Hiral's Blog

January 27, 2017

મારા માટેની નક્કી કરેલી વ્યાખ્યા.

સફળતા એટલે…..જે તે પરિસ્થિતિ કે સંજોગોમાં પોતાને સુખી માની શકું અને ઇશ્વર પર ભરોસો રાખી શકું તો હું જીવનના જે તે તબક્કે સફળ.

(ટુંકમાં આનંદી કાગડી….મારા બાળકોએ મને મારામાં શોધી આપેલી આ ઉત્તમ ભેટ)

કુશળતા એટલે….કર્મ ફળ સ્વરુપ જીવન સાથે જોડાયેલી અંગત વ્યક્તિઓ સાથે જેટલું મનભેદ વગર રહી શકું તેટલી હું કુશળ.

પ્રયત્ન અને પુરુષાર્થ એટલે….પોતાને સફળ અને કુશળ પોતાની નજરમાં સાબિત કરવા માટે જે જહેમત દિવસ – રાત કરું તે.

મારા માટેની (મારી જાતે હાલ જેટલી સમજ ધરાવું છું તે આધારે ) નક્કી કરેલી વ્યાખ્યા :)))

January 22, 2017

એક મિનિટ માટે પણ જેને નજરથી દૂર ના કરાય એનું નામ: બાળ-વિરાજ

૧૧ મહિનાનો વિરાજ.

 • એક જ મિનિટ નજરચૂક અને ઘણીવાર પલંગ પરથી પટકાયો છે.
 • દાદરા ચઢવામાં પણ એમ જ આંચકો આપેલો.
 • ૯.૫ મહિનાનો હતો ને સોફા પર મિલને પોતાની પાસે બેસાડેલો. મિલને વિચાર્યું વિરાજ ઉંધો ફરીને બારી સામે જુવે છે ને વિરાજ સોફા પર ચઢી ગયો.
 • ગઇકાલે મિલને એને સૂવાડવા સમયે બારીમાં ચશ્મા રાખેલાં. એણે જોયેલાં. પણ ભરઉંઘમાં મિલન પાસેથી છટકી શકાયેલું નંઇ. થોડીવારે ઉઠ્યો, એનો અવાજ સાંભળીને એની પાસે ગઇ. સફાળો જાગ્યો ને બારી સામે એણે જોયું, હું કંઇ વિચારું એ પહેલાં એણે ઉઠીને ચશ્મા લીધા. મેં મિલનને મોટા અવાજે કીધું ને એ ચમક્યો ને અડધો ઉંઘમાં પથારીમાં ગબડ્યો ને ચશ્માની દાંડી તૂટી ગઇ.
 • બે દિવસ પહેલાં સોફાની બાજુમાં એક નાની ખુરશીમાં એને હાથમાં જામફળનો કટકો આપીને બેસાડેલો. એક મિનિટ માટે રસોડામાં ગઇ ને આવીને જોયું તો એ ખુરશી પર ઊભો થઇને ખુરશીના હાથા પર પગ ટેકવીને સોફા પર ચઢી ગયેલો.
 • એક દિવસ રમવાનાં બોક્સના ટેકે સોફા પર ચઢીને છેક બારી પાસે ચઢીને બેઠેલો. (વાંદરો જ કે’વાઇ જાય)
 • એક મિનિટ માટે નજર હટેલી કે બેઉ ભાઇ-બહેન રમે છે. ને આવીને જોયું તો ક્યાંય જડે નંઇ. ધબકારા ચૂકી જવાશે એવી ફિલીંગ થઇ કારણકે વિરાજ કંઇક ને કંઇક મોંમા નાંખી દે. શાંતિથી બાથરુમમાં કમોડમાં ઉંચે થઇને પાણી હલાવવાની કોશિશમાં લાગેલો.
 • એક મિનિટ નજરચૂક થાય ને એ કંઇક ને કંઇક કોઇ ખૂણામાંથી ગોતીને મોંમા નાંખી દે. ઘણીવાર જીવ અધ્ધર થઇ ગયો છે ને હજુય એ જ હાલ છે.
 • વિરાજની ઉંઘ બહુ જ કાચી છે. બાજુના ઘરમાં પણ વેક્યુમ ક્લીનર ચાલે તો ઉઠી જાય.
 • આમેય પાવર નેપ જ લે છે.
 • મને રુમથી બહાર ગયેલી ઉંઘમાં પણ સૂઘી જાય છે. એ સૂઇ જાયે ત્યારે ઘણુંખરું એ જ રુમમાં રહીને પુસ્તક વાંચું છું કે ધ્યાન કરું છું.
 • કમ્પ્યુટર વગેરે એની હાજરીમાં જાણે અશક્ય છે. એનો કેબલ પ્રેમ તરત બધું કામ ઠપ્પ કરી દે.
 • આકાર, રંગ, કદ વગેરેની સમજ જાણે બરાબર છે. ગઇકાલે જિનાને કાકડીનો એક મોટો ટુકડો દીધો. વિરાજને બીજા ટુકડામાંથી ચાર પતલી ચીરી કરીને પ્લેટમાં દીધી. પણ એને જિનાના હાથમાં હતું તેવું જ જોઇતું હતું. જ્યારે બીજો એક સરખો કાકડીનો ટુકડો દીધો ત્યારે જિનાની બાજુમાં બેસીને જાતે જ ખાધો.
 • મહિનાથી ઝટપટ દાદરા ચઢે છે અને બે દિવસથી જાતે સાચવીને ઉતરે પણ છે.
 • પલંગ પરથી અનેક વાર પટકાઇને ત્રણ દિવસથી જાતે સાચવીને ઉતરતાં શીખી ગયો છે.
 • એ વખતની એની પ્રસન્ન મુખમુદ્રા આંખોમાં જડાઇ ગઇ.
 • જાતે જ ખાવું બહુ જ ગમે છે. એ વાતે બહુ મોટું સુખ છે. ત્રણ મહિના બહુ કામ રહ્યું સફાઇનું. પણ હવે એ વાતે ઘણો આરામ છે. જો કે પ્રવાહી વસ્તુ માટેની ચેલેન્જ તો બાકી જ છે.

January 20, 2017

નાનકડી વારતા.

