Hiral's Blog

March 28, 2018

મૂર્ખામી

Filed under: મનની વાત — hirals @ 3:55 pm

નાનપણમાં મૂર્ખામીની કેટલીક વાર્તાઓ અભ્યાસક્રમમાં હતી. જેમાંની મુલ્લાની વાત મને વારેવારે વાંચવી ગમતી અને દરેક વખત હસવું આવતું.

પણ આજે પોતાને ક્યારેક એવી જ મૂર્ખામી કરતી જોઉં છું ત્યારે પોતાનાં પર હસવું આવે છે, મારા કરતાં પણ આસપાસનાં લોકોમાં એ મૂર્ખામી ક્યારેક વધારે જોઉં છું ત્યારે થાય તેમને આ મુલ્લાની વાર્તા ખબર નંઇ હોય.

વાત જાણે એમ હતી કે એક વાર રાતના અંધારામાં મુલ્લાની વીંટી ખોવાઇ ગઇ. એ બહુ ઝીણવટથી સ્ટ્રીટ લાઇટ નીચે શોધી રહેલો.

એક રાહદારી એની મદદ કરવા જોડાયો. બેઉએ ઘણી વાર સુધી વીંટી શોધ્યા કરી પછી પેલા ભલા રાહદારીએ પૂછ્યું તમને પાક્કી ખાતરી છે કે વીંટી અહિં જ પડી ગયેલી.

તો મુલ્લા કહે ના રે, વીંટી તો ત્યાં પણે ઓરડીમાં પડી ગયેલી પણ મારે ત્યાં અંધારું છે. એટલે અહીં અજવાળામાં શોધવા આવ્યો.

ત્યાં અંધારામાં તો વીંટી જડશે જ નહિં એનાં કરતાં અહિં અજવાળામાં જ શોધું એ બરાબર ને!

આજકાલ ઇન્ટરનેટ પર બેસું ત્યારે વારેવારે મુલ્લાને યાદ કરું. કંઇક કરવા બેઠી હોઉં પણ જો ભૂલથી પણ સોશિયલ મિડીયા ખોલ્યું કે કોઇ સમાચાર પત્ર

પર કે કોઇ બ્લોગ પર ગઇ તો મુલ્લાની જેમ શું શોધવા સમય કાઢીને બેઠેલી તે ભૂલી જાઉં અથવા યાદ હોય તો પણ જે જડે એમાં આનંદ માણું. થોડીક મિનિટો થાય ને મારી

અંદરનો રાહદારી પૂછે, જે શોધવા બેઠેલી એ આજ ઠેકાણે છે કે?

ને યાદ આવે અરે…..એ વેબસાઇટ અને સર્ચ ક્વેરી તો બીજી હતી.


મારી જેમ ઘણાંને આમ થતું હશે, ઘણાંની અંદર તો રાહદારી પણ ભાગ્યેજ જાગતો હશે…..નવા જમાનાની આ નવી ચેલેન્જીસ છે. પહેલાં કરતાં પણ વધારે આજનાં જમાનામાં બાળકોને આંતરિક જાગૃતિ અને આવી વાર્તાઓની વધુ જરુર છે.

Advertisements

July 8, 2017

જિનાને શું થઇ ગયું?

ઘણાં દિવસથી બાળકો વિશેની નોંધ કરવી છે પણ ક્યારે સવાર પડે ને ક્યારે રાત થાય, અતિશય વ્યસ્ત.
દાદા-દાદીનો સ્નેહ અને પ્રેમ. વિરાજ અને જિના બંનેના જુદા વલણ.

શરુઆતમાં જિનાને ઘણું ગમ્યું પણ ધીમે ધીમે એ અતિશય જિદ્દી થતી ગઇ.

વિરાજ તો એટલી હદે મમ્મીઘેલો કે ના પૂછો વાત. (એની વાત વિગતે બીજા પાને)

જિના પ્રત્યે કોઇ ફરજ્ચૂક નહોતી. બધું નિયમિત ગોઠવાઇ ગયેલું પણ એ વધુ વિચિત્ર વર્તન કરતી થઇ ગયેલી.

કોઇ સમજાવટ કે વાર્તા, ખાવા-પીવા કે ફરવાની લાલચ કશું જ કામ ના કરે.

દરેક વાતે એ આડી જ ચાલે જાણે. જેમ ના કહીએ એમ વધુ વકરે.

રોજ શાળાએ જવામાં થાંથા કરે. જાણે પરાણે ઘરની બહાર જાય.

બહુ ચિંતા થતી. એની શાળામાં તપાસ કરી. શાળામાંથી તો ઉલટું બહુ વખાણ સાંભળ્યા.

એ અત્યંત વિનયી, વિવેકી અને ચપળ છે.

એની શિક્ષિકા કહે, શાળામાં જે લાગણી દબાવતી હશે ઘરમાં વ્યક્ત કરતી હશે.

ઘરમાં પણ શાંતિનું વાતાવરણ હતું.

એને વારેવારે વાતો કરીને જાણવાની કોશિશ કરું કે એ કેમ આમ વર્તે છે?

પણ એક અત્યંત હસમુખી દીકરી જાણે રોતડ, ચિડીયણ, જિદ્દી ને તોફાની બની ગઇ.

અમારો તો જીવ બળીને ખાખ થઇ જતો. એનાં દાદા-દાદીને તો એમ જ લાગવા માંડ્યું કે

એ જરાય માનતી જ નથી. બહુ ઉપરાણું લેવું પડતું મારે એનું. મારા અને મિલનનાં ઝગડા પણ વધી ગયા.

પણ એ ઉપાય થોડો જ હતો?

કોને વાત કરું? કશું સમજાતું જ નહોતું ને અમારા બાજુવાળાએ સામેથી આવીને વાત કરી.

ઘણી વાત કરી અને એની મિત્રની દિકરીનો દાખલો દીધો કે એને વિરાજને મમ્મી પાસે મૂકીને શાળાએ જવું નહિ હોય.
છેવટે બધું બાજુએ મૂકીને એને જ માત્ર સમય આપવો એમ નક્કી કર્યું. ખાસ કરીને સવારનો.

એનાં દાદાને શાળાએ મૂકવા-લેવા જવું બહુ ગમે પણ મારે ઉપરવટ હમણાં થોડા દિવસ હું જ જઇશ કરવું પડ્યું.

આખી પ્રક્રિયામાં પરિવારમાં પણ એકબીજાના વલણ અને જતું કરવાની ભાવના વગેરે ઘડાઇ.

શરુઆતમાં એનાં દાદા અત્યંત સંવેદનશીલ થઇ જતાં અને નકારાત્મક પ્રતિક્રિયા આપતાં.

‘આ છોકરી જિદ્દી છે, માનતી જ નથી વિચારી ઘાંટો પણ પાડી દેતા.’

 

હું પણ ઘડાઇ. જો કે મમ્મી એટલે કે જિનાનાં દાદીએ બહુ જ સમતા રાખી.

એમણે જ પપ્પાને સમજાવ્યું કે જ્યાં સુધી એ એનાં પપ્પા પાસે રવિવારે માથું ધોવડાવે છે ત્યાં સુધી એ નાની છે. સાવ છોકરું.

એનું કોઇ વર્તન તમે ચોંટાડશો તો એ તમારી ભૂલ છે. એ બાળક છે.

એનાં માટે અત્યારે ‘છોકરી આમ કે તેમ…..વિચારાય જ નંઇ’.

અને મિલને અને તમાતે બંનેયે તમારો ગુસ્સો કાબૂમાં રાખવો જ પડશે નહિં તો બાળક માત્ર અનુકરણ જ કરે.

મારું મન પણ જૂની ખોખલી ‘પુરુષપ્રધાન વાતો અને વિચારધારા માટે બંડ પોકારવા લાગ્યું.’

