Hiral's Blog

March 4, 2011

એક સ્વતંત્ર સ્વપ્ન…

સતત ગડમથલ અને વિચારો કરી કરીને રોહિતનું માથું જાણે ફાટી રહ્યું હતું. કેટલો બધો વિશ્વાસ હતો એને પોતાની જાતમાં. પણ પપ્પાના શબ્દો વારંવાર કાને અથડાતા હતા. ‘એક ખોટો નિર્ણય તમારી જિંદગીની દિશા બદલી નાંખે છે. જોઈ લીધું પરિણામ?’

શું ખરેખર ખોટો નિર્ણય કરેલો? શું હું હવે ડૉક્ટર નંઇ બની શકું? વારંવાર મનમાં થતા આ સવાલ અને એના જવાબમાં મનમાંથી જ સંભાળતો જવાબ ‘ના’ સાંભળી સાંભળીને હવે રોહિતના કાન પણ દુ:ખી આવ્યા હતા.

વર્તમાનમાં એ એક હાસ્યાસ્પદ અને ડફોળ વ્યક્તિ હતો. ભૂતકાળમાં બધાનો લાડલો ‘નાના ડૉક્ટર સાહેબ’ હતો. અને ભવિષ્ય…..જરાક અચકાઈને પોતે જ નિરાશાજનક શબ્દો ડાયરી સામે જોઇને બોલ્યો….’ અંધકારમય’.

ઈચ્છા નહોતી છતાં ડાયરીઓના પાનાઓ ઉપર હાથ ફરી વળ્યો.

એની નજર સામે એના જન્મદિવસની ઉજવણીનો દિવસ ખડો થઇ ગયો. પાંચ વરસનો રોહિત, પણ બધા એને વ્હાલથી નાના ડૉક્ટર સાહેબ કહેતા. પ્રથમેશ અંકલે તો ગીફ્ટમાં મેડીકલની રમકડાની કીટ આપી હતી.

બસ, પછીથી પોતે હંમેશા ડૉક્ટર ડૉક્ટર જ રમતો. પપ્પાની હોસ્પિટલ જાય તો પણ એનાં બાળસહજ ડોકટરના અભિનયથી બધા એને ડૉક્ટર સાહેબ જ કહેતા. ખાસ તો જયારે એ પપ્પાને જ ઇન્જેક્શન આપવાનો  અભિનય કરતો ત્યારે હોસ્પિટલનો હાજર જે તે સ્ટાફ સામે એનો ખરેખર વટ પડી જતો. બાળક હતો પણ ક્યારે ક્યારે લોકો એને વધારે વ્હાલથી ચૂમીઓ ભરતા એ ઓળખાતા એને આવડી ગયેલું. અને એને એમાં મજા પણ આવતી. મમ્મી ઘણીવાર લઢતી કે ‘ડૉક્ટર થાય ત્યારે ડૉક્ટર ડૉક્ટર રમજે પણ અત્યારે મન ભરીને બીજી બધી ઈત્તરપ્રવૃતિમાં ભાગ લે. આવું સરસ બાળપણ પછી નથી મળવાનું. અને મહાપરાણે મમ્મીની ટક ટકની સામે નમતું જોખીને રોહિતને સ્ટેથોસ્કોપ ગળામાંથી કાઢે જ છૂટકો થતો. કદાચ આ જ કારણસર મમ્મી એને નાનપણમાં નહોતી ગમતી.

એકદિવસ તો ખીજાઈને સામે બોલેલો. ‘કેવી માં છે? બધાની મમ્મી એવું ઈચ્છે કે એનો લાડકવાયો ડૉક્ટર બને , ખુશ થાય દીકરાની ધગશ જોઇને પણ તું તો મારી ગયા ભવની દુ:શ્મન જ છે’. હજુ તો શબ્દો પુરા બહાર નહોતા નીકળ્યા, ત્યાં તો સટાક કરતો ને લાફો પડ્યો પહેલેવાર મમ્મીના હાથનો. ઉંમર લગભગ ૧૨ વરસ. ફરીથી આજે જાણે એવો જ સટાક લાફો ‘કુદરતે’ મારેલો. દુ:શ્મન શબ્દ યાદ આવ્યો ને દાદાજી યાદ આવી ગયા.

