Hiral's Blog

October 9, 2019

બાળક સાથેની સવાર અને શાળાની તૈયારી.

આજે સવારે ઉઠીને અમે વૃક્ષાસનની હરિફાઇ કરેલી,

અમે આમ રમતાં રમતાં, યોગાસનની હરીફાઇની સાથે સાથે કાઉન્ટીંગ કે પલાખા શીખતા શીખતા સવારની શરુઆત કરવા કોશિશ કરીએ.

ક્યારેક સૂર્યનમસ્કાર તો ક્યારેક અંગૂઠા પકડવા વગેરે આસનની હરિફાઇ કરીએ.

૧૦ થી ૧૫ મિનિટ ઘણુંખરું હવે મહાવરો કરતાં કરતાં સહેજે નીકળી જાય છે.

જિના ચક્રાસન કરે અને વિરાજ એની નીચેથી નીકળી જાય ત્યારે ઘરમાં બધાને હાસ્યયોગ થાય તે નફામાં.

વિરાજ ઝડપથી આઉટ થઇ જાય એટલે એ ‘રોબો મેન’ અમે જેમ કહીએ તેમ કરવું પડે.

રોબો….મો ..મો…રોબો….હેવ બાથ ….હેવ દૂધ ફસ્ટ….એમ એ રમતાં રમતાં તૈયાર થઇ જાય.

ક્યારેક જિના સાથે મિશન બાથ, મિશન બ્રેકફાસ્ટ, મિશન બેગપેક, વગેરે ટાઇમર સેટ કરીને રમતાં રમતાં તૈયાર કરીએ.

મારા સાસુ જિનાને ‘ચાલ મમ્મી-પપ્પાને સરપ્રાઇઝ આપીએ’ એમ પ્રોત્સાહિત કરીને એક્સાઇટમેન્ટની થીયરથી ઘણીવાર તૈયાર કરી દે.

ગયા વરસે મારા ભણવાની ધૂનમાં મેં ક્યારેક બધાની સવાર બગાડી. હશે, એ ભૂલોમાંથી જ તો શીખી.

બાળકના દિવસની શરુઆત અને રાતે નીંદર પહેલાંની ક્ષણો બહુ અગત્યની ક્ષણો છે.

એક વાલી તરીકે સૌથી શ્રેષ્ઠ મેમરીઝ આપવી એવો હંમેશા પ્રત્યત્ન કરું.

બાળક શાળાએ જતું થાય પછી દિવસનો ઘણો સમય ઘણું ખરું બહાર રહે છે.

જે થોડો સમય આપણે આપવાનો છે તે સમયે આપણું તેમની સાથેનું વર્તન, એમની સાથે હસતાં રમતાં ગાળેલી પળો એમનાં વ્યક્તિત્વ વિકાસ માટેની ઉત્તમ ક્ષણો છે.

October 8, 2019

ફન ફેમિલી ડુ ઇટ યોર સેલ્ફ પ્રોજેક્ટ

Filed under: Creativity,Family-Fun Project,Jina,own creation — hirals @ 4:43 pm

બા એટલે કે મારા વડસાસુના અવસાન પછી પ્રથમ વાર મારા સાસુ-સસરા અમારી સાથે રહેવા આવવાના હતા.

અમે બહુ ઉત્સાહથી એમના સ્વાગત માટે હાર-દોરા એવું બધું છોકરાઓ સાથે મળીને કર્યું.

શરુઆતમાં એમને બાળકો સાથે બહુ ગમ્યું પણ મહિના-દહાડા પછી મારા સસરાને કંટાળો આવવા લાગ્યો.

વિરાજ ૯-૧૦ મહિનાનો અને જિના પાંચ વરસની.

વિરાજ કશું બોલે નંઇ એટલે એ લોકો થોડીવાર ખોળામાં રમાડે ને પછી કંટાળે.

જિનાના દાદા એને શાળાએ મૂકવા જાય. કલાક એક વિરાજને રમાડે પણ પછી આખો દિવસ એમને ગમે નંઇ.

લે ભઇ, તારું છોકરું સંભાળ. મારા સાસુ પણ નવી પધ્ધતિએ બધો સાથ આપવા પૂરતો પ્રયત્ન કરે.

અહિં હું સવારે રસોઇ-ઘરકામ પતાવી ૧૦ વાગે બેબી સેન્ટર જાઉં.

ત્યાં એને એની ઉંમરના બાળકો સાથે બે કલાક રમવા મળે એટલે એનો અને મારો દિવસ સરસ જાય.

ઘરકામમાં મને પૂરતો સહકાર મળે પણ બાળ સંભાળ એમના માટે જાણે વરસો પછી નવેસરથી નવો અનુભવ.

એમને બાળકો સાથે શું રમવું વગેરે લાંબો સમય ફાવે નંઇ.

મેં એમને બ્લોગ શીખવ્યો. પણ એમને ખાસ રસ ના પડ્યો. ફેઇસબુક શીખવ્યું પણ એમનું કામ વોટ્સએપથી ચાલી જતું.

એક ગુજરાતી કાકાનો પરિચય કરાવ્યો ત્યાં ક્યારેક આંટો મારી આવે પણ એમને જાણે બહુ ગોઠે નંઇ.

બસ આખો વખત સમય પસાર કરવા ટી.વી ને મોબાઇલમાં વિડીયો જોવે.

ક્યારેક પાર્ક વગેરેમાં જાય પણ જલ્દીથી કંટાળી જાય.

જોગાનુજોગ ઘરમાં અમે જિના માટે સ્ટડી ટેબલ જોઇ રહેલા. પછી અચાનક મિલનને વિચાર આવ્યો કે આપણે ઘેર જ ટેબલ બનાવીએ તો?

