Hiral's Blog

February 10, 2018

જિના-વિરાજ

ડિસેમ્બર-૨૦૧૭. અમદાવાદ ભાઇના લગનમાં જઇ આવ્યા. દર વખતે પિહર શાંતિથી રહેવાનું વિચારીને જાઉં પણ સમયને તો પાંખો.

પલકારામાં થોડાક દિવસો ક્યાંય ભાગી જાય.

આ વખતે લગ્ન ટાણે જ પહોંચેલા. ઘરમાં ધમાલ. વિરાજ અવાજથી બહુ સંવેદનશીલ ને શરુઆતના બે દિવસ ખાસ સૂઇ ના શક્યો.

ધીમે ધીમે ઘડાયો પણ થોડું મગજથી થાકી જવાય.

હવે ખબર પડે, બધી મમ્મીઓ બહારની બધી પ્રવૃત્તિઓમાં કેમ ધીમે ધીમે મોળા પડવા માંડે?

અથવા ઘણુંખરું સ્ત્રીઓ કેમ વધુને વધુ ધાર્મિક થવા માંડે. માનસિક શાંતિની શોધમાં જ તો.

હશે, ગાડી બીજે પાટે ચઢી ગઇ.

ભાણી-ભાણીયાને મામાના લગ્નમાં ઘણી મજા પડી.

વિરાજ જરા સાજો-માંદો થયો. પણ મને બૅંગલોરની ધુળની એલર્જીથી બહુ ભારે શરદી-કફ થઇ ગયા.

અને ઘણી હેરાન થઇ.

એટલું સારું કે ઘેર બધા હોય એટલે છોકરાંઓ થોડીવારે સચવાઇ જાય.

લગ્નમાં જિના થોડો સમય છૂટી પડી ગયેલી તો જીવ અધ્ધર થઇ ગયેલો ને મેં નાસભાગ કરી.

જ્યારે હેમખેમ મળી તો જાણે ‘ભગવાન છે’ એવો અહેસાસ થયો.

 

૧) જિના પહેલી વાર મારા વગર પાંચ દિવસ ફોઇના ઘેર રહી. જો કે પિતરાઇભાઇ જોડે દિવસ રાત રમવા મળ્યું એટલે

મમ્મીની ગેરહાજરી એને ખબર ના પડી. મિલનનો જ આઇડીયા હતો ને મિલને જ એ રડે કે ના રહે તો એને સંભાળી લેશે એવી જવાબદારી

માથે લીધેલી.

 

 

૨)એનું લોજીક ક્યારેક જબરું મજાનું લાગે.

હું જુના કપડાં પહેરીને જોઇ રહેલી. સ્વાભાવિક થોડા ફીટ તો લાગે.

મેં મિલનને પૂછ્યું બહુ ફીટ લાગે છે?

જિનાઃ કપડાં તેં પહેર્યા છે તો પપ્પા કેવી રીતે બતાવી શકે? કે ફીટ છે કે નંઇ?

તું જાતે નક્કી કર.

 

૩) અમુક પહેલાંના કપડાં હવે નથી આવી રહેતાં. તો બેગ ગોઠવતાં સ્વાભાવિક મિલને કીધું

આ પણ ના પહેર્યું. કેટલા મનથી ખરીદેલું. નવું ને નવું હવે કોઇને કામ આવતું હોય તો આપી દે.

હું મોટેભાગે આપવામાં દિલદાર અને એમાંય મારે કામમાં ના આવવાનું હોય પછી બીજીવાર વિચારવાનું જ ના હોય.

આમેય મારા પરિગ્રહથી હું જ હેરાન એટલે જેટલું છોડવા યોગ્ય સહેલાયથી છોડવા પ્રયત્ન કરું જ.

પણ તોયે મિલને લાવેલું હોય એટલે એક-બે વાર વિચારું ને એમાં અમુક મહિના થઇ જાય એટલે પોતાનો બચાવ કરતાં કીધું,

મને આવી રહેશે વિચારીને રાખેલું પણ હજુ ફીટ થાય છે તો શું કરું?

જિનાઃ તો કહે વિરાજ ને, એનાં પહેલાં તો તેં મારી સાથે આ પહેરેલું, હવે એણે તારું પેટ મોટું કર્યું તો પપ્પાને શું કહેવાનું કે ફીટ છે ને બધું?

વાંક તો વિરાજનો તો કહે એને જઇને!

મારી આંખો એને તાકી રહી છે જોઇને જરા વધારે બોલાઇ ગયું કે ઉંધું બફાઇ ગયું ના હાવ-ભાવ સાથે વાત પણ બદલી દીધી, તારું પેલું ટૉપ મને બહુ ગમે.

આપણી લડવાની તાકાત?

 

૪) આજ કાલ ઓરીગામી ગમે છે. ચકલી (સુરેશદાદાએ બનાવી દીધી તે ગમી ગયેલી એટલે) મારી પાસે બનાવડાવી.

રંગબેરંગી ઓરીગામી માછલીઓનો તો ખજાનો ભર્યો છે. પોતે બનાવે ને ખબર કે વિરાજને જોઇશે જ એટલે પહેલી એને આપે

ને પછી બીજામાં રંગ પૂરે. વિરાજ રંગવાળી માંગે તો, ‘ખબર જ હતી, ધરાશે જ નંઇ’, જા બધી લઇ જા. એટલે વિરાજ ઉં..ઉં કરીને આપું કે લઉં ના હાવ-ભાવ સાથે ઉભો રહે.