Filed under: બાળ ઉછેર,મનની વાત — hirals @ 3:32 pm

એક વાણીયા થી લક્ષ્મીજી રિંસાઇ ગયા. જતી વખતે બોલ્યા, હું જઇ રહી છું અને મારી જગ્યાએ તોટો (નુકશાન) આવી રહ્યો છે. તૈયાર થઇ જાવ. પણ જતાં પહેલાં તને અંતિમ ભેટ આપવા માંગું છું. જે ઇચ્છા હોય તે માંગ.
વાણીયો બહું સમજદાર હતો. તેણે વિનંતી કરી, તોટો આવે તો ભલે આવે પણ તેને કહેજો કે, મારા પરિવાર માં આપસી પ્રેમ જળવાઇ રહે. બસ આ જ મારી ઇચ્છા છે.
લક્ષ્મીજી એ તથાસ્તુ કહ્યું.
થોડા દિવસો પછી :-
વાણીયા ની સૌથી નાની વહુ ખિચડી બનાવી રહી હતી. એણે મીઠુ વિગેરે નાખી, બીજા અન્ય કામમાં લાગી ગઇ. ત્યાં બીજા છોકરા ની વહુ આવી, અને એણે વગર ચાખ્યે મીઠુ નાખી ને ચાલી ગઇ. આમ ત્રીજી, ચોથી વહુઓ એ મીઠુ નાખ્યું અને ચાલ્યા ગયા. એમની સાસુ એ પણ એમ જ કર્યું.
સાંજે સૌથી પહેલાં વાણીયો આવ્યો. પહેલો કોળીયો મોઢા માં નાખ્યો, સમજી ગયો. મીઠુ વધારે છે. એ સમજી ગયો. તોટો (હાનિ) આવી ગયો છે. ચૂપચાપ ખિચડી ખાધી અને ચાલ્યો ગયો. એના પછી મોટો છોકરો આવ્યો. પહેલો કોળિયો લિધો, પૂછ્યું, પિતાજી એ ખાધું ? કાંઇ બોલ્યા ?
બધા એ ઉત્તર આપ્યો, હા ખાઇ લિધું, કાંઇ બોલ્યા નથી.
હવે છોકરા એ વિચાર કર્યો કે પિતાજી કાંઇ બોલ્યા નથી તો હું પણ ચૂપચાપ ખાઇ લઉં.
આ પ્રકારે ઘર ના અન્ય સભ્યો એક એક કરીને આવ્યા. પહેલાં વાળા પૂછે અને ચૂપચાપ ખાવાનું ખાઇ ચાલતાં થયા.
રાત્રે તોટો (હાનિ) હાથ જોડીને વાણીયા ને કહેવા લાગ્યો, *”હું જઇ રહ્યો છું.”*
વાણીયાએ પૂછ્યું કેમ ?
ત્યારે તોટો (હાનિ) કહે છે, *” આપ લોકો આટલું મીઠુ ખાઇ ગયા, પણ બિલકુલ ઝગડો નથી થયો.”*

નિચોડ :-
*ઝગડો, કમજોરી, તોટો નુકશાન ની ઓળખ છે.*
*જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મી નો વાસ છે.*
*સદા પ્યાર-પ્રેમ વહેંચતાં રહો. નાના-મોટા ની કદર કરો.*
*જે મોટા છે તે મોટા જ રહેશે, ચાહે તમારી કમાણી થી એની કમાણી વધારે હોય !*
*જરૂરી નથી કે, જે પોતાનું કાંઇ નથી કરતો તે બીજા નું કાંઇ નહિ કરે !*
*તમારા પરિવાર માં એવા લોકો પણ છે જેને પરિવાર ઉંચો લાવવા પોતાની બધી ખુશીઓ દાવ પર લગાવી દિધી હતી, પણ ગેરસમજ માં બધા પોત-પોતાનું અલગ-અલગ કરી બેઠા છો ! વિચાર જરૂર કરો.*
*જ્યાં પ્રેમ છે ત્યાં વિકાસ છે, લક્ષ્મી છે.*


સદભાગ્યે નાનપણમાં આવી અનેક વારતાઓ વાંચવા અને એથી વધુ સાંભળવા મળી છે.

ચાર પાંચ દિવસ પહેલાં અચાનક આ વારતા વોટ્સએપ પર વાંચતા જ મન મહોરી ઉઠ્યું.

ઇવિદ્યાલય પર આવી જુની – જાણીતી અને લોકમાનીતી, આપણા સંસ્કાર અને મૂલ્યોનો અમર વારસા જેવી વારતાઓનો ખજાનો ખુલશે એવી ઘણી આશા હતી અને છે.

વધુથી વધુ વડીલો આવો અમૂલ્ય વારસો અહિં એકઠો કરવામાં મદદરુપ થશે એવી આશા સાથે.

પ્રણામ,

January 3, 2017

સાડાચાર વરસની જિના વિશે મારાં અનુભવો.

ગઇકાલે રાતે અચાનક જિના ‘રખે કદી તું ઉછીના લેતો પારકા તેજ ને છાયા’ ગાવા લાગી.

નવજાત બાળકી જિનાએ આ પ્રાર્થના મારા મુખે ઘણીવાર સાંભળેલી.

એ આરતી, સ્તુતિઓ, પ્રાર્થના, ઘણાં ફિલ્મી ગીતો સુંદર રીતે મારી સાથે ઘણીવાર લલકારે છે…..

એમાં આવતાં શબ્દોના અર્થ પૂછે છે અને બસ પૂછ્યા જ કરે છે.

૧૭-૧૧-૨૦૧૬ના રોજ અચાનક જિનાને ગુજરાતી મુળાક્ષર લખતાં શીખવાની તાલાવેલી લાગી.

એણે એકજ વાર જોઇને લગભગ ૨૦ જેટલાં મુળાક્ષર ખુબ સુંદર રીતે અને કૉપી કર્યાં.

મેં એને હાથ કે આંગળી પકડીને ક્યારેય નથી લખતાં શીખવ્યું. અને છતાંય એને સુંદર રીતે અંગ્રેજી અને ગુજરાતી (ઘણાંખરા મુળાક્ષર)

મરોડદાર લખતાં ફાવવા લાગ્યું?

નવ-દસ મહિનાની જિનાને હંમેશા જાતે ખાવા દીધું એટલે?

નવ-દસ મહિના જિનાને પીંછી ચલાવવાની ઇચ્છા હોય તો રંગકામ કરવા દીધું પેન હોય કે ચોક એને રંગવા દીધું એટલે કે?,

૧૫-૧૮ મહિનાની જિનાને કાતરકામ કે મારી સાથે લોટ બાંધવાની ઇચ્છા હોય એને કરવા દીધું એટલે કે?

મેં એને ક્યારેય રોકી-ટોકી નહિં એટલે કે?

કદાચ એટલે જ. એ આપોઆપ લખતાં શીખી રહી છે.

એની ધગશને લીધે દરેક તહેવારોમાં કંઇક નવું ઘરને શણગારવાની ઘણી મજા પડે છે.

ક્રિસમસ ડેકોરેશનમાં એ જાતજાતની ડિઝાઇન સુંદર રીતે કાપી.

ઓરીગામી પ્રત્યે એને ઘણો લગાવ છે. કાગળ સુંદર રીતે ફોલ્ડ કરીને ચોક્કસ આકારો આપી શકે છે.

—-

ગણતરી જાણે એને ઇશ્વરની અનેરી ભેટ છે.

—–

પિયાનો બહુ જ ગમે છે. સંગીત પ્રત્યે લગાવ પણ મેડિટેશનનો પ્રકાર જ છે ને!

—-

રસોડામાં મારી સાથે વાતો કરવાનાં લીધે એને ઘણી આરોગ્ય સંબંધી વસ્તુઓ અને એનાં ફાયદા-નુકશાન સબંધી પણ ઘણી ખબર પડે છે.

એ જ્યારે વાતો કરે ત્યારે ખ્યાલ આવે કે કેટલી ઝીણવટથી એ બધું અવલોકન-પ્રશ્નોત્તરી અને જાણકારી મેળવે છે.

—-

યોગ, પ્રાણાયામ વગેરે કોપી કરવું, કેવી કસરત કયા દુખાવામાં કામ લાગી શકે વગેરે પણ એનો શોખનો વિષય છે.

—-

સ્વીમીંગ પણ ઘણું ગમે છે. એક વરસથી બંધ કર્યું છે અને વારેવારે ચાલુ કરવાની જિદ કરે છે. આ ટર્મથી શક્ય બની શકશે એવું લાગે છે.