પપ્પાને સમય પસાર કરવા કામ મળી જશે. ને એમણે હોંશે હોંશે એમાં રસ લીધો.

હવે બધી જગ્યાએ ઓટોમેશન છે તે અમને પણ અચરજ થયું. વાહ, સુથારીકામ તો હવે ઘણું સરળ થઇ ગયું.

અમે અમુક ટુલ્સ ખરીદ્યા. લાકડાની પટ્ટીઓ વગેરે બધી ખરીદીમાં પપ્પાએ ઉત્સાહથી રસ લીધો.

તેમને ક્લાર્ક તરીકે સરકારી નોકરીનો અનુભવ પણ ટેબલ બનાવવામાં બહુ રસ લીધો.
ઘરમાં બધા એન્જીનિયરીંગ (ડુ ઇટ યોર સેલ્ફ કામમાં) જોડાઇ ગયા.

ત્રણ મહિનામાં સરસ મજાનું ટેબલ તૈયાર થઇ ગયું. જિનાના જન્મદિવસે આખી રાત એમણે મિલન સાથે ઉજાગરો કર્યો ને સવારે અમે જિનાને

સ્ટડી-કમ પિયાનો ટેબલ ગીફ્ટ કર્યું.

એનો ઉત્સાહ કોઇ કેમેરામાં કંડારી શકાયો હોત તો? પણ એની અને અમારી મનની આંખોમાં કંડારાઇ ગયો.

October 4, 2019

આત્મિક વિકાસની યાત્રામાં ત્યાગ

જિનાને ગઇકાલે રક્ષાબંધનના પ્રોગ્રામમાં એક ક્વીન ડ્રેસ પહેરવો હતો. એ જ ડ્રેસ એની બહેનપણીને સ્કૂલના પ્રોગ્રામ માટે બહુ જ ગમ્યો.

જિના જરાક થોથવાઇ, મારી સામે જોયું , મેં માત્ર સ્મિત કર્યું અને એ જાતે જ બોલી,

ઓકે, યુ કેન હેવ ધીસ. યુ લુક સો બ્યુટીફુલ ઇન ધીસ.

બીજાની ખુશી માટે પોતાની ખુશીને બાજુએ રાખવી, પોતાના મન સાથે સમાધાન કરવું એ વાત આવા નાના અનુભવોમાંથી જ તો શીખવા મળે છે.

વાલી તરીકે આપણે ગમે તેટલું વહેંચવા વિશે ઘરમાં સમજાવીએ પણ આવી ઘટના વખતે બાળકનો પક્ષ લઇએ તો આપણે જાણતા-અજાણતાં મારું-તારું અને સ્વાર્થી બનતા શીખવીએ.

હું એમ કહી જ શકી હોત કે ‘નેક્સ્ટ ટાઇમ’ લઇ જજે. જિનાને આજે પહેરવો છે વગેરે.

હા, બહુ જ અગત્યનું હોત તો ઠીક છે બાકી આવી મટીરીયાલીસ્ટીક વાતોમાં બહુ સમય અને શક્તિ ખરચવા નહિંએવું મારી વાણિયાબુધ્ધિ કહે. પણ જિનાએ પોતે વિચાર્યું કે ઓ.કે હું નેક્સ્ટ ટાઇમ પહેરીશ. તું હમણાં લઇ જા.

હું ઘરમાં એમ વિચારી જ શકી હોત, કેમ એટલું જાતે ખરીદાતું નથી? મોંઘા ભાવનો ડ્રેસ વગેરે.

પણ આવા ભાવો કરીને કર્મ બાંધવા એનાં કરતાં બીજાની ખુશીમાં આપણે ખુશ થઇ શકીએ તેનાથી રુડું શું?

પછી ભવિષ્યમાં જો આપણું બાળક એકલું પડી જાય, અતડું રહી જાય તો વાંક કોનો?

મેં જિનાને શાબાશી આપી, ત્રણ-ચાર વાર શાબાશી આપી. એનાં આત્મિક વિકાસની યાત્રામાં ત્યાગના આ ગુણને પ્રોત્સાહન આપવું એ વાલી તરીકે મારી પ્રથમ ફરજ.

September 4, 2019

નાની – મોટી ભૂલોની નાની-નાની પણ કિંમતી સજા

વિરાજ રસોડામાં કંઇક ગડમથલ કરી રહેલો. [3.5 years]

ઇલાઇચી ભરેલી પ્લેટને ભૂલથી હાથ લાગ્યો ને ધબાક દઇને પ્લેટ પડી.

આખા રસોડામાં ઇલાઇચી વેરાઇ.

હું રસોડામાં ગઇ કે શું થયું? વિરાજ ટેબલ નીચે છૂપાઇ ગયેલો.

બહાર જવાનું મોડું થઇ રહેલું પણ એને આમ છૂપાયેલો જોઇને એવું તો વ્હાલ આવ્યું.

પાસે જઇને મેં એને પ્રેમથી પૂછ્યું, ‘બેટા, ભૂલથી ઢોળાઇ ગઇ?’

એણે ડરતાં ડરતાં ‘હકારમાં માથું ધુણાવ્યું’.

મેં કીધું, કશો વાંધો નંઇ, હવે બધા દાણા ભરી લે.

મમ્મી જરાય વઢી નથી જાણી, એનામાં બમણું જોશ આવી ગયું.

મને નથી આવડતું.

અચ્છા, લઢ ખાવી છે?

પ્લીઝ , હેલ્પ મી મમ્મી.

મેં થોડા દાણા વીણ્યા ને કીધું હવે તું બધી ઇલાઇચી આવી રીતે આ પ્લેટમાં પાછા ભરી લે.

અને એણે ભરી લીધી. બે-પાંચ મિનિટે આવીને મને બતાવી ગયો.