જો કે મારું વર્તન એ પહેલાં અનુકરણ કરશે વિચારી વિચારીને ઘની સમતા રાખતાં શીખી.

 

ધીમે ધીમે બધાનામાં પરિવર્તન આવ્યું. જિનાના દાદા વધુ ઉદાર મનનાં બનવા લાગ્યાં.

મિલને એમને બહુ સમજાવ્યાં કે ‘મહેરબાની કરીને હકારાત્મક વાત જ ઉચ્ચારશો’.

ભરપૂર સમય, વિરાજને બાજુએ મૂકીને બસ એને દસ દિવસ એ જ અહેસાસ કરાવ્યો કે ‘જિનાને હજુય મમ્મી એટલો જ પ્રેમ કરે છે’.

હકીકતે એને જાણે એમ લાગવા માંડેલું કે એ શાળાએ જશે પછી મમ્મી વિરાજને જ રમાડશે.

બધાં વિરાજને જ રમાડશે.

 

ઘરેથી જતાં વખતે મને વિરાજને હાથમાં લીધેલો જાણે એ જોઇ શકતી નહોતી.

એ બસ જાણે બહાના શોધ્યા કરતી કે બધાનું ધ્યાન માત્ર એના પ્રત્યે જ હોય. ઘરનાં બધાં એને એકલીને રમવામાં અને વાતો કરવામાં વધુ સમય આપવા લાગ્યાં અને વારે વારે એને બધાં ખૂબ પ્રેમ કરે છે એ અહેસાસ કરાઅવવાં લાગ્યાં.

બસ આટલું જ એને જોઇતું હતું. એ અહેસાસ થયો ને જાણે પાછી મારી ઢીંગલી પહેલાં જેવી હસતી-રમતી થઇ ગઇ.


નોંધઃ આ ત્રણેક મહિના અને જિનાનું વર્તન, મારી સામે આપણાં ત્યાં કહેવાતી નકારાત્મક વાતો,

અંધશ્રધ્ધા જાણે કે વળગાડ, નજર લાગવી, પુરુષપ્રધાન માન્યતાઓ અને ટીપ્પ્ણીઓ ઘણું પસાર થઇ ગયું. વાતમાં ખાસ કશું હતું જ નહિં.

જિનાને ભાઇ પ્રત્યે ઘણી લાગણી પણ વિરાજ સવા વરસનો થયો પછી એને આ પ્રતિક્રિયા વર્તનમાં આવી કદાચ બા-દાદાની પ્રથમવાર ઘરમાં હાજરી પણ જવાબદાર હોઇ શકે.

બાળક માટે એનાં આસપાસનાં બધાં જ જવાબદાર હોય છે.


મોટેભાગે રોજ જિના શાળાએ જાય પછી અમારે મિટીંગ કરવી પડતી. બધાં પોતાનું મન ખુલ્લું રાખીને બીજાને સાંભળતા અને સમજતાં થયાં.

 

January 27, 2017

મારા માટેની નક્કી કરેલી વ્યાખ્યા.

સફળતા એટલે…..જે તે પરિસ્થિતિ કે સંજોગોમાં પોતાને સુખી માની શકું અને ઇશ્વર પર ભરોસો રાખી શકું તો હું જીવનના જે તે તબક્કે સફળ.

(ટુંકમાં આનંદી કાગડી….મારા બાળકોએ મને મારામાં શોધી આપેલી આ ઉત્તમ ભેટ)

કુશળતા એટલે….કર્મ ફળ સ્વરુપ જીવન સાથે જોડાયેલી અંગત વ્યક્તિઓ સાથે જેટલું મનભેદ વગર રહી શકું તેટલી હું કુશળ.

પ્રયત્ન અને પુરુષાર્થ એટલે….પોતાને સફળ અને કુશળ પોતાની નજરમાં સાબિત કરવા માટે જે જહેમત દિવસ – રાત કરું તે.

મારા માટેની (મારી જાતે હાલ જેટલી સમજ ધરાવું છું તે આધારે ) નક્કી કરેલી વ્યાખ્યા :)))

January 20, 2017

નાનકડી વારતા.

Filed under: બાળ ઉછેર,મનની વાત — hirals @ 3:32 pm

એક વાણીયા થી લક્ષ્મીજી રિંસાઇ ગયા. જતી વખતે બોલ્યા, હું જઇ રહી છું અને મારી જગ્યાએ તોટો (નુકશાન) આવી રહ્યો છે. તૈયાર થઇ જાવ. પણ જતાં પહેલાં તને અંતિમ ભેટ આપવા માંગું છું. જે ઇચ્છા હોય તે માંગ.
વાણીયો બહું સમજદાર હતો. તેણે વિનંતી કરી, તોટો આવે તો ભલે આવે પણ તેને કહેજો કે, મારા પરિવાર માં આપસી પ્રેમ જળવાઇ રહે. બસ આ જ મારી ઇચ્છા છે.
લક્ષ્મીજી એ તથાસ્તુ કહ્યું.
થોડા દિવસો પછી :-
વાણીયા ની સૌથી નાની વહુ ખિચડી બનાવી રહી હતી. એણે મીઠુ વિગેરે નાખી, બીજા અન્ય કામમાં લાગી ગઇ. ત્યાં બીજા છોકરા ની વહુ આવી, અને એણે વગર ચાખ્યે મીઠુ નાખી ને ચાલી ગઇ. આમ ત્રીજી, ચોથી વહુઓ એ મીઠુ નાખ્યું અને ચાલ્યા ગયા. એમની સાસુ એ પણ એમ જ કર્યું.
સાંજે સૌથી પહેલાં વાણીયો આવ્યો. પહેલો કોળીયો મોઢા માં નાખ્યો, સમજી ગયો. મીઠુ વધારે છે. એ સમજી ગયો. તોટો (હાનિ) આવી ગયો છે. ચૂપચાપ ખિચડી ખાધી અને ચાલ્યો ગયો. એના પછી મોટો છોકરો આવ્યો. પહેલો કોળિયો લિધો, પૂછ્યું, પિતાજી એ ખાધું ? કાંઇ બોલ્યા ?
બધા એ ઉત્તર આપ્યો, હા ખાઇ લિધું, કાંઇ બોલ્યા નથી.
હવે છોકરા એ વિચાર કર્યો કે પિતાજી કાંઇ બોલ્યા નથી તો હું પણ ચૂપચાપ ખાઇ લઉં.
આ પ્રકારે ઘર ના અન્ય સભ્યો એક એક કરીને આવ્યા. પહેલાં વાળા પૂછે અને ચૂપચાપ ખાવાનું ખાઇ ચાલતાં થયા.
રાત્રે તોટો (હાનિ) હાથ જોડીને વાણીયા ને કહેવા લાગ્યો, *”હું જઇ રહ્યો છું.”*
વાણીયાએ પૂછ્યું કેમ ?
ત્યારે તોટો (હાનિ) કહે છે, *” આપ લોકો આટલું મીઠુ ખાઇ ગયા, પણ બિલકુલ ઝગડો નથી થયો.”*

નિચોડ :-
*ઝગડો, કમજોરી, તોટો નુકશાન ની ઓળખ છે.*
*જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મી નો વાસ છે.*
*સદા પ્યાર-પ્રેમ વહેંચતાં રહો. નાના-મોટા ની કદર કરો.*
*જે મોટા છે તે મોટા જ રહેશે, ચાહે તમારી કમાણી થી એની કમાણી વધારે હોય !*
*જરૂરી નથી કે, જે પોતાનું કાંઇ નથી કરતો તે બીજા નું કાંઇ નહિ કરે !*
*તમારા પરિવાર માં એવા લોકો પણ છે જેને પરિવાર ઉંચો લાવવા પોતાની બધી ખુશીઓ દાવ પર લગાવી દિધી હતી, પણ ગેરસમજ માં બધા પોત-પોતાનું અલગ-અલગ કરી બેઠા છો ! વિચાર જરૂર કરો.*
*જ્યાં પ્રેમ છે ત્યાં વિકાસ છે, લક્ષ્મી છે.*


સદભાગ્યે નાનપણમાં આવી અનેક વારતાઓ વાંચવા અને એથી વધુ સાંભળવા મળી છે.