‘ક્યાંથી શીખી આવ્યો આવો ‘ગયા ભવનો દુ:શમન શબ્દ?’’ દાદાએ ભલે પ્રેમથી પાસે બેસાડીને પૂછ્યું હતું પણ બીક લાગેલી કે હવે દાદાજી પણ લઢશે. પણ ઉલટું એ પછી દાદાજીએ ઘણું પ્રેમથી સમજાવેલું કે આવું મમ્મીને ના બોલાય બેટા’. દાદાએ કહેલું ‘કોઈ આપણું દુ:શ્મન નથી હોતું. બધું આપણને ગમતું હંમેશા થોડું જ થાય છે, બોલ? તારા પેલા અંગ્રેજી માસ્તર તને નથી ગમતા, કારણકે તું ગુગલ સર્ફીગથી વધારે શબ્દભંડોળ શીખ્યો છું. તે હંમેશા તને દોઢ-ડાહ્યો કહે છે તો તું કઈ કરી શકે છે? બોલ જોઈએ?.  મમ્મી તને રમવાની ક્યાં ના પડે છે? એ તો એટલું જ કહે છે ને કે બીજી બધી રમતો રમવી પણ જરૂરી છે. ‘આપણું ક્યારેક ના ગમતી વાતમાં જ હિત સમાયેલું હોય.’. વાક્ય ગમેલું એટલે ડાયરીના પાનામાં ટપકાવી રાખેલું. અને એ મનોમન બોલ્યો. ‘સાચી વાત છે કે મારું ના ગમતું થયું પણ કદાચ એમાં જ મારું હિત હોય’ અને એક આછું સ્મિત આજે ઘણા દિવસો પછી રોહિતના ચહેરા પર રમી રહ્યું.

‘ડાયરીના પાનાઓમાં કેટલી તાકાત છે’ …મનોમન જ રોહિત બબડ્યો.

અને દાદાએ એમની પોટલીમાંથી વાતોનો ખજાનો કાઢ્યો હતો કે પોતે દસ વરસના હતા ત્યારે એમના બા ગુજરી ગયેલા. કેટલી મજુરી કરેલી આખી જિંદગી. એમની બધી વાતો કહેલી કે માં વગર અને ભણતર વગર જીવન કેટલું આકરું છે. દાદાનું દુ:ખ યાદ કરીને ફરી પાછો રોહિત દુ:ખી થઇ ગયો. પણ હવે અસહાય મહેસુસ નહોતો કરી રહ્યો. અને એણે એક ઉંડો શ્વાસ લીધો. ફરી પાછો મનોમન બબડ્યો કે ‘આજે આ બધું કેમ યાદ આવી રહ્યું છે એ તો ખબર નથી પણ દાદા માટે, મમ્મી – પપ્પા માટે પણ સ્વસ્થ તો થવું જ પડશે’. હજુ તો માનસિક સ્વસ્થ થવાની શરૂઆત જ કરી છે ત્યાં તો બીજી બાજુએથી મમ્મી-પપ્પા બંને ઉપર એકસાથે ગુસ્સો આવી રહ્યો હતો. પણ  ફરીથી દાદાજીએ અપાવેલો નિયમ યાદ આવી ગયો.