આપવાનું કહીએ તો રિસાઇ જાય પણ બહેનને રડાવીને લેવાનો આનંદ પણ ના મળે એટલે હાથમાં માછલી પકડીને જિનાની બાજુમાં બેઠો રહે.

 

૫)  જે મળે તે ભારતીય એને ‘નટખટ કાનુડા’ની ઉપમા આપે. મસ્તી પણ એવી જ કરે.

અહિં મંદિરમાં હિંદુ સ્વયંસેવક સંઘ ‘બાળગોકુલમ’ ચાલે ત્યાં તો ચાર વરસથી ઉપરનાં બાળકો સાથે પણ રમે. મને ભૂલીને રમવામાં મશગૂલ.

જિનાની આગળ-પાછળ રહે. જિના દોડે તો પોતે દોડે. જિના ક્યારેક અચકાય પણ ઘણુંખરું સાથેને સાથે રાખે.

 

૬) જિનાનું બહુ ધ્યાન રાખે. સવારે એનાં બુટ, જેકેટ બધું એને સમયસર લાવી આપવામાં ઉમળકાભેર રસ લે.

૭) આ ઉંમરે છોકરાઓ ભારે ઉધમ મચાવે, ક્યારેક થાકેલા મા-બાપ અમે લડી પડીએ છીએ. બહુ કોશિશ કરીએ કે સંપ, સમજણ , સમતા

પણ દરેક વખતે ઉત્તિર્ણ થવું લગભગ અશક્ય…..

ઘણીવાર સમય, સંજોગો ઘણી અફડા-તફડી મચાવી દે.

 

૮) વિરાજ તોફાની તો છે જ, ભૂલથી ‘ફ્લાવર પૉટ ડેકોરેશનની સિલિકોન ગોળીઓ મૂઠો ભરીને ખાઇ લીધી.

અકસ્માતે એના હાથે આવી ગઇ ને મને ખ્યાલમાં નંઇ. એક-બે મિનિટે ખ્યાલ આવ્યો. ઘણીબધી એનાં મોંમા આંગળા નાંખીને કાઢી.

એમ્બ્યુલન્સ બોલાવીને ઇમરજન્સીમાં લઇ ગઇ.

હાંફળી-ફાંફળી મા સિવાય મારામાં કોઇ ઓળખાણ બચી  જ નહિં. એને જ તાકી રહેલી મારી આંખો કલાકો સુધી, જો કે એ તો રમવામાં મસ્ત હતો.

ડૉક્ટરે બે કલાક ઓબ્ઝર્વ કરીને રજા આપી. રાત્રે ઘણી ગોળીઓ પેટ સાફ કરવામાં નીકળી ત્યારે મન હાંશ થઇ.

ભગવાન છે જ. એનાં આવા તો કેટલાં પૂરાવા!

એકવાર બાથરુમમાં કમોડ સાફ કરવાનું બ્રશ જે સ્ટેન્ડ પર રાખીએ એ બાઉલનું પાણી પી ગયેલો. આખી રાત મને ચિંતા થયેલી,

ઉલટી થશે? ફુડ પોઇઝન થશે? વગેરે…વગેરે….

આવા અનુભવો પછી એક સંવેદનશીલ છોકરી વધુને વધુ બાળકોમાં ને પોતાની ફરજોમાં ગુંથાતી જાય એ હવે સમજાય.

જ્યારે એમને સંભાળતા, સમજતાં થઇએ ને એમની સાથેનાં રુટીનમાં ઓતપ્રોત થઇએ

ત્યાં સુધીમાં તો એમને પાંખો આવી જશે ને ગગનમાં ઉંચે ઉડતા જોવા આ (ત્યારે ઘરડી થઇ ગયેલી) આંખોને ટેવાવું પડશે.

Advertisements

December 1, 2017

૨૦ મહિનાનો વિરાજ

૧) મિલન ઓફિસ જઇ રહેલો. બૂટ પહેર્યા પછી એને તરસ લાગી એટલે મને કહે ‘પાણી આપીશ?’

હું રસોડામાં ગઇ ને વિરાજ તો મારી પાછળ જ હોય.

મારા હાથમાંથી એણે પાણીનો ગ્લાસ માંગ્યો. એં…એં…ઉંચો થઇને….એં…એં

સ્વાભાવિક રીતે હું આપી દઉં કે એને તરસ લાગી છે પણ મિલનને મોડું થતું હોઇ મેં એને ના આપ્યો

‘બેટા, બે મિનિટ તને બીજા ગ્લાસમાં આપું છું.’ મેં કીધું,

તો વધારે એં એં કરીને હાથમાંથી ઝુંટવવાની કોશિશ કરી.

એ બહુ તરસ્યો છે જાણી મેં એને હાથમાં પાણી ભરેલો ગ્લાસ દીધો (ભલે બે ઘૂંટ પીતો)

મિલન જરા અકળાયો (પાણી માટે નહિં પણ સવાર સવારમાં કારપેટ પર ઢોળાશે ને ભીની થશે ને કામ વધશે એ બીકે)

મારી તો બાવાના બેઉ બગડ્યા જેવી હાલત!