મેં કીધું, શાબાશ. તેં ભૂલ સુધારી લીધી, મને બહુ ગમ્યું. નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખજે. ઓ.કે!

મને કહે, તું આવીને જોઇ લે, બધી ભરી લીધી ને?

કેવો હરખ એનાં ચહેરા પર.

અને મારા ચહેરા પર પણ.

મને એ કેવું તો વ્હાલથી ભેટ્યો ને જાણે કહી રહેલો, હું ચોક્ક્સ ધ્યાન રાખીશ અને ભૂલ કરીશ તો પણ સુધારી લઇશ.

—-

આજે જિનાની શાળાનો પહેલો દિવસ. [age: 7.5 years]

એ સમયસર ઉઠી ના શકી. સમયસર તૈયાર ના થઇ શકી.

બે-ત્રણ વાર એને પ્રેમથી  ટકોર કરી પણ એ એની મસ્તીમાં જ હતી.

શાળાએ મોડા પહોંચ્યા અને રજિસ્ટરમાં નામ લખવું પડ્યું.

રસ્તામાં જ એણે સૉરી ફીલ કરેલું એટલે હવે વધુ કશું કહેવા જેવું હતું જ નહિં.

મેં શાળાએ પહોંચીને માત્ર એટલું જ કીધું કે, નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખજે.

ઘેર આવીને આપણે ટાઇમ-ટેબલ બનાવશું.

રાત્રે સૂવાનું, સૂતા પહેલાં તૈયારી કરવાનું, સવારે કેટલા વાગ્યે ઉઠવું, અને કેટલા વાગ્યે ઘરેથી નીકળી જ જવું વગેરે

લીસ્ટ તું બનાવજે અને હું તારી મદદ તો કરીશ જ.

અત્યારે લીસ્ટ બનાવવા બે-ત્રણ વાર મારે આગ્રહ કરવો પડ્યો.

પણ પાછું એ એની મસ્તીમાં જ.

મેં પ્રેમથી પાસે બેસાડીને એને કીધું, પનીશમેન્ટ તો મળશે.

મને કહે, કેવી પનીશમેન્ટ?

‘I am willing to change my self, I am punctual. I value my time.’

દસ વખત આ પ્રમાણે લખવા કીધું. લખી રહી છે.

બહુ ધ્યાનથી, સુંદર અક્ષરોથી અને પૂરી નિષ્ઠાથી.

મારું કામ હતું એને સમયપાલન માટે માનસિક રીતે તૈયાર કરવી.

એને પોતાના કામ માટે જવાબદાર બનાવવી.

એણે દસ વાર લખી લીધું અને મને બતાવવા આવી.

તમે પણ એક નમૂનો જુઓ.

 

 

 

અમારી શાળા ગાંધી વિચારસરણીને વરેલી હતી.

અપવાદ સિવાય ક્યારેય કોઇ શિક્ષકે વિદ્યાર્થી પર હાથ ઉપાડ્યો હોય અવું ધ્યાનમાં નથી. મારા માતા-પિતાએ પણ ક્યારેય મારી પર હાથ ઉપાડ્યો નથી. મને એ વાતનો ગર્વ છે.

અંગુઠા પકડાવવા, ઉઠક-બેઠક કરાવવી (કાન પકડીને), છેલ્લી બેંચ પર ઉભા રહેવાની સજા, ક્લાસની બહાર ઉભા રહેવાની સજા થતી, કોઇ હોમવર્ક બે થી ૧૦ વાર કરવાની સજા વગેરે સજા થતી.

હું મારી સાત વરસની બાળકીને આ ઉપરાંત હકારાત્મક વાક્યો ૧૦-૧૫ વાર લખવાની સજા, કોઇ પુસ્તક વાંચીને મને સમજાવવાની, કોઇ ભાવતી વસ્તુનો બે દિવસ માટે ત્યાગ, ટી.વી કે સ્ક્રીનનો બે દિવસ માટે ત્યાગ વગેરે અવનવી સજા કરું જે મનોવિજ્ઞાનની રીતે પણ ઉપયોગી થાય.

ઘરના કામમાં દરેકે મદદ કરવી એ હું દરેકની ફરજ સમજું છું એટલે ઘરમાં કામ કરવાની સજા નથી કરતી. હા પશ્ચાતાપ રુપે વધુ નવકાર ગણવાનું ચોક્કસ સૂચન કરું.  કાંઇક ભૂલ થઇ જાય તો મંત્રજાપથી મન ઘડાતું હોય છે અથવા ગીલ્ટની ફીલીંગ થી મુક્ત બીજીવાર ભૂલ નહિં કરવા ઘડાતું હોય છે એવું હું માનું છું. પોતાને માફી આપવી એ બહુ જ જરુરી છે.

જ્યારે હું કોઇ માતા-પિતાને કે શિક્ષકને એમ કહેતા સાંભળું કે ‘વગર માર ખાધે કોણ મોટું થયું છે? ત્યારે મને બહુ જ પીડા અને આશ્ચર્ય થાય છે]

અપવાદ રુપે ક્યારેક આપણાથી ભૂલ થઇ જાય, ઘાંટો પડાઇ જાય, બાળક પર હાથ ઉપડી જાય તે કદાચ સમજી શકાય, પણ જો એ બધું બાળ ઉછેરમાં જરુરી છે એવી મનોવૃત્તિ હોય તો વાલી તરીકે આપણે બાળકને શું શીખવીએ છીએ?

મારા સાસુ મને હંમેશા યાદ અપાવે, પ્લીઝ તું આવેશમાં ના આવી જઇશ. શાંત થા, છોકરું છે, વગેરે શબ્દોથી એ મને શાંત કરે ત્યારે એમ થાય કે ઘરમાં સમજુ વડીલની હાજરી કેવી શીતળ છાંયા આપે.