—-

બાળકોને બાળવાર્તાની સાથે સાથે કુટુંબના સભ્યોની બાળપણની વાતો અને દરેકની ખાસયિતો અને

પ્રેરણાદાયી પ્રસંગો અદ્ભુત ગમે છે અને ઘણું શીખવે છે.

દુનિયાને બદલી નાંખનાર મહાનુભાવો વિશે શીખશે ત્યારે શીખશે પરંતુ પાંચ વરસ સુધીમાં

ઘરનાં સભ્યો વિશેની વાતોમાંથી ઘણું ગ્રહણ કરે છે.

—-

ઘરકામ, સાફસફાઇ બધામાં યથાશક્તિ રસ લે છે.

—-

સ્ટેજ ફીયર બિલકુલ નથી ઉલ્ટું સ્ટેજ પર પર્ફોર્મ કરવું ઘણું ગમે છે.

—-

બધા સાથે સહેલાઇથી ભળી શકે છે. બહુ જ માયાળુ છે. વાતો બનાવીને વ્હાલા થતાં પણ આવડે છે.

—-

મારા મતે,

બાળકના હાથમાંથી દુધનો પ્યાલો ઢોળાઇ જાય ત્યારે તમે શું અને કેવી રીતે પ્રત્યાઘાત આપો છો

એવાં અગણિત બનાવો જે એ પાંચ વરસની ઉંમર સુધી અનુભવે છે એનો સીધો સંબંધ તમારા

બાળકના વ્યક્તિત્વ વિકાસ સાથે છે.

ચાઇલ્ડ પ્રોડીગી તરીકે એનાં પ્રત્યે ધ્યાન આપવું કે એ દિશામાં પ્રયત્નો કરવા?

કે એની પોતાની ઝડપ જ યોગ્ય છે?

બાળમાનસ પર અને લાંબા ગાળે એની શું અસરો હોઇ શકે?

ચાઇલ્ડ પ્રોડીગી તરીકે ઝડપભેર ઘણું શીખીને વાહ વાહ મેળવીને ભવિષ્યમાં કેવા પડકારો હોઇ શકે?

એ વિશેનાં કેસસ્ટડી વિશે જાણકારી ક્યાંથી મળી શકે?

સવાલો ઘણાં છે.

મારાં માટે સવાલો ઘણાં છે.

December 29, 2016

આળસુ માતા અને એની અણઆવડત.

મથાળું જોઇને તમને ય રસ પડ્યો. કેમ? જાતપરીક્ષણ કરશો એમ તો કેમ કે’વાય? પણ આજકાલની માતાઓ છે જ આળસુ અને બિનઆવડતી……માતાઓની વ્યથા તો કોને ગમે? માતાઓ વિશે ગુણગાન તો જ્યારે પોતાની જનેતાનો સ્નેહ અને વ્હાલ યાદ આવે ત્યારે જ એનાં ગુણગાન યાદ આવે અને

પોતાની માતા પુરતો સ્નેહનો અતિરેક પ્રગટે બાકી નાનાં બાળકોને સાચવતી પછી એ પૂરો દિવસ બીજે જોબ કરતી હોય કે પૂરો સમય ઘરે રહેતી હોય, દરેકને માતાનાં નિર્ણાયક બનવામાં

ખરે જ બહુ મજા આવે. મને પોતાને પણ.

 

રોજ રોજ બટુકના દાંત આવવાની પીડાને પહોંચી વળવા એનો સતત ચોકીપહેરો કે એ કશું જોખમી મોંમા મૂકી ના દે.

ઘર ચોખ્ખું ચણાક રાખવું પડે. ગમે તેટલી કાળજી રાખીએ કયા ખૂણામાંથી એને શું જડી જાય કંઇ કહેવાય નંઇ.

આંતરે દિવસે અધ્ધર જીવ થઇ જાય. ઉંઘ તો પૂરી નથી જ થઇ રહી પણ બીજી ઘણી રીતે અતિશય થાકી જવાય.

આજકાલ પ્રોત્સાહનનાં ઇંન્જેક્શન ખૂટી પડેલા એટલે

ક્યારેક ટબૂકને લડ પડે તો ક્યારેક એના પપ્પાને. ટબૂકને કહેવાઇ જાય તો બહુ વાંધો નંઇ પણ પતિદેવને આપણો જ વાંક દેખાય.

જે એક કાકી ઘરકામમાં મદદ માટે મળેલા તે ભારત પાછા ફર્યા પછી મારી કફોડી દશા.

અને જો ફરિયાદ કરીએ તો એક માતાને એનાં બાળકો સિવાય કોઇ સમજી શક્યું છે? એવું ભાન સૉરી જ્ઞાન મને બે-ત્રણ દિવસના તુ-તુ મેં-મેં પછી થયું.

એમાં ભોગ બાળકોનો લેવાય. એક બાળક માટે દુનિયાનું સૌથી ભયાનક દ્રષ્ય એટલે એનાં માતા-પિતા વચ્ચેની બોલચાલ.

સ્વીકારી લેવાનું કે ‘હા હું એક આળસુ માતા છું.’ એટલે નિર્ણાયક ખુશ અને બાળકો પ્રત્યે આપણી અનુકંપા.

 

જો મારી ટબૂકને કોઇ કામમાં સાંકળું તો પણ મને મારી પોતાની જનેતા, મારા ભાઇ-બહેન ‘હું કેવી માતા છું?’ ટિખ્ખળના રુપમાં બતાવે કે ‘હું એક આળસુ માતા છું’.

એટલે બાળમાનસ સંબંધી દલીલ કર્યા સિવાય નિર્ણાયકની વાત ટિખ્ખળ સ્વરુપે સ્વીકારી લેવામાં શાણપણ. બીજા સંબંધીઓથી કે જેઓ આપણને ખાસ જાણતા નથી પાસેથી શું અપેક્ષા રાખી શકાય? એમની વાતો પણ ‘હાથીનો પગ પકડીને હાથી થાંભલા જેવો કહે છે એમ કેમ કે’વાય? નિર્ણાયકની વાત સ્વીકારી લેવાની કે ‘હું એક આળસુ માતા છું’.

આ દુનિયામાં દરેક એ વ્યક્તિ જે પોતાની ફરજ નીભાવવા તનતોડ મહેનત કરે છે એને સૌથી વધુ નિર્ણાયક મળે છે કે જેઓ એ પરિસ્થિતિમાં હાલ હોતા જ નથી

પણ નિર્ણય કરવામાં અવ્વલ એમ તો કેમ કહેવાય? સ્વીકારી લેવાનું કે ‘હા હું એક આળસુ માતા છું., હા, હું અમુક વાતોએ બેપરવાહ માતા છું કે અણઆવડતથી ભરેલી છું’.

કડવો ઘૂંટ સમજીને પી જઇએ તો કોઇને અણસાર ના આવે પણ આપણને સ્ત્રીઓને એક અભિષાપ. સતત આંતરયાત્રા કરવામાં ચૂકી જઇને જો બહારથી ખુશી શોધવામાં

‘કોઇનો અણગમો ક્યાં કાઢીએ એની અણઆવડત’. વાતનું વતેસર સૉરી દ્રોપદીના કિસ્સાને સંબોધીને કહું તો ‘મહાભારત’ માટે આપણે સ્ત્રીઓ જ જવાબદાર.

