Hiral's Blog

October 23, 2019

સાડા ત્રણ વરસના વિરાજની કાલીઘેલી કે અવનવી વિશેષતાઓ

બાળકો ઘણુંખરું સાડા ત્રણ વરસના થતાં સુધીમાં ખોટું બોલવાની શરુઆત કરે છે.

તેઓ સામાજિક સ્વીકૃતિ માટે આ અભિગમ અપનાવે છે, અને આ કુદરતી છે.

ખોટું બોલતી વખતે એનાં મતે બે કારણો હોય છે.

૧) હું બહુ સારો કે સારી છું તેવું બતાવવા

૨) બીજાનું મન જીતવા (જ્યારે બાળકને ખબર હોય કે સાચું બોલવાથી લઢ પડશે ત્યારે તે ઘણુંખરું વાત બદલે છે)

ખોટું બોલતી વખતે એનાં સૂક્ષ્મ કારણો જાણીને એ રીતે હવે બાળકને સાચા-ખોટાની અને સાચી વાત કહેવા હિંમત જોઇએ વગેરે સમજ આપવી જરુરી છે.

કાંસકો નહોતો મળી રહ્યો, શાળાએ જવાનું મોડું થઇ રહેલું એટલે

હું વિરાજને લઢી, તને ત્રણ થી ચાર વાર ના કહી પણ તેં સાંભળ્યું નંઈ.

કાંસકાથી રમવાનું હોય સવાર સવારમાં?

ક્યાં મૂક્યો તેં કાંસકો?

વિરાજ તરત જ મારા મૂડને પામીને ખોટું બોલ્યો,

જિનાએ લીધેલો કાંસકો. મેં તો તરત પાછો મૂકી દીધેલો.

મારાથી તરત બોલાઇ ગયું, ‘જિના ક્યાં વચમાં આવી? ખોટું કેમ બોલે છે?’

જિના પણ તરત એનું નામ પડ્યું એટલે વચમાં આવી, ‘મેં નથી લીધો મમ્મી.’

જેવું એને સમજાયું કે મમ્મીને ખબર પડી ગઇ કે એ ખોટું બોલી રહ્યો છે

અને જિના સામે જ ઉભી છે કે તરત વાત બદલીને કહે,

ઓહ, કાંસકો, હા, હું રમી રહેલો પણ પછી ભગવાને છૂપાઇ દીધો.

હું તારું માનતો નહોતો ને, તો ભગવાન ડીડ મેજીક. આઇ એમ ટેલીંગ યુ,

ભગવાન હેઝ મેજીક પાવર. નાઉ આસ્ક ભગવાન.

એને ખબર છે કે ભગવાનને કેવી રીતે પૂછશે?

જિના તો સામે ઉભેલી એટલે ભાઇ પકડાઇ ગયેલા.

આપણને ભલે હસવું આવે, અમને બધાને ઘરમાં ત્યારે હસવું આવેલું ને અમે માંડ રોકેલું.

પણ સાડા ત્રણ વરસની આસપાસની ઉંમરે બાળક સામાજિક સ્વીકૃતિ માટે વાતને બદલે છે.

તે પછી પણ એણે ઘણીવાર આવું કર્યું છે, દરેક વખતે એને પ્રેમથી સાચું બોલવાનું એવી સમજ આવીએ છીએ.

અને એ સાચું બોલે ત્યારે એને શાબાશી પણ આપીએ છીએ એટલે ધીમે ધીમે એ પોતાની ભૂલને

‘સૉરી’ કહીને પતાવવા અથવા તો એનાથી જે ભૂલ થઇ હોય એ સુધારવા પ્રયત્નશીલ રહે છે.

Note: મેં અવારનવાર વાપરેલા શબ્દો કે વાક્યો.

તું બહુ હિંમતવાન છું. ખોટું કોણ બોલે? જે બીજાથી ડરે તે. તું તો બહાદુર બેટો

પ્રોમીસ, હવેથી સાચું જ બોલીશ?