મારામાં ધીરજ અને સમતાનો ગુણ કેળવવામાં મારા સાસુ-સસરાનો પણ એટલો જ સહકાર એમ કહેતાં મને ગર્વ થાય છે.

April 24, 2019

નાની-નાની વાતો

જિનાને ઘણાંની અમુક વર્તણુક કે અમુક વાર્તાલાપ પસંદ નથી પડતો.

જાણે એની એક બહેનપણી એને અતિશય ગમાડે છે અને જિનાને આ વાતથી તકલીફ છે. જે બહુ જ સ્વાભાવિક છે.

બહેનપણીનો આવો અતિશય આગ્રહ કે ‘જિનાએ માત્ર એની સાથે જ રમવું કારણકે એને જિના બહુ જ ગમે છે’ એ વાત સાથે જિનાનું બાળમાનસ સહમત નથી.

જિનાને બીજા લોકો પણ ગમે છે. પણ જિના એની બહેનપણીને કશું કહેતી નથી.

શરુઆતમાં જિના મને ફરિયાદ કરતી, પણ એના વતી હું બધે તો કેવી રીતે પહોંચીશ?

જિના પાસે કારણ જાણવા મળ્યું કે એની બહેનપણી દુઃખી થશે. બાળકો પોતે દુઃખી થવા તૈયાર હોય છે પણ બીજાને જલ્દી દુઃખી નથી કરી શકતા.

મેં એને ધીમે ધીમે માનસિક રીતે તૈયાર કરી. ક્યારેક વાર્તા કહીને તો ક્યારેક અમુક અનુભવો ટાંકીને.

જિના મક્કમતાથી એની બહેનપણીને વધારે દુઃખી કર્યા વગર એનું નવું સર્કલ બનાવી શકી.

પણ હજુ એની સામે આવા ઘણાં પડકાર છે.

કુટુંબમાં પણ અમુક વડીલ કે  ફ્રેન્ડસર્કલમાં મોટાઓ અમુક-તમુક આગ્રહ કરે છે જે જિનાને નથી ગમતું.

જિનાએ મને ઘણી ફરિયાદ કરી. મેં એની લડત એણે જ લડવી એવી માનસિક તાલીમ આપી.

પણ અહિં એ જ રીત જે જિનાએ એની બહેનપણી સાથે અપનાવી તે કામ નથી કરતી.

મોટાઓને માન આપવું તે એક વાત છે પણ વડીલ જ્યારે બાળકોની વાતનું માન નથી જાળવતા ત્યારે બાળક શું કરે?

જિનાએ તેવી વ્યક્તિઓથી વાત કરવાનું ટાળવા માંડ્યું છે. એણે એમ ધાર્યું કે તેઓ સમજી જશે. પણ એવું થતું નથી.

ત્યારે સવાલ એ થાય કે, શું કામ આપણે બાળકોને સાંભળી નથી શકતા? શું કામ આપણે એમને સમજી નથી શકતા?

શું કામ આપણે લાગણીના અતિરેકમાં બાળકોને આપણાથી દુર થવા મજબૂર કરીએ છીએ?

જવાબદાર કોણ? બાળકોને આપણે શું શીખવીએ છીએ? બાળકો સાથેનો આપણો વ્યવહાર નિર્દોષ હસવા-રમવાનો હોવો જોઇએ. નહિં કે આપણા આગ્રહને વશ થાય તો જ તેઓ સારા-ખોટા એવા ઢોળવાળો.

આસપાસમાં આવું બધું જોઉં ત્યારે દુઃખ થાય પણ આપણે માત્ર આપણાં બાળકોને મક્કમતાથી સાચું-ખોટું બતાવી શકીએ. બાકી એમનાં ગમા-અણગમા કે એમની લડત એમણે જાતે જ લડવી પડશે.

મને વિશ્વાસ છે કે જિના આવા અનુભવોથી સાચી દિશામાં ઘડાઇ રહી છે.

જિનાને એ વિશ્વાસ જરુર આપ્યો છે કે મમ્મી એની સાથે જ છે. જરુર પડશે ત્યારે મમ્મી વચ્ચે પડશે જ પણ ધીરજના ફળ મીઠાં.

એની લડત એ જાતે લડવા રાજી છે.

એક માતાના આશિષ.

February 10, 2018

જિના-વિરાજ

ડિસેમ્બર-૨૦૧૭. અમદાવાદ ભાઇના લગનમાં જઇ આવ્યા. દર વખતે પિહર શાંતિથી રહેવાનું વિચારીને જાઉં પણ સમયને તો પાંખો.

પલકારામાં થોડાક દિવસો ક્યાંય ભાગી જાય.

આ વખતે લગ્ન ટાણે જ પહોંચેલા. ઘરમાં ધમાલ. વિરાજ અવાજથી બહુ સંવેદનશીલ ને શરુઆતના બે દિવસ ખાસ સૂઇ ના શક્યો.

ધીમે ધીમે ઘડાયો પણ થોડું મગજથી થાકી જવાય.

હવે ખબર પડે, બધી મમ્મીઓ બહારની બધી પ્રવૃત્તિઓમાં કેમ ધીમે ધીમે મોળા પડવા માંડે?

અથવા ઘણુંખરું સ્ત્રીઓ કેમ વધુને વધુ ધાર્મિક થવા માંડે. માનસિક શાંતિની શોધમાં જ તો.

હશે, ગાડી બીજે પાટે ચઢી ગઇ.

ભાણી-ભાણીયાને મામાના લગ્નમાં ઘણી મજા પડી.

વિરાજ જરા સાજો-માંદો થયો. પણ મને બૅંગલોરની ધુળની એલર્જીથી બહુ ભારે શરદી-કફ થઇ ગયા.