એવું આંતરજ્ઞાન સાથે રાખીએ તો જાણે કૃષ્ણની ગીતાવાણી સમજાય અહિં તો ‘દુનિયાની પહેલી સ્ત્રી છીએ? કે દુનિયાની પ્રથમ માતા છીએ?’

 

દેકારો તો નહિં પણ ફરિયાદનો સૂર કાઢવાનો હક પણ એક માતાને નથી હોતો. નિર્ણાયકો અત્ર-તત્ર બધે જ હાજ્રર હોય.

બટૂકને હાથમાં સ્ટ્રોબેરી કે કેળું આપી રાખું તો જ્યાં અડે ત્યાં ગંદુ થાય એટલે પણ ‘હું આળસુ માતા’. સફાઇમાં મારું જ કામ વધારું છું એવી અણઆવડત વાળી માતા.

દૂરની દ્રષ્ટિ રાખું છું કે ‘જલ્દી ખાતો થાય, જાતે ખાતો થાય….એ વાહ વાહ તો બે વરસ પછી મળે.’ હમણાં તો નિર્ણાયકોનો તાત્કાલિક નિર્ણય સ્વીકાર્ય કરવામાં જ શાણપણ.

 

બટૂક-ટબૂકને લઇને ભારત દેશ ગયેલી, આડોશ-પાડોશ, સગા-સંબંધી અમુક અપવાદને બાદ કરતાં દરેક જણ એને ચીઢવે, સૉરી મજાક કરીને રમાડે.

‘તારો ભઇલો લઇ જઉં?’ જ્યાં સુધી ચાર વરસની ટબૂક રડે નંઇ, એનો પીછો છોડે નંઇ. આપણે ટબૂકને વાળીએ તો આપણે જ એટલે કે આજકાલની માતાઓ જ બાળકને

પોમલા બનાવે છે એવું સંભળાવે સૉરી એવી વાતો બીજી માતાઓના સંદર્ભમાં નિર્ણાયક બનીને આપણને શીખવે અને જો ટબૂકને એની રીતે લડત આપવા દઇએ જો કે ‘બાળમાનસ શીખે છે કે

કોઇને રડાવીને કે’વાનું હું તો મજાક કરતી હતી’….હા, ટબૂક આવું શીખી છે આપણાં કહેવાતા લોકો પાસેથી પણ જ્યારે એ આવી ટીખળ કરે તો જવાબદાર કોણ?

‘હું એટલે કે માતા’. નિર્ણાયકો માત્ર ટબૂકનું વર્તન જુએ. એમની પાસેથી શીખીને એમને ચોપડાવે છે એવું જ્ઞાન હોત તો એક માતાના નિર્ણાયક બનત?

પણ, આ તો ભારતદેશ. જ્યાં ‘વડીલો હંમેશા પૂજ્ય અને સો ટકા સાચા. અનુભવોનું ભાથું એટલે આપણો એક માતાનો નિર્ણાયક સહજ બની જાય. ભલેને પૂરા ૨૪ કલાક પણ બાળસંભાળ

એમના વખતમાં ના કરી હોય. એમની બીજી અને ત્રીજી પેઢી જોતા હોય એટલે અનુભવી જ હોય. અને આપણે ‘આળસુ અને અણઆવડતી’.

અમુક – તમુક સંબંધીઓના ઘરે સાવ નાનાં બાળકને લઇને નહિં જઇ શકાયું એટલે પણ નિર્ણાયકો આપણાંથી નારાજ થઇને આપણને શિક્ષિત કરવા પ્રયાસ કરે.

બીજી આપણાંથી વધુ સારી માતાઓ સાથે આપણી સરખામણી કરે. આપણને નીચાજોવા પણું કરે. અને આપણે સ્વીકારી લેવાનું, ‘હા, હું એક આળસુ માતા છું અને બધા વડીલોને

મારાં બાળકોને રમાડવાનો લ્હાવો નથી આપી શકી એ વાતે આવડત વગરની પણ છું’. ફરિયાદનો સૂર પતિદેવને બહુ અકળાવે એટલે આપણને નિર્ણાયકો તરફથી મળેલાં લેબલ સ્વીકારીને

હસતું મોઢું રાખવામાં જ શાણપણ. આમેય સ્ત્રીએ તો જાતે જ ખુશ થવું પડે. કશું ના જડે તો કલાક અરીસા સામે ઊભા રહેવું. પણ આજ કાલ તો પોતાનો ચહેરો અરીસામાં જોવાનોય

સમય નથી મળતો એમ તો કે’મ કે’વાય?

 

એમાંય હવે તો વોટ્સએપ ને ફેઇસબુક ને કેટલી બધી સવલતો. અમુક વડીલોનો આગ્રહ ‘બટુક અને ટબૂકના વિડીયો રોજ જોવાનો’. કુટુંબના દરેક સભ્ય માટે આપણે આ સવલતનો

પુરો ઉપયોગ કરીએ. દાદા-દાદી વગેરે માટે તો આ બધી સગવડ દૂર રહ્યે આશિર્વાદ જ છે. પરંતુ પતિદેવના અમુક સ્નેહીઓના સ્નેહનો અતિરેક બહુ ભારે પડે.

ક્યારેક એ વાતને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો તો એમનો બહુ પ્રેમાળ રિપ્લાય મળે. આપણે ખુશ થઇએ ને સંજોગોવસાત રિપ્લાય નો રિપ્લ્યાલ કરવાનો ભૂલી જઇએ તો

પતિદેવ તરફથી આપણી ફરિયાદ મળે. હવે એવી ફરિયાદો સામે ફરિયાદ તો કરાય નહિં. એમાંય વડીલો તરફથી સાબિતી મળે ને સ્વીકારી લેવાનું કે આપણે જ ‘આળસુ અને આપણી જ

અણઆવડત’. એમને નવરા બેઠા લોકોનાં ઘર ભાંગવા છે એવું તો કેમ કે’વાય?

 

 

આવી બધી વાતો ઘુંટતી ઘુંટતી હું પોતાને શાંત કરવા મથું. પણ જ્યાં ચિત્તને જ પ્રસન્નતા નંઇ? કશી વાતની સ્વીકૃતિ ક્યાંથી સંભવ બને?

અને એક માતા ખુશ નથી તો એનું આખું ઘર વેરવિખેર. માતા ખુશ કેમ નથી અથવા કેમ આટલી બધી દુઃખી છે ? એમ વિચારીને માતાને સહાયરુપ થતાં આપણાં

સમાજને આવડતું હોત તો બિલાડીનાં ટોપની જેમ ‘પારણાંઘર’ ફૂટી નીકળત? એ બધાં મારી જેવી આળસુ માતાઓને કારણે જ બિઝનેસ જમાવે છે.

કારણકે એ રુઢિઓ કે જેમાં એક માતાને આરામ હતો એને પોતાને જ બેડીઓ લાગતી ને એણે જાતે જ તોડી નાંખી.

તમેય વાંચતા હશો તો એ જ વિચારશો કે હા, અમારા વખતમાં તો આમ ને તેમ…

પણ અત્યારની પરિસ્થિતિમાં કઇ રીતે સાચું ઘડતર પુરુષોને આ સમયે પુરું પાડવું એ તમને પણ નહિં સૂઝે તો

પતિદેવોની નજીકના લોકોને તો મોહના પાટા હોય જ એ સ્વીકારીને માફી આપવાની.