હવે ભગવાનનો વાંક જોવામાંથી કે એવી રીતે વાત બદલવાની ટેવમાંથી એ પાછો વળી ગયો છે.

ઘણુંખરું વિરાજ બહુ જ ધમાલિયો છે, વ્હીલ, કાર વગેરે રમકડાનો એને ગાંડો શોખ છે.

સાથે સાથે વિરાજને મને ચા બનાવી આપવી, ક્યારેક મને પીઝા બનાવી આપવો , કોઇ વાર શરબત કે જ્યુસ બનાવવું એવી

રસોડાની રમતો પણ બહુ ગમે છે. ટુંકમાં એ મને લાડ કરે છે કે મારી કોપી કરીને મને વ્હાલ કરે છે અથવા

એ મારી જેમ બધું કરી શકે છે એવું બતાવવા પ્રયત્ન કરે છે.

ટુંકમાં ઘરકામમાં એ મારી બધા જ કામમાં મદદ કરે છે.

મારી બહેનપણી આવેલી ત્યારે પણ વિરાજે મારા માટે રમકડાના કપમાં ચા બનાવી,

એટલે મારી બહેનપણી કે તું સાચું ખાવાનું ક્યારે બનાવીશ? મને ખવડાવીશ?

તો કહે, ‘હા, જ્યારે હું મમ્મી બનીશ, હું મમ્મીની જેમ બધું બનાવીશ’. હું બધાને ખવડાવીશ.

એ પછી ત્રણ-ચાર વાર એણે મને પૂછ્યું છે, ‘હું મમ્મી ક્યારે બનીશ?’

જિનાને એકવાર હું લડી રહેલી તો એને એવી વ્હાલથી સાચવે એકદમ મારી જેમ જ.

જિનાને લડ પડી રહેલી તે એનાથી સહન ના થયું. ઉપરાણું લેવા એ તરત વચ્ચે પડ્યો.

મને એણે કહી પણ દીધું,

‘તું જિનાને સૉરી કે, એ મારી દીદી છે અને હું એને બહુ પ્રેમ કરું છું’.

તારે કે કોઇએ એને લડવાનું નથી. ખબરદાર જો જિનાને કોઇએ કંઇ કીધું છે તો?

બેઉ ભાઇ – બહેન એકબીજાને વ્હાલ કરવા લાગ્યા.

જિનાને શાંત કરવા મારી જેમ જ એના માથે વ્હાલથી હાથ ફેરવી રહેલો.

(એ અમારા જ શબ્દોની અને હાવભાવની નકલ કરી રહેલો.

ભાઇ-બહેનના ઝગડામાં આપણે ક્યારેક વચ્ચે પડીએ અને સમાધાન કરવા કે એને અથવા જિનાને શાંત કરવા કીધું હોય એમ જ.)

બહુ વ્હાલો અને મીઠડો લાગ્યો. ભાઇને બહેન માટે બહુ લાગણી છે વિચારીને ગર્વ પણ થયો.

એક સેકન્ડ માટે મને વિચાર આવ્યો કે જિનાને સાચવે છે એવું જોઇને હું જે રીતે અંદરથી ખુશ છું એવી જ ખુશ હું

એની પત્નીને સાચવશે ને કદાચ મને ક્યારેક ‘સૉરી કહેવાનું કહે’ તો હું આ જ રીતે અંતરથી ખુશ થઇ શકું એવા આશીર્વાદ આપજે ભગવાન.

આવી ક્ષણોમાં આપણાં સૂક્ષ્મ વિચારો બહુ અગત્યના હોય છે.

ત્યારે હું યાદ રાખી શકું કે એ મારી જેમ જ કાળજી કરી રહ્યો છે. એ મારી કાળજી કરવાની રીતની નકલ કરી રહ્યો છે.

વિરાજની દલીલો ક્યારેક જોરદાર હોય,

મારે બે દિવસ એક ટ્રેનિંગ માટે બહારગામ જવાનું હતું.

મને કહે, તું ના જા મમ્મી, પ્લીઝ.