દાદાએ નિયમ અપાવેલો કે ‘માતા-પિતાનું અપમાન થાય એવું ક-વેણ ક્યારેય નંઇ બોલવાનું’ . કદાચ એ એક નિયમના કારણે જ આ બધું બનેલું. આ નિયમથી પોતે મમ્મી – પપ્પનું ખુબ માન જાળવતો થયેલો. અને પછી તો મમ્મી એને ખુબ વ્હાલી લાગવા માંડેલી. મમ્મી જાત જાતની વાર્તાઓ કરતી. મમ્મી અન્યાય સામે લડત આપવામાં અને સામાજિક ફરજો પ્રત્યે બહુ વધારે જ સંવેદનશીલ હતી અને છે. પોતે પણ અજાણતા જ મમ્મી જેવું જ વિચારતો થઇ ગયેલો. મમ્મી વેકેશનમાં કેવી કેવી પ્રવૃતિઓ કરાવતી? આજે ફરીથી એ મીઠા સંસ્મરણો માનસપાટ પર ઘોડાપૂરની જેમ ધસી આવ્યાં. ફરીથી એક વધુ મોહક અને સંતોષકારક સ્મિત રોહિતના ચહેરા પર ફરી વળ્યું. હવે તો ડાયરીના પાના ફેરવ્યા વગર જ એ મનમાં એક પછી બીજા વિચારો ગોઠવી રહ્યો. એને યાદ આવ્યું, પેલી મકાન બાંધકામ થઇ રહેલી ઈમારત નજર સામે ખડી થઈ ગઈ. માટીના ઢગલા પાસે એક નાની છોકરી એના નાના બે-ત્રણ વરસના ભાઈને શાંત રાખવાની મહેનત કરી રહી હતી. મમ્મીએ એને જઈ ને ચોકલેટ આપી અને એ બાળકી સાથે થોડી વાત કરી. બહેને તો પોતાની ચોકલેટ પણ ભાઈને આપી દીધી. ભાઈએ પણ બહેનને ખવડાવવા હાથ લંબાવ્યો અને પછી રોહિતની  સામે જોઇને હસવા માંડ્યો. ફરીથી રોહિત વર્તમાનમાં અજાણતા જ એ બાળકના ચહેરાનું હાસ્ય વિચારીને હસી પડ્યો. મમ્મીએ પેલી બાળકીને પુછ્યુ કે ભાઈ કેમ રડે છે? એને ભુખ લાગી છે? તો એ છોકરી કહે કે ‘ના માસી ….એને માં પાસે જવુ છે એને માં જોઈએ છે એટલે રડે છે … પણ માં તો કામ પર ગઈ છે. જો એની સાથે બેસે તો કામ કોણ કરશે અને પૈસા કોણ લાવશે? . ‘ નાની ઉંમરમાં જ આ બાળા કેટલી સમજુ અને ડાહ્યી થઇ ગયેલી?

જો કે આ નિર્દોષ બાળકોની દશા વિચારીને રોહિતના મનમાં એક ઘેરી ઉદાસી ફરી વળી પણ બીજી જ સેકન્ડે સ્વસ્થ થતાં મનોમન બબડ્યો કે ‘કુદરતના ફટકા કેવા કેવા હોય છે!. હું તો કેટલો નસીબદાર છું!’.

વિચારોની તંદ્રા આજે કોઈ ચોક્કસ ઉદ્દેશથી ચાલુ થયેલી અને ફરી એ અનુભવની યાદમાં સારી પડ્યો. મમ્મી અને હું એની માં પાસે ગયા ને કહ્યુ કે ‘તારો દીકરો રડે છે’. તો બિચારી ગરીબ માં કહે ‘ હશે શેઠાણી એ તો હમણાં ચુપ થૈ જાશે, અત્યારે મારે બહુ કામ છે’…. મમ્મીએ એ બેન પાસે થી ઈંટો લઈ લીધી અને કહયુ,’ જાઓ તમે તમારા બાળક ને લો અને હુ તમારી જગ્યાએ આજે ઈંટો ઉંચકુ છું. મારે કાંઈ ખાસ કામ નથી.’ પેલા બહેન તો આભારવશ થઈને જોઈ રહ્યાં અને રોહિતે પોતે પણ મમ્મીની સાથે એમની ઈંટો લઈ આખો દીવસ કામ કર્યુ… સાંજે Rs. 100 એમને એમેની મજુરીના આપ્યાં. દસમાં ધોરણનું વેકેશન બીજા બધા વેકેશન કરતા આ એક અનુભવને લઈને ઘણું જુદું પડતું હતું. એ બહેને પ્રેમથી માથે હાથ ફેરવીને આશિષ આપેલા તે યાદ આવી ગયા ને વર્તમાનમાં પણ એ સ્પર્શની અનુભૂતિથી રોહિત આનંદિત થઇ ગયો.