આવી પરિસ્થિતિમાં ‘પત્નીને ખાલી શાંતિથી સાંભળી લેવી’ બસ આટલું જ એને જોઇતું હોય છે.

પણ જે પુરુષને ‘ફરિયાદ કરતાં જ નથી આવડતું એને સ્ત્રીની ધડમાથા વગરની એમની દ્રષ્ટિએ’ ફરિયાદ બહુ આક્રોશ ઉત્ત્પન્ન કરનારી બને.

 

 

ખેર જાતને શિક્ષિત કરી. પતિદેવ એટલે કે ‘મોટું થયેલું બાળક’ એક માતાને નહિં સમજી શકે એવા કરુણાભાવ સાથે એ્મનાં આક્રોશને

‘સિંહની દહાડ નહિં ને બાળકનું રડવું સમજીને માફ કરવાની’

હિંમત એક્ઠી કરી એટલે મોટું બાળક પણ કુણું પડ્યું. પોતાની મર્યાદાઓ અને એક માતાની તકલીફો જરાક સમજાઇ.

જો કે પતિદેવને પણ કામનું અતિશય ભારણ રહે એ સમજી શકાય એવી વાત છે એટલે એ કરુણાભાવે ઘણી ગુંચ ઉકેલી શકી.

મનને મનાવીને ‘આળસુ માતાનું’ લેબલ સ્વીકારીને બહાર જમવા ગઇ. ને બટુકે ખુરશીમાંથી અચાનક ઊભા થઇને કૂદકો મારીને આંગળીઓ દઝાડી.

ખાધું-ના ખાધું ને બટુકને શાંત રાખવામાં, એને રમાડવામાં બધો સમય આપ્યો ને તરત ટબૂકને લેવા શાળાએ.

 

ઘેર આવીને અકળાયેલો બટુક અહિં તહિં દોડે. એને નીચા નમી નમીને ઉંચકવામાં કમર તૂટે એમ તો કેમ કે’વાય? પગ દુઃખે એમ તો કેમ કે’વાય?

હજુ તાજું તાજું જ ‘આળસુ માતા’ તરીકેનું બિરુદ સ્વીકાર્યું છે એ ભૂલીને બીજી ભૂલો કરવાનો હક એક માતાને નથી એ વાત સમયસર યાદ આવી તે સારું થયું.

ટબૂકની પાછળ ઘેલો થઇને ઉંઘ ભરેલી આંખોએ પણ બ્ટૂક દોડે. પડી જાય, રડે પણ થાકે નંઇ. આપણને થકવી નાંખે એમ તો કેમ કે’વાય?

એ તો ફરિયાદ થઇ કે’વાય. હજુ તો શરુઆત છે. પાછો સ્ત્રી તરીકેનો અભિષામ તરાપ મારે. ભુતકાળના અનુભવો નજર સામે.

ટબૂક વખતે પડેલી મુશ્કેલીઓ , એ વખતની તુ-તુ-મેં-મેં, રિસામણા, મનામણાં અને બધું યાદ કરીને સ્વીકારી લીધું.

આ જગતમાં એક માતાની મમતાનાં, એની કાળજીનાં, એની બાળઉછેરની રીતભાતનાં એની અણઆવડતનાં નિર્ણાયકો બધે જ મળી રહેશે.

 

આધ્યાત્મિક દ્રષ્ટિએ ફરીથી આંતરજગત પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ શરુ કરી. આ માટે પણ નેટમિત્રોનો સહકાર મળ્યો. એમનો ખુબ ખુબ આભાર. અને ટેકનોલોજીનો સદઉપયોગ કે બાબા રામદેવ અમારે ઘેર પધાર્યા ઇન્ટરનેટના માધ્યમથી. પતિદેવે જે એમનાંથી શક્ય સાથ આપે જ છે. મારાં પ્રાણાયામનાં સમય માટે મને સહકાર આપવાની

તૈયારી બતાવી. એટલે અડધી દુનિયા જીતી લીધી.

જગતને તો નથી બદલી શકવાનાં પણ એમનાં નિર્ણયોને હસતા મોંઢે સ્વીકારવાની તાકાત તો મળી જ જાય. અને એ મળી.

પરમ સખીઓ પાસેથી આપણાં દાદી મા વગેરે ઘંટીએ અનાજ દળવાથી લઇને, કૂવેથી પાણી ભરવું અને છાણાં લીપવાં ને નદીએ કપડાં ધોવા. બધાં કામો ફરજ સમજીને કરતાં જ હતાં.

એટલે એ બધી વાતોની સાપેક્ષે પણ નિર્ણાયકોનો નિર્ણય મારા માટે સ્વીકારવો સહજ બન્યો. ‘હા, હું આળસુ માતા છું, અણઆવડતથી ભરેલી છું’.

અત્યારે પણ જાતને ખુશ કરવા રસોડામાં વાસણો સાફ કરવાનું મૂકીને આ લખી રહી છું. કારણકે મારા બાળકોને માટે હું એમને રમાડતી, હસાવતી એમની કાળજી કરતી એક ખુશ માતા છું.

અને મને જાતને ખુશ કરવાનો પૂરો હક છે ભલે એનાં માટે હું અમુક તમુક કામમાં સંજોગોવસાત આળસ કરું.

ટબૂકની શાળામાં દિવાળી વિશેનું પ્રેઝન્ટેશન બનાવવાનું કામ પતિદેવને ડેલીગેટ કરી દીધું. સારા મેનેજર કામને ડેલીગેટ કરવામાં કુશળ હોવા જોઇએ.

આ વાત એક માતા માટે નિર્ણાયકોની દ્રષ્ટિએ ‘આળસુ માતા’ કહેવાય એ સ્વીકાર્ય કરું છું.

 

 

પણ પતિદેવને ડેલીગેટ કરેલું કામ એટલે કે ટબૂક માટેનો પહેલવહેલો નિબંધ ટબૂકના પપ્પા તૈયાર કરી શકશે કે કેમ?

કરશે તો ક્યારે કરશે? નિબંધ બોલવાના આગલા દિવસે? કેવો હશે એ નિબંધ? બાળમાનસની દ્રષ્ટિએ કસાયેલો કે પ્રેઝન્ટેશન બનાવવામાં વરસોથી જેમને અનુભવ છે એવો ધમાકેદાર?

એ તો સમય જ બતાવશે. હાલ પૂરતી મારી અણઆવડત અને આળસુના લેબલને સ્વીકારીને હું સુખી છું એ ઓછી સફળતા છે?

December 20, 2016

નિર્દોષ સત્ય

(૧)

જિનાઃ ‘મમ્મી મારા ક્લાસમાં ડેનિયલની મમ્મી હૅરડ્રેસર છે બોલ.’

મમ્મીઃ ‘વાહ, ઘણું સરસ. તને ખબર છે તારી મમ્મી શું છે?’

જિના (વિચારીને) ઃ ‘મમ્મી’

મમ્મીઃ તને ખબર છે કે તારા પપ્પા શું છે?

જિના (વિચારીને) ઃ વર્કર ….આખો વખત બસ વર્ક વર્ક એટલે વર્કર કહેવાય હેંને મમ્મી?