પણ બીજું કંઇ બોલીએ કે વિચારીએ એ પહેલાં વિરાજે પપ્પાને પાણી દીધું પીવા માટે ઃ)

એનાં ચહેરા પર ત્યારે જે વાત્સલ્ય, પ્રેમ, ગર્વના ભાવ હતાં,

અમારી આંખો દ્વારા મન પર કાયમ માટે અંકિત થઇ ગયાં.

૨) જિનાનું સ્કૂટર, બૂટ બધું શાળાએ જવાના સમયે  તૈયાર રાખે.

૩) બોલતાં ફાવતું નથી પણ પ્રતિક્રિયા દરેક વાતની બરાબર આપે. બધું જ સમજે છે.

૪) કશું પણ ઢોળાય તો તરત પોતું કરી લે.

૫) એક વાર લોટનો ડબ્બો ઢોળી દીધો તો તરત સૂપડીને ઝાડૂ લઇ આવ્યો.

શાબાશી જ આપવાની હોય એ વાત જૂદી છે કે એણે વધારે લોટ બધે પ્રસરાવી દીધો પણ એને સફાઇની ધગશ ઘણી.

૬) ખાતાં ખાતાં ઢોળાય તો જિના હજુ આળશ કરે પણ વિરાજ તરત સાફ કરવા લાગી જાય.

૭) ફુગ્ગા અતિશય પ્રિય પણ જો ફૂટી જાય તો તરત જ કચરાટોપલીમાં નાખી આવે. રોજનાં બે-ત્રણ ક્યારેક ફૂટે.

૮) પ્રાણીઓ સાથે અતિશય પ્રેમ. રુમમાં પ્રાણીયોનો ચાર્ટ, એમનો અવાજ વારંવાર વંચાવે.

૯) એનાં રમકડામાં પ્રાણીઓનો સેટ દરરોજ એકાદ તો એની સાથે જ રાખે. ઘેંટુ, ગાય, ઘોડો, બહુ જ વહાલાં છે.

૧૦) કૂતરાં – બલાડાં રસ્તામાં ભાળે તો બધું ભૂલીને એમની પાછળ દોડે.

૧૧) ઘણીવાર શાળાએ પણ રમકડાંના પ્રાની, ટેડી કૂતરો, ફુગ્ગો સાથે જ હોય.

૧૨) રોજ ચાલતાં જ જિનાને લેવા-મૂકવા જઇએ. (નો બગી)

૧૩) પાણી સાથે કલાકો રમે. (એક વાસણમાંથી બીજામાં વગેરે અતિશય પ્રિય)

૧૪) જિના મારી સાથે ખરાબ વર્તન કરે તો તરત વચ્ચે પડીને જિનાને ધક્કો મારે

૧૫) કુદરતી કોલ્સ ઘણુંખરું સેન્સ કરી શકે છે પણ કમોડ પર બેસવું ગમતું નથી.

૧૬) મ્યુઝિકના તાલે એનું શરીર જબરું ડોલવા લાગે.

૧૭) બમ બમ બોલે ગીત ઓલ ટાઇમ ફેવરેટ.

૧૮) સંતાકૂકડી અતિશય પ્રિય રમત.

૧૯) જિના પાસે જે હોય તે જ જોઇએ. પાટી તો પાટી. પેન તો પેન, કલર તો કલર, કાગળ તો કાગળ ને કાતર તો કાતર. બિસ્કીટ તો બિસ્કીટ ને ચોકલેટ તો ચોકલેટ.

૨૦) બંને બહુ જ જિદ કરે પણ મમ્મી દુઃખી થઇ રહી છે જાણે તો તરત વળી જાય.

૨૧) પપ્પા સાથે ઘોડો ઘોડો રમવાનો ગાંડો શોખ.

૨૨) ચોપડીઓ, લેગો, બ્લોક્સ, ઢીંગલી, વાસણો, ખંજરી બધું જ રમવું બહુ જ બહુ જ ગમે. ટી.વી પણ બહુ જ પસંદ છે. (અતિશય વ્યસ્ત રાખવો પડે રમવામાં)

એ તો એકદમ સિમ્પલ છે.

૧)

મિલનઃ કેવી રીતે કરું કે ઇન્ડીયા પૈસા જલ્દી પહોંચી જાય? વાતવાતમાં બોલ્યો.

જિનાઃ એ તો એકદમ સિમ્પલ છે.

મિલન ચમક્યોઃ અચ્છા કેવી રીતે?

વોટ્સ-ઍપ કરી દ્યો. હવે દાદાને વોટ્સઍપ સરસ ફાવે છે. તમે ફોટો લઇને મોકલો ને એ ડાઉનલોડ કરી લેશે. એમાં શું? હેં ને મમ્મી.

પપ્પા ને મન એક અતિશય અઘરો કોયડો એનાં માટે કેટલો સરળ હતો એ ગર્વ અને એ હાવભાવ. વાહ!!!!

૨)

ખરેખર આજે બહુ ખોટી ટેવો હં. ચાલ, હવે બહુ થયું પહેલાં અંગૂઠા પકડ.

જિના બેઠેલી હતી તે બેઠેલી જ રહી જરાક નરમ ચહેરા સાથે.

કડક અવાજે ફરીથી કીધું, જિના, અંગૂઠા પકડ. પછી જ બીજીવાત.

પણ મમ્મી….