પણ આવો આનંદ માણવાનો આ સમય ક્યાં હતો? એની યાદ અપાવતી ફોનની ઘંટડી વાગી. રોહિતે આ રૂમમાંથી ફોન ઉપાડ્યો ને સામે છેડે એ જ સમયે પપ્પા ફોન ઉપાડીને ‘હલો’ બોલ્યા. રોહિત ફોન મુકવા જ જતો હતો ત્યાં તો પ્રથમેશ અંકલનો દુ:ખી સ્વર કાને પડ્યો. ‘સોરી, સુકેતુ, રોહિતનું પરિણામ જાણીને ઘણું દુ:ખ થયું. હું આજે જ યુ.એસ.એની કોન્ફરન્સ નું કામ પતાવીને આવ્યો ત્યારે તારી ભાભીએ વાત કરી. રોહિતને ફોન પટકીને ગુસ્સો વ્યક્ત કરવાની ઈચ્છા થઇ આવી. પણ ગઈ કાલે જ મમ્મીએ કહ્યું હતું કે ‘તારા પપ્પા તો તારા જાત મહેનતના ૮૦% ગુણથી ખુશ જ છે, પણ એમનું મિત્રવર્તુળ અને હોસ્પિટલનો સ્ટાફ એમેને માતમ મનાવવા મજબુર કરે છે. એટલે તારા પપ્પાને તારે જ હિંમત બંધાવી પડશે. તું પણ નિરાશ થઇ જઈશ તો તારી મહેનતની કદર કોણ કરશે? તને ડૉક્ટર બનાવવો એવું એ બધાનું સપનું છે.એટલે એ લોકો દુ:ખ વ્યક્ત કરે છે. ‘તું બેટા તારું સ્વતંત્ર સ્વપ્નું શોધ. તારે દુ:ખી થવાની જરૂર નથી જ. ‘ મમ્મીના શબ્દોએ જાણે મલમ લગાવ્યો અને રોહિત ગુસ્સો ગળી જઈને ફરીથી વિચારોની ગાડીમાં બેસી ગયો. 

‘હા, તો હું ક્યાં હતો? જાતે જે સવાલ કરીને મનમાં જ એ બોલી રહ્યો. ‘મારા દસમાં ધોરણના વેકેશનની પ્રવૃત્તિઓમાં અને એ મીઠા યાદગાર અનુભવ પછી પંદર જ દિવસમાં એનું  ધોરણ દસનું પરિણામ આવેલું., છાપામાં ફોટો. રાજ્યમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો ત્યારે પપ્પાએ આનંદથી કીધેલું કે બસ, દીકરા હવે જલ્દી જલ્દી ડૉક્ટર બનીને મારી હોસ્પિટલ સંભાળતો થઈ જા. હું એ દિવસની જ રાહ જોઉં છું. અને પોતે પપ્પાને વળગી પડ્યો હતો. કદાચ પોતે અત્યારે એ ‘વરસોના ડૉક્ટર બનવાના સ્વપ્નને વિફળ થતું જોઇને જે દુ:ખી છે’. કોની ઉપર ગુસ્સો કરવો? પપ્પા ઉપર કે જેઓ બારમાં ધોરણના પરિણામથી એટલા તો નારાજ છે કે એની સાથે વાત પણ નથી કરતા. કે મમ્મી ઉપર કે જેના શબ્દો ઉપર વિશ્વાસ રાખીને પોતે ટયુશન ના રખાવ્યા  અને હવે ધાર્યું પરિણામ નહીં આવવાથી પોતે સમાજમાં હાસ્યાસ્પદ બન્યો છે’. કોણ જવાબદાર છે? મારી આ પરિસ્થિતિ માટે? હું એક નામાંકિત ડોકટરનો પુત્ર છું એ મારો અપરાધ છે કે હું એક સામાજિક જાગરુક માતાનો દીકરો છું એ મારો અપરાધ છે? શું મારી મહેનત ઓછી પડી? દસમાં ધોરણની જેમ આ વખતે પણ રાજ્યમાં પ્રથમ હોત તો ફરીથી સમારંભોમાં સ્પીચ આપત. પણ એ સ્પીચ આપતો રોહિત હવે ભૂતકાળ છે. એક ઉંડો નિ : શ્વાસ