હાહાહાહા….

(ઘણુંખરું મિલન એમ જ બોલે,  પ્લીઝ લેટ મી વર્ક…પછી રમીએ…..)

(૨)

જિનાઃ મમ્મી ત્રણ જણાંની બર્થડૅ મે મહિના માં છે.

મમ્મીઃ વાહ, કોની કોની?

જિનાઃ મારી, તારી ને અમારી કુકરની.

હેં? કુકર?

જિનાઃ સેન્ડીની, આઇ મીન જે અમારી સ્કૂલમાં કૂક કરે છે રોજ રોજ… કૂક …કૂક…

હાહાહાહા….

(૩)

વહેલી સવારે આજે પ્રવાસમાં જવા સ્કૂલે ઉત્સાહપૂર્વક જતાં રસ્તામાં,

જિનાઃ ‘જુઓ પપ્પા, ચાંદામામા પણ આપણી સાથે સાથે ચાલે છે.’

પપ્પાઃ ‘તો એ પણ તારી સાથે પ્રવાસમાં આવશે?’

જિનાઃ ‘ના’

પપ્પાઃ ‘કેમ?’

જિનાઃ ‘ચાંદામામા મારી સ્કૂલમાં નથી ભણતા’.

હાહાહાહા….

December 12, 2016

તને મમ્મી મમ્મી થાય.

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તું ઊભો થવા જાય,

ધડામ દઇને પડી જાય ને

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને દાંતમાં ખણ થાય,

પીડા એવી કે જે મલે તે મોંમા

પછી મમ્મીને ચિંતા થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને કૂદવાનું મન થાય,

કૂદતા હજુ ફાવે નંઇ ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને રમવાનું મન થાય,

એકલા રમવું ગમે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને ભૂખ લાગી જાય.

બોલતાં હજુ આવડે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

હાલરડાં સાંભળી સૂતો કેવો સોહાય,

ઉંઘમાં સૂ સૂ ્છી છી,

તારી ઉંઘ ઉડી જાય ને,

તને મમ્મી મમ્મી થાય.

 

જરાક મમ્મી આઘી થાય ને

તને માની ગેરહાજરી વર્તાય,

બોલાવતાં હજુ આવડે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

 

બહાર ફરવું ગમે તને ને

ઝટપટ તૈયાર થાય,

જેકેટની ગરમી ગમે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

 

રસોઇ કરીએ જ્યારે,

તારો વાસણપ્રેમ ઉભરાય,

કુકરની સીટી વાગે જ્યાં,

તને મમ્મી મમ્મી થાય.

 

માલીશ બહુ ગમે તને,

તું ખિલખિલ ખિલખિલ થાય,

બાથસીટનું બંધન ગમે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દીદી દીદી જોઇને એને,

તું ઘેલો ઘેલો થાય,

દીદી જો એની મસ્તીમાં રમે તો

તને મમ્મી મમ્મી થાય.

 

ઓફિસેથી આવે પપ્પા

તું ફેરફુદડી ખાય,

ચક્કર જેવું લાગે ને,

તને મમ્મી મમ્મી થાય.

 

ઓફિસેથી આવે પપ્પા

તું ઘોડો ઘોડો થાય.

હાલક ડોલક તું નાનું બાળ,

તને મમ્મી મમ્મી થાય.

 

ફોન આવે મમ્મીનો જો

એ વાત કરવા જાય.

તને પણ વાત કરવી હોય ને

તને મમ્મી મમ્મી થાય.

 

સંતાકુકડીની ગમે બહુ

મમ્મીને ગોતવા જાય,

જો તરત તને દેખાઉં નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

સૌની સાથે ભળે ખરો

તું ખિલખિલ ખિલખિલ થાય

મમ્મી જેવું વ્હાલ જડે નંઇ ને,

તને મમ્મી મમ્મી થાય.

 

કમ્પ્યુટર પર કામ કરું

તું ટેબલ નીચે ભરાઇ જાય,

પગ પકડે મારા,

તને મમ્મી મમ્મી થાય.

 

ચોપડી લઇને બેસું વાંચવા

તને ચિત્રો ગમતાં જાય ને

શું લખ્યું છે એ સમજવા,

તને મમ્મી મમ્મી થાય.

 

કપડાં સૂકવે પપ્પા તારા

તને કેડમાં લઇ ગાય,

તને સૂકવવા આપે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

December 9, 2016

Inline image 1

from one email:

Practice watching your breath whenever….
You are free 
OR 
Under emotional/ physical stress.
The purpose of anything prayer, SK, Vipasyana is ….
to quieten the chatter of mind.
Kriya IS NOT important,that state of peace and joy is important/ useful……..TO LIVE
Thanks Suresh Uncle. 

મમ્મી સાથિયો ‘કેમ’ કરવાનો?

આ વખતે દિવાળી અમે ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવેલી.

અને આપણી સંસ્કુતિ, રીતભાત અને સંસ્કારની દ્રષ્ટિએ ઘણું હોમવર્ક કરવું પડે છે  એ ધીમે ધીમે સમજાય છે.

ત્યારે બાળકને સમજાય તેમ ટબૂકને સમજાવેલું.

સ્વસ્તિક એ શુભ અને લાભનું પ્રતિક છે. દરેક સારા કામની શરુઆતમાં આપણે સ્વસ્તિકને દોરીને ઘરના આંગણાંમાં શુભ અને લાભને આવકારીએ છીએ.

ત્યારે સવાલોતો અગણિત હતાં જ.

જેમ કે શુભ, લાભ એટલે શું? કોને આવકારવા?

મારું હોમવર્ક ત્યારે અધૂરું રહી ગયેલું. તે આજે અનાયાસે જ પૂરું થયું.

“સ્વસ્તિ ન: ઇન્દ્ર વ્રુધ્ધ્શ્ર્વા: ન: પૂષા: વિશ્વવેદા:!
સ્વસ્તિ નસ્તાક્ષ્ર્ય્રો અરિષ્ટ્નેમિ: સ્વસ્તિ નો બ્રુહસ્પતિર્દધાતુ !!”
અર્થાત્.. …“હે મહાન કીર્તિવાળા ઇન્દ્ર, અમારું કલ્યાણ કરો. વિશ્વના જ્ઞાનસ્વરૂપ દેવ, અમારું કલ્યાણ સાધો. જેમનું હથિયાર અમોઘ છે એવા ગરૂડ ભગવાન અમારું મંગલ કરો.”
સારા અવસરે ઘણી વાર અનેક વિઘ્નો નડતા હોય છે. એવી આપણી માન્યતા હોય છે. તેથી એને નિવારવા માટે.. કોઇ પણ કાર્ય નિર્વિઘ્ને પૂરૂ કરવાની મંગલ ભાવના સાથે સ્વસ્તિકનું પ્રતીક સંકળાયેલું છે. સ્વસ્તિક શબ્દ સુ+અસ્- ધાતુમાંથી બનેલો છે. સુ એટલે સારું, કલ્યાણમય, મંગલ અને અસ-એટ્લે સત્તા, અસ્તિત્વ. આમ સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને તેનું પ્રતીક એટલે આપણો સાથિયો કે સ્વસ્તિક.

–નીલમ દોશી

November 21, 2016

અવનવા પ્રયોગો.

