદ મેઘરાજા પણ પ્રતિસાદ કરવા લલચાયા.
અને માણસોએ પણ તમને રાષ્ટ્રીય પંખી તરીકેનું બહુમાન કર્યું એથી તો મને વિશેષ આનંદ થયો.

મજા આવી ગઇ તમને મળીને.
ખિસકોલીએ ખરા દિલથી મોરનું હસીને અભિવાદન કર્યું તે મોરને બહુ ગમ્યું.

હવે આવ્યો ચિત્તાનો વારો.

એક વાક્યમાં એ બોલ્યો.

ચિત્તાને કોઇ શકે ના આંબી.

ને બધા અહોભાવથી જોઇ રહ્યા. મોર, ઝેબ્રા, હાથી, જીરાફ બધા આવી લાંબી છલાંગ પોતે નથી ભરી શકતા એ માટે મનમાં જરાક દુઃખી થયા.

એવામાં પેલી ખિલખિલ કરતી ખિસકોલી આવી.
કહે, વાહ ચિત્તાભાઇ વાહ. તમારી છલાંગને કોઇ શકે ના આંબી. તમે એક ઠેકડે કાપ્યું એટલું અંતર કાપતાં તો મને અનેક ઠેકડા થાય. જબરી વિશેષતા તમારી. મને તો તમારી લાંબી છલાંગ જોઇને બહુ જ આનંદ થયો.

મજા આવી ગઇ તમને મળીને.
ખિસકોલીએ ખરા દિલથી ચિત્તાનું હસીને અભિવાદન કર્યું તે ચિત્તાને બહુ ગમ્યું.


હવે એક પછી એક એમ વાંદરો, સસલું, કોયલ, બગલો, બતક, અરે, ઊંટ, વાઘ, સિંહ ને શિયાળ બધા એક પછી એક પોતે કેવા છે વિશેષની વાતો કરવા લાગ્યા.
સહુ બીજાની વિશેષતા જોઇને મનોમન અફસોસ કરતાં પણ ખિસકોલી તો ખિસકોલી.

હસતી રમતી ખિસકોલી. સૌને ગમતી ખિસકોલી. ખિલખિલ કરતી ખિસકોલી.
બધાની વિશેષતા જોઇને હરખાતી. ને બધાનું ખરા દિલથી અભિવાદન કરતી. બધાનું દિલ એણે જીતી લીધું.

એનો વારો આવ્યો તો કહે,

શું કહું હું મારી વાત?
હું તો ખિલખિલ કરતી ખિસકોલી.
મને તો તમને બધાને મળીને ખુબ જ આનંદ થયો. બસ આ જ મારી વિશેષતા.

હવે વાત આવી મત આપવાની. વાત આવી ખિતાબ જાહેર કરવાની. બહુ અઘરું હતું.
દરેક પાસે આગવી વિશેષતા હતી પણ એકની વિશેષતા બીજાને પસંદ ના હતી.

કોને સૌથી વધુ કોણ ગમ્યું? કોની વિશેષતા ગમી? બધામાં શ્રેષ્ઠ કોણ?

સહુએ એકમત થવાનું હતું. એક કાગળ પર જણાવવાનું હતું.
જંગલના રાજા સિંહે બધાને ફરમાન કર્યું.

ખિલખિલ કરતી ને હરખાતી હરખાતી ખિસકોલી સહુને એક એક ચિઠ્ઠી આપી આવી ને
રાજાએ હુકમ કર્યો એટલે થોડીવારે બધાની ચિઠ્ઠી એકઠી કરીને રાજાને ચરણે સોંપી આવી.

રાજાએ પ્રધાન તરીકે શિયાળ અને વરુને પરિણામ જાહેર કરવા કહ્યું.
બધાના આશ્ચર્ય વચ્ચે ‘શ્રેષ્ઠ પ્રાણી’ નો ખિતાબ મળ્યો ખિલખિલ કરતી ખિસકોલીને.
અને બધાએ એકી સાથે ખરા મનથી અભિવાદન કરતાં ખિસકોલીને કીધું.

વાહ ખિસકોલીબેન વાહ,
બહુ જ મજા આવી તમને મળીને.

શરીરની વિશેષતા તો અમને બધાને મળી પણ તમારી વિશેષતા છે ન્યારી.
જે સ્વભાવે છે ખિલખિલ એની વાત બહુ ન્યારી.
હસતી રમતી ખિસકોલી, તું સૌને ગમતી ખિસકોલી. હવેથી અમે પણ તારા જેવા હસતા રમતાં રહીશું ને સૌને ગમતાં રહીશું.

અને બધા એકી અવાજે
ત્રિભુવન વ્યાસ કાકાએ લખેલું ગીત ગાવા લાગ્યા.

તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી,
તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી.
તું કેવી હ્સે ને રમે મજાની ખિસકોલી,
તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી.
તું જ્યારે ખીલખીલ ગાય મજાની ખિસકોલી,
તારી પૂંછડી ઉંચી થાય મજાની ખિસકોલી.
તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી,
કહે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી.
બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી,
તું ઉંદરભાઈની નાત મજાની ખિસકોલી.

6 Comments »

  1. સરસ મજાની બાળ વાર્તા , મોટાંઓને પણ વાચવી ગમે એવી રસિક છે . આ વાર્તામાં ખિસકોલી જેવો સ્વભાવ કેળવવાનો પણ બાળકો માટે બોધ છે. અભિનદન હિરલબેન .

    તમારી ટ્બુકને તો આ વાર્તા ઘણી ગમી હશે જ .

    Comment by Vinod R. Patel — July 5, 2015 @ 2:40 pm | Reply

  2. બહુ સરસ વાર્તા.બાળવાર્તાઓ અને બાલ ગીત લખવાં ખૂબ અઘરાં છે. અભિનંદન.

    Comment by harnishjani52012 — July 5, 2015 @ 4:23 pm | Reply

  3. બાળવાર્તા લખવી અઘરી છે અને પહેલા પ્રયાસે આટલી મજાની વાર્તા થઈ!

    Comment by Chirag — July 5, 2015 @ 5:54 pm | Reply

  4. હિરલ,
    સરસ વાર્તા. ભાષા-જોડણી ભૂલો તો છે જ. ઈ-વિદ્યાલય ઉપર કામ તો અણિશુદ્ધ જ જોઈએ. જાહેર અપીલ હતી, એટલે કોઈએ આ કામ કરી આપ્યું હોય તો બરાબર છે; નહિ તો હું હાજર છું. મને પ્રત્યુત્તર મળે અને મને આ કામ સોંપ્યાની કૉમેન્ટ બોક્ષમાં જાહેરાત થાય તો બીજાંઓ દ્વારા આ કામ બેવડાય નહિ અને એમનાં સમય-શક્તિ વેડફાય નહિ.
    પ્રત્યુત્તરની અપેક્ષાસહ,
    વલીકાકા
    તા.ક. કાર્યબોજ વચ્ચે આ કામ તો કરી આપીશ, પણ કાયમી ધોરણે એ શક્ય ન પણ બને; ચોખવટ કરવી સારી, કેમ ખરું ને ?

    Comment by Valibhai Musa — July 5, 2015 @ 11:48 pm | Reply

  5. હિરલ તારી વાર્તા બહુ સરસ છે. થીમ બહુ જ સરસ છે. બાળકને કેવી સરસ રીતે પોઝીટીવ
    થવાનું અને ખુશ રહેવાનુ શીખવે છે, કોઈ ભાર કે ઉપદેશ કે સલાહ વિના. આનું નામ જ
    બાળવાર્તા. બાળકોને પ્રાણીઓ બહુ ગમતા હોય છે એટલે પ્રાણીઓના નિરૂપણમાં બાળકને
    મજા આવે છે.
    હવે બીજી વાતા. તેં ભાષા મોટાઓની વાપરી છે. જો આ બાળકોએ વાંચવાની હોય તો ભાષા
    બદલવી પડે.
    અભિવાદન, વિશેષતા, બહુ આનંદ થયો, અને આવા ઘણા શબ્દો છે, વાક્યો છે જે બાળકો ન
    બોલતા હોય.
    બાળકની ભાષામાં
    એણે હાથ મિલાવ્યા, શેક હેન્ડ કર્યું, ભેટી પડ્યા
    ખાસ વાત
    મજા પડી, બહુ મજા પડી…
    એવવું આવે…
    તું સળંગ જોઈ જજે અને ફરીથી લખજે… કેમ કે વાર્તા બહુ સરસ જ છે.
    એવી રીતે ‘નાત’ શબ્દ ન વાપરવો.
    એને બદલે ‘બધી જાતના’ કે બધી ટાઈપના લખી શકાય. મારા માણવા પ્રમાણે આજના
    બાળકને ‘નાત’નો કન્સેપ્ટ જ નહી હોય !
    આશા છે કે મારી વાત તને ગમશે.. સારી બાળવાર્તાઓની ખૂબ જરૂર છે.

    Comment by readsetu — July 6, 2015 @ 1:21 pm | Reply

  6. સરસ વાર્તા. સ્ક્રેચ પર પ્રોજેક્ટ અથવા યુ ટ્યુબ વિડિયો બનાવવા માટે સરસ બીજ.

    Comment by સુરેશ — July 6, 2015 @ 3:34 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to Vinod R. Patel Cancel reply

Create a free website or blog at WordPress.com.