 સાથે એ મનોમન બબડ્યો.’ જોકે રોહિતની નજર સામે એની દસમાં ધોરણ વખતે એક સમારંભમાં આપેલી એની સ્પીચ નજર સામે ખડી થઇ ગઈ. એને દસમાં ધોરણનાં વેકેશનનો પેલો યાદગાર અનુભવ પણ સ્પીચમાં કહેલો અને કીધું પણ હતું કે ‘જીવનમાં સફળતા તો આશિષ’ છે. કોની દુઆઓ ક્યારે ફળે છે કોણ જાણી શક્યું છે? આપણે તો ચિઠ્ઠીના ચાકર છૈએ’. અને બધાએ તાળીઓનાં ગડગડાટથી રોહિતને વધાવી લીધેલો. લગભગ બધાનો એક જ સુર હતો કે આવું સેવાભાવી ર્હદય મળ્યું છે અને આટલો હોશિયાર છું ભણવામાં તો ડૉક્ટર જ થજે. ફરી એક વાર પોતે જાણે ડૉક્ટર બની ગયો અને ફરીથી સ્ટેથોસ્કોપ લઈને નીકળી પડ્યો હોસ્પિટલ જવા એવો જાણે રોહિતને આભાસ થયો. એટલામાં બારીમાંથી ડોકિયા કરી રહેલું કબુતર રોહિતનું ધ્યાન નથી જ જાણીને ફર્રર્ર કરતુ ઘરમાં આવ્યું અને રોહિતના શમણાની વિચારતંદ્રા ફરીથી એકવાર તૂટી. જોકે ખબર નંઇ કેમ પણ રોહિતને સ્પીચ લખવાનું મન થઇ આવ્યું અને એણે પેન હાથમાં લીધી. પોતે સાવ નિષ્ફળ તો નહોતો જ. હા, કદાચ એને એલોપેથીમાં એડમીશનની કોઈ શક્યતાઓ નહોતી પણ શું એ જ માત્ર કારણથી મારું ભવિષ્ય અંધકારમય  બનવા દઉ? મનમાં થયેલો આ સવાલ…. પણ આ વખતે  જવાબ હતો ‘…મારું ભવિષ્ય ઉજ્જવળ જ છે’. આ વિચારને આકાર આપવા જ એણે પેન હાથમાં લીધી હતી અને એણે શરૂઆત પેલી જૂની સ્પીચના છેલ્લા વાક્યથી જ કરી કે ‘જીવનમાં સફળતા તો આશિષ’ છે. કોની દુઆઓ ક્યારે ફળે છે કોણ જાણી શક્યું છે? આપણે તો ચિઠ્ઠીના ચાકર છૈએ. ‘

સૌથી પહેલા એણે મમ્મીના સામાજિક જવાબદારીઓ વિષેના ઉત્તમ વિચારો લખ્યા. ટ્યુશન રાખ્યા વગર જાતમહેનતે મેળવેલ પરિણામનું ગૌરવ વ્યક્ત કર્યું. વર્તમાન આઈ.ટી યુગમાં મેડીકલ ક્ષેત્રે  ગામડે ગામ કઈ રીતે પહોંચાડી શકાય એ વિષે મુદ્દાસર વિચારો લખ્યા.

પોતે ગુજરાત અને ભારતમાં કઈ રીતે મેડીકલ ક્ષેત્રે યોગદાન કરી શકે છે અથવા તો શું નવું કરી શકાય છે એ વિષે પોતાની સૂઝ-બુઝ અને પોતાના પ્લસ – માઈનસ પોઈન્ટ્સ લખ્યા. હોસ્પિટલ મેનેજમેન્ટ ક્ષેત્રે અને બાયોમેડીકલ ક્ષેત્રે શું નવું થઇ રહ્યું છે એ વિષે માહિતી એકત્ર કરી.

લગભગ એક-બે કલાક ઇન્ટરનેટ પર સર્ફિંગ કર્યું ત્યાં તો મમ્મીની  જમવા માટે બુમ સંભળાઈ. ફરીથી એક ઉંડો શ્વાસ લઈને એ ઉભો થયો. હવે એનાં ચહેરા પર થાક નહોતો. લગભગ એકાદ-મહિનો નિરાશાની ગર્તામાં ધકેલાયા બાદ આજે એ ચોક્કસ નિર્ણય તરફ આગળ વધી રહ્યો હતો.

કમ્પ્યુટરના ફોલ્ડરમાં ટપકાવેલા નવા વિચારોને એક ફલાઇંગ કીસ આપીને , કમ્પ્યુટર શટ ડાઉન કરીને એ રૂમની બહાર નીકળ્યો. ટેબલ પર જમતા જમતા જ એણે વાત કરી કે જમ્યા પછી એ બધાથી ચર્ચા વિચારણા કરવા માંગે છે. બધાએ નોંધ્યું પણ ખરું કે આજે રોહિતના અવાજમાં એક નવો જ આત્મવિશ્વાસ છે. જલ્દી જલ્દી જમીને બધા બેઠક રૂમમાં ગોઠવાયા.