પહેલાં અંગૂઠા પકડ. વધારે કડક અવાજ કર્યો.

પણ મમ્મી…..

પહેલાં અંગૂઠા પકડ. વધારે કડક અવાજ કર્યો.

પણ પપ્પા…..

મિલનઃ મમ્મીનું માનવાનું બેટા…હું વચમાં નહિં બોલું.

મને ઘાંટો નથી પાડવો બેટા….કીધું ને અંગૂઠા પકડ.

જિનાઃ તે જો તો ખરી, ક્યારના પકડીને જ તો બેઠી છું.

નહોતું હસવું તો ય હસી પડયાં.

October 30, 2017

ચાંદામામાને ઘેર

રોજની જેમ આજે પણ ટબૂક અને બટૂક બારી પાસે બેસીને ચાંદામામાને જોઇ રહેલા.

બટૂકને હજુ બોલતા આવડે નંઇ. પણ પૂનમનો ગોળ મોટો ચાંદો જોઇને એનો તો હરખ નહોતો માતો.

‘એ એ’ કહીને ચાંદા સામે આંગળી ચીંધી રહેલો.

અચાનકથી ટબૂક કહે, ‘ચાલ બટૂક તને ચાંદા મામા પાસે ફરવા લઇ જઉં.’

બટૂક તો સાવ નાનું બાળ એ તો સાચું માની ગયો. ને એનાં બૂટ શોધીને લાવ્યો.

મમ્મી કહે ‘ક્યાં જવું છે મારા દીકાને?’

તો એ મમ્મીનો હાથ પકડીને બારી પાસે લઇ ગયો.

આંગળી ચીંધીને ચાંદો બતાવવા લાગ્યો. મમ્મીને તો હસવું આવ્યું પણ બટૂક તો રડવા લાગ્યો.

રાતે ક્યાં બહાર જાવું છે? ચાલો સૂઇ જાઓ.

ટબૂક કહે, હું તો મજાક કરતી’તી.

પણ લઇ ચાલને મમ્મી અમને ચાંદા પર. ત્યાંથી આપણું ઘર કેવું દેખાય?

મમ્મી કહે, ‘એનાં માટે તો વાર્તા કરવી પડે. ચાલો સૂઇ જઇએ.

હું સૂતા સૂતા કહું કે ચાંદા મામાના ઘેરથી આપણું ઘર કેવું દેખાય?’

—-

મમ્મીઃ ‘એક દિવસ તમારી જેમ જ સોનુ અને મોનુ ચાંદા પર જવાની જિદે ચડેલા.’

ટબૂકઃ પછી? તેઓ ગયા ચાંદા પર?

મમ્મીઃ ‘એટલે દૂર તો કેવી રીતે જવાય?’ બોલ જોઇએ ત્યાં બસ જાય કે રિક્ષા? ટ્રેન જાય કે વિમાન?

ટબૂક વિચારવા લાગી. ‘અમ્મ્મ્મ્મ’. વિચારીને કહે, ત્યાં તો ઉડીને જવાય એટલે વિમાન જાય?

મમ્મીઃ ‘ઉડીને જવાય એ વાત સાચી પણ ત્યાં જવા બીજું કોઇ ઉડતું જહાજ જોઇએ.

બટૂક હજુ બોલતાં નહોતો શિખ્યો પણ હાથ ઉંચો કરીને બતાવવા લાગ્યો.

ટબૂક કહે ‘હેલિકોપ્ટર?’ મમ્મી કહે ‘ના’. ચાંદા મામા તો બહુ દૂર છે. પૃથ્વીથી પણ બહાર.

વિમાન અને હેલિકોપ્ટર તો માત્ર પૃથ્વી પર જ એક જગ્યાએથી બીજે જાય.

‘ઓહ, ટબૂક કહે ‘તો?’

મમ્મીઃ ‘વિચારો વિચારો’, બીજું શું ઉડે?

બહુ વિચારીને ટબૂક કહે ‘રોકેટ’.

મમ્મીઃ ‘હા, તો સોનુ અને મોનુ એમની શેરીના કૂતરા શેરુને લઇને રોકેટ પાસે ગયા.

જઇને રોકેટને કહે અમને ચાંદા પાસે લઇ જા.

રોકેટ કહે બેસી જાઓ.

ને રોકેટ તો ઉડ્યું અવકાશમાં.

૧૦,૯,૮,૭,૬,૫,

૪,૩,૨,૧,0

અને ઉસ્સ્સ્સ્સ્સ્સ્સ.

વિમાન અને હેલિકોપ્ટર આકાશમાં ઉડે પણ રોકેટ તો આકાશથી પણ ઉંચે અવકાશમાં જાય.

ટબૂક ઃ ‘ઓહ, કેવી મજા’. બટૂક પણ તાળીઓ પાડવા લાગ્યો.

ચાંદા પર પહોંચીને સોનુ, મોનુ અને શેરુ બધા એકદમ ખુશ. ત્યાં તો જાણે તરતાં હોય ને ઉડતાં હોય એવું લાગતું.

પૃથ્વીથી એકદમ જુદું. કોઇ ઘર નંઇ, કોઇ ઝાડ નંઇ, કોઇ નદી નંઇ ને કોઇ પર્વત પણ નંઇ.