મારું પણ મન નહોતું માનતું . પહેલીવાર આમ એને છોડીને જઇ રહેલી.

મિલને જ મને મનથી મજબૂત કરેલી.

મિલન કહે, હું છું ને!, મમ્મીને જવા દે!

વિરાજ દલીલ કરી રહેલો, પણ મારી કોઇ ભૂલ થઇ ગઇ અને તમને ગુસ્સો આયો

અને મમ્મી ના હોય તો મારું કોણ ધ્યાન રાખશે?

તમને ગમશે કે મારું કોઇ ધ્યાન રાખવા વાળું ના હોય?

મમ્મી તને લાગે છે કે તારે તારા બેટાને આમ મૂકવો જોઇએ?

‘ના’ ને?

એટલે કહું છું તું ના જા. પ્લીઝ.

આજે સવારે બનાના મિલ્કશૅક બનાવેલો. એમાં ઉકાળાનું દૂધ મિક્સ કરેલું અને એને સ્વાદમાં મજા ના આવી.

એણે જિનાને પૂછ્યું, તને ભાવ્યો? જિનાએ મોં બગાડ્યું. નથી સારો બન્યો.

મેં કડક અવાજે કીધું, ભાવ્યું-ના ભાવ્યું કાંઇ નંઇ, ચૂપચાપ પી લો.

સરસ બન્યો છે, જરાક જૂદો સ્વાદ છે એટલું જ.

જો મેં આખો ગ્લાસ મિલ્કશૅક પીધો ને!

હવે વિરાજ મને સમજાવી રહ્યો.

આજકાલ એની સમજાવટની સ્કીલ પૂરબહારમાં ખીલી રહી છે.

ક્યારેક એ નોન્સ્ટોપ બોલે છે.

મને કહે, ‘મમ્મી એ જ તો,

આ મિલ્કશૅક મોટાઓ માટે બહુ સારો છે અને શાબાશ કે તેં પી લીધો.

પણ

આમાં જે વસ્તુ નાંખી છે તે નાનાં બચ્ચાંઓ માટે સારી નથી.

હું કહું છું ને તને!

એનાંથી અમારું પેટ બગડી શકે છે.

જો મારું કે જિનાનું પેટ બગડશે તો તને કેવી રીતે ગમશે?

તને દુઃખ થશે, અરેરે..મેં ક્યાં આ લોકોને મિલ્ક્શૅક પીવડાવ્યો?

થશે ને એવું?

એટલા માટે કહું છું કે તું અમને ફોર્સ ના કરીશ.

મેઇક સેન્સ?

યુ લીસન?

યુ આર માઇ ગુડ મમ્મી. થેન્ક્યુ.’

હું તો વિચારતી રહી ગઇ.

જોયું, બાળકો કેવી કોપી કરે?

જો કે થોડીવારે રમત-રમતમાં થોડો વધારે મિલ્કશૅક પી પણ લીધો.

બાળકો બધી નાની-મોટી વાતે આપણી કોપી કરે.

વિરાજને ઘર સફાઇમાં પણ મારી કોપી કરવી એટલી જ પસંદ છે.

જમીને ટેબલ સાફ કરવાનું હોય કે બાથરુમ સાફ કરી રહી હોઉં, ઘણુંખરું વિરાજ મારી મદદ કરે જ.

એની ઘરકામમાં મારી મદદની ભાવનાને પ્રોત્સાહન આપી શકું એટલે મેં ઘરે જ બધા

નોન-ટોક્સિક ક્લીનીંગ લીક્વીડ બનાવ્યા. વીનેગર મેઇન ઇન્ગ્રેડીંયન્ટ.

બાથરુમનો કાચ હોય કે ડાઇનીંગ ટેબલનો, બારી-બારણાંના કાચ કે અરીસાના કાચ.

નાની સ્પ્રે બોટલ અને રંગીન માઇક્રોફાઇબર કોલ્થ લઇને બેઉ એવું ચકચકીત સાફ કરે.

વીનેગરમાં મુખ્ય માઇલ્ડ સાઇટ્રિક એસિડ જે લીંબુની ગરજ સારે.