રોહિતે સૌથી પહેલા પપ્પાને પૂછ્યું કે ‘તમે શું વિચારો છો? મારા માટે બીજી કઇ કઇ તકો ખુલ્લી છે?’ સુકેતુભાઈ ભારે ર્હદયે બોલ્યા કે ‘જો બેટા, મને તારી કાબેલિયત પર વિશ્વાસ છે પણ મેં આજ સુધીમાં તને ક્યારેય એક ડૉક્ટર સિવાય બીજા રૂપમાં વિચાર્યો જ નથી. કદાચ દિવસ-રાત હોસ્પિટલની ભાગદોડમાં મેં હોસ્પિટલ અને સફળ ડૉક્ટર હોવું એ જ એક શ્રેષ્ઠ જીવન છે તારા માટે એવું વિચારી લીધું છે એટલે મને થોડો સમય આપ કે હું કોઈ બીજી દિશાઓ તારા માટે વિચારી શકું. વારંવાર એક જ વિચાર આવે છે કે જો તેં ટ્યુશન રખાવ્યા હોત તો કદાચ ….’ અને વાક્ય પૂરું થતા પહેલા રોહિતે વચ્ચે જ સુકેતુભાઈને અટકાવ્યા કે આપણે અહીં આગળની તકો વિચારવા બેઠા છીએ. સોરી…. અને દાદાજી તરફ જોઇને ‘દાદાજી આપ, શું વિચારો છો? ‘. બેટા, મને તો આજકાલની દુનિયામાં કઇ બહુ ઝાઝી સૂઝ નથી. પણ બધા કહે છે કે કમ્પ્યુટરને લીધે ઘણું નવું નીકળ્યું છે આજકાલ. બાકી તું જે નિર્ણય લઈશ એમાં હું તો રાજી જ છું. કોઈપણ લાઈન પકડ દરેક ક્ષેત્રે મહેનત તો કરવાની જ છે. હું તો એક જ વાત સમજુ, ‘સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય. અને તું તો મારો મહેનતુ પોતરો છે.’ અને દાદાજીએ જ તરુ સામે જાણે હવે એની બૅટિંગ આવી હોય એમ નજર કરી એટલે રોહિતે દોર પકડ્યો, ‘મમ્મી, તુ શું વિચારે છે?’. જો બેટા, ડો. વિક્રમ સારાભાઇ એક કરોડપતિ પિતાનો પુત્ર હતો. એ સરળતાથી પિતાનું ઔધોગિક સામ્રાજ્ય સાંભળી શકે એટલા કાબેલ તો હતા જ. પણ પોતે વૈજ્ઞાનિક થયા પોતાની ઈચ્છાથી અને એટલે જ એ એક સફળ વૈજ્ઞાનિક થયા. એમણે એક સ્વપ્નું જોયું ‘ઘેર ઘેર ટી.વી હોવું જોઈએ’. બીલ ગેટ્સને કંઇ એના મમ્મી પપ્પાએ નહોતું કીધું કે તું ઘેર ઘેર કમ્પ્યુટર હોય એવું સ્વપ્ન જો. એવું જ ડો. સેમ પિત્રોડાનું છે. જેમની મહેનતના લીધે ભારતમાં ટેલીકોમ ક્ષેત્રે ઘણી પ્રગતિ શક્ય બની. એટલે હું તો એટલું જ કહીશ કે તારું સ્વપ્નું તું જાતે જ નક્કી કર. તું એ કરી જ શકીશ. અને બીજી વાત , સુકેતુની સામે જોઈને  એ બોલ્યા, માત્ર ડૉક્ટર જ શ્રેષ્ઠ્તાથી દર્દીઓ માટે નથી જીવતા. હું માત્ર બી.કોમ જ ભણી શકી છું અને હોસ્પિટલનું  એકાઉન્ટ સંભાળું છું, એમાં પણ સેવાભાવી વિચારોને કામે લગાડીને જ ગરીબ  અને જરુરીયાતમંદ દરદીઓ માટે ફંડ એકઠું કરવાની જાતજાતની તરકીબો અજમાવવામાં આવે છે. લોકોને ભલે  ડૉક્ટરનું કામ જ શ્રેષ્ઠ લાગતું હોય, પણ અમારો પરસેવો પણ એટલો જ ઉમદા હોય છે. એની વે… હવે રોહિતની ની સામે  જોઇને ‘અમારી જવાબદારી છે કે તું એક ઉત્તમ નાગરિક બને. સામાજિક ક્ષેત્રે વર્તમાન પ્રશ્નો અને એના ઉકેલમાં તું સક્રિય બને. અને મને લાગે છે કે તારામાં ઘણી કુશળતાઓ છે. તું તારી આવડતને અનુરૂપ યોગ્ય જ લાઈન પસંદ કરીશ અને ઘણો આગળ વધીશ જ.’