અને ઘણી હેરાન થઇ.

એટલું સારું કે ઘેર બધા હોય એટલે છોકરાંઓ થોડીવારે સચવાઇ જાય.

લગ્નમાં જિના થોડો સમય છૂટી પડી ગયેલી તો જીવ અધ્ધર થઇ ગયેલો ને મેં નાસભાગ કરી.

જ્યારે હેમખેમ મળી તો જાણે ‘ભગવાન છે’ એવો અહેસાસ થયો.

 

૧) જિના પહેલી વાર મારા વગર પાંચ દિવસ ફોઇના ઘેર રહી. જો કે પિતરાઇભાઇ જોડે દિવસ રાત રમવા મળ્યું એટલે

મમ્મીની ગેરહાજરી એને ખબર ના પડી. મિલનનો જ આઇડીયા હતો ને મિલને જ એ રડે કે ના રહે તો એને સંભાળી લેશે એવી જવાબદારી

માથે લીધેલી.

 

 

૨)એનું લોજીક ક્યારેક જબરું મજાનું લાગે.

હું જુના કપડાં પહેરીને જોઇ રહેલી. સ્વાભાવિક થોડા ફીટ તો લાગે.

મેં મિલનને પૂછ્યું બહુ ફીટ લાગે છે?

જિનાઃ કપડાં તેં પહેર્યા છે તો પપ્પા કેવી રીતે બતાવી શકે? કે ફીટ છે કે નંઇ?

તું જાતે નક્કી કર.

 

૩) અમુક પહેલાંના કપડાં હવે નથી આવી રહેતાં. તો બેગ ગોઠવતાં સ્વાભાવિક મિલને કીધું

આ પણ ના પહેર્યું. કેટલા મનથી ખરીદેલું. નવું ને નવું હવે કોઇને કામ આવતું હોય તો આપી દે.

હું મોટેભાગે આપવામાં દિલદાર અને એમાંય મારે કામમાં ના આવવાનું હોય પછી બીજીવાર વિચારવાનું જ ના હોય.

આમેય મારા પરિગ્રહથી હું જ હેરાન એટલે જેટલું છોડવા યોગ્ય સહેલાયથી છોડવા પ્રયત્ન કરું જ.

પણ તોયે મિલને લાવેલું હોય એટલે એક-બે વાર વિચારું ને એમાં અમુક મહિના થઇ જાય એટલે પોતાનો બચાવ કરતાં કીધું,

મને આવી રહેશે વિચારીને રાખેલું પણ હજુ ફીટ થાય છે તો શું કરું?

જિનાઃ તો કહે વિરાજ ને, એનાં પહેલાં તો તેં મારી સાથે આ પહેરેલું, હવે એણે તારું પેટ મોટું કર્યું તો પપ્પાને શું કહેવાનું કે ફીટ છે ને બધું?

વાંક તો વિરાજનો તો કહે એને જઇને!

મારી આંખો એને તાકી રહી છે જોઇને જરા વધારે બોલાઇ ગયું કે ઉંધું બફાઇ ગયું ના હાવ-ભાવ સાથે વાત પણ બદલી દીધી, તારું પેલું ટૉપ મને બહુ ગમે.

આપણી લડવાની તાકાત?

 

૪) આજ કાલ ઓરીગામી ગમે છે. ચકલી (સુરેશદાદાએ બનાવી દીધી તે ગમી ગયેલી એટલે) મારી પાસે બનાવડાવી.

રંગબેરંગી ઓરીગામી માછલીઓનો તો ખજાનો ભર્યો છે. પોતે બનાવે ને ખબર કે વિરાજને જોઇશે જ એટલે પહેલી એને આપે

ને પછી બીજામાં રંગ પૂરે. વિરાજ રંગવાળી માંગે તો, ‘ખબર જ હતી, ધરાશે જ નંઇ’, જા બધી લઇ જા. એટલે વિરાજ ઉં..ઉં કરીને આપું કે લઉં ના હાવ-ભાવ સાથે ઉભો રહે.

આપવાનું કહીએ તો રિસાઇ જાય પણ બહેનને રડાવીને લેવાનો આનંદ પણ ના મળે એટલે હાથમાં માછલી પકડીને જિનાની બાજુમાં બેઠો રહે.

 

૫)  જે મળે તે ભારતીય એને ‘નટખટ કાનુડા’ની ઉપમા આપે. મસ્તી પણ એવી જ કરે.

અહિં મંદિરમાં હિંદુ સ્વયંસેવક સંઘ ‘બાળગોકુલમ’ ચાલે ત્યાં તો ચાર વરસથી ઉપરનાં બાળકો સાથે પણ રમે. મને ભૂલીને રમવામાં મશગૂલ.

જિનાની આગળ-પાછળ રહે. જિના દોડે તો પોતે દોડે. જિના ક્યારેક અચકાય પણ ઘણુંખરું સાથેને સાથે રાખે.

 

૬) જિનાનું બહુ ધ્યાન રાખે. સવારે એનાં બુટ, જેકેટ બધું એને સમયસર લાવી આપવામાં ઉમળકાભેર રસ લે.

૭) આ ઉંમરે છોકરાઓ ભારે ઉધમ મચાવે, ક્યારેક થાકેલા મા-બાપ અમે લડી પડીએ છીએ. બહુ કોશિશ કરીએ કે સંપ, સમજણ , સમતા

પણ દરેક વખતે ઉત્તિર્ણ થવું લગભગ અશક્ય…..

ઘણીવાર સમય, સંજોગો ઘણી અફડા-તફડી મચાવી દે.

 

૮) વિરાજ તોફાની તો છે જ, ભૂલથી ‘ફ્લાવર પૉટ ડેકોરેશનની સિલિકોન ગોળીઓ મૂઠો ભરીને ખાઇ લીધી.