એટલે એનાથી ચમકતી સાફ વસ્તુઓ બંનેને સફાઇનો બહુ આનંદ આપે.

જિનાને ઘરની સફાઇમાં આટલો રસ નહોતો જેટલો વિરાજને છે.

પણ વિરાજને જોઇને એને પણ થોડો પોરો ચડ્યો છે.

દિવાલ પરના મોટાભાગના બાળકોના રંગ-રોગાનના લીટા હવે એ વીનેગરથી ગાયબ છે.

તેઓ જ ઘણુંખરું સાફ કરવા સાથ આપે છે. જો કે બંનેને હજુ દિવાલો પર લીટા કરવા બહુ ગમે છે.

મિલનને જરાય નથી ગમતું એટલે બંને પક્ષે થોડું સમાધાન ચાલુ જ છે.

October 14, 2019

બાળ ઉછેરમાં મારા પાડોશી મિત્ર

અમે જોબ અર્થે વિદેશ આવેલા પણ મારા વડસાસુની કાળજી કરીને મારા સાસુ-સસરાની પ્રાથમિકતા ભારત.

એટલે અજાણી ધરતી પર બાળઉછેર માટે ઘરમાં માત્ર અમે હુતો-હુતી. આઇ.ટીની જોબના કલાકો અને મિલનની જોબમાં

એને ટ્રાવેલીંગ પણ ઘણું. સરવાળે ઘરસંભાળ અને બાળઉછેરની મુખ્ય જવાબદારી મારી એમ વિચારીને સારા પગારની નોકરી છોડી.

કરિયર વુમનમાંથી થોડા વરસો માટે સ્વૈછિક નિવૃત્તિ સ્વીકારતા મનને પણ ઘણી તકલીફ પડી.

પણ મારા બાળકોએ મને ઘણું ઘડી. હું લોકો સાથે સરળતાથી હળતા-ભળતા શીખી. જાત-ભાતના લોકોનો પરિચય કેળવતા શીખી.

મારા અંગ્રેજી પાડોશી પણ ઘણાં માયાળુ. જ્યારે પણ મને બાળકો માટે કોઇ મદદની જરુર હોય તેઓએ હંમેશા સહકાર આપ્યો.

૭૩ વરસના એક દાદા-દાદી. જ્યારે પણ આવતા-જતાં બાળકોને મળે એમનામાં દિલથી રસ લે. એમને પ્રોત્સાહન આપે.

કાયમ બાળકોને યાદ દેવડાવે, યુ આર અ ગુડ બોય, ડુ ગુડ થીંગ્સ. લીસન મમ્મી, યુ આર સો ક્લેવર, યુ આર અમેઝીંગ  વગેરે.

લગભગ આંતરે દિવસે એ દરેક વખતે જાણે આ રીતે પણ મારી આડકતરી મદદ કરે જ.

જો જિના-વિરાજ ઝગડતા હોય કે વિરાજ જરાય મારું માનતો ના હોય તો ક્યારેક એ વચ્ચે પડીને પણ બાળકોના મનનું સરસ સમાધાન કરાવે.

યુ આર ગુડ, આર્ગ્યુ વીલ નોટ હેલ્પ. ડુ ટર્ન બાય ટર્ન. ઓલ્વેઝ હેપ્પી ટુ શેર. પેશંન્સ ઇઝ અ વર્ચ્યુ, આઇ વોન્ડ ડઝન્ટ વર્ક. એવું બધું પરિસ્થિતિ

અનુસાર બાળકોને જરાક કડક અવાજે પણ વ્હાલથી કહે. પછી બાળકોને બીજી વાતે ધ્યાન દોરે અને એમાં એમના વખાણ કરે ને કરે જ.

પછી મને કહે, બાળકો આવી પરિસ્થિતિમાં બીજાનું જલ્દી માની જાય એટલે વચ્ચે પડી. મારાથી રહેવાયું નંઇ, તને ખોટું તો નથી લાગ્યું ને?