થોડીવાર પંખીની જેમ ઉડાઉડ કરીને થાક્યાં ને ભૂખ લાગી ત્યારે જુએ કે અરે અહિં તો કોઇ દેખાતું નથી.

નથી પંખી કે નથી પ્રાણી, નથી માણસ કોઇ અહિં દૂર દૂર સુધી.

સોનુ કહે મને ભૂખ લાગી છે. મોનુ કહે તો ચાલ મમ્મીને કહીએ.

અરે, ઘર ક્યાં? મમ્મી ક્યાં? રડવા જેવાં થઇ ગયાં બંને.

શેરુ ભાઉ ભાઉ કરતો આવ્યો. સોનુ ને મોનુ તો રડવા લાગ્યા.

મમ્મી, મમ્મી, પપ્પા, પપ્પા

બૂમો પાડીને થાક્યા પણ અહિંથી દૂર ઘર તો દેખાતું જ નહોતું? મમ્મી કે પપ્પા તો કેવી રીતે દેખાય?

સોનુ, મોનુ મોટેથી બૂમો પાડવા લાગ્યા, હે ભગવાન અમને મમ્મી, પપ્પા પાસે લઇ જા.

સોનુ કહે આપણે મમ્મીનું કે પપ્પાનું નથી માનતા એટલે તો ભગવાને આ સજા નંઇ કરી હોય?

મોનુ કહે મને પણ એમ જ લાગે છે.

બંને જણાં બે હાથ જોડીને કહેવા લાગ્યાં. મમ્મી-પપ્પા અમે તમારું બધું માનીશું.

સોનુ કહે, ‘ હા, અમે ડાહ્યા થઇને ભણીશું, સમયસર નાહી-ધોઇને તૈયાર થાશું.’

મોનુ કહે ‘હા, અમે જે બનાવ્યું હશે પ્રેમથી ખાશું. મમ્મી, પપ્પા તમારું બધું માનીશું’.

ફરીથી બંને રડવા લાગ્યા, મમ્મી, મમ્મી, પપ્પા, પપ્પા અમને ઘેર આવવું છે.

એટલામાં તો મમ્મી-પપ્પા દોડતાં આવ્યાં અરે, આટલાં વહેલાં ઉઠી ગયાં તમે બંને?

હા, હા, હા, બટૂક ને ટબૂક હસવા લાગ્યા.

સોનુને સપનું આવેલું પણ પછી એ બહુ ડાહી થઇ ગઇ ને મોનુને પણ બધી વાતે પ્રેમથી મદદ કરવા લાગી.

એણે મમ્મીને એનાં સપનાની વાત કરી તો મમ્મી કહે, હમણાં નંઇ પણ પછી મોટાં થઇને જાજો ચાંદા પર.

સોનુ ને મોનુ તો મમ્મીને વળગી પડ્યાં. પપ્પા કહે, હા, ચોક્કસ જાજો.

પપ્પાનો અવાજ સાંભળીને ટબૂકને બટૂક બેઉ હરખાયાં પપ્પા આવી ગયાં, પપ્પા આવી ગયાં

ને ટબૂક કહે, હા હું મોટી થઇને એસ્ટ્રોનોટ બનીશ ને ચાંદા પર જઇશ. બટૂક પણ ગેલમાં આવી ગયો.

એ એ એ એ ને બધા કહે, હા ભઇ હા, તારી બેન જાય તો તું કેમ રહી જાય? તું પણ જાજે ને બટૂક તાળીઓ પાડવા લાગ્યો.

September 21, 2017

વિરાજ

વિરાજ દોઢ વરસનો થયો (૧૯ મહિના). સમયને તો જાણે પાંખો છે.

બહુ ધમાલિયો છે. એને વાંદરો એમ વારે વારે કહેવાઇ જાય છે.

જ્યાં ને ત્યાં ચઢી જાય. પડવાની કશી ફિકર નહિં.

જ્યારે ને ત્યારે માથે ઢીંમચું બાઝેલું રહેતું. હવે જરા પોતાને સાચવી શકે છે.

૧ વરસને ૨ મહિનાનો હશે ત્યારથી ઘરમાં કે બહાર કોઇ જગ્યા બાકી નહિં જ્યાં એ ચઢ્યો ને પડ્યો ના હોય.

ઉફ્ફ્ફ્ફ.

પણ હું ખોટી પડી. એક જગ્યા બાકી હતી. બાથરુમની હિટીંગ રૉડ. એ ત્યાં ચઢ્યો ને અડધે અટકી પડ્યો તો

એં એં કરતો જોઇને જીવ અધ્ધર થઇ ગયેલો.

પણ એને નીચે ઉતાર્યો તો હસવા માંડ્યો જાણે કહેતો હોય જોયું કેવું પરાક્રમ કરી શકું છું? ને પાછો ચઢ્યો.

ભારે જીદ્દી. ધારેલું મૂકે જ નંઇ. ક્યારેક એની જિદ છોડાવતાં મારી આંખમાં પાણી આવી જાય.

જિનાનો ભારે ઘેલો.

એની વાદે કે આસપાસનું વાતાવરણ અને મારા પ્રયત્નો એને ચોપડીઓ બહુ ગમે છે.

વાઘ, સિંહ, કૂતરો વગેરે પાનાં ફેરવતા જોતો જાય ને એમનાં અવાજ કરતો જાય.

એને બધાં જ રમકડાં ગમે છે.