અકસ્માતે એના હાથે આવી ગઇ ને મને ખ્યાલમાં નંઇ. એક-બે મિનિટે ખ્યાલ આવ્યો. ઘણીબધી એનાં મોંમા આંગળા નાંખીને કાઢી.

એમ્બ્યુલન્સ બોલાવીને ઇમરજન્સીમાં લઇ ગઇ.

હાંફળી-ફાંફળી મા સિવાય મારામાં કોઇ ઓળખાણ બચી  જ નહિં. એને જ તાકી રહેલી મારી આંખો કલાકો સુધી, જો કે એ તો રમવામાં મસ્ત હતો.

ડૉક્ટરે બે કલાક ઓબ્ઝર્વ કરીને રજા આપી. રાત્રે ઘણી ગોળીઓ પેટ સાફ કરવામાં નીકળી ત્યારે મન હાંશ થઇ.

ભગવાન છે જ. એનાં આવા તો કેટલાં પૂરાવા!

એકવાર બાથરુમમાં કમોડ સાફ કરવાનું બ્રશ જે સ્ટેન્ડ પર રાખીએ એ બાઉલનું પાણી પી ગયેલો. આખી રાત મને ચિંતા થયેલી,

ઉલટી થશે? ફુડ પોઇઝન થશે? વગેરે…વગેરે….

આવા અનુભવો પછી એક સંવેદનશીલ છોકરી વધુને વધુ બાળકોમાં ને પોતાની ફરજોમાં ગુંથાતી જાય એ હવે સમજાય.

જ્યારે એમને સંભાળતા, સમજતાં થઇએ ને એમની સાથેનાં રુટીનમાં ઓતપ્રોત થઇએ

ત્યાં સુધીમાં તો એમને પાંખો આવી જશે ને ગગનમાં ઉંચે ઉડતા જોવા આ (ત્યારે ઘરડી થઇ ગયેલી) આંખોને ટેવાવું પડશે.

December 1, 2017

એ તો એકદમ સિમ્પલ છે.

૧)

મિલનઃ કેવી રીતે કરું કે ઇન્ડીયા પૈસા જલ્દી પહોંચી જાય? વાતવાતમાં બોલ્યો.

જિનાઃ એ તો એકદમ સિમ્પલ છે.

મિલન ચમક્યોઃ અચ્છા કેવી રીતે?

વોટ્સ-ઍપ કરી દ્યો. હવે દાદાને વોટ્સઍપ સરસ ફાવે છે. તમે ફોટો લઇને મોકલો ને એ ડાઉનલોડ કરી લેશે. એમાં શું? હેં ને મમ્મી.

પપ્પા ને મન એક અતિશય અઘરો કોયડો એનાં માટે કેટલો સરળ હતો એ ગર્વ અને એ હાવભાવ. વાહ!!!!

૨)

ખરેખર આજે બહુ ખોટી ટેવો હં. ચાલ, હવે બહુ થયું પહેલાં અંગૂઠા પકડ.

જિના બેઠેલી હતી તે બેઠેલી જ રહી જરાક નરમ ચહેરા સાથે.

કડક અવાજે ફરીથી કીધું, જિના, અંગૂઠા પકડ. પછી જ બીજીવાત.

પણ મમ્મી….

પહેલાં અંગૂઠા પકડ. વધારે કડક અવાજ કર્યો.

પણ મમ્મી…..

પહેલાં અંગૂઠા પકડ. વધારે કડક અવાજ કર્યો.

પણ પપ્પા…..

મિલનઃ મમ્મીનું માનવાનું બેટા…હું વચમાં નહિં બોલું.

મને ઘાંટો નથી પાડવો બેટા….કીધું ને અંગૂઠા પકડ.

જિનાઃ તે જો તો ખરી, ક્યારના પકડીને જ તો બેઠી છું.

નહોતું હસવું તો ય હસી પડયાં.

September 21, 2017

બાળકોને સમજાવવાં અઘરાં છે? જરાક જમાના સાથે રીત બદલીએ.

જિનાની જિદ અને યુ-ટ્યુબ ગુગલની મદદ

૧) કેમેય કરીને વાળમાં કશું રાખવા જ ના દે. એનાં વાળ એટલાં લીસા કે પીન, બોરીયાં, હેર બેન્ડ બધું લસરી જાય

વાળ આંખમાં આવે ને આંખો લાલ થાય.

બહુ સમજાવી પણ ના માને. અને માને તો પણ દર બે-ત્રણ કલાકે હતું એમનું એમ.

પણ હેરાન થાય એ હીરલ નહિં.

એક દિવસ ગુગલ પર ‘રેડ આઇ, આઇ પ્રોબલેમ્સ’ સર્ચ કર્યું.

ઢગલો ઇમેજીસ નીકળી.

એને બતાવી.

આ તો એક વાત થઇ કે આંખોની કાળજી લેવી જરુરી છે એ હવે વગર કીધે જ સમજી.

પણ વાળને આગળ આવતાં રોકવા કેમ?

નાનાં- લીસા વાળની ઝડપથી થઇ શકે એવી બે-ત્રણ હેરસ્ટાઇલ યુ-ટ્યુબ પરથી શોધી.

એને બતાવી. એક અમે બંનેયે મળીને નક્કી કરી.

શાંતિ.

વાળ સરસ બાંધેલા અને આંખોને આરામ. એનાં વાળ બીજા દિવસે પણ જાણે ઓળેલા.

થેન્કસ ટુ યુ-ટ્યુબ અને ગુગલ.

 

 

૨) ખાવામાં નખરા શાળાએ ગયા પછી વધી ગયા.

પણ હેરાન થાય એ હીરલ નહિં.