ત્યારે એટલું સારું લાગે. બાળકો ખરેખર જલ્દી વળી જાય. એમનું તરત માની જાય. બાળકોને પાછું છેલ્લે પ્રોત્સાહન તો આપે જ.

ક્યારેય મને કે બાળકોને, ભારતને કે આપણી પધ્ધતિને જજ ના કરે.

ક્યારેક અમે વાત કરતા હોઇએ અને બાળકો પોતાનું ધ્યાન ખેંચવા મમ્મી, મમ્મી, મમ્મી કરે અને હું તરત એમને જવાબ આપું તો કહે,

લુક, મમ્મી ઇઝ ટોકીંગ, સો પ્લીઝ બી પેશન્સ, વેઇટ ફોર ટુ મીનીટ. કાઉન્ટ ટીલ હન્ડ્ર્રેડ.બાળક તરત ચૂપ.

મને પણ કહે, તું માતા છે. જરાક કડક તો રહેવું જ.

બધી વાતે તરત અટેંશન જરુરી નથી. તારે એમને તારી પ્રાયોરીટી બતાવવાની જ. એમણે તને અને બધાને અનુકુળ થતા શીખવવાનું જ.

વિરાજના જન્મ પછી જિના ક્યારેક બહુ જ જિદ્દી થઇ જતી તો હંમેશા  એમણે એક દાદીની ગરજ સારી છે. એને થોડો સમય, ભરપુર પ્રેમ અને પ્રોત્સાહન આપ્યા છે.

ખબર નંઇ કયા ભવનું રુણ હશે. પણ એમ થાય કે બાળઉછેરમાં જો આમ જ દરેક જણ માતાનો/વાલીનો સહકાર કરે તો?

October 11, 2019

જો બાળ ઉછેર સબંધી ઘરના સભ્યો કે માતા-પિતા વચ્ચે મતભેદ હોય તો શું કરવું?

દરેક જણ એના ચહેરાની જેમ જ એના સ્વભાવ, રીત-ભાત, ગમા-અણગમા અને વિચારોથી ભિન્ન છે.

ઘણુંખરું દરેક દંપતી સ્વભાવગત બાળઉછેરમાં પણ જુદી પ્રતિક્રિયા આપશે.

શરુઆતમાં આવી ઘટના મને બહુ તાણ આપતી. આમ કેમ ચાલશે? આવું કરાય?

શું મને ખબર નથી પડતી? શું હું ખોટી? બાળક પર શું અસર થાય? હું સામનો નહિં કરું તો બાળક શું શીખે?

લાગણીના તાણાવાણામાં ગૂંથાયેલા આ સવાલો બીજી વધારે ઉપાધિ વહોરતા.

જો આપણે ખોટા હોઇએ તો આપણી ભૂલ સુધારી લઇએ.

પણ જ્યારે આપણને સામેની વ્યક્તિ જે રીતે વર્તે છે તે બાળક માટે યોગ્ય નથી એવી વિચારધારા બંધાઇ જાય તો?

સમય, શક્તિ બેઉ વેડફાય તે નફામાં. તો કરવું શું?

બહુ સમય અને શક્તિ વેડફ્યા પછી વિચાર વલોણામાંથી જે જડ્યું તે થોડું- ઘણું આચરણમાં મૂકવા પ્રયત્ન કર્યો છે.

આવી પરિસ્થિતિમાં સૌથી પ્રથમ તો સ્વીકાર. સામેનાની કે પોતાની નબળાઇનો સ્વીકાર. પોતાની ભૂલનો સ્વીકાર.

ઉદાહરણ તરીકે  પિતા ઘણું ખરું વધુ ઝડપથી ધીરજ ગુમાવે, હવે માતા ગમે તેટલું સમજાવે એ પિતાની એક વ્યક્તિ તરીકે નબળાઇ છે.

કોઇની પણ હોઇ શકે. માતા પણ ઘણીવાર ધીરજ ગુમાવે જ. (હું  પણ ક્યારેક ધીરજ ગૂમાવી દઉં છું.) માણસ માત્ર ભૂલને પાત્ર.

બાળક સામે એ વખતે માતા-પિતાએ એકબીજાને ઉતારી પાડવા ના જોઇએ.

વસ્તુ પરિસ્થિતિને સંભાળવા કોશિશ કરવી, બાળકનું ઉપરાણું લેવા કરતાં સ્વીકારની પધ્ધતિથી ઝડપથી વાત થાળે પડી જ જતી હોય છે.

ઉદાહરણ તરીકે બાળકથી કાચની કોઇ વસ્તુ ફૂટી ગઇ.

કદાચ હું કે તમે એ પરિસ્થિતિમાં શાંત રહી શકીએ પણ ઘરની બીજી વ્યક્તિ જો એકદમ પ્રતિક્રિયા આપે તો?

ભાન નથી પડતું? વગેરે શબ્દો નીકળી ગયા. મોટેભાગે એ શબ્દો બાળકની ચિંતા કરીને જ નીકળ્યા હોય.

ક્યારેક વસ્તુનું નુકસાન વિચારાયું હોય, એ પણ સ્વીકારવું.

બાળકને શાંત કરવું,  ‘સૉરી’ કહી દે તો, ધ્યાન રાખવાનું ને, તને વાગ્યુ નથી ને? વગેરે શબ્દોથી સહાનૂભૂતિ આપવી, તને વાગી જાય તો? એટલે પપ્પા કે દાદા તને લડી રહ્યા છે.

તને તો બધા બહુ પ્રેમ કરે છે. એમ એને યાદ અપાવીને શાંત કરવું. આવા શબ્દોથી સામેની વ્યક્તિ ઘણુંખરું એકદમ શાંત થઇ જશે.

જો કોઇ વ્યક્તિ એકદમ માતાનો વાંક કાઢીને ગુસ્સો ઠાલવે તો?

તો પણ તે ઘડીએ સ્વીકારવું. બાળકની સામે દલીલ વગેરે ટાળવા. હા, સાચી વાત છે ભૂલ થઇ ગઇ, મોંઘાભાવની કારપેટ બગડી ગઇ.

મોંઘી વસ્તુ તૂટી ગઇ. પરિસ્થિતિને સ્વીકારવી. હશે હવે નસીબમાંથી ઉતરી હશે, તું કે હું શું કરી શકીએ? એમ વાતને વાળવા પ્રયત્ન કરવો.

કોઇને કોઇ રસ્તો નીકળી જશે. હજુ વધુ ખ્યાલ રાખીશ વગેરે કહીને શાંત રહેવા કોશિશ કરવી.

બહુ અઘરું છે પણ આ જ એક ઉપાય છે. આમ સમતા રાખતા હું મારા સાસુમાંથી શીખી છું.

ઉપર ઉપરથી કે માત્ર શબ્દોથી નહિં પરંતુ ખરેખર મનથી આમ કહેવા કે શાંત રહેવા પ્રયત્ન કરવો.

યાદ રાખવું બાળક દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણો પ્રતિભાવ શીખે છે.

છતાં જો સામેની વ્યક્તિ આકુળ – વ્યાકુળ હોય, કોઇ બીજી વાત જોડીને આપણને વધુ ઉતારી પાડે તો?

અથવા આપણે આકુળ-વ્યાકુળ થઇ જઇએ તો?

ત્યાંથી બીજે જતા રહેવું. બાળ માનસનો વધુ વિચાર કરીને પોતાની લડાઇ લડવા ના બેસવું.

પૂર્વગ્રહઓના બંધનમાં જકડાઇને લડાઇનું મેદાન તૈયાર કરવાથી બાળઉછેરમાં વધુ ભૂલો થશે. એના કરતાં

પછીથી શાંતિથી વાત કરી જ શકાય છે. ધીરજ અને મક્કમતા અહિં પણ એટલા જ અગત્યના છે.

એ ગુણોનો વિકાસ ક્રમે કરીને જ થાય છે. માતા-પિતા બન્યા પછી આ જ તો શીખવાનું છે.

બાળક દરેકની સાથે પોતાની લેણા-દેણી લઇને આવે છે.

મને તો ઘણીવાર દરેકની જુદી પ્રતિક્રિયા મસાલાના ડબ્બા જેવી લાગે છે.

બાળકના વ્યક્તિત્વ વિકાસમાં જરુરી અલગ મસાલો ઘરના દરેક સભ્યમાં ભગવાને ભર્યો હશે એવું વિચારવાથી અલગ પ્રતિક્રિયા સ્વીકારની શક્તિ વધે છે.

જે તે વ્યક્તિ કદાચ ખોટું વર્તન કરે છે (બાળક સાથે ગુનાની વાત નથી), એવું જ્યારે અનુભવું ત્યારે વિચારું કે

મારી જેમ ઘરમાં દરેક વ્યક્તિની અમુક નબળાઇઓ છે આપણે એકબીજાના પૂરક બનવાનું છે.

ઘરનાં દરેકને બાળક માટે લાગણી હોય જ બસ દરેકની પ્રાથમિકતા અને માનસિકતા જુદી હોય એ સ્વીકારવું

લાગણીને માન આપવું.

બાળકના જે તે વ્યક્તિ સાથેના સબંધ જે તે વ્યક્તિની જવાબદારી છે. બાળક દરેકની સાથે પોતાની લેણા-દેણી લઇને આવે છે. એ હંમેશા યાદ રાખવું.

બાળ ઉછેરના નામે ઘરમાં સુધારકેમ્પની પ્રવૃત્તિથી દૂર રહેવું એવું મેં મારા માટે નક્કી કર્યું છે.

(ઘણી ભૂલો કરીને હું આ શીખી છું. અને જેમ હું શીખી રહી છું તેમ ઘરની દરેક વ્યક્તિ પણ શીખી જ રહી હોય એ વાત પણ સ્વીકારતા શીખી છું.)

October 9, 2019

વિરાજ શીખે છે કે હું?

વિરાજ ગઇકાલે અચાનક રસ્તામાં બૂમ પાડવા લાગ્યો, મમ્મી જો વિરાજ, લુક મમ્મી હીયર.

જો વિરાજ.

મને કશું સમજાયું નંઇ. મને કહે, અરે આ રસ્તા પર.

રસ્તા પર પાર્કીંગ માટે જે જિગ ઝેગ લાઇન દોરેલી તે બધે એ ‘V’ વાંચી રહેલો.

તરત મને કહે, મમ્મી લુક એલીફ્ન્ટ, મેં કહ્યું ક્યાં?

તો કહે, અહિં : મેં જોયું તો રસ્તા પર ‘Keep Left’ માં ‘e’ વાંચી રહેલો.

મને યાદ આવ્યું, જિના પણ બરાબર આમ જ ગટરનાં ઢાંકણાં સુધ્ધા વંચાવતી.

બાળકોને શીખવું ગમતું જ હોય છે પણ જ્યારે એ શીખી રહ્યું છે તે ક્ષણે આપણો પ્રતિભાવ બહુ જ અગત્યનો છે.

હું બસ આટલું જ શીખું છું રોજે રોજ, કેવો પ્રત્યુત્તર આપ્યો? મેં કેટલું ધ્યાનથી એની વાત સાંભળી?

મોટેભાગે જ્યારે પણ હું બાળકો પર અકળાઇ હોઉં, મેં મારા મનને તપાસ્યું તો ત્યારે હું માનસિક રીતે બીજે ક્યાંક વ્યસ્ત હોઉં.

બાકી બાળક સાથે માત્ર બાળક બનીએ તો શીખવાડવા કરતાં મેં શીખ્યું વધારે છે.

Viraj is almost similar to jina for his reading and learning habits. is it miracle or is it parenting? is it child psychology or is it learning approach?

https://hirals.wordpress.com/2015/12/11/kidsinnocence25/

બાળક સાથેની સવાર અને શાળાની તૈયારી.