ચાર પાંચ દિવસ પહેલાં અચાનક આ વારતા વોટ્સએપ પર વાંચતા જ મન મહોરી ઉઠ્યું.

ઇવિદ્યાલય પર આવી જુની – જાણીતી અને લોકમાનીતી, આપણા સંસ્કાર અને મૂલ્યોનો અમર વારસા જેવી વારતાઓનો ખજાનો ખુલશે એવી ઘણી આશા હતી અને છે.

વધુથી વધુ વડીલો આવો અમૂલ્ય વારસો અહિં એકઠો કરવામાં મદદરુપ થશે એવી આશા સાથે.

પ્રણામ,

December 29, 2016

આળસુ માતા અને એની અણઆવડત.

મથાળું જોઇને તમને ય રસ પડ્યો. કેમ? જાતપરીક્ષણ કરશો એમ તો કેમ કે’વાય? પણ આજકાલની માતાઓ છે જ આળસુ અને બિનઆવડતી……માતાઓની વ્યથા તો કોને ગમે? માતાઓ વિશે ગુણગાન તો જ્યારે પોતાની જનેતાનો સ્નેહ અને વ્હાલ યાદ આવે ત્યારે જ એનાં ગુણગાન યાદ આવે અને

પોતાની માતા પુરતો સ્નેહનો અતિરેક પ્રગટે બાકી નાનાં બાળકોને સાચવતી પછી એ પૂરો દિવસ બીજે જોબ કરતી હોય કે પૂરો સમય ઘરે રહેતી હોય, દરેકને માતાનાં નિર્ણાયક બનવામાં

ખરે જ બહુ મજા આવે. મને પોતાને પણ.

 

રોજ રોજ બટુકના દાંત આવવાની પીડાને પહોંચી વળવા એનો સતત ચોકીપહેરો કે એ કશું જોખમી મોંમા મૂકી ના દે.

ઘર ચોખ્ખું ચણાક રાખવું પડે. ગમે તેટલી કાળજી રાખીએ કયા ખૂણામાંથી એને શું જડી જાય કંઇ કહેવાય નંઇ.

આંતરે દિવસે અધ્ધર જીવ થઇ જાય. ઉંઘ તો પૂરી નથી જ થઇ રહી પણ બીજી ઘણી રીતે અતિશય થાકી જવાય.

આજકાલ પ્રોત્સાહનનાં ઇંન્જેક્શન ખૂટી પડેલા એટલે

ક્યારેક ટબૂકને લડ પડે તો ક્યારેક એના પપ્પાને. ટબૂકને કહેવાઇ જાય તો બહુ વાંધો નંઇ પણ પતિદેવને આપણો જ વાંક દેખાય.

જે એક કાકી ઘરકામમાં મદદ માટે મળેલા તે ભારત પાછા ફર્યા પછી મારી કફોડી દશા.

અને જો ફરિયાદ કરીએ તો એક માતાને એનાં બાળકો સિવાય કોઇ સમજી શક્યું છે? એવું ભાન સૉરી જ્ઞાન મને બે-ત્રણ દિવસના તુ-તુ મેં-મેં પછી થયું.

એમાં ભોગ બાળકોનો લેવાય. એક બાળક માટે દુનિયાનું સૌથી ભયાનક દ્રષ્ય એટલે એનાં માતા-પિતા વચ્ચેની બોલચાલ.

સ્વીકારી લેવાનું કે ‘હા હું એક આળસુ માતા છું.’ એટલે નિર્ણાયક ખુશ અને બાળકો પ્રત્યે આપણી અનુકંપા.

 

જો મારી ટબૂકને કોઇ કામમાં સાંકળું તો પણ મને મારી પોતાની જનેતા, મારા ભાઇ-બહેન ‘હું કેવી માતા છું?’ ટિખ્ખળના રુપમાં બતાવે કે ‘હું એક આળસુ માતા છું’.

એટલે બાળમાનસ સંબંધી દલીલ કર્યા સિવાય નિર્ણાયકની વાત ટિખ્ખળ સ્વરુપે સ્વીકારી લેવામાં શાણપણ. બીજા સંબંધીઓથી કે જેઓ આપણને ખાસ જાણતા નથી પાસેથી શું અપેક્ષા રાખી શકાય? એમની વાતો પણ ‘હાથીનો પગ પકડીને હાથી થાંભલા જેવો કહે છે એમ કેમ કે’વાય? નિર્ણાયકની વાત સ્વીકારી લેવાની કે ‘હું એક આળસુ માતા છું’.

આ દુનિયામાં દરેક એ વ્યક્તિ જે પોતાની ફરજ નીભાવવા તનતોડ મહેનત કરે છે એને સૌથી વધુ નિર્ણાયક મળે છે કે જેઓ એ પરિસ્થિતિમાં હાલ હોતા જ નથી

પણ નિર્ણય કરવામાં અવ્વલ એમ તો કેમ કહેવાય? સ્વીકારી લેવાનું કે ‘હા હું એક આળસુ માતા છું., હા, હું અમુક વાતોએ બેપરવાહ માતા છું કે અણઆવડતથી ભરેલી છું’.

કડવો ઘૂંટ સમજીને પી જઇએ તો કોઇને અણસાર ના આવે પણ આપણને સ્ત્રીઓને એક અભિષાપ. સતત આંતરયાત્રા કરવામાં ચૂકી જઇને જો બહારથી ખુશી શોધવામાં

‘કોઇનો અણગમો ક્યાં કાઢીએ એની અણઆવડત’. વાતનું વતેસર સૉરી દ્રોપદીના કિસ્સાને સંબોધીને કહું તો ‘મહાભારત’ માટે આપણે સ્ત્રીઓ જ જવાબદાર.

એવું આંતરજ્ઞાન સાથે રાખીએ તો જાણે કૃષ્ણની ગીતાવાણી સમજાય અહિં તો ‘દુનિયાની પહેલી સ્ત્રી છીએ? કે દુનિયાની પ્રથમ માતા છીએ?’

 

દેકારો તો નહિં પણ ફરિયાદનો સૂર કાઢવાનો હક પણ એક માતાને નથી હોતો. નિર્ણાયકો અત્ર-તત્ર બધે જ હાજ્રર હોય.

બટૂકને હાથમાં સ્ટ્રોબેરી કે કેળું આપી રાખું તો જ્યાં અડે ત્યાં ગંદુ થાય એટલે પણ ‘હું આળસુ માતા’. સફાઇમાં મારું જ કામ વધારું છું એવી અણઆવડત વાળી માતા.

દૂરની દ્રષ્ટિ રાખું છું કે ‘જલ્દી ખાતો થાય, જાતે ખાતો થાય….એ વાહ વાહ તો બે વરસ પછી મળે.’ હમણાં તો નિર્ણાયકોનો તાત્કાલિક નિર્ણય સ્વીકાર્ય કરવામાં જ શાણપણ.

 

બટૂક-ટબૂકને લઇને ભારત દેશ ગયેલી, આડોશ-પાડોશ, સગા-સંબંધી અમુક અપવાદને બાદ કરતાં દરેક જણ એને ચીઢવે, સૉરી મજાક કરીને રમાડે.

‘તારો ભઇલો લઇ જઉં?’ જ્યાં સુધી ચાર વરસની ટબૂક રડે નંઇ, એનો પીછો છોડે નંઇ. આપણે ટબૂકને વાળીએ તો આપણે જ એટલે કે આજકાલની માતાઓ જ બાળકને

પોમલા બનાવે છે એવું સંભળાવે સૉરી એવી વાતો બીજી માતાઓના સંદર્ભમાં નિર્ણાયક બનીને આપણને શીખવે અને જો ટબૂકને એની રીતે લડત આપવા દઇએ જો કે ‘બાળમાનસ શીખે છે કે

કોઇને રડાવીને કે’વાનું હું તો મજાક કરતી હતી’….હા, ટબૂક આવું શીખી છે આપણાં કહેવાતા લોકો પાસેથી પણ જ્યારે એ આવી ટીખળ કરે તો જવાબદાર કોણ?

‘હું એટલે કે માતા’. નિર્ણાયકો માત્ર ટબૂકનું વર્તન જુએ. એમની પાસેથી શીખીને એમને ચોપડાવે છે એવું જ્ઞાન હોત તો એક માતાના નિર્ણાયક બનત?

પણ, આ તો ભારતદેશ. જ્યાં ‘વડીલો હંમેશા પૂજ્ય અને સો ટકા સાચા. અનુભવોનું ભાથું એટલે આપણો એક માતાનો નિર્ણાયક સહજ બની જાય. ભલેને પૂરા ૨૪ કલાક પણ બાળસંભાળ

એમના વખતમાં ના કરી હોય. એમની બીજી અને ત્રીજી પેઢી જોતા હોય એટલે અનુભવી જ હોય. અને આપણે ‘આળસુ અને અણઆવડતી’.

અમુક – તમુક સંબંધીઓના ઘરે સાવ નાનાં બાળકને લઇને નહિં જઇ શકાયું એટલે પણ નિર્ણાયકો આપણાંથી નારાજ થઇને આપણને શિક્ષિત કરવા પ્રયાસ કરે.

બીજી આપણાંથી વધુ સારી માતાઓ સાથે આપણી સરખામણી કરે. આપણને નીચાજોવા પણું કરે. અને આપણે સ્વીકારી લેવાનું, ‘હા, હું એક આળસુ માતા છું અને બધા વડીલોને

મારાં બાળકોને રમાડવાનો લ્હાવો નથી આપી શકી એ વાતે આવડત વગરની પણ છું’. ફરિયાદનો સૂર પતિદેવને બહુ અકળાવે એટલે આપણને નિર્ણાયકો તરફથી મળેલાં લેબલ સ્વીકારીને

હસતું મોઢું રાખવામાં જ શાણપણ. આમેય સ્ત્રીએ તો જાતે જ ખુશ થવું પડે. કશું ના જડે તો કલાક અરીસા સામે ઊભા રહેવું. પણ આજ કાલ તો પોતાનો ચહેરો અરીસામાં જોવાનોય

સમય નથી મળતો એમ તો કે’મ કે’વાય?

 

એમાંય હવે તો વોટ્સએપ ને ફેઇસબુક ને કેટલી બધી સવલતો. અમુક વડીલોનો આગ્રહ ‘બટુક અને ટબૂકના વિડીયો રોજ જોવાનો’. કુટુંબના દરેક સભ્ય માટે આપણે આ સવલતનો

પુરો ઉપયોગ કરીએ. દાદા-દાદી વગેરે માટે તો આ બધી સગવડ દૂર રહ્યે આશિર્વાદ જ છે. પરંતુ પતિદેવના અમુક સ્નેહીઓના સ્નેહનો અતિરેક બહુ ભારે પડે.

ક્યારેક એ વાતને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો તો એમનો બહુ પ્રેમાળ રિપ્લાય મળે. આપણે ખુશ થઇએ ને સંજોગોવસાત રિપ્લાય નો રિપ્લ્યાલ કરવાનો ભૂલી જઇએ તો

પતિદેવ તરફથી આપણી ફરિયાદ મળે. હવે એવી ફરિયાદો સામે ફરિયાદ તો કરાય નહિં. એમાંય વડીલો તરફથી સાબિતી મળે ને સ્વીકારી લેવાનું કે આપણે જ ‘આળસુ અને આપણી જ

અણઆવડત’. એમને નવરા બેઠા લોકોનાં ઘર ભાંગવા છે એવું તો કેમ કે’વાય?

 

 

આવી બધી વાતો ઘુંટતી ઘુંટતી હું પોતાને શાંત કરવા મથું. પણ જ્યાં ચિત્તને જ પ્રસન્નતા નંઇ? કશી વાતની સ્વીકૃતિ ક્યાંથી સંભવ બને?

અને એક માતા ખુશ નથી તો એનું આખું ઘર વેરવિખેર. માતા ખુશ કેમ નથી અથવા કેમ આટલી બધી દુઃખી છે ? એમ વિચારીને માતાને સહાયરુપ થતાં આપણાં

સમાજને આવડતું હોત તો બિલાડીનાં ટોપની જેમ ‘પારણાંઘર’ ફૂટી નીકળત? એ બધાં મારી જેવી આળસુ માતાઓને કારણે જ બિઝનેસ જમાવે છે.

કારણકે એ રુઢિઓ કે જેમાં એક માતાને આરામ હતો એને પોતાને જ બેડીઓ લાગતી ને એણે જાતે જ તોડી નાંખી.

તમેય વાંચતા હશો તો એ જ વિચારશો કે હા, અમારા વખતમાં તો આમ ને તેમ…

પણ અત્યારની પરિસ્થિતિમાં કઇ રીતે સાચું ઘડતર પુરુષોને આ સમયે પુરું પાડવું એ તમને પણ નહિં સૂઝે તો

પતિદેવોની નજીકના લોકોને તો મોહના પાટા હોય જ એ સ્વીકારીને માફી આપવાની.

આવી પરિસ્થિતિમાં ‘પત્નીને ખાલી શાંતિથી સાંભળી લેવી’ બસ આટલું જ એને જોઇતું હોય છે.

પણ જે પુરુષને ‘ફરિયાદ કરતાં જ નથી આવડતું એને સ્ત્રીની ધડમાથા વગરની એમની દ્રષ્ટિએ’ ફરિયાદ બહુ આક્રોશ ઉત્ત્પન્ન કરનારી બને.

 

 

ખેર જાતને શિક્ષિત કરી. પતિદેવ એટલે કે ‘મોટું થયેલું બાળક’ એક માતાને નહિં સમજી શકે એવા કરુણાભાવ સાથે એ્મનાં આક્રોશને

‘સિંહની દહાડ નહિં ને બાળકનું રડવું સમજીને માફ કરવાની’

હિંમત એક્ઠી કરી એટલે મોટું બાળક પણ કુણું પડ્યું. પોતાની મર્યાદાઓ અને એક માતાની તકલીફો જરાક સમજાઇ.

જો કે પતિદેવને પણ કામનું અતિશય ભારણ રહે એ સમજી શકાય એવી વાત છે એટલે એ કરુણાભાવે ઘણી ગુંચ ઉકેલી શકી.

મનને મનાવીને ‘આળસુ માતાનું’ લેબલ સ્વીકારીને બહાર જમવા ગઇ. ને બટુકે ખુરશીમાંથી અચાનક ઊભા થઇને કૂદકો મારીને આંગળીઓ દઝાડી.

ખાધું-ના ખાધું ને બટુકને શાંત રાખવામાં, એને રમાડવામાં બધો સમય આપ્યો ને તરત ટબૂકને લેવા શાળાએ.

 

ઘેર આવીને અકળાયેલો બટુક અહિં તહિં દોડે. એને નીચા નમી નમીને ઉંચકવામાં કમર તૂટે એમ તો કેમ કે’વાય? પગ દુઃખે એમ તો કેમ કે’વાય?

હજુ તાજું તાજું જ ‘આળસુ માતા’ તરીકેનું બિરુદ સ્વીકાર્યું છે એ ભૂલીને બીજી ભૂલો કરવાનો હક એક માતાને નથી એ વાત સમયસર યાદ આવી તે સારું થયું.

ટબૂકની પાછળ ઘેલો થઇને ઉંઘ ભરેલી આંખોએ પણ બ્ટૂક દોડે. પડી જાય, રડે પણ થાકે નંઇ. આપણને થકવી નાંખે એમ તો કેમ કે’વાય?

એ તો ફરિયાદ થઇ કે’વાય. હજુ તો શરુઆત છે. પાછો સ્ત્રી તરીકેનો અભિષામ તરાપ મારે. ભુતકાળના અનુભવો નજર સામે.

ટબૂક વખતે પડેલી મુશ્કેલીઓ , એ વખતની તુ-તુ-મેં-મેં, રિસામણા, મનામણાં અને બધું યાદ કરીને સ્વીકારી લીધું.

આ જગતમાં એક માતાની મમતાનાં, એની કાળજીનાં, એની બાળઉછેરની રીતભાતનાં એની અણઆવડતનાં નિર્ણાયકો બધે જ મળી રહેશે.

 

આધ્યાત્મિક દ્રષ્ટિએ ફરીથી આંતરજગત પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ શરુ કરી. આ માટે પણ નેટમિત્રોનો સહકાર મળ્યો. એમનો ખુબ ખુબ આભાર. અને ટેકનોલોજીનો સદઉપયોગ કે બાબા રામદેવ અમારે ઘેર પધાર્યા ઇન્ટરનેટના માધ્યમથી. પતિદેવે જે એમનાંથી શક્ય સાથ આપે જ છે. મારાં પ્રાણાયામનાં સમય માટે મને સહકાર આપવાની

તૈયારી બતાવી. એટલે અડધી દુનિયા જીતી લીધી.

જગતને તો નથી બદલી શકવાનાં પણ એમનાં નિર્ણયોને હસતા મોંઢે સ્વીકારવાની તાકાત તો મળી જ જાય. અને એ મળી.

પરમ સખીઓ પાસેથી આપણાં દાદી મા વગેરે ઘંટીએ અનાજ દળવાથી લઇને, કૂવેથી પાણી ભરવું અને છાણાં લીપવાં ને નદીએ કપડાં ધોવા. બધાં કામો ફરજ સમજીને કરતાં જ હતાં.

એટલે એ બધી વાતોની સાપેક્ષે પણ નિર્ણાયકોનો નિર્ણય મારા માટે સ્વીકારવો સહજ બન્યો. ‘હા, હું આળસુ માતા છું, અણઆવડતથી ભરેલી છું’.

અત્યારે પણ જાતને ખુશ કરવા રસોડામાં વાસણો સાફ કરવાનું મૂકીને આ લખી રહી છું. કારણકે મારા બાળકોને માટે હું એમને રમાડતી, હસાવતી એમની કાળજી કરતી એક ખુશ માતા છું.

અને મને જાતને ખુશ કરવાનો પૂરો હક છે ભલે એનાં માટે હું અમુક તમુક કામમાં સંજોગોવસાત આળસ કરું.

ટબૂકની શાળામાં દિવાળી વિશેનું પ્રેઝન્ટેશન બનાવવાનું કામ પતિદેવને ડેલીગેટ કરી દીધું. સારા મેનેજર કામને ડેલીગેટ કરવામાં કુશળ હોવા જોઇએ.

આ વાત એક માતા માટે નિર્ણાયકોની દ્રષ્ટિએ ‘આળસુ માતા’ કહેવાય એ સ્વીકાર્ય કરું છું.

 

 

પણ પતિદેવને ડેલીગેટ કરેલું કામ એટલે કે ટબૂક માટેનો પહેલવહેલો નિબંધ ટબૂકના પપ્પા તૈયાર કરી શકશે કે કેમ?

કરશે તો ક્યારે કરશે? નિબંધ બોલવાના આગલા દિવસે? કેવો હશે એ નિબંધ? બાળમાનસની દ્રષ્ટિએ કસાયેલો કે પ્રેઝન્ટેશન બનાવવામાં વરસોથી જેમને અનુભવ છે એવો ધમાકેદાર?

એ તો સમય જ બતાવશે. હાલ પૂરતી મારી અણઆવડત અને આળસુના લેબલને સ્વીકારીને હું સુખી છું એ ઓછી સફળતા છે?

December 12, 2016

તને મમ્મી મમ્મી થાય.

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તું ઊભો થવા જાય,

ધડામ દઇને પડી જાય ને

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને દાંતમાં ખણ થાય,

પીડા એવી કે જે મલે તે મોંમા

પછી મમ્મીને ચિંતા થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને કૂદવાનું મન થાય,

કૂદતા હજુ ફાવે નંઇ ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને રમવાનું મન થાય,

એકલા રમવું ગમે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને ભૂખ લાગી જાય.

બોલતાં હજુ આવડે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

હાલરડાં સાંભળી સૂતો કેવો સોહાય,

ઉંઘમાં સૂ સૂ ્છી છી,

તારી ઉંઘ ઉડી જાય ને,

તને મમ્મી મમ્મી થાય.

 

જરાક મમ્મી આઘી થાય ને

તને માની ગેરહાજરી વર્તાય,

બોલાવતાં હજુ આવડે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

 

બહાર ફરવું ગમે તને ને

ઝટપટ તૈયાર થાય,

જેકેટની ગરમી ગમે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

 

રસોઇ કરીએ જ્યારે,

તારો વાસણપ્રેમ ઉભરાય,

કુકરની સીટી વાગે જ્યાં,

તને મમ્મી મમ્મી થાય.

 

માલીશ બહુ ગમે તને,

તું ખિલખિલ ખિલખિલ થાય,

બાથસીટનું બંધન ગમે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દીદી દીદી જોઇને એને,

તું ઘેલો ઘેલો થાય,

દીદી જો એની મસ્તીમાં રમે તો

તને મમ્મી મમ્મી થાય.

 

ઓફિસેથી આવે પપ્પા

તું ફેરફુદડી ખાય,

ચક્કર જેવું લાગે ને,

તને મમ્મી મમ્મી થાય.

 

ઓફિસેથી આવે પપ્પા

તું ઘોડો ઘોડો થાય.

હાલક ડોલક તું નાનું બાળ,

તને મમ્મી મમ્મી થાય.

 

ફોન આવે મમ્મીનો જો

એ વાત કરવા જાય.

તને પણ વાત કરવી હોય ને

તને મમ્મી મમ્મી થાય.

 

સંતાકુકડીની ગમે બહુ

મમ્મીને ગોતવા જાય,

જો તરત તને દેખાઉં નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

સૌની સાથે ભળે ખરો

તું ખિલખિલ ખિલખિલ થાય

મમ્મી જેવું વ્હાલ જડે નંઇ ને,

તને મમ્મી મમ્મી થાય.

 

કમ્પ્યુટર પર કામ કરું

તું ટેબલ નીચે ભરાઇ જાય,

પગ પકડે મારા,

તને મમ્મી મમ્મી થાય.

 

ચોપડી લઇને બેસું વાંચવા

તને ચિત્રો ગમતાં જાય ને

શું લખ્યું છે એ સમજવા,

તને મમ્મી મમ્મી થાય.

 

કપડાં સૂકવે પપ્પા તારા

તને કેડમાં લઇ ગાય,

તને સૂકવવા આપે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

December 9, 2016

Inline image 1

from one email:

Practice watching your breath whenever….
You are free 
OR 
Under emotional/ physical stress.
The purpose of anything prayer, SK, Vipasyana is ….
to quieten the chatter of mind.
Kriya IS NOT important,that state of peace and joy is important/ useful……..TO LIVE
Thanks Suresh Uncle. 

July 3, 2016

દીકરી અને દીકરો:નવજાત શિશુઃ ૦-૪ માસ

ઘર અને બહાર લગભગ બધા જ ક્ષેત્રમાં નારીએ પોતાની જાતને માનભેર પ્રસ્થાપિત કરી છે. (પુરુષો હજુ ઘરની બાબતે બહુ નબળા છે ઃ(()
અને ઘણાં ક્ષેત્રો જ્યાં બળની ખાસ આવશ્યકતા નથી ત્યાં નારી માટે બહુ સ્વાભાવિક રીતે અર્થઉપાર્જન સરળ પણ છે.
છતાં દીકરી અને દીકરાની પ્રકૃતિગત કેટલીક ખાસિયતો શિશુજગતથી નોંધવાનો હું પ્રયત્ન કરીશ.
ક્યાંક તેમનું સ્વભાવગત કે સંતાનોમાં નાનાં-મોટાં ને કારણે જુદાપણું હોઇ શકે છે, ક્યાંક મારી ગેરસમજ પણ હોઇ શકે છે,
પરંતુ ઘણુંખરું હું દીકરી અને દીકરાની મૂળ કુદરતી પ્રકૃત્તિ પર ધ્યાન આપીશ.

આ માત્ર મારા અવલોકનો છે.

 


 


દીકરી


દીકરો


૧ માસનું શિશુ ભૂખ લાગે ૧૦ માંથી ૮ વખત રડે ૧૦માંથી ૬ વખત રડે
ઝાડો-પેશાબ કર્યા પછી(ડાયપર વગર) ૧૧ માંથી ૮ વખત રડે (ભીનાશ અને ગંદુ ફીલ થાય એ નથી ગમતું) ૧૦માંથી ૨-૩ વખત રડે
ઉંઘ ૧૬ થી ૧૭ કલાક ૧૬ થી ૧૭ કલાક
માલિશ ગમે (આળપંપાળ વધુ વ્હાલી) ક્યારેક નથી ગમી
ન્હાવુ ક્યારેક રડે (પાણીની ધાર વગેરેથી વધુ સંવેદનશીલ) ભૂલથી આંખ વગેરેમાં પાણી જાય તો પણ ચાલે
કૂકરની સીટીનો અવાજ ડરી જાય અને ભેંકડો તાણીને રડે ક્યારેક જરા અમથું રડે
કોઇની આવન-જાવન કે અવાજ નજીક આવીને રમાડે ત્યારે પ્રતિક્રિયા આપે નજીક આવીને રમાડે ત્યારે પ્રતિક્રિયા આપે
પગ થોડીક વાર કીક મારે બહુ જ કીક મારે. અતિશય અંગડાઇઓ લે.
પરસેવો થોડોક વધારે
૨ માસનું શિશુ ભૂખ લાગે ૧૦ માંથી ૮ વખત રડે ૧૦ માંથી ૪ વખત રડે (મોંમા આંગળા નાખી લે છે અથવા અંગૂઠો લઇ લે)
ઝાડો-પેશાબ કર્યા પછી(ડાયપર વગર) લગભગ દરેક વખતે રડે. સાફ કર્યા પછી બહુ ખુશ થાય કોઇ ફરક નથી પડતો (મમ્મી આવશે ને કરશે એવી ધરપત), સાફ કરીએ ત્યારે ખુશ થાય
ઉંઘ ૧૬ થી ૧૭ કલાક ૧૬ થી ૧૭ કલાક
માલિશ ગમે (આળપંપાળ વધુ વ્હાલી) ક્યારેક નથી ગમી
ન્હાવુ ક્યારેક રડે (પાણીની ધાર વગેરેથી વધુ સંવેદનશીલ) ભૂલથી આંખ વગેરેમાં પાણી જાય તો પણ ચાલે
કૂકરની સીટીનો અવાજ ડરી જાય અને ભેંકડો તાણીને રડે અવાજની દિશામાં નજર કરી લે ને પાછો પોતાની દુનિયામાં મસ્ત
કોઇની આવન-જાવન કે અવાજ અવાજની દિશામાં માથું ફેરવીને નજર માંડવાની કોશિશ કરે અવાજની દિશામાં માથું ફેરવીને નજર માંડવાની કોશિશ કરે
પુસ્તક ટગર ટગર જુએ અને ખુશ થાય ટગર ટગર જુએ અને ખુશ થાય
પગ થોડીક વાર કીક મારે બહુ જ કીક મારે.
હાથ ઉંચકવા હાથ ઉંચા કરવા પ્રયત્ન કરે, વસ્તુ પકડવા પ્રયત્ન કરે ઉંચકવા હાથ ઉંચા કરવા પ્રયત્ન કરે, વસ્તુ પકડવા પ્રયત્ન કરે
પરસેવો થોડોક વધારે
૩ માસનું શિશુ ભૂખ લાગે ૧૦ માંથી ૬-૭ વખત રડે ૧૦ માંથી ૩ વખત રડે (મોંમા આંગળા નાખી લે છે અથવા અંગૂઠો લઇ લે)
ઝાડો-પેશાબ કર્યા પછી(ડાયપર વગર) લગભગ દરેક વખતે રડે. સાફ કર્યા પછી બહુ ખુશ થાય કોઇ ફરક નથી પડતો (મમ્મી આવશે ને કરશે એવી ધરપત),સાફ કરીએ ત્યારે ખુશ થાય
ઉંઘ ૧૬ થી ૧૭ કલાક ૧૬ થી ૧૭ કલાક
માલિશ ગમે (આળપંપાળ વધુ વ્હાલી) કસરત બહુ જ ગમે
ન્હાવુ ક્યારેક રડે (પાણીની ધાર વગેરેથી વધુ સંવેદનશીલ) ભૂલથી આંખ વગેરેમાં પાણી જાય તો પણ ચાલે
કૂકરની સીટીનો અવાજ ડરી જાય અને ભેંકડો તાણીને રડે અવાજ થયો એવી ખબર પડે પણ પોતાની દુનિયામાં મસ્ત.
કોઇની આવન-જાવન કે અવાજ અવાજની દિશામાં માથું ફેરવીને માથું ઉંચકવા પ્રયત્ન કરે અવાજની દિશામાં માથું ફેરવીને માથું ઉંચકવા પ્રયત્ન કરે
પુસ્તક ટગર ટગર જુએ અને ખુશ થાય ટગર ટગર જુએ અને ખુશ થાય
પગ થોડીક વાર કીક મારે બહુ જ કીક મારે.
હાથ ઉંચકવા હાથ ઉંચા કરવા પ્રયત્ન કરે, વસ્તુ પકડે ઉંચકવા હાથ ઉંચા કરવા પ્રયત્ન કરે, વસ્તુ પકડે ને સીધી મોંમા
પરસેવો થોડોક વધારે
ઊંધા પડવું ૩ માસ ને પહેલો દિવસ ૩ માસ ને પહેલો દિવસ
૪ માસનું શિશુ ભૂખ લાગે ૧૦ માંથી ૫-૬ વખત રડે ૧૦ માંથી ૨ વખત રડે (મોંમા આંગળા નાખી લે છે અથવા અંગૂઠો લઇ લે)
ઝાડો-પેશાબ કર્યા પછી(ડાયપર વગર) લગભગ દરેક વખતે રડે. સાફ કર્યા પછી બહુ ખુશ થાય પેટ સાફ થાય એટલે હસતો હોય. (મમ્મી આવશે ને કરશે એવી ધરપત),સાફ કરીએ ત્યારે ખુશ થાય
ઉંઘ ૧૫ થી ૧૬ કલાક ૧૫ થી ૧૬ કલાક
માલિશ ગમે (આળપંપાળ વધુ વ્હાલી) કસરત બહુ જ ગમે
ન્હાવુ ક્યારેક રડે (પાણીની ધાર વગેરેથી વધુ સંવેદનશીલ) બહુ જ ગમે
કૂકરની સીટીનો અવાજ ડરી જાય અને ભેંકડો તાણીને રડે અવાજ થયો એવી ખબર પડે પણ પોતાની દુનિયામાં મસ્ત.
કોઇની આવન-જાવન કે અવાજ અવાજની દિશામાં માથું ફેરવીને માથું ઉંચકવા પ્રયત્ન કરે અવાજની દિશામાં માથું ફેરવીને માથું ઉંચકવા પ્રયત્ન કરે
પુસ્તક હાથમાં લેવા ને મોંમા મૂકવા પ્રયત્ન કરે હાથમાં લેવા ને મોંમા મૂકવા પ્રયત્ન કરે
પગ થોડીક વાર કીક મારે બહુ જ કીક મારે.
હાથ ઉંચકવા હાથ ઉંચા કરવા પ્રયત્ન કરે, વસ્તુ પકડે ઉંચકવા હાથ ઉંચા કરવા પ્રયત્ન કરે, વસ્તુ પકડે ને સીધી મોંમા
નવી શારિરીક એક્ટિવીટી પથારીમાં ફરે, ખસે. વધુ પ્રયત્નો ચાલુ છે. પ્રામનું પગ પાસેનું કવર કીક મારીને પાડી દે, માથું ઉંચકીને જોર કરીને ઘણું ખસી જાય. પ્રયત્નો ચાલુ છે.

(more…)

April 22, 2016

મેચિંગની જિદ

૩.૧૧ વર્ષની જિનાઃ

ગઇકાલે જિનાનું હાફપેન્ટ ભૂલથી ધોવામાં નાખ્યું. અને હાફપેન્ટ ભીનું થયેલું જોઇ એ કજિયે ચઢી.

તું મમ્મી, પૂરું સાંભળતી નથી.

ઘણું સમજાવી પણ એક જ રટ, મારે ટી-શર્ટના મેચિંગનું એ જ હાફપેન્ટ પહેરવું છે.

એને સમજાવવું લોઢાના ચણા જેવું થઇ પડ્યું.

એની નક્કામી જિદથી મિલન પણ થાક્યો. ઘરનું વાતાવરણ તંગ થઇ ગયું.

આખરે મેં નમતું જોખ્યું, એ હાફ પેન્ટને પહેલાં સૂકવીને એને પહેરાવ્યું તો તત્કાળ મિલનને પણ ખરાબ લાગ્યું.

રાત્રે જિનાને વાર્તા દ્વારા સમજાવ્યું અને એ માની પણ ગઇ.

મિલન સાથે જિનાની ગેરહાજરીમાં વિગતે વાત કરી કે મેં જિદ માની કારણકે ભૂલ આપણી હતી.

મિલનઃ ‘આપણી ભૂલ?, આપણે એને આવી ખોટી જિદ કરતાં શીખવ્યું છે?’,

અને આપણી વાત થઇ છે કે એની કોઇ ખોટી જિદ સામે નમતું નહિં જોખવાનું.

મેં કીધું. બધી વાત સાચી.

આપણી એ ભૂલ છે કે આપણે એને

૧) ‘મેચિંગ’ જ પહેરાય.

૨) કોઇ આવે તો ટીપ-ટોપ જ દેખાવું એવું શીખવ્યું છે.

૩) નાઇટ ડ્રેસમાં શાળાએ ના જ જવાય.

(હજુ યુનિફોર્મનું બંધન નથી તોય આપણાં ઘણાં બંધનો છે.)

૪)રવિવારે ગેસ્ટ આવવાના હતાં. એનો મૂડ રમતનો હતો તોય આપણે બેઉએ એને ધરાર નવા કપડાં પહેરાવેલાં.

જે વાક્યો આપણે એને આવા પ્રસંગોએ કહીએ છીએ એજ બધું એ ગઇકાલની જિદમાં બોલી રહેલી.

ટીપ ટોપ રહેવાનું, મેચિંગ પહેરવાનું વગેરે એ શાળાએ જતી થશે અને જેટલું વધુ બહારની દુનિયાના સંપર્કમાં આવશે એટલે પોતાની મેળે જ શીખી જ જશે.

આપણે એનાં કપડાં સ્વચ્છ હોય એની પૂરતી કાળજી રાખવાની. એને જે પહેરવું હોય એની પાસે છે એમાંથી જાતે પસંદ કરીને પહેરે.

આપણે બીજા સામે આપણી દીકરીનો વટ પાડવામાં ગર્વ અનુભવીએ છીએ પણ એ ખોટું છે.

બીજાની સામે વટ પાડવામાં આપણે એનો મૂડ કે એની ઇચ્છા કશાનું માન નથી રાખતાં.

ભવિષ્યમાં એ પણ આપણી સાથે એવું જ કરશે. બીજાની સામે એનો વટ પડે એવા મમ્મી-પપ્પા આપણામાં શોધશે અને આપણું દિલ અજાણતાં દુભાશે. જેમ આપણે એને દુનિયાદારી શીખવીએ છીએ. એમ એ આપણને શીખવશે.

દેખાદેખી આપણે અજાણતાં જ શીખવી રહ્યાં છીએ.

અને નક્કી થયું કે પાંચ-સાત વરસની થશે પછી આવી બહારી વાતો પર જરુર જણાશે તો ફોકસ કરીશું.

January 7, 2016

બાળકની શીખવાની પધ્ધતિ વિશે મારાં અવલોકનો.

 

આજકાલ બધી જ વાતમાં જિના ઘણું બોલે છે. કોઇપણ ટોપિક હોય, એનો ટુંકનિબંધ તૈયાર જ હોય.  અને વાતે વાતે મસ્તી અને હાસ્ય પણ એટલું જ.

એટલું બધું વૌવિધ્ય હોય એની વાતોમાં કે આપણને નવાઇ લાગ્યા જ કરે કે ક્યાંથી આટલું બધું શીખે છે?

પછી એમ થાય એ તો બોલે છે એટલે અનુભવાય છે

બાકી પ્રથમ બે વરસ આટલી જ તીવ્રતાથી અવલોકન કર્યું હશે ત્યારે જ તો એકદમથી બધું જ વ્યાકરણની ભૂલ વગર બોલી શકે છે.

બધા જ બાળકો આમાં એકસમાન છે.ચાર-છ મહિનાનો જ ફરક પડે પણ લગભગ બધાં જ બાળકો એક સરખી તીવ્રતાથી ગ્રહણ કરે છે એવું લાગ્યા વગર રહેતું નથી.

બાકી જુદી પડે તો સૌની પ્રકૃતિ- કોઇ આંખથી વધુ શીખે તો કોઇ કાનથી, કોઇ અતિશય ચંચળ પ્રકૃતિ હોય તો શરીરથી વધુ ધમાલ વ્યક્ત કરે.

જેમાં અમુક અંશે વારસાગત હોય અને અમુક પોતાનું મૂળ સ્વરુપ વ્યક્ત કરે.

અને એ પ્રમાણે એમનાં રસ-રુચિને અનુકુળ વાતાવરણ મળવું જોઇએ…..

ખેર જિના વધુ આંખથી શીખે છે (જોઇને અને અવલોકન કરીને). અને પછી કાનથી (સાંભળીને). ખેલકૂદ બધાને પસંદ હોય જ એવું સામાન્ય એને પણ પસંદ છે.