ગુગલ પર ‘સ્ટારવેશન, ફુડ હંગર ઇન કીડ્સ’ સર્ચ કર્યું.

ઢગલો ઇમેજીસ.

એને બતાવી.

અંદરથી ડરી ગઇ.

મમ્મી, હું બધું ખાઇશ. અને હવે ખાય છે. એને બહુ વિચારો આવ્યા કરે છે એ ભૂખ્યાં બાળકોનાં.

મને પણ…બીજું કંશું નહિં એને બધાં માટે પ્રાર્થના કરવાનું શીખવું છું કે દરેકને પેટ ભરીને જમવાનું મળે.

થેન્કસ ટુ યુ-ટ્યુબ અને ગુગલ.

July 8, 2017

જિનાને શું થઇ ગયું?

ઘણાં દિવસથી બાળકો વિશેની નોંધ કરવી છે પણ ક્યારે સવાર પડે ને ક્યારે રાત થાય, અતિશય વ્યસ્ત.
દાદા-દાદીનો સ્નેહ અને પ્રેમ. વિરાજ અને જિના બંનેના જુદા વલણ.

શરુઆતમાં જિનાને ઘણું ગમ્યું પણ ધીમે ધીમે એ અતિશય જિદ્દી થતી ગઇ.

વિરાજ તો એટલી હદે મમ્મીઘેલો કે ના પૂછો વાત. (એની વાત વિગતે બીજા પાને)

જિના પ્રત્યે કોઇ ફરજ્ચૂક નહોતી. બધું નિયમિત ગોઠવાઇ ગયેલું પણ એ વધુ વિચિત્ર વર્તન કરતી થઇ ગયેલી.

કોઇ સમજાવટ કે વાર્તા, ખાવા-પીવા કે ફરવાની લાલચ કશું જ કામ ના કરે.

દરેક વાતે એ આડી જ ચાલે જાણે. જેમ ના કહીએ એમ વધુ વકરે.

રોજ શાળાએ જવામાં થાંથા કરે. જાણે પરાણે ઘરની બહાર જાય.

બહુ ચિંતા થતી. એની શાળામાં તપાસ કરી. શાળામાંથી તો ઉલટું બહુ વખાણ સાંભળ્યા.

એ અત્યંત વિનયી, વિવેકી અને ચપળ છે.

એની શિક્ષિકા કહે, શાળામાં જે લાગણી દબાવતી હશે ઘરમાં વ્યક્ત કરતી હશે.

ઘરમાં પણ શાંતિનું વાતાવરણ હતું.

એને વારેવારે વાતો કરીને જાણવાની કોશિશ કરું કે એ કેમ આમ વર્તે છે?

પણ એક અત્યંત હસમુખી દીકરી જાણે રોતડ, ચિડીયણ, જિદ્દી ને તોફાની બની ગઇ.

અમારો તો જીવ બળીને ખાખ થઇ જતો. એનાં દાદા-દાદીને તો એમ જ લાગવા માંડ્યું કે

એ જરાય માનતી જ નથી. બહુ ઉપરાણું લેવું પડતું મારે એનું. મારા અને મિલનનાં ઝગડા પણ વધી ગયા.

પણ એ ઉપાય થોડો જ હતો?

કોને વાત કરું? કશું સમજાતું જ નહોતું ને અમારા બાજુવાળાએ સામેથી આવીને વાત કરી.

ઘણી વાત કરી અને એની મિત્રની દિકરીનો દાખલો દીધો કે એને વિરાજને મમ્મી પાસે મૂકીને શાળાએ જવું નહિ હોય.
છેવટે બધું બાજુએ મૂકીને એને જ માત્ર સમય આપવો એમ નક્કી કર્યું. ખાસ કરીને સવારનો.

એનાં દાદાને શાળાએ મૂકવા-લેવા જવું બહુ ગમે પણ મારે ઉપરવટ હમણાં થોડા દિવસ હું જ જઇશ કરવું પડ્યું.

આખી પ્રક્રિયામાં પરિવારમાં પણ એકબીજાના વલણ અને જતું કરવાની ભાવના વગેરે ઘડાઇ.

શરુઆતમાં એનાં દાદા અત્યંત સંવેદનશીલ થઇ જતાં અને નકારાત્મક પ્રતિક્રિયા આપતાં.

‘આ છોકરી જિદ્દી છે, માનતી જ નથી વિચારી ઘાંટો પણ પાડી દેતા.’

 

હું પણ ઘડાઇ. જો કે મમ્મી એટલે કે જિનાનાં દાદીએ બહુ જ સમતા રાખી.

એમણે જ પપ્પાને સમજાવ્યું કે જ્યાં સુધી એ એનાં પપ્પા પાસે રવિવારે માથું ધોવડાવે છે ત્યાં સુધી એ નાની છે. સાવ છોકરું.

એનું કોઇ વર્તન તમે ચોંટાડશો તો એ તમારી ભૂલ છે. એ બાળક છે.

એનાં માટે અત્યારે ‘છોકરી આમ કે તેમ…..વિચારાય જ નંઇ’.

અને મિલને અને તમાતે બંનેયે તમારો ગુસ્સો કાબૂમાં રાખવો જ પડશે નહિં તો બાળક માત્ર અનુકરણ જ કરે.

મારું મન પણ જૂની ખોખલી ‘પુરુષપ્રધાન વાતો અને વિચારધારા માટે બંડ પોકારવા લાગ્યું.’

જો કે મારું વર્તન એ પહેલાં અનુકરણ કરશે વિચારી વિચારીને ઘની સમતા રાખતાં શીખી.

 

ધીમે ધીમે બધાનામાં પરિવર્તન આવ્યું. જિનાના દાદા વધુ ઉદાર મનનાં બનવા લાગ્યાં.