રમકડાં ઘણું ખરું તોડીને જ રમે. હોય એટલું જોર કરીને બધું પછાડે, મરોડે.

ઢીંગલીને તેડી તેડીને ક્યારેક ફરે. (જિનાએ આવું ક્યારેય નહોતું કર્યું)

વિરાજને બધાં ટેડી પણ બહુ ગમે છે.

એને જોતા રહેવાની જાણે મજા જ મજા.

બાળકોને સમજાવવાં અઘરાં છે? જરાક જમાના સાથે રીત બદલીએ.

જિનાની જિદ અને યુ-ટ્યુબ ગુગલની મદદ

૧) કેમેય કરીને વાળમાં કશું રાખવા જ ના દે. એનાં વાળ એટલાં લીસા કે પીન, બોરીયાં, હેર બેન્ડ બધું લસરી જાય

વાળ આંખમાં આવે ને આંખો લાલ થાય.

બહુ સમજાવી પણ ના માને. અને માને તો પણ દર બે-ત્રણ કલાકે હતું એમનું એમ.

પણ હેરાન થાય એ હીરલ નહિં.

એક દિવસ ગુગલ પર ‘રેડ આઇ, આઇ પ્રોબલેમ્સ’ સર્ચ કર્યું.

ઢગલો ઇમેજીસ નીકળી.

એને બતાવી.

આ તો એક વાત થઇ કે આંખોની કાળજી લેવી જરુરી છે એ હવે વગર કીધે જ સમજી.

પણ વાળને આગળ આવતાં રોકવા કેમ?

નાનાં- લીસા વાળની ઝડપથી થઇ શકે એવી બે-ત્રણ હેરસ્ટાઇલ યુ-ટ્યુબ પરથી શોધી.

એને બતાવી. એક અમે બંનેયે મળીને નક્કી કરી.

શાંતિ.

વાળ સરસ બાંધેલા અને આંખોને આરામ. એનાં વાળ બીજા દિવસે પણ જાણે ઓળેલા.

થેન્કસ ટુ યુ-ટ્યુબ અને ગુગલ.

 

 

૨) ખાવામાં નખરા શાળાએ ગયા પછી વધી ગયા.

પણ હેરાન થાય એ હીરલ નહિં.

ગુગલ પર ‘સ્ટારવેશન, ફુડ હંગર ઇન કીડ્સ’ સર્ચ કર્યું.

ઢગલો ઇમેજીસ.

એને બતાવી.

અંદરથી ડરી ગઇ.

મમ્મી, હું બધું ખાઇશ. અને હવે ખાય છે. એને બહુ વિચારો આવ્યા કરે છે એ ભૂખ્યાં બાળકોનાં.

મને પણ…બીજું કંશું નહિં એને બધાં માટે પ્રાર્થના કરવાનું શીખવું છું કે દરેકને પેટ ભરીને જમવાનું મળે.

થેન્કસ ટુ યુ-ટ્યુબ અને ગુગલ.

July 20, 2017

હું સાચ્ચું જ બોલું.

Filed under: Uncategorized — hirals @ 4:15 am

આજકાલ એને મમ્મી-પપ્પાથી વધારે ખબર પડે છે એવું બતાવવામાં ઘણો આનંદ આવે.

૧)

જિનાઃ તને એક વાત બતાવું? જે તને હમણાં નથી ખબર.

મમ્મીઃ એવી તે કઇ વાત છે? મને રસ પડ્યો.

જિનાઃ જ્યારે તું ટીચર બનીશ.

મમ્મીઃ ટીચર કેમ બનીશ હું?

જિનાઃ આઇ મીન, જ્યારે વિરાજ થોડો મોટો થશે અને પછી તું ટીચર બનીશ ત્યારે તને ખબર પડશે.

મમ્મીઃ અચ્છા એવું તે શું ખબર પડશે?

જિનાઃ મારો મતલબ છે કે જ્યારે તું ટીચર બનીશ અને પછી જ્યારે તારા મેરેજ થશે ત્યારે ખબર છે શું?

માંડ હસવું રોકીનેઃ ત્યારે શું થશે?

જિનાઃ ત્યારે તારી સરનેઇમ બદલાઇ જશે.

સાચ્ચે તને હમણાં ખબર નથી પણ જ્યારે તારા મેરેજ થશે ત્યારે તને ખબર પડશે મમ્મી કે તારી સરનેઇમ બદલાશે.

માંડ હસવું રોકીને હું પૂછું એ પહેલાં જ જિનાઃ હા, સાચ્ચું કહું છું, અમારા મિસ રોઝની સરનેઇમ હવે બદલાઇ ગઇ છે.

જિનાઃ તને ગમી મમ્મી મારી વાત કે મેં તને હમણાંથી જ કીધું જાણીને કે તને તો ખબર ના હોય ને!

મમ્મીઃ હા, બેટા. સારું થયું તેં મને કીધું.

 

૨)

જિનાઃ મમ્મી પણ તું કંઇક તો વિચાર?

મમ્મીઃ શું વિચારું?

(તમે એક મિનિટ માટે થોભીને વિચારી જુઓ કે પાંચ વરસનું બાળક કેટલું બધું વિચારે અને શું શું?)

જિનાઃ જ્યારે મારા બચ્ચાં થશે એમને તો કોઇ માસી તો જોઇએ?