કેવી રીતે? બધી જૂની વાતો લખવાનું મન થઇ આવ્યું. અને એની શીખવાની ઢબ મને બહુ શરુઆતથી ખબર પડી એટલે મને ઘણી રાહત પણ હતી અને છે.

—-

૧) નવજાત શિશુ-જિના જ્યારે એને બાલ્કનીમાં લઇ જતાં, ઉપર ફરતા પંખી તરફ અને એની દિશામાં તરત આંખો ફેરવતી.

૨) જન્મ પછીનાં શરુઆતનાં બે-ત્રણ દિવસને બાદ કરતાં અંધારુ થાય એટલે સૂવાની અને વહેલી પરોઢે જાગવાની ટેવ કુદરતી હતી. અડધી રાતે ભૂખથી ઉઠે તોય ફીડીંગ કરીને તરત સૂઇ જાય.

ક્યારેય મને રાતના ઉજાગરા નથી થયા.

જે શિશુ કાનથી વધુ કામ લે છે તેઓ ઘણું ખરું રાતે વધુ રડે છે. એકદમ નિરવશાંતિમાં તેઓ વધુ બેચેન બની જતા હશે કદાચ.

૩) કોઇ નવી જગ્યાએ એ ટગર-ટગર વિસ્મયતાથી જોઇ રહેતી અને ખુશ રહેતી. (એને નવું નવું જોવું ગમતું હતું). આથી નવી જગ્યા અને નવા માણસો એને ગમતાં પણ કોઇના ખોળામાં

રમવું ગમતું નંઇ. તરત અકળાતી. એને મજા નવી જગ્યાની અને નવું જોવાની રહેતી.

૪) બાળક બે વરસનું થાય તે પહેલાં માતા-પિતા પોતાની પસંદના રમકડાં લે છે. જે માતા-પિતાને આંખથી શીખવાની પ્રકૃતિ હશે તેઓ રમકડાંની પસંદગીમાં રંગને વધુ પ્રાધાન્ય આપે છે અને જેઓ કાનથી એટલે કે સાંભળીને શીખવાની પ્રકૃતિવાળા છે તેઓ ધ્વનિ ઉત્ત્પન્ન થાય એવા રમકડાંની વધુ પસંદગી કરે છે.

એવા ઘરોમાં અનાયાસે જ ટી.વી વગેરે વધુ બાળકોની નજરે ચઢે છે. જો કે નવજાત શિશુ ટી.વી સામે ચિત્રો માટે લલચાય છે કે અવાજ માટે તે કળવું મુશ્કેલ છે.

પણ નવજાતશિશુને ટી.વી વગેરેના સંસર્ગથી દૂર રાખવું હિતાવહ છે કારણ એમનાં માટે જાણવા અને શીખવા આસપાસમાં બીજું ઘણું છે. શિશુના જન્મ પછી માતા-પિતાએ પોતાની

શીખવાની પધ્ધતિનું અવલોકન કરવું પણ એટલું જ જરુરી છે જેટલું બાળકની પધ્ધતિનું. જેથી બાળક પર પોતાની પસંદગી ખોટે ખોટી તો નથી લદાઇ રહી તેનો ખ્યાલ રહે અને સાથે

સાથે પોતાનાં સબળા અને નબળા પરિબળો વિશે વધુ જાણીને એ પ્રમાણે બાળકોને રસ લેતાં કરી શકાય.

૫) જિનાની શીખવાની પધ્ધતિ વિશે ઘણોખરો અંદાજ હોવાથી છ મહિનાની જિના માટે ફ્લાઇટમાં રંગબેરંગી એટલે કે એનાં માટે ધ્યાનાઆકર્ષક બે-ત્રણ રમકડાં પર્સમાં રાખેલાં, માત્ર એક સંગીત -અવાજ વાળું રમકડું સાથે રાખેલું અને એનાથી જ એ ખુશ રહેલી (બાકીનો સમય તો સૂઇ જાય).

એની આંખથી અવલોકન કરીને શીખવાની ટેવ વિશે ખ્યાલ હોવાથી જાહેર જગ્યાએ કે બીજે કશે ભાગ્યે જ અસમંજસ વાળી સ્થિતિ પેદા થઇ છે. એનો મુખ્ય ફાયદો એ થયો કે એ વધુ

હસતી-ખેલતી રહેલી અને રહે છે.

૫) બાળકોને કઇ ઉંમરથી વાંચવામાં રસ લેતા કરવા તે તો ચોક્કસ નથી પણ ‘ચોપડીમાં ચિત્રો ઘણું ખરું બધા શિશુને ખૂબ ગમતું હોય છે’ વળી સાથે સાથે ‘તેઓ વાંચનારની સાથે

એના અવાજ વગેરેને બહુ જ પસંદ કરતા હોય છે.’ બાળક સાથે આત્મિય થવાનો અને એની વિચારશકિત ખીલવવાનો આ ઉત્તમ ઉપાય મને લાગે છે.

વળી આ  રીતે બાળકો બહુ ઝડપથી વાંચતા અને વિચારતા થાય છે. ગ્રુપમાં સ્ટોરીટેલિંગથી તેઓ વધુ સામાજિક પરિચય પામે છે અને શીખે છે. (ભલે બોલતા શીખવાને હજુ વાર હોય)

બાળક સાથે ચિત્રોવાળી ચોપડી વાંચવાથી મુખ્ય ફાયદો એ છે કે જે બાળકો ‘આંખથી વધુ શીખે છે તેઓ સાંભળવામાં પણ રસ લેતાં થાય છે જે બહુ જ જરુરી છે.’

વળી કાનથી વધુ શીખી રહેલાં બાળકો ‘વાંચવામાં એટલે કે ચિત્રોના અવલોકનમાં રસ લેતાં થાય છે જ પણ બહુ જ જરુરી છે.’

આમ બાળકની એક ઇન્દ્રિય સાથે બીજી ઇન્દ્રિયનો વિકાસ થાય છે. શારિરીક રીતે વધુ ચંચળ બાળકો પણ આ રીતે વધુ ફાયદામાં જ રહે છે કારણકે આ સિવાય તેઓની અતિ ચંચળતા

ક્યાં તો તેમને વધુ આક્રમક – તોફાની કે ઝનૂની બનાવતી હોય છે.

૬) શારિરીક રીતે વધુ ચંચળ બાળકોને વધુથી વધુ ખેલકૂદ માટે પ્રોત્સાહિત કરવા તથા સાથે સાથે પ્રાણાયામ અને યોગાભ્યાસ જેવી પ્રવૃત્તિમાં વાળવા. આવા બાળકોને ‘તોફાની-તોફાની’ કહીને ઉતારી પાડવા કરતાં વધુ હિતાવહ એ જ છે કે તેઓ વધુને વધુ ખેલકૂદ અને પધ્ધતિસરની રમતો રમતાં થાય.

આવા બાળકો આગળ જતાં ઉત્તમ કક્ષાના ખેલાડી કે કોચ બની શકે છે. પણ તેમની આ ખૂબીને ‘તોફાની કે ઝનૂની વગેરે’ વિશેષણોથી વારંવાર ઉતારી પાડવામાં આવે તો તેઓનો વિકાસ

રુંધાઇ જાય છે.

૭) બાળકની એક અને ઘણુંખરું એક સાથે બે કે ત્રણ ઇન્દ્રિયથી શીખવાની પ્રકૃત્તિ જન્મજાત હોય છે તેમાં યોગ્ય આત્મિય વાતાવરણ અને સાચો અભિગમ તેમને બધુ નિખાર આપે છે.

૮) હજુ એક બીજી પધ્ધતિએ બાળક શીખે છે તે છે ‘તર્કશક્તિ’ જેની વાત ફરી ક્યારેક.

 

 

Next Page »

Blog at WordPress.com.