તરુબહેનની વાત પતી એટલે હવે રોહિતે બોલવું શરુ કર્યું. પોતાની સ્પીચમાં ટપકાવેલા વિચારો એણે વડીલો સમક્ષ રજુ કર્યાં. સુકેતુભાઇ તો બસ, સાંભળી જ રહ્યા. દીકરો એક પ્રોફેશનલ વ્યક્તિની જેમ આવનારા સમયની તકો વિષે વિસ્તારથી ઘણું વિચારી અને બોલી શકતો હતો એ જાણીને એમને તો સાનંદ આશ્ચર્ય થયું. શરૂઆત એ બાયોમેડીકલ ક્ષેત્રે કરશે અને સાથે સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ વગેરેમાં પણ પોતે સક્ષમ યોગદાન આપી શકે છે એવું ખાતરી પૂર્વક બોલ્યો. ટેલી-મેડિસીન ક્ષેત્રની વિસ્તરતી ક્ષિતિજો વિષે પણ હજુ એ વધારે માહિતી એકત્ર કરશે તો વધુ યોગ્ય નિર્ણય કરી શકાશે એમ જણાવીને એણે પોતાની વાત પૂરી કરી, ત્યાં તો સુકેતુભાઇ જાણે રોહિતે સમારંભમાં સ્પીચ આપી હોય એમ તાળી પાડવા માંડ્યા અને દીકરાને ભેટી પડ્યા. તરુની આંખમાં પણ હર્ષના પાણી આવી ગયા. અને દાદાજી બોલ્યા વગર રહી જાય તો દાદાજી શેના? અને એ બોલ્યા, ‘શાબાશ બેટા, તેં તો આપણી સાતે પેઢીનું નામ રોશન કરી દીધું.’, હવે રોહિત પણ મજાકના મુડમાં હતો, ‘રોશન નથી સારું લાગતું દાદુ, મારું બ્રાંડ નેઈમ રોહિત અને તમારું સુરેન્દ્ર જ યોગ્ય છે. પપ્પાનું ખબર નઈ, બાકી મમ્મી પણ એનું નામ ‘તરુ’ જ રાખશે., હજુ સુકેતુભાઈને રોહિતની વાતોની કળ નહોતી વળી, એ ‘હેં હેં કરતા રહ્યા અને બધા એમને આમ બાઘા બનેલા જોઇને હસતા રહ્યા.’

 © Hiral Shah

Advertisements

4 Comments »

 1. Nice story. Hope it will be real in our real world. 🙂

  Comment by Hiral Vyas — March 4, 2011 @ 2:20 pm | Reply

 2. Excellent !!

  Comment by Manish — March 8, 2011 @ 7:51 am | Reply

 3. માત્ર ડોક્ટર બનવાથી જ જીંદગીમાં આગળ વધાય, એવું નથી. દુનિયામાં એટલા બધા ક્ષેત્રો છે કે જેમાં તમે કારકિર્દી બનાવી શકો તથા સમાજને ઉપયોગી થઇ શકો. આ વાર્તામાં આ બોધ મળે છે. સરસ અને પ્રેરણાદાયી વાત.
  પ્રવીણ શાહ

  Comment by pravinshah47 — March 12, 2011 @ 2:00 pm | Reply

 4. બહુ જ સરસ વાર્તા. આજની પેઢી ડોક્ટર/ એન્જિનિયર થવાના તણાવ વચ્ચે જીવી રહી છે- તેમને માટે સરસ દીવાદાંડી જેવી વાત.
  મારા દીકરાના જીવનનો આવો જ પ્રસંગ યાદ આવી ગયો. એ અંગે લખવાની આના પરથી પ્રેરણા મળી.
  ———–
  છ મહિના પહેલાં નસીર ઈસ્માઈલીને ઘેર વલીભાઈની સાથે મળવા ગયો હતો; ત્યારે નસીર ભાઈએ એમની શ્રેષ્ઠ નવલકથા ‘એક ટૂટેલો દિવસ’ ભેટ આપી હતી. અદભૂત વાત અને નસીરભાઈની કલમ. એ વાર્તા પણ યાદ આવી ગઈ. એનું કથાવસ્તુ તો ગજબનાકનું , કાબિલે -દાદ છે. એ અમદાવાદમાંથી મેળવીને વાંચવાની ખાસ ભલામણ.

  Comment by સુરેશ — October 25, 2013 @ 12:26 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: