Hiral's Blog

March 22, 2019

વિરાજની કાલીઘેલી અને હકારાત્મક વલણ

અહિં પ્રી-સ્કૂલના લીધે એ ઘણાં રોજબરોજનાં અંગ્રેજી શબ્દો શીખ્યો છે. એની કાલી-ઘેલી સાંભળવાની એવી મજા પડે.

એનાં રોજ-બરોજનાં હાલનાં કેટલાંક શબ્દો:

‘વેઇટ’, ‘ડોન્ટ લાફ એટ મી’, ‘મી સીલી, મી ફની’, ‘માય ફોલ્ટ, સૉરી, ‘મી લીસન મમ્મી-પાપા, મી ગુડ બૉય, મેઇક સેન્સ’, ‘હાઉ લોન્ગ?’,

ઓલ મેસી, મી લાઇક ક્લીન, મી ડુ ટાઇડી મમ્મી, મી ગુડ બૉય.

દરેક વાતમાં ‘હા, ઓ.કે’

વિરાજઃ મમ્મી મી ટેઇક ધીસ બસ સ્કૂલે? પ્લીઝ?

મિલનઃ નો વિરાજ, ઘેર રમવાનું, સ્કૂલે નંઇ લઇ જવાની આ લેગો બસ. ટૂટી જાય.

વિરાજઃ ઓ.કે પપ્પા.

મિલન અને હું બેઉ વિચારીએ કે ‘હાંશ કેટલો ડાહ્યો છે એ પહેલાં જ વિરાજઃ ‘મી કીપ ધીસ બસ ઇન સ્કૂલ બૅગ પ્લીઝ?

—-

વિરાજ તને ખબર છે આ ક્યાં છે? જરા શોધાવને બેટા?

વિરાજઃ ઓ.કે મમ્મી

શોધવામાં લાગી જાય.

મેં પૂછ્યું, શું શોધવાનું છે ખબર છે?

વિરાજઃ આઇ ડોન્ટ નો. મી હેલ્પ યુ.

—-

પથારીમાં સૂતી વખતે સાથે રાખેલી વિરાજની રમવાની કાર ગાદલામાં, રજાઇમાં એને જડતી નહોતી.

મેં લાઇટ ચાલુ કરવાની ના કહી જેથી એ સૂઇ જાય તો બાજુના રુમમાં જઇને શોધે.

મેં કીધું અહિં ક્યાંથી મળશે? તો કહે, લાઇટ ચાલુ, આઇ સી હિયર. મી ફાઇન્ડ. નો પોબ્લેમ.

Advertisements

October 31, 2018

મમ્મી, દૂધ આપો પ્લીઝ!

મમ્મી, દૂધ આપો પ્લીઝ!

ટી.વી જોઉં મમ્મી પ્લીઝ!….

ઓકલેટ આપો મમ્મી પ્લીઝ!…વન! પ્લીઝ!

અઢી વરસનું ભટોડિયું જ્યારે પરમ વિનય વિવેકથી વાત કરે….જિદ કરે…બહુ અસમંજસમાં મૂકાઇ જઇએ.

 

જૈન શાસ્ત્ર પ્રમાણે આપણે પૂર્વભવના સંસ્કાર લઇને જન્મયા હોઇએ છીએ.

બાળઉછેરમાં આ વાત પર જાણે વધારેને વધારે શ્રધ્ધા બેસતી જાય છે.

વિરાજ બહુ ધમાલિયો ખરો, એકદમ વાંદરો, બોલતા નહોતું આવડતું ત્યારે જાણે કેટલીય વાર

રસ્તા પર આળોટીને પોતાની ચીડ, ગુસ્સો કે વ્યથા રજૂ કરતો.

 

પણ છેલ્લા ત્રણ -ચાર મહિનાથી તો એણે મારું અને આસપાસના સૌનું જાણે મન જીતી લીધું છે.

દરેક વાતમાં એ પ્લીઝ કહે જ.

મમ્મીને મીઠો અવાજ દેશે.

વિરાજઃ ‘બા!’

નાનીઃ ‘હા બેટા’,

વિરાજઃ ‘દૂધ આપો બા, પ્લીઝ!’

એવા તો મીઠડા અવાજે ને હાવભાવ સાથે બોલશે કે જે કામ હાથમાં હોય તરત પડતું મૂકીને બધું ધ્યાન એની સેવામાં લાગી જાય.

જેવું હું કે મમ્મી દૂધ આપીએ કે તરત જ,

વિરાજઃ ‘હેન્ક્યુ બા’.

હાય…કેવો મીઠો સંતોષ એનું કામ કર્યાનો મળે.

હું એને સૂ,સૂ, પોટી પણ કરાવું ત્યારે દરેક વખતે એ ‘થેન્ક્યુ મમ્મી’ અચૂક કહે જ!

સાથે એનું નિર્દોષ સ્મિત તો હોય જ. અઢી વરસનું ભટોડિયું પણ દરેક વાતમાં બહુજ વિનયી.

તોફાન કરે ને આપણે બોલાવીએ કે આંખ કાઢીએ તો કોઇ દલીલ વગર તરત જ,

કાન પકડીને ‘સૉલી મમ્મી’, બોલે. એને લડવાની પણ ઇચ્છા ના થાય.

કોઇ વાત સમજાવીએ તો ‘ઓ.કે મમ્મી’ તરત જ સહમતી દર્શાવે.

જિદ પણ કરે તો બહુ વિનયી રીતે….

એનાં આવા વર્તનથી મન એટલું ખુશ રહે છે, ડબલ કામ છતાં જાણે એનું બધું હોંશે હોંશે કરવાનું મન થાય.

ગઇકાલે એની પ્રી-સ્કૂલમાં પેરેન્ટ મીટીંગ હતી.

એ બધું રમે છે, વાતો કરે છે, બધાથી શૅર કરે છે. બે જણનો ઝગડો થાય તો ‘કાલ્મ’ કહીને મધ્યસ્થી બને છે.

રોજ રજીસ્ટર હોંશે હોંશે આપે છે. વિરાજ નામ બોલતાં ‘યસ’ કહે છે. ધમાલ કરે છે પણ બધું શાંતિથી સાંભળે છે…

છે ને…પૂર્વભવના સંસ્કાર કે બીજું કાંઇ?

આવો વિનય – વિવેક અમારા ઘરમાં એ અમને શીખવે છે. હું, મિલન કે જિના કોઇનાય વર્તનમાં ઘરની રોજિંદી બાબતોમાં સૉરી, થેન્ક્યુ, પ્લીઝનો વિનય – વિવેક નથી. અમે એનું અનુકરણ કરીએ તો પણ એની તોલે ક્યારે આવીશું ખબર નથી.

મસ્તીખોર પણ એટલો જ છે. ને હજુ રમકડાં પણ તોડીને રમે છે. જો કે ઘણુંખરું જોડતા પણ શીખી ગયો છે.

બેટરી, પાના, પકડ, સ્ક્રૂ , કાતર, ગ્લૂ ઘણું ખરું જાતે લેવા ,  જ્યાં ને ત્યાં ચઢીને અખતરા કરતાં પકડાય છે.

ત્યારે..’સૉલી મમ્મી, ઓ.કે મમ્મી….પ્લીઝ જોડો મમ્મી……તુટ્યું મમ્મી…સૉલી પ્લીઝ!’

ખરેખર ‘વિનય, વિવેક’ સફળતાથી કામ પાર પાડવામાં મુખ્ય શસ્ત્રો છે એ વાત તો એકદમ પાક્કી.

અને જિના, વિરાજ બંનેને બહુ નજીકથી મોટા થતાં જોઇ રહી છું ત્યારે ઘણુંબધું પૂર્વભવના સંસ્કાર જ છે એ વાત નક્કી.

September 9, 2018

અઢી વરસનો વિરાજ.

બાળકની આ ઉંમર સતત કાળજી માંગી લે. મમ્મી બે મહિના માટે અહિં આવી તો જાણે કેટલો આરામ.

આ ઉંમરમાં બાળક હજુ માનો પાલવ પકડેલો જ રાખે. થોડીક વાર દૂર રમે પણ મા આસપાસમાં જોઇએ જ.

જાતજાતનું કુતુહલ અને જાતભાતના અખતરા બાળક આ ઉંમરમાં કરે.

બે વરસના બાળકની દિવસના સમયે ઉંઘ ધીમે ધીમે ઓછી થવા લાગે.

એમનામાં એટલી સ્ફૂર્તિ હોય આપણને રીતસરના હંફાવે.

શારિરીક અને માનસિક બેઉ રીતે ઘણીવાર થાકી જવાય.

જો પોઝીટીવીટીના ઇંન્જેક્શન પાસે ના રાખીએ તો બાળકની જિદ અને

તેઓ પૂરું બોલીને સમજાવી ના શકે ત્યારે તેમનો ઉકળાટ ઘણી વાર અસહ્ય થઇ પડે.

ત્યારે સતત બાળકની મનોદશા વિચારીએ તો પરિસ્થિતિ સમજવી સહેલી થઇ જાય.

શરુઆતમાં પંદર દિવસ વિરાજ મમ્મી(નાની) સાથે જરાય ભળ્યો નહિં, હજુય મમ્મી-મમ્મી તો એને બહુ જ છે.

મારી હાજરી એને આસપાસમાં જોઇએ નહિં તો એ ક્યારે આકળ-વિકળ થઇ જાય કહેવાય નંઇ.

મમ્મી બહાર આંટો મરાવવા લઇ જાય તો એવી ઝડપથી એની ટોબુ સાયકલ મારી મૂકે કે મમ્મી બૂમો પાડતી રહી જાય.

જિના સાથે હોય તો જ મમ્મી વિરાજને લઇને બહાર જાય નહિં તો એકલા હાથે એ ઝાલ્યો ઝલાય નંઇ.

એ હજુ બોલતા શીખે છે. બે-ત્રણ દિવસથી એકાદ – બે વાક્યો બોલ્યો છે બાકી તૂટક શબ્દોથી એનું કામ ચલાવે છે.

જે મોટેભાગે મને જ તરત સમજાય છે એટલે કદાચ એ સતત મારી હાજરી ઝંખે છે.

પાડોશી બહુ સારા છે. બાજુમાં એક ઘેર કૂતરી પાળેલી છે એટલે છેલ્લા ત્રણેક મહિનાથી નિયમિત વિરાજ એમની સાથે આંટો મારવા જાય.

ક્યારેક એ અને જિના વેકેશનમાં દિવસમાં ત્રણ વાર જુલી અને સ્ટેલા સાથે લટાર મારવા જાય.

કુદરતી ક્રિયાઓ ઘણી ખરી સમજે છે પણ રમતમાં જીવ હોય એટલે દસ વાર કહીએ તો પણ બાથરુમમાં જવાનું ટાળે અને પછી રુમ બગાડે.

મારો ચહેરો જોઇએ ને તરત ‘સૉલી’ એવું મીઠું બોલે કે આપણને એનાં પર બહુ વહાલ આવે.

એને પોટી ધોવડાવવું જરાય નહોતું ગમતું. ઘણીવાર રડાવ્યો છે. હવે ધોવડાવી લે છે.

બહુ જ ચંચળ છે.  પણ મોટેભાગે બધી વાતે ‘ઓકે મમ્મી’ એવું મીઠું બોલે કે બધો થાક ઉતરી જાય.

હાથી એને અતિશય પ્રિય છે. કાંતિ અંકલના ઘરેથી જાતજાતના હાથી ખૂણે ખાંચરેથી ચિત્રોમાં પણ ગોતી લાવેલો.

છેલ્લે કાંતિ અંકલે એને ત્રણ હાથી (જે તેઓ રાજસ્થાનથી શૉ પીસ તરીકે લાવેલા એને ભેટ આપ્યા છે.)

રોજ એ હાથી ફેમિલીની ઘણી કાળજી લે છે.

એ હાથીની જેમ ચાલે અને બધાને મજા કરાવે. અમારા અંગ્રેજ પાડોશ જૂન અને જૂલી બંનેને ‘હાથી’ શબ્દ ખબર છે.

એનાં મામા-મામી એક અઠવાડિયું આવેલા ત્યારે એમની સાથે બહુ સરસ ભળી ગયેલો.

નાની અને મામા-મામી સાથે આ વેકેશનમાં અમે ઘણું હર્યા-ફર્યા.

સફારીમાં તો ઘેલો ઘેલો થઇ ગયેલો. વાંદરા ગાડી પર ચઢી બેઠેલા તે વાત એનાં મામાને પણ કહેલી. ઘણું યાદ રહે છે.

આખું વેકેશન છોકરાઓ મન ભરીને પાર્કમાં રમ્યા. થેન્ક્સ ટુ નાની.

June 1, 2018

અસમંજસ-આ તે કેવી માયા? 

આજે મને વિરાજે ‘બાય’ કહીને જવા માંડ્યું.

રોજ હું અને વિરાજ મોટેભાગે એની દીદી અને પપ્પાને બાય કરીએ અને પછી અમે અમારા નિત્યક્રમમાં પરોવાઇએ.

ધીમે ધીમે વિરાજ નર્સરી પણ જતો થઇ ગયો. જો કે શરુઆત થોડી અઘરી હતી. પાંચ કલાકના રુપિયા ભરીને હું એને બે કલાક જ મારાથી દૂર કરતી.

મારું બાળક રડે તો હું કેવી રીતે એકાગ્ર થઇ શકું? દુનિયાની બધી એકાગ્ર થવાની સુફિયાણી વાતો પોકળ વાતો લાગે.

ધીમે ધીમે એ ત્યાં જોનાથનના લીધે અને બીજા સ્ટાફ સાથે તથા બાળકો સાથે ભળી ગયો. મજાથી રમે.

હવે તો ચાર કલાક પછી પણ રમીને થાકે નહિં આવવું ના હોય.

બે-ત્રણ વખતથી એનાં પપ્પા સાથે પણ ખાસ કજિયો કર્યા વગર ગયો અને હોંશે હોંશે રમવા લાગ્યો.

આજે તો એણે મને ઘરથી બહાર નીકળીને એનાં પપ્પાની આંગળી પકડીને ચાલવા માંડ્યું.

જતાં જતાં મને ‘બાય’ કીધું ને હું રડી પડી.

એને છેક સુધી જતા જોયા કર્યું.

જો કે ગાડીમાં બેસતાં મને યાદ કરીને રડવા લાગ્યોને હું તરત દોડીને એને કારમાં બેસાડી આવી.

હું દીદીને લઇને તને લેવા આવી જઇશ હોં. એણે આંસુભરી આંખે હકારમાં માથું ધુણાવ્યું ને ગાડી ચાલવા લાગી.

આ તે કેવી માયા?

એ આજે જરાક વધુ છૂટો થયો મારાથી એની વેદના કે એ થોડો વધુ પગભર થયો એની ખુશી? અસમંજસ હજુ યથાવાત. કદાચ હવે આખી જિંદગી આ અસમંજસ જુદા જુદા સ્વરુપે માણીશ.

જિના અને એનાં દાદી.

Filed under: બાળ ઉછેર,બાળ બુધ્ધિ — hirals @ 10:39 am

જિના અને એનાં દાદી.

વિરાજ હંમેશા જિનાની પાછળ જ હોય, બિચારીનું રંગકામ, લખવા, વાંચવાનું બધું જ જાણે કે સ્થગિત.

જિનાના હાથમાં હોય એ જ રંગ, એ જ કાગળ અને એ જ ચોપડી વિરાજને જોઇએ.

રોજનો જાણે કે આ જ નિત્યક્રમ.

મને પણ બાળકોની આ ટેવ સામે કશો વાંધો નથી. આ તો આમ જ હોય.

થોડું વિરાજ જતું કરે ને થોડું જિના. એ જ તો જીવનની રીત.

વાત ભલે પેન્સિલ અને પેપરની હોય.

આમપણ હું ‘ભણવાનો સમય’ એવું કશું ખાસ કરું નંઇ. હા એ એકચિત્તે સ્થિર થઇને બેસી શકે , એકાગ્ર થઇ શકે એવા પ્રત્યત્નો જરુર કરું.

મોટેભાગે ગણિત, વાર્તા , વાક્ય પ્રયોગ, ફોનિકસ વગેરે રસોડામાં જ જિના મારી સાથે વાતો કરતાં કરતાં શીખે.

ક્યારેક એમ જ ક્યાંક આવતાં-જતાં રસ્તામાં વાતો કરીએ.

પણ હવે જુન મહિનામાં શાળામાં રિ-અસેસમેન્ટ.

મારા સાસુને પાંચ થી પંદર વરસના બાળકોને ભણાવવું બહુ જ ગમે. તેઓ જ્યારે પણ તક મળે આસપાસમાં અને હાલ એમને ત્યાં કામ કરવા આવે છે તે બહેનનાં બાળકોને દિલ દઇને ભણાવે.

મેં પહેલેથી જ વિચારેલું, જિનાનું ભણવાનું મમ્મી અહિં નહિં હોય તો વિડીયો દ્વારા આઉટસોર્સ કરી દઇશ.

મેં જિનાને પૂછ્યું તું બા સાથે રોજ એક કલાક બા કહે એમ સરવાળા બાદબાકી, રુપિયા-પૈસા અને ફોનિક્સ શીખીશ?

બાળકને મજા! હુહુરેરે……એનો ગમતો ટી. વી પ્રોગ્રમ છોડીને બા ક્યાં? હા, હું તો બધું બા નું માનું.

મમ્મી પણ તૈયાર. વોટ્સ એપ પર એનાં શાળાની રીતનાં સ્પેલિંગ વગેરે ફોટા પાડીને મોકલી દીધું.

વિરાજ અને હું આરામથી રસોડામાં રમીએ (રમતાં રમતાં કામ કરીએ) અને જિના બા સાથે હોંશે હોંશે ભણી લે.

ઝાઝા હાથ રળિયામણા ઃ) બાળકો પણ ખુશ ને બાળકોનાં બા-દાદા પણ ખુશ.

May 8, 2018

વિરાજ, નર્સરી અને નવું રુટીન

Filed under: બાળ ઉછેર,બાળ બુધ્ધિ — hirals @ 10:14 am

થોડાક જ દિવસોમાં કેટલો બદલાઇ ગયો?

વિરાજ માટે ફેબ્રુઆરીમાં ત્રણ દિવસ માટે અમુક કલાકની નર્સરી જોઇન કરી. ઉંઃ૨ વરસ. ભારે નટખટિયો, લાગણીશીલ અને માવડિયો.

મારા વગર કોઇની પાસે રહે જ નહિં. મિલન પાસે પણ નહિં. મારી સાથે જ સૂવાની જીદ જન્મ્યો એ રાતથી જ.

નર્સ વારે વારે એને એના પારણામાં મૂકવા કહે, પણ જેવો હું એને મારાથી દૂર કરું કે નોન-સ્ટોપ રડે.

ને જેવો મારા પડખામાં આવે કે ચૂપ ને મને વ્હાલ આવે એવા હાવભાવ બનાવે. જાણે મારો આભાર માનતો હોય કે હું એને સમજી શકું છું એમ ખુશ થતો હોય.

આ જ નિત્યક્રમ બે વરસ સતત. રાતે બાથરુમ જવા પણ ઉઠું તો પણ ભરઉંઘમાંથી ઉઠીને રડે. કેટલીવાર રાતે ઉઠીને વાંચવાનો મારો પ્રોગ્રામ એના રડવા સાથે ઠપ થઇ જાય.

મિલન ગમે તેટલું શાંત રાખે, ગયા વરસે એના બા-દાદા રમાડી રમાડીને ગમે તેટલું રમાડે પણ મને જોતાં જ હરખાય ને હું ના આવું ત્યાં સુધી રડે.

બહુ કાઠું મન કરીને એને બે વરસનો થયો ત્યારે થોડા કલાકો એની ઉંમરના બાળકો સાથે રમી શકે અને મને પણ મારા માટે સમય મળે વિચારીને નર્સરીમાં મૂક્યો.

નસીબના જોરે અને સતત વરસથી જે ફોકસ રાખીને જ્યારે જેટલો સમય મળે ‘ડેટા સાયન્સ’ ભણવાનું શરુ કર્યું એ ધગશ અને ખંત કામે લાગ્યા.

શરુઆતમાં વિરાજ અઠવાડિયા-પંદર દિવસમાં  સેટ થઇ ગયેલો કારણકે ત્યાં એક ટોડલર ગ્રુપ, બેબી ગ્રુપ ચાલે છે ત્યાં એ છ મહિનાનો હતો ત્યારથી લઇ જતી. એક ઉંમરલાયક કાકા (જોનાથન) સાથે એ ત્યાં રમતો.

એ વડીલ નર્સરીમાં પણ ગિટાર વગાડવા આવે. એમને બસ બાળકો બહુ ગમે.

વિરાજ એમને જોઇને એવો તો ખુશ થઇ ગયેલો અને સરળતાથી નવા માહોલમાં સેટ થઇ ગયો. જો કે શરુઆતમાં બંનેના લેવા-મૂકવાના સમય સેટ કરવામાં મિલને ઘણો સાથ આપ્યો,

જિનાને તો મિલન ઓફિસે નીકળતા મૂકતો જાય પણ જિનાને લેવા જતી વખતે વિરાજ સૂઇ ગયો હોય ત્યારે મારે કોઇની ને કોઇની મદદ લેવી પડતી.

હવે તો વિરાજ દિવસે ભાગ્યે જ સૂવે છે. સવારે વહેલો ઉઠે ને રાતે વહેલો સૂઇ જાય. હવે રાતે પણ ભાગ્યે જ ઉઠે છે. એટલે મારો ભણવાનો સમય રાતે ૩ થી સવારના ૬.

પણ દોઢ – બે મહિના પછી જરાક નાની વાતે આપણે એના મનથી વિરુધ્ધનું કર્યું કે કલાક તો સહેજે દેકારો કરે. અને આખા દિવસમાં આવું ઘણીવાર બને.

જો કે જિના સાથે આ અનુભવ હોવાથી ખબર કે આ ઉંમરનો પડાવ છે એને બધું જાતે કરવું હોય એ વાતનો બહુ ખ્યાલ કરું. થોડા દિવસોમાં એ પણ ઘણું જાતે કરતો થઇ ગયો.

એને વધારે સમય લાગશે એ ગણતરી રાખવી પડે એટલું જ. બાકી બહુ ડાહ્યો. મમ્મી પાસેમાં હોવી જોઇએ. બાકી બધું જાતે કરે. એવું તો વ્હાલ આવે. ક્યારેક સમયની તાણ વરતાય

પણ એની સાથે હાજર હોવાની એક ઓર મજા. જિના કેવી ઝડપથી મોટી થઇ ગઇ એટલે વિરાજને તો જાણે મન ભરીને જોઇ લઉં એવું મનમાં ઘણીવાર લાગણીનું વમણ ઉમટે.

—-

મિલન બહારગામ ગયો ત્યારે મને એણે બહુ લેવડાવી. બહુ જ રડે, કદાચ એના પપ્પાને મીસ કરતો હોય. નર્સરી નહિં જવા જીદ કરે. માંડ બે કલાક મૂકી ને ડ્રાઇવીંગ શીખું ને

તોય મારો જીવ બળે.

ગુગલ કર્યું કે આવા સંજોગોમાં બેબીને સાથે રાખી શકાય? જવાબ ‘હા’ મળ્યો ને જાણે બધા પ્રોબલેમ્સ સોલ્વ. ડ્રાઇવીંગ ઇન્સ્ટ્રકટરને પૂછ્યું એણે પણ હા પાડી માત્ર યુ.કે સ્ટાન્ડર્ડની બેબી સીટ હોવી જોઇએ.

એ તો હતી જ. ગયા બુધવારે હું એને જોડે લઇને ગઇ એ તો મજેથી તૈયાર થઇને પાછળની સીટ પર બેઠો. હાંશ,

પહેલા આ કેમ ના સૂઝ્યું?.

હવે કાલે પણ એને સાથે લઇને જ જઇશ. નર્સરી પણ હવે તો દોડીને રાજી રાજી થઇને જાય છે. લેવા જઉં ત્યારે પણ હજુ વધારે રમવું હોય.

ઉનાળામાં દિવસ પણ ઉઘડ્યો છે એટલે બહાર છૂટથી મન ભરીને પાણી, માટી, બાઇ, હિંચકા-લપસણી બધું રમે, હું લેવા જઉં ત્યારે બધું રાજી રાજી થઇને બતાવે.

જોનાથન (ગિટાર વગાડે છે તે કાકા) ની વાતો હાથથી અને તૂટક તૂટક કરે. હાંશ, એ ખુશ એટલે હું પણ ખુશ.

જો કે લેવા-મૂકવા મારે જ જવું એવો એનો આગ્રહ. એના પપ્પા મૂકવા જાય તો બહુ જ રડે છે.

મારું ભણવાનું પુરજોશમાં ચાલે છે. ઘણુંખરું શરુઆતમાં વર્ક ફ્રોમ હોમ હશે એટલે બહુ જ એક્સાઇટમેન્ટ છે કે હવે જલ્દીથી હું ફરીથી આઇ.ટી ફિલ્ડમાં કામ કરીશ.

પણ શરુઆતમાં પાર્ટ ટાઇમ કરીશ એવું ઇન્ટરનશીપ પતે એટલે કહીશ એવું વિચારું છું.

વિરાજને નર્સરીમાં સેટ કરવામાં જિનાનો ફાળો ઘણો મોટો. જન્મ્યો ત્યારથી એને લેવા મૂકવા સમયસર વિરાજ મારી સાથે હોય એટલે વિરાજને ઝડપથી તૈયાર કરવો ખુબ જ સરળ.

જે દિવસે નર્સરી હોય, જિના એને બધું પૂછે. આજે રડેલો? કોની સાથે રમેલો? બધા સાથે રમવાનું.

વિરાજ હજુ જોઇએ તેટલું બોલી શકતો નથી. પણ જિના સાથે બધી વાતો કરી લે અને ખુશ થઇને બધા જવાબો આપે.

—-

ખાસિયતઃ

નર્સરીમાં એની સાથે ક્યારેક થોમસ ટ્રેન લઇ જાય, ક્યારે ગાય, બકરી કે બસ સાથે રાખે.

પણ પાછા વળતી વખતે યાદથી એનું રમકડું અચૂક લે. મને ખ્યાલ ના હોય તો કહે, બસ? બા બા? મૂઉઉઉઉ…, છૂક છૂક?

February 10, 2018

જિના-વિરાજ

ડિસેમ્બર-૨૦૧૭. અમદાવાદ ભાઇના લગનમાં જઇ આવ્યા. દર વખતે પિહર શાંતિથી રહેવાનું વિચારીને જાઉં પણ સમયને તો પાંખો.

પલકારામાં થોડાક દિવસો ક્યાંય ભાગી જાય.

આ વખતે લગ્ન ટાણે જ પહોંચેલા. ઘરમાં ધમાલ. વિરાજ અવાજથી બહુ સંવેદનશીલ ને શરુઆતના બે દિવસ ખાસ સૂઇ ના શક્યો.

ધીમે ધીમે ઘડાયો પણ થોડું મગજથી થાકી જવાય.

હવે ખબર પડે, બધી મમ્મીઓ બહારની બધી પ્રવૃત્તિઓમાં કેમ ધીમે ધીમે મોળા પડવા માંડે?

અથવા ઘણુંખરું સ્ત્રીઓ કેમ વધુને વધુ ધાર્મિક થવા માંડે. માનસિક શાંતિની શોધમાં જ તો.

હશે, ગાડી બીજે પાટે ચઢી ગઇ.

ભાણી-ભાણીયાને મામાના લગ્નમાં ઘણી મજા પડી.

વિરાજ જરા સાજો-માંદો થયો. પણ મને બૅંગલોરની ધુળની એલર્જીથી બહુ ભારે શરદી-કફ થઇ ગયા.

અને ઘણી હેરાન થઇ.

એટલું સારું કે ઘેર બધા હોય એટલે છોકરાંઓ થોડીવારે સચવાઇ જાય.

લગ્નમાં જિના થોડો સમય છૂટી પડી ગયેલી તો જીવ અધ્ધર થઇ ગયેલો ને મેં નાસભાગ કરી.

જ્યારે હેમખેમ મળી તો જાણે ‘ભગવાન છે’ એવો અહેસાસ થયો.

 

૧) જિના પહેલી વાર મારા વગર પાંચ દિવસ ફોઇના ઘેર રહી. જો કે પિતરાઇભાઇ જોડે દિવસ રાત રમવા મળ્યું એટલે

મમ્મીની ગેરહાજરી એને ખબર ના પડી. મિલનનો જ આઇડીયા હતો ને મિલને જ એ રડે કે ના રહે તો એને સંભાળી લેશે એવી જવાબદારી

માથે લીધેલી.

 

 

૨)એનું લોજીક ક્યારેક જબરું મજાનું લાગે.

હું જુના કપડાં પહેરીને જોઇ રહેલી. સ્વાભાવિક થોડા ફીટ તો લાગે.

મેં મિલનને પૂછ્યું બહુ ફીટ લાગે છે?

જિનાઃ કપડાં તેં પહેર્યા છે તો પપ્પા કેવી રીતે બતાવી શકે? કે ફીટ છે કે નંઇ?

તું જાતે નક્કી કર.

 

૩) અમુક પહેલાંના કપડાં હવે નથી આવી રહેતાં. તો બેગ ગોઠવતાં સ્વાભાવિક મિલને કીધું

આ પણ ના પહેર્યું. કેટલા મનથી ખરીદેલું. નવું ને નવું હવે કોઇને કામ આવતું હોય તો આપી દે.

હું મોટેભાગે આપવામાં દિલદાર અને એમાંય મારે કામમાં ના આવવાનું હોય પછી બીજીવાર વિચારવાનું જ ના હોય.

આમેય મારા પરિગ્રહથી હું જ હેરાન એટલે જેટલું છોડવા યોગ્ય સહેલાયથી છોડવા પ્રયત્ન કરું જ.

પણ તોયે મિલને લાવેલું હોય એટલે એક-બે વાર વિચારું ને એમાં અમુક મહિના થઇ જાય એટલે પોતાનો બચાવ કરતાં કીધું,

મને આવી રહેશે વિચારીને રાખેલું પણ હજુ ફીટ થાય છે તો શું કરું?

જિનાઃ તો કહે વિરાજ ને, એનાં પહેલાં તો તેં મારી સાથે આ પહેરેલું, હવે એણે તારું પેટ મોટું કર્યું તો પપ્પાને શું કહેવાનું કે ફીટ છે ને બધું?

વાંક તો વિરાજનો તો કહે એને જઇને!

મારી આંખો એને તાકી રહી છે જોઇને જરા વધારે બોલાઇ ગયું કે ઉંધું બફાઇ ગયું ના હાવ-ભાવ સાથે વાત પણ બદલી દીધી, તારું પેલું ટૉપ મને બહુ ગમે.

આપણી લડવાની તાકાત?

 

૪) આજ કાલ ઓરીગામી ગમે છે. ચકલી (સુરેશદાદાએ બનાવી દીધી તે ગમી ગયેલી એટલે) મારી પાસે બનાવડાવી.

રંગબેરંગી ઓરીગામી માછલીઓનો તો ખજાનો ભર્યો છે. પોતે બનાવે ને ખબર કે વિરાજને જોઇશે જ એટલે પહેલી એને આપે

ને પછી બીજામાં રંગ પૂરે. વિરાજ રંગવાળી માંગે તો, ‘ખબર જ હતી, ધરાશે જ નંઇ’, જા બધી લઇ જા. એટલે વિરાજ ઉં..ઉં કરીને આપું કે લઉં ના હાવ-ભાવ સાથે ઉભો રહે.

આપવાનું કહીએ તો રિસાઇ જાય પણ બહેનને રડાવીને લેવાનો આનંદ પણ ના મળે એટલે હાથમાં માછલી પકડીને જિનાની બાજુમાં બેઠો રહે.

 

૫)  જે મળે તે ભારતીય એને ‘નટખટ કાનુડા’ની ઉપમા આપે. મસ્તી પણ એવી જ કરે.

અહિં મંદિરમાં હિંદુ સ્વયંસેવક સંઘ ‘બાળગોકુલમ’ ચાલે ત્યાં તો ચાર વરસથી ઉપરનાં બાળકો સાથે પણ રમે. મને ભૂલીને રમવામાં મશગૂલ.

જિનાની આગળ-પાછળ રહે. જિના દોડે તો પોતે દોડે. જિના ક્યારેક અચકાય પણ ઘણુંખરું સાથેને સાથે રાખે.

 

૬) જિનાનું બહુ ધ્યાન રાખે. સવારે એનાં બુટ, જેકેટ બધું એને સમયસર લાવી આપવામાં ઉમળકાભેર રસ લે.

૭) આ ઉંમરે છોકરાઓ ભારે ઉધમ મચાવે, ક્યારેક થાકેલા મા-બાપ અમે લડી પડીએ છીએ. બહુ કોશિશ કરીએ કે સંપ, સમજણ , સમતા

પણ દરેક વખતે ઉત્તિર્ણ થવું લગભગ અશક્ય…..

ઘણીવાર સમય, સંજોગો ઘણી અફડા-તફડી મચાવી દે.

 

૮) વિરાજ તોફાની તો છે જ, ભૂલથી ‘ફ્લાવર પૉટ ડેકોરેશનની સિલિકોન ગોળીઓ મૂઠો ભરીને ખાઇ લીધી.

અકસ્માતે એના હાથે આવી ગઇ ને મને ખ્યાલમાં નંઇ. એક-બે મિનિટે ખ્યાલ આવ્યો. ઘણીબધી એનાં મોંમા આંગળા નાંખીને કાઢી.

એમ્બ્યુલન્સ બોલાવીને ઇમરજન્સીમાં લઇ ગઇ.

હાંફળી-ફાંફળી મા સિવાય મારામાં કોઇ ઓળખાણ બચી  જ નહિં. એને જ તાકી રહેલી મારી આંખો કલાકો સુધી, જો કે એ તો રમવામાં મસ્ત હતો.

ડૉક્ટરે બે કલાક ઓબ્ઝર્વ કરીને રજા આપી. રાત્રે ઘણી ગોળીઓ પેટ સાફ કરવામાં નીકળી ત્યારે મન હાંશ થઇ.

ભગવાન છે જ. એનાં આવા તો કેટલાં પૂરાવા!

એકવાર બાથરુમમાં કમોડ સાફ કરવાનું બ્રશ જે સ્ટેન્ડ પર રાખીએ એ બાઉલનું પાણી પી ગયેલો. આખી રાત મને ચિંતા થયેલી,

ઉલટી થશે? ફુડ પોઇઝન થશે? વગેરે…વગેરે….

આવા અનુભવો પછી એક સંવેદનશીલ છોકરી વધુને વધુ બાળકોમાં ને પોતાની ફરજોમાં ગુંથાતી જાય એ હવે સમજાય.

જ્યારે એમને સંભાળતા, સમજતાં થઇએ ને એમની સાથેનાં રુટીનમાં ઓતપ્રોત થઇએ

ત્યાં સુધીમાં તો એમને પાંખો આવી જશે ને ગગનમાં ઉંચે ઉડતા જોવા આ (ત્યારે ઘરડી થઇ ગયેલી) આંખોને ટેવાવું પડશે.

December 1, 2017

૨૦ મહિનાનો વિરાજ

૧) મિલન ઓફિસ જઇ રહેલો. બૂટ પહેર્યા પછી એને તરસ લાગી એટલે મને કહે ‘પાણી આપીશ?’

હું રસોડામાં ગઇ ને વિરાજ તો મારી પાછળ જ હોય.

મારા હાથમાંથી એણે પાણીનો ગ્લાસ માંગ્યો. એં…એં…ઉંચો થઇને….એં…એં

સ્વાભાવિક રીતે હું આપી દઉં કે એને તરસ લાગી છે પણ મિલનને મોડું થતું હોઇ મેં એને ના આપ્યો

‘બેટા, બે મિનિટ તને બીજા ગ્લાસમાં આપું છું.’ મેં કીધું,

તો વધારે એં એં કરીને હાથમાંથી ઝુંટવવાની કોશિશ કરી.

એ બહુ તરસ્યો છે જાણી મેં એને હાથમાં પાણી ભરેલો ગ્લાસ દીધો (ભલે બે ઘૂંટ પીતો)

મિલન જરા અકળાયો (પાણી માટે નહિં પણ સવાર સવારમાં કારપેટ પર ઢોળાશે ને ભીની થશે ને કામ વધશે એ બીકે)

મારી તો બાવાના બેઉ બગડ્યા જેવી હાલત!

પણ બીજું કંઇ બોલીએ કે વિચારીએ એ પહેલાં વિરાજે પપ્પાને પાણી દીધું પીવા માટે ઃ)

એનાં ચહેરા પર ત્યારે જે વાત્સલ્ય, પ્રેમ, ગર્વના ભાવ હતાં,

અમારી આંખો દ્વારા મન પર કાયમ માટે અંકિત થઇ ગયાં.

૨) જિનાનું સ્કૂટર, બૂટ બધું શાળાએ જવાના સમયે  તૈયાર રાખે.

૩) બોલતાં ફાવતું નથી પણ પ્રતિક્રિયા દરેક વાતની બરાબર આપે. બધું જ સમજે છે.

૪) કશું પણ ઢોળાય તો તરત પોતું કરી લે.

૫) એક વાર લોટનો ડબ્બો ઢોળી દીધો તો તરત સૂપડીને ઝાડૂ લઇ આવ્યો.

શાબાશી જ આપવાની હોય એ વાત જૂદી છે કે એણે વધારે લોટ બધે પ્રસરાવી દીધો પણ એને સફાઇની ધગશ ઘણી.

૬) ખાતાં ખાતાં ઢોળાય તો જિના હજુ આળશ કરે પણ વિરાજ તરત સાફ કરવા લાગી જાય.

૭) ફુગ્ગા અતિશય પ્રિય પણ જો ફૂટી જાય તો તરત જ કચરાટોપલીમાં નાખી આવે. રોજનાં બે-ત્રણ ક્યારેક ફૂટે.

૮) પ્રાણીઓ સાથે અતિશય પ્રેમ. રુમમાં પ્રાણીયોનો ચાર્ટ, એમનો અવાજ વારંવાર વંચાવે.

૯) એનાં રમકડામાં પ્રાણીઓનો સેટ દરરોજ એકાદ તો એની સાથે જ રાખે. ઘેંટુ, ગાય, ઘોડો, બહુ જ વહાલાં છે.

૧૦) કૂતરાં – બલાડાં રસ્તામાં ભાળે તો બધું ભૂલીને એમની પાછળ દોડે.

૧૧) ઘણીવાર શાળાએ પણ રમકડાંના પ્રાની, ટેડી કૂતરો, ફુગ્ગો સાથે જ હોય.

૧૨) રોજ ચાલતાં જ જિનાને લેવા-મૂકવા જઇએ. (નો બગી)

૧૩) પાણી સાથે કલાકો રમે. (એક વાસણમાંથી બીજામાં વગેરે અતિશય પ્રિય)

૧૪) જિના મારી સાથે ખરાબ વર્તન કરે તો તરત વચ્ચે પડીને જિનાને ધક્કો મારે

૧૫) કુદરતી કોલ્સ ઘણુંખરું સેન્સ કરી શકે છે પણ કમોડ પર બેસવું ગમતું નથી.