Filed under: બાળઉછેરની બારાખડી — hirals @ 2:13 pm

આજે રાતે બટૂક જરા સરખું સૂતો. જો કે એ પાંચ વાગે તો ઉઠી જ જાય. એની ભેગી હું ય ઉઠી જાઉં.

પતિદેવને આજે બહુ વહેલા નીકળવાનું હતું. એટલે મેં તો રાતથી મનમાં બધી તૈયારીઓ કરી લીધેલી.

નાસ્તામાં બ્રેડ,બટર, ચીઝ, જામ એટલે સહેલું ને સટ. બીજી ઘણી આજની અને કાલની ખોરાકની તૈયારી વિશે મનમાં બધું વિચારી લીધેલું.

સવારનું તાપમાન ૧ ડીગ્રી જોઇને અમારા ત્રણેયનાં કોટ, ટોપી, સ્કાર્ફ, મોજાં બધી તૈયારીઓ કરીને હું સૂઇ ગયેલી.

પણ બટૂક અને ટબૂકની મમ્મી ઓફીસયલી પેપર પર હોવાના નાતે હું પતિદેવ પણ મોટો થયેલ બાળક જ છે એ ભૂલી જ ગઇ.

સવાર સવારમાં બધી ધમાલની વચ્ચે….’હીરલ, મારો બેલ્ટ જો જે ને જરા.’

આદતવશ બોલાઇ જવાયું, ‘હા જોઉં’ ને જોવા ગઇ પણ યાદ આવ્યું મેં તો બધી તૈયારી કરી છે હવે આ છેલ્લી ઘડીએ મારે કેમ શોધવું?

એટલે બાળકને ફોસલાવીએ એમ પ્રેમથી પૂછ્યું, ‘આ ઠીક નથી, સવારે વહેલા જવાનું હોય તો રાતથી બધી તૈયારી કરવાની ને?’

ને અમારા મોટા બાળકને ઓફિસના અને ટ્રેન પકડવાના ટેન્શનમાં હું જ મળી.

‘એક જરા બેલ્ટ માટે શું કહી દીધું? મારી જ ભૂલ થઇ, હવે તને તો મોકો મળી ગયો…..’

 

 

પણ ચાર વરસની મમ્મી તરીકે મારામાં થોડી તો બાળકના આવેગને ઝીલવાની તાકાત આવી ગયેલી. ‘આ બરાબર છે? આમ કે’વાનું મમ્મીને?, ખબર છે ને આપણે જે બોલીએ કોપી થશે.’

એટલે મામલો તુરંત થાળે પડી ગયો. આભાર બટૂક અને ટબૂકનો. હમ-તુમ બેઉ કેવા એકમેકને સાંભળતા ને  સમજતાં થઇ ગયા.

જેમતેમ પતિદેવે બેલ્ટ શોધ્યો ને થોડીવારે પર્સ શોધવાનું મિશન!

પણ એમને ચેલેન્જ બહુ ગમે એટલે આ વખતે મને કીધા વગર જ શોધવા માંડ્યું. મેં પણ બાળક પોતાની રીતે તૈયાર થતું હોય તો એને થવા દેવું. એમ જ ઘડાય! વિચાર્યું.

બીજા કામમાં જીવ પરોવ્યું. પતિદેવ વિચારે ઘણું, કહે પણ કે ‘સવારે હું મદદ કરીશ ને કરીશ જ.’ પણ પોતાની તૈયારી કરી રાખે તોય ઘણું? એમ તો કેમ કે’વાય?

એટલે હા, જો તેં આજે મને બોલાવ્યા વગર જ જાતે શોધી લીધી પોતાની વસ્તુઓ તો મને કેટલી સરળતા થઇ ગઇ એમ બોલીને ‘પ્રોત્સાહન’ જ આપવાનું.

મનોમન ‘જાણીતા હાસ્યલેખિકા કલ્પના દેસાઇનું વાક્ય – પ્રોત્સાહનનાં બે શબ્દોથી શાંતિ રહેતી હોય તો એમાં ખોટું ય શું છે? સમય અને મન બેઉ બગાડવા કરતાં તો સારું જ ને! ’ યાદ કર્યા. ફરીથી મેં પોતાને મનમાં ને મનમાં જ શાબાશી આપી.

ટબૂકનો નાસ્તો ને દૂધ બધું તૈયાર.

જો કે પતિદેવે ચ્હા ઉભરાઇ ના જાય એનું ધ્યાન રાખ્યું ને ચ્હા ગાળી પણ લીધી.

સવારના સાત વાગ્યે એ તો મારાં પ્રોત્સાહનનાં શબ્દો સાથે કામ પર ને હું?……..

બાળઉછેરનું અઘરું કામ – મારું પ્રોત્સાહન એટલે મારાં કિલકિલાટ ને ખિલખિલાટ ટબૂક ને બટૂક.  ભાવતું ભોજન બાળકો બહુ હોંશે હોંશે આરોગે એ પણ એક અલગ પ્રકારનો અવોર્ડ.

 

 

સવારનાં સાડા સાત અને તોય કશો રઘવાટ નહોતો. બરાબર જોયું સૂરજદાદા એની રોજની જગ્યાએ જ દેખાયા.

ખુશખુશાલ હું બટૂકને, ટબૂકને અને મને ત્રણેયનો ચ્હા, નાસ્તો, અને એ બંનેનું ન્હાવા-ધોવાનું પતાવીને હું ત્રણેયનાં ગરમ કપડાં વગેરે પહેરાવવાની તૈયારીમાં પડી.

પતિદેવને જરા ચ્હા બહુ જ ઉતાવળે પીવી પડેલી પણ એ મોટું બાળક, ક્યાં સુધી એની આળ-પંપાળ કરવી? એટલે આંખ-આડા કાન કર્યા.

દિવસની શરુઆત તો ઘણી સરસ થયેલી. પણ એ જ મારી એક નાનકડી ભૂલ…..

ટબૂકે જે રુમમાં સવાર સવારમાં રંગબેરંગી બ્લોકસનું ટાવર બનાવેલું….હરખઘેલી હું ઉતાવળે તૈયાર થવાના મોહમાં બટૂકને એ જ રુમમાં નીચે રાખ્યો.

રંગબેરંગી બ્લોક્સ એને થયું ‘લાલ ખાઉં કે પીળો?’, ‘વાદળી ખાઉં કે લીલો?’ ને ધબાક……

મારું આવી બન્યું…….ઉફ્ફ્ફ્ફ્ફ…

ટબૂકનો ભેંકડો કેમેય શાંત જ ના થાય….

જો બેટા, રડ નંઇ….

એં…એં…..

ને બટૂક તો એની મસ્તીમાં ‘લાલ ખાઉં કે પીળો?’, ‘વાદળી ખાઉં કે લીલો?’

ટબૂકે જોરથી એના હાથમાંથી ઝંટ્વ્યો ને હવે બટૂકનું એં…એં….

આજે તો જો કે બરાબર તૈયારી કરેલી અને તોય શાળાએ જવાનાં એક કલાક પહેલાં જ આ રામાયણ? ઉફ્ફ્ફ….આ તો મહાભારત……ખબર નંઇ.

પણ એ જ તો મજા છે.

‘હર ઘડી બદલ રહી હૈ રુપ જિંદગી. ……….’