મિલને એમને બહુ સમજાવ્યાં કે ‘મહેરબાની કરીને હકારાત્મક વાત જ ઉચ્ચારશો’.

ભરપૂર સમય, વિરાજને બાજુએ મૂકીને બસ એને દસ દિવસ એ જ અહેસાસ કરાવ્યો કે ‘જિનાને હજુય મમ્મી એટલો જ પ્રેમ કરે છે’.

હકીકતે એને જાણે એમ લાગવા માંડેલું કે એ શાળાએ જશે પછી મમ્મી વિરાજને જ રમાડશે.

બધાં વિરાજને જ રમાડશે.

 

ઘરેથી જતાં વખતે મને વિરાજને હાથમાં લીધેલો જાણે એ જોઇ શકતી નહોતી.

એ બસ જાણે બહાના શોધ્યા કરતી કે બધાનું ધ્યાન માત્ર એના પ્રત્યે જ હોય. ઘરનાં બધાં એને એકલીને રમવામાં અને વાતો કરવામાં વધુ સમય આપવા લાગ્યાં અને વારે વારે એને બધાં ખૂબ પ્રેમ કરે છે એ અહેસાસ કરાઅવવાં લાગ્યાં.

બસ આટલું જ એને જોઇતું હતું. એ અહેસાસ થયો ને જાણે પાછી મારી ઢીંગલી પહેલાં જેવી હસતી-રમતી થઇ ગઇ.


નોંધઃ આ ત્રણેક મહિના અને જિનાનું વર્તન, મારી સામે આપણાં ત્યાં કહેવાતી નકારાત્મક વાતો,

અંધશ્રધ્ધા જાણે કે વળગાડ, નજર લાગવી, પુરુષપ્રધાન માન્યતાઓ અને ટીપ્પ્ણીઓ ઘણું પસાર થઇ ગયું. વાતમાં ખાસ કશું હતું જ નહિં.

જિનાને ભાઇ પ્રત્યે ઘણી લાગણી પણ વિરાજ સવા વરસનો થયો પછી એને આ પ્રતિક્રિયા વર્તનમાં આવી કદાચ બા-દાદાની પ્રથમવાર ઘરમાં હાજરી પણ જવાબદાર હોઇ શકે.

બાળક માટે એનાં આસપાસનાં બધાં જ જવાબદાર હોય છે.


મોટેભાગે રોજ જિના શાળાએ જાય પછી અમારે મિટીંગ કરવી પડતી. બધાં પોતાનું મન ખુલ્લું રાખીને બીજાને સાંભળતા અને સમજતાં થયાં.

 

April 16, 2017

કાલીઘેલી

Filed under: બાળ-કલ્પ્નાસૃષ્ટિ,Jina — hirals @ 12:25 pm

ઘણી વાર જિનાએ પૂછ્યું હશે, મમ્મી તારે ભાઇ અને બહેન બંને કેમ છે?

દરેક વખતે કોઇ ઉડાઉ જવાબ આપું.

આ વખતે મેં એને જ વિચારવાનું કીધું ને એ જાતે જવાબ શોધી લાવીઃ

મારે માસી અને મામા બંને હોવા જોઇએને એટલે ભગવાને તને ભાઇ અને બહેન બેઉ દીધા ઃ)

મારાથી બોલાઇ જવાયું ‘અરે હા, ભગવાન સાચે જ દિર્ઘદ્રષ્ટા છે’.

પહેલીવાર બા-દાદા સાથે છે એટલે એને ક્યારેક શું વિચારો આવતા હશે? અથવા ક્યારેક એમનું ટોકવું, લડવું એને પસંદ નંઇ પડતું હોય કે કેમ?

એ સીધું જ પૂછી લે, તમે તમારા ઘરે ક્યારે જવાના? એને ઘણીવાર સમજાવ્યું કે આ એમનું પણ ઘર છે તોય એની વાત પર એ અટકેલી છે કે

પણ એમનાં ઇન્ડિયાના ઘેર ક્યારે જવાના?

(સારું છે કે એનાં બા-દાદા એની આવી બાલિશવાત માટે મને દોષારોપણ નથી કરતાં ઃ()

આખો દિવસ જિના બા-દાદા સાથે રમ્યા જ કરે છે એ લોકો થોડીવારે થાકી જાય પણ જિના એમનો પીછો નથી છોડતી.

એક દિવસ એનાં દાદી કંઇક બોલી રહ્યા હશે. દાદા કાનમાં હેડફોન ભરાવીને મોબાઇલમાં બીઝી હતા (વોટ્સએપ ગ્રસિત ઃ)

દાદીથી બોલાઇ જવાયુંઃ આખો વખત કાનમાં ભૂંગળા નાંખીને બેઠા હોય બસ!

મેં તરત ઇશારો કર્યો કે જિના રિપિટ કરશે. જો કે એ તો ચિત્રો દોરી રહેલી.

બીજા દિવસે મિલન ફોનમાં પૂછે કે દાદા શું કરે છે?

જિનાઃ ખબર નંઇ, કાનમાં ભૂંગળા ભરાવીને બેઠા હશે.

અમદાવાદથી ફોન હતોઃ તું દાદા સાથે શું રમે? તને બા-દાદા સાથે મજા મજા હેં ને!

જિનાએ ત્યાં બધાને કીધું કીધું, મારા દાદા તો આખો વખત કાનમાં ભૂંગળા નાંખીને બેઠા હોય બસ!

જેને કોઇ ના પહોંચે એને એનું પેટ પહોંચે.

જે વાત દાદી ના કરી શક્યા પણ જિનાની વાતથી દાદાના વોટ્સએપ ગ્રસિત મનમસ્તિકમાં ઝડપી સુધારો થયો ઃ)

Next Page »

Create a free website or blog at WordPress.com.