એમને ખાલી મામા જ હશે. પછી એ લોકો માસી કોને કહેશે? એવું તો વિચાર.

(વાત ભલે મજાની છે પણ આજ કાલ કરતાં બાળકોને મામા, માસી, કાકા, ફોઇ વગેરેની અછત થવાની)

 

૩) મિલનઃ તારા ભોડામાં વાગશે.

જિનાઃ ભોડું એટલે?

મિલનઃ તને ખબર છે જિના ‘ફોરહેડ’ એટલે?

જિના બહુ વટથીઃ હા,

મિલનઃ એટલે?

જિનાઃ આપણે ચાર જણ.

મિલનઃ ચાર જણ? એણે વિચારેલું કપાળ કહેશે.

જિનાઃ રુમમાં બેઠેલા બધાની ગણતરી કરીને કહે, હું, તમે, દાદા અને બા એટલે ફોર હેડ. હેં ને બા? મેં સાચ્ચું કીધું ને!

 

૪)

જિનાઃ તને આજે મારા માટે બહુ પ્રાઉડ થશે મમ્મી, તું રડીશ તો નંઇ?

મમ્મીઃ મને તો તારા માટે પ્રાઉડ છે જ.

જિનાઃ પણ તને ફરીથી થશે કે વાહ, મારી દીકુ તો કેટલી ડાહી છે.

મમ્મીઃ હા તો બોલ, શું પરાક્રમ કર્યું મારી દીકુએ?

જિનાઃ વિરાજનું તો કંઇ વિચારવાનું? મેં એની સ્કૂલ ગોતી લીધી છે.

શ્રીરામનો ભાઇ પણ તો એક વરસનો છે અને એ કઇ સ્કૂલમાં જાય છે બધું મેં એને પૂછી લીધું વિરાજ માટે.

તને પ્રાઉડ થયું ને? હું સાચ્ચું જ બોલું.

July 8, 2017

જિનાને શું થઇ ગયું?

ઘણાં દિવસથી બાળકો વિશેની નોંધ કરવી છે પણ ક્યારે સવાર પડે ને ક્યારે રાત થાય, અતિશય વ્યસ્ત.
દાદા-દાદીનો સ્નેહ અને પ્રેમ. વિરાજ અને જિના બંનેના જુદા વલણ.

શરુઆતમાં જિનાને ઘણું ગમ્યું પણ ધીમે ધીમે એ અતિશય જિદ્દી થતી ગઇ.

વિરાજ તો એટલી હદે મમ્મીઘેલો કે ના પૂછો વાત. (એની વાત વિગતે બીજા પાને)

જિના પ્રત્યે કોઇ ફરજ્ચૂક નહોતી. બધું નિયમિત ગોઠવાઇ ગયેલું પણ એ વધુ વિચિત્ર વર્તન કરતી થઇ ગયેલી.

કોઇ સમજાવટ કે વાર્તા, ખાવા-પીવા કે ફરવાની લાલચ કશું જ કામ ના કરે.

દરેક વાતે એ આડી જ ચાલે જાણે. જેમ ના કહીએ એમ વધુ વકરે.

રોજ શાળાએ જવામાં થાંથા કરે. જાણે પરાણે ઘરની બહાર જાય.

બહુ ચિંતા થતી. એની શાળામાં તપાસ કરી. શાળામાંથી તો ઉલટું બહુ વખાણ સાંભળ્યા.

એ અત્યંત વિનયી, વિવેકી અને ચપળ છે.

એની શિક્ષિકા કહે, શાળામાં જે લાગણી દબાવતી હશે ઘરમાં વ્યક્ત કરતી હશે.

ઘરમાં પણ શાંતિનું વાતાવરણ હતું.

એને વારેવારે વાતો કરીને જાણવાની કોશિશ કરું કે એ કેમ આમ વર્તે છે?

પણ એક અત્યંત હસમુખી દીકરી જાણે રોતડ, ચિડીયણ, જિદ્દી ને તોફાની બની ગઇ.

અમારો તો જીવ બળીને ખાખ થઇ જતો. એનાં દાદા-દાદીને તો એમ જ લાગવા માંડ્યું કે

એ જરાય માનતી જ નથી. બહુ ઉપરાણું લેવું પડતું મારે એનું. મારા અને મિલનનાં ઝગડા પણ વધી ગયા.

પણ એ ઉપાય થોડો જ હતો?

કોને વાત કરું? કશું સમજાતું જ નહોતું ને અમારા બાજુવાળાએ સામેથી આવીને વાત કરી.

ઘણી વાત કરી અને એની મિત્રની દિકરીનો દાખલો દીધો કે એને વિરાજને મમ્મી પાસે મૂકીને શાળાએ જવું નહિ હોય.
છેવટે બધું બાજુએ મૂકીને એને જ માત્ર સમય આપવો એમ નક્કી કર્યું. ખાસ કરીને સવારનો.

એનાં દાદાને શાળાએ મૂકવા-લેવા જવું બહુ ગમે પણ મારે ઉપરવટ હમણાં થોડા દિવસ હું જ જઇશ કરવું પડ્યું.

આખી પ્રક્રિયામાં પરિવારમાં પણ એકબીજાના વલણ અને જતું કરવાની ભાવના વગેરે ઘડાઇ.