વૈજ્ઞાનિક નહિં હોવા છતાં અને પ્રયોગશાળામાં નહિં જવા છતાં જાત-જાતનાં ને ભાત-ભાતનાં પ્રયોગો શરુ.

પણ ટબૂક કેમેય શાંત જ ના થાય.

જરાક માની જાય. શાંત થાય ને! એનું દુઃખી ર્હદય કકળી ઉઠે. પણ એણે કેમ મારો ટાવર તોડ્યો?

ઉં…..ઉં…..એં….એં…..

બાળકોને શાંત કરવાના મારા મને બે જ સહેલા અને ઉત્તમ રસ્તા છે.

૧) બાળવાર્તા

૨) એમનું ધ્યાન જે તે સંવેદનશીલ વાત પરથી બીજે લઇ જવું.

ચાર વરસના માતૃત્ત્વના કોર્ષમાં સૉરી પ્રયોગશાળામાં આ બે તારણ ઘણુંખરું વાતાવરણ તરત હળવું કરી દે.

જો કે જીવનમાં પણ આમ જ કરવા જેવું છે. ખરું ને!

જો કે આજે ઘણીબધી વાર અને બહુ કુશળતાપૂર્વક ટબૂકનું ધ્યાન બીજે દોરવું પડ્યું.

ટબૂકના એં…એં….ને ઉં….ઉં ના પગલે બટૂક પણ એં…એં….ને ઉં….ઉં…..

મને શાળાના સમયની ચિંતા પણ સાથે સાથે કરવાની! ઓફિસમાં કોઇના હાથ નીચે જ થોડી ડૅડલાઇન અને ટારગેટ લાઇન હોય?

અડધો કલાકમાં બધા પ્રયોગોનો કાર્યક્રમ પતાવી, બીજા અડધો કલાકમાં તૈયાર થઇને બરાબર સાડા આઠે ઘરની બહાર.

આહા! ૧ ડીગ્રી તાપમાનમાં મનને ત્યારે જે શીતળતા મળી. કુદરત પણ મારી તરફેણમાં છે વિચારી પાછી ખુશ.

 

 

સવા નવ વાગે ઘેર પાછા આવીને એજ દીનચર્યા.

ઘરકામ, બટૂકની સાર-સંભાળ. જો કે બટૂકનો દાંત આવવાનું અને ચાલવાનું એક સાથે થઇ રહ્યું હોઇ મારી તબિયત પર અસર થવા લાગેલી. પણ બાળકો એમની સાર-સંભાળની વ્યવસસ્થા કરીને જ આવતાં હશે?

એક પ્રોઢ કાકી મને આ દેશમાં જડી ગયાં જે બે કલાક ઘરે આવવા તૈયાર. એમને પણ દેશમાં મોકલવા થોડી કમાણી અને અમને પણ મજા.  મારો એક-શ્વાસે બધા મોરચે મંડાવવાની દીનચર્યામાં રાહતનો શ્વાસ ભળ્યો એ માટે પતિદેવનો અને જગતના નાથનો આભાર.

બટૂક રડવાનાં અને દાંત આવવાના લીધે ઘણો થાકેલો. તે પેલા કાકી આવતાં પહેલાં જ સૂઇ ગયો. કાકી તો ઘરકામમાં કલાકના હિસાબે કામ કરીને ગયાં. મને એમ કે બટૂક ભેળી હું ય જરા આંખ મીંચીશ તો રાહત થશે. પણ એટલામાં બટૂક ઉઠ્યો.

ખબર નંઇ પણ માંડ અડધો – પોણો કલાક સૂવે ને પાછો ફૂલ ચાર્જ હોય. બે-ત્રણ-ચાર કલાક લગીને નોન-સ્ટોપ ચાલવાના મહાવરામાં લાગે.

સતત બે પ્રેમાળ હાથ અને વાત્સલ્યભરી બે આંખો એને જોઇએ. એટલે કે હું!

મને ખરેખર જરા આરામ જોઇતો હતો. બટૂક થોડું સૂવે તો સારું પણ હવે માલીશ કે એને નવરાવવાનાં કોઇ હોશ મારાં થાકેલા મનમાં નહોતા.  સવાર સવારમાં બટૂકને ટબૂકનું એં…એં….ને ઉં….ઉં કેટલું થકવી નાંખે એ તો બાળકો સાથે આખો દિવસ રહેનાર જ સમજી શકે.

ઓફિસમાં આવી અણધારી કોઇપણ મુસીબતના સામના માટે ‘ખાસ અવોર્ડ’ હોય. મોટા પ્રમોશનો પણ હોય. ખરેખર વૈજ્ઞાનિક હોય એમને તો પ્રતિષ્ઠા પણ મળે. અહિં તો જરા આંખ મીંચાવાનું સુખ મળે એટલી જ મારી ઇચ્છા હતી.

બહુ મહેનતે જેવી અમારા બેઉની આંખ બંધ થઇને બારણે ડીંગ – ડૉંગ.! પાછી હાંફળી-ફાંફળી હું બટૂક ઉઠે નહિં એની ચિંતા સાથે બારણું ખોલ્યું.

એમેઝોનથી ઑર્ડર કરેલાં ‘બેબી-ડાયપરની બેગ’.

સગવડતા માટે ઇન્ટરનેટ અને ઓનલાઇન શૉપિંગ છે એ બધી વાતો પોકળ,

બટૂકનાં ડાયપર ઘરઆઅંગણે જોઇને હમણાં સુધી ખુશી થતી એની જગ્યાએ આજે ખરેખર રડવું આવ્યું. બે ઘડી આંખ મીંચવાનું સુખ પણ છીનવાઇ ગયું.

રુકેંગે નહિં….ઝૂકેંગે નહિં……મા તરીકેનો આવો મુશ્કેલ પડાવ ડગલેને પગલે……

મારી મા ને અને જગતની સર્વ માતાઓને વંદન કરીને જમવાનું શરુ કર્યું. બટૂકમાં ભગવાન વસ્યા તે આજે મને નિરાંતે ખાવા મળ્યું.

જમીને તૈયાર થઇ ને બટૂક ઉઠ્યો. ‘ઉપરવાલે કે યહાં દેર હૈ-અંધેર નહિં’……

બટૂકને તૈયાર કરીને ટબૂકને લેવા શાળાએ.

ઘરે જઇને આજે દસ દિવસથી ટાળી રહેલી એવાં ઘણાં બધાં અગત્યના રીમાઇન્ડર ટબૂકની શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ માટે સેટ કરવાનાં છે એનું લીસ્ટ વિચારતાં વિચારતાં જ પાનખરમાં ખરતાં પાન જોઇને જરા મનનાં મહેલમાં વિચાર બદલાયો.

માત્ર વૃક્ષોને જ નહિં બધાનાં જીવનમાં આમ સમય ખરે છે. ખરતાં સમય સાથે પાકટ થઇ ગયેલાં પીળાં-સૂક્કા પાન ખેરવવાંની માત્ર આવડત જ કેળવવાની ને! એ કેળવવાના પ્રયત્નમાં છું એટલે જ તો ટબૂક-બટૂકને મારા જીવનનાં વસંત તરીકે વધાવી શકું છું. વાહ! મનોમન એક શાબાશી સાથે મારી ટબૂકનો હરખઘેલો ચહેરો મારી નજરની સામે!

« Previous PageNext Page »

Blog at WordPress.com.