૧૬) મ્યુઝિકના તાલે એનું શરીર જબરું ડોલવા લાગે.

૧૭) બમ બમ બોલે ગીત ઓલ ટાઇમ ફેવરેટ.

૧૮) સંતાકૂકડી અતિશય પ્રિય રમત.

૧૯) જિના પાસે જે હોય તે જ જોઇએ. પાટી તો પાટી. પેન તો પેન, કલર તો કલર, કાગળ તો કાગળ ને કાતર તો કાતર. બિસ્કીટ તો બિસ્કીટ ને ચોકલેટ તો ચોકલેટ.

૨૦) બંને બહુ જ જિદ કરે પણ મમ્મી દુઃખી થઇ રહી છે જાણે તો તરત વળી જાય.

૨૧) પપ્પા સાથે ઘોડો ઘોડો રમવાનો ગાંડો શોખ.

૨૨) ચોપડીઓ, લેગો, બ્લોક્સ, ઢીંગલી, વાસણો, ખંજરી બધું જ રમવું બહુ જ બહુ જ ગમે. ટી.વી પણ બહુ જ પસંદ છે. (અતિશય વ્યસ્ત રાખવો પડે રમવામાં)

એ તો એકદમ સિમ્પલ છે.

૧)

મિલનઃ કેવી રીતે કરું કે ઇન્ડીયા પૈસા જલ્દી પહોંચી જાય? વાતવાતમાં બોલ્યો.

જિનાઃ એ તો એકદમ સિમ્પલ છે.

મિલન ચમક્યોઃ અચ્છા કેવી રીતે?

વોટ્સ-ઍપ કરી દ્યો. હવે દાદાને વોટ્સઍપ સરસ ફાવે છે. તમે ફોટો લઇને મોકલો ને એ ડાઉનલોડ કરી લેશે. એમાં શું? હેં ને મમ્મી.

પપ્પા ને મન એક અતિશય અઘરો કોયડો એનાં માટે કેટલો સરળ હતો એ ગર્વ અને એ હાવભાવ. વાહ!!!!

૨)

ખરેખર આજે બહુ ખોટી ટેવો હં. ચાલ, હવે બહુ થયું પહેલાં અંગૂઠા પકડ.

જિના બેઠેલી હતી તે બેઠેલી જ રહી જરાક નરમ ચહેરા સાથે.

કડક અવાજે ફરીથી કીધું, જિના, અંગૂઠા પકડ. પછી જ બીજીવાત.

પણ મમ્મી….

પહેલાં અંગૂઠા પકડ. વધારે કડક અવાજ કર્યો.

પણ મમ્મી…..

પહેલાં અંગૂઠા પકડ. વધારે કડક અવાજ કર્યો.

પણ પપ્પા…..

મિલનઃ મમ્મીનું માનવાનું બેટા…હું વચમાં નહિં બોલું.

મને ઘાંટો નથી પાડવો બેટા….કીધું ને અંગૂઠા પકડ.

જિનાઃ તે જો તો ખરી, ક્યારના પકડીને જ તો બેઠી છું.

નહોતું હસવું તો ય હસી પડયાં.

September 21, 2017

વિરાજ

વિરાજ દોઢ વરસનો થયો (૧૯ મહિના). સમયને તો જાણે પાંખો છે.

બહુ ધમાલિયો છે. એને વાંદરો એમ વારે વારે કહેવાઇ જાય છે.

જ્યાં ને ત્યાં ચઢી જાય. પડવાની કશી ફિકર નહિં.

જ્યારે ને ત્યારે માથે ઢીંમચું બાઝેલું રહેતું. હવે જરા પોતાને સાચવી શકે છે.

૧ વરસને ૨ મહિનાનો હશે ત્યારથી ઘરમાં કે બહાર કોઇ જગ્યા બાકી નહિં જ્યાં એ ચઢ્યો ને પડ્યો ના હોય.

ઉફ્ફ્ફ્ફ.

પણ હું ખોટી પડી. એક જગ્યા બાકી હતી. બાથરુમની હિટીંગ રૉડ. એ ત્યાં ચઢ્યો ને અડધે અટકી પડ્યો તો

એં એં કરતો જોઇને જીવ અધ્ધર થઇ ગયેલો.

પણ એને નીચે ઉતાર્યો તો હસવા માંડ્યો જાણે કહેતો હોય જોયું કેવું પરાક્રમ કરી શકું છું? ને પાછો ચઢ્યો.

ભારે જીદ્દી. ધારેલું મૂકે જ નંઇ. ક્યારેક એની જિદ છોડાવતાં મારી આંખમાં પાણી આવી જાય.

જિનાનો ભારે ઘેલો.

એની વાદે કે આસપાસનું વાતાવરણ અને મારા પ્રયત્નો એને ચોપડીઓ બહુ ગમે છે.

વાઘ, સિંહ, કૂતરો વગેરે પાનાં ફેરવતા જોતો જાય ને એમનાં અવાજ કરતો જાય.

એને બધાં જ રમકડાં ગમે છે.

રમકડાં ઘણું ખરું તોડીને જ રમે. હોય એટલું જોર કરીને બધું પછાડે, મરોડે.

ઢીંગલીને તેડી તેડીને ક્યારેક ફરે. (જિનાએ આવું ક્યારેય નહોતું કર્યું)

વિરાજને બધાં ટેડી પણ બહુ ગમે છે.

એને જોતા રહેવાની જાણે મજા જ મજા.

Next Page »

Blog at WordPress.com.