શરુઆતમાં એનાં દાદા અત્યંત સંવેદનશીલ થઇ જતાં અને નકારાત્મક પ્રતિક્રિયા આપતાં.

‘આ છોકરી જિદ્દી છે, માનતી જ નથી વિચારી ઘાંટો પણ પાડી દેતા.’

 

હું પણ ઘડાઇ. જો કે મમ્મી એટલે કે જિનાનાં દાદીએ બહુ જ સમતા રાખી.

એમણે જ પપ્પાને સમજાવ્યું કે જ્યાં સુધી એ એનાં પપ્પા પાસે રવિવારે માથું ધોવડાવે છે ત્યાં સુધી એ નાની છે. સાવ છોકરું.

એનું કોઇ વર્તન તમે ચોંટાડશો તો એ તમારી ભૂલ છે. એ બાળક છે.

એનાં માટે અત્યારે ‘છોકરી આમ કે તેમ…..વિચારાય જ નંઇ’.

અને મિલને અને તમાતે બંનેયે તમારો ગુસ્સો કાબૂમાં રાખવો જ પડશે નહિં તો બાળક માત્ર અનુકરણ જ કરે.

મારું મન પણ જૂની ખોખલી ‘પુરુષપ્રધાન વાતો અને વિચારધારા માટે બંડ પોકારવા લાગ્યું.’

જો કે મારું વર્તન એ પહેલાં અનુકરણ કરશે વિચારી વિચારીને ઘની સમતા રાખતાં શીખી.

 

ધીમે ધીમે બધાનામાં પરિવર્તન આવ્યું. જિનાના દાદા વધુ ઉદાર મનનાં બનવા લાગ્યાં.

મિલને એમને બહુ સમજાવ્યાં કે ‘મહેરબાની કરીને હકારાત્મક વાત જ ઉચ્ચારશો’.

ભરપૂર સમય, વિરાજને બાજુએ મૂકીને બસ એને દસ દિવસ એ જ અહેસાસ કરાવ્યો કે ‘જિનાને હજુય મમ્મી એટલો જ પ્રેમ કરે છે’.

હકીકતે એને જાણે એમ લાગવા માંડેલું કે એ શાળાએ જશે પછી મમ્મી વિરાજને જ રમાડશે.

બધાં વિરાજને જ રમાડશે.

 

ઘરેથી જતાં વખતે મને વિરાજને હાથમાં લીધેલો જાણે એ જોઇ શકતી નહોતી.

એ બસ જાણે બહાના શોધ્યા કરતી કે બધાનું ધ્યાન માત્ર એના પ્રત્યે જ હોય. ઘરનાં બધાં એને એકલીને રમવામાં અને વાતો કરવામાં વધુ સમય આપવા લાગ્યાં અને વારે વારે એને બધાં ખૂબ પ્રેમ કરે છે એ અહેસાસ કરાઅવવાં લાગ્યાં.

બસ આટલું જ એને જોઇતું હતું. એ અહેસાસ થયો ને જાણે પાછી મારી ઢીંગલી પહેલાં જેવી હસતી-રમતી થઇ ગઇ.


નોંધઃ આ ત્રણેક મહિના અને જિનાનું વર્તન, મારી સામે આપણાં ત્યાં કહેવાતી નકારાત્મક વાતો,

અંધશ્રધ્ધા જાણે કે વળગાડ, નજર લાગવી, પુરુષપ્રધાન માન્યતાઓ અને ટીપ્પ્ણીઓ ઘણું પસાર થઇ ગયું. વાતમાં ખાસ કશું હતું જ નહિં.

જિનાને ભાઇ પ્રત્યે ઘણી લાગણી પણ વિરાજ સવા વરસનો થયો પછી એને આ પ્રતિક્રિયા વર્તનમાં આવી કદાચ બા-દાદાની પ્રથમવાર ઘરમાં હાજરી પણ જવાબદાર હોઇ શકે.

બાળક માટે એનાં આસપાસનાં બધાં જ જવાબદાર હોય છે.


મોટેભાગે રોજ જિના શાળાએ જાય પછી અમારે મિટીંગ કરવી પડતી. બધાં પોતાનું મન ખુલ્લું રાખીને બીજાને સાંભળતા અને સમજતાં થયાં.

 

July 5, 2017

સાસુ-મા નો જન્મદિવસ.

Filed under: Uncategorized — hirals @ 4:06 pm

કોઇ ઋણાનું બંધ હશે તે અમારી સાસુ-વહુ વચ્ચે સારી મિત્રતા છે. એક વડીલમિત્ર તરીકે એમનો જન્મદિવસ ઉજવવાની ઇચ્છા હતી.

ગઇકાલે એમના જન્મદિવસે એમને સરપ્રાઇઝ ગેટટુગેધર પાર્ટી આપી. ખરેખર એ ગદગદ થઇ ગયા.

એમને સુંદર યાદો ભેટ સ્વરુપે આપવાનો મારો આનંદ બેવડાઇ ગયો. બધા મિત્રોનો દિલથી આભાર.

This slideshow requires JavaScript.

June 5, 2017

હું હજુય એની દુનિયા છું.

Filed under: Uncategorized — hirals @ 1:30 pm

ફોટો તાઃ ૩૧/૦૫/૨૦૧૬

ફોટોગ્રફીઃ મિલન

Next Page »

Blog at WordPress.com.