આજે સવારે ઉઠીને અમે વૃક્ષાસનની હરિફાઇ કરેલી,

અમે આમ રમતાં રમતાં, યોગાસનની હરીફાઇની સાથે સાથે કાઉન્ટીંગ કે પલાખા શીખતા શીખતા સવારની શરુઆત કરવા કોશિશ કરીએ.

ક્યારેક સૂર્યનમસ્કાર તો ક્યારેક અંગૂઠા પકડવા વગેરે આસનની હરિફાઇ કરીએ.

૧૦ થી ૧૫ મિનિટ ઘણુંખરું હવે મહાવરો કરતાં કરતાં સહેજે નીકળી જાય છે.

જિના ચક્રાસન કરે અને વિરાજ એની નીચેથી નીકળી જાય ત્યારે ઘરમાં બધાને હાસ્યયોગ થાય તે નફામાં.

વિરાજ ઝડપથી આઉટ થઇ જાય એટલે એ ‘રોબો મેન’ અમે જેમ કહીએ તેમ કરવું પડે.

રોબો….મો ..મો…રોબો….હેવ બાથ ….હેવ દૂધ ફસ્ટ….એમ એ રમતાં રમતાં તૈયાર થઇ જાય.

ક્યારેક જિના સાથે મિશન બાથ, મિશન બ્રેકફાસ્ટ, મિશન બેગપેક, વગેરે ટાઇમર સેટ કરીને રમતાં રમતાં તૈયાર કરીએ.

મારા સાસુ જિનાને ‘ચાલ મમ્મી-પપ્પાને સરપ્રાઇઝ આપીએ’ એમ પ્રોત્સાહિત કરીને એક્સાઇટમેન્ટની થીયરથી ઘણીવાર તૈયાર કરી દે.

ગયા વરસે મારા ભણવાની ધૂનમાં મેં ક્યારેક બધાની સવાર બગાડી. હશે, એ ભૂલોમાંથી જ તો શીખી.

બાળકના દિવસની શરુઆત અને રાતે નીંદર પહેલાંની ક્ષણો બહુ અગત્યની ક્ષણો છે.

એક વાલી તરીકે સૌથી શ્રેષ્ઠ મેમરીઝ આપવી એવો હંમેશા પ્રત્યત્ન કરું.

બાળક શાળાએ જતું થાય પછી દિવસનો ઘણો સમય ઘણું ખરું બહાર રહે છે.

જે થોડો સમય આપણે આપવાનો છે તે સમયે આપણું તેમની સાથેનું વર્તન, એમની સાથે હસતાં રમતાં ગાળેલી પળો એમનાં વ્યક્તિત્વ વિકાસ માટેની ઉત્તમ ક્ષણો છે.

September 18, 2019

બાળકો સાથે હંમેશા પ્રેમ અને ધીરજ કેમ રાખવી?

જો બાળકોને પ્રેમ, ધીરજ, આંતરિક શક્તિ, સમતા વગેરે શીખવવું હોય તો એ આચરણમાં મૂકવું જ પડશે.

જિનાના ટેનિસના કોચિંગમાં ગયેલા, પાછા વળતી વખતે એક મિત્રના ત્યાં જવાના હતા.

વિરાજને હું પાછળથી લઇ જઇશ એવું નક્કી કરીને જિના મારી બહેનપણી સાથે બેસી.

વિરાજ જીદે ચઢ્યો. મૂળ કારણ હતું કે વિરાજ બહુ જ ઉંઘમાં હતો.

એની જીદ હતી કે આપણે બધા એક જ કારમાં એમનાં ઘેર જઇએ.

એ નાનું બાળક એને સમજમાં નહોતું આવતું કે તો પછી આપણી કાર ત્યાં કેમ મૂકીને જવાય?

ત્રણ વરસનો છોકરો, બહુ જ આકરી એની જિદ.

પણ આવા સંજોગોમાં જ આપણે બાળકને કેમ સમતા રાખવી એ શીખવી શકીએ.

ઘણાં લોકો ઘાંટા પાડીને કે થપ્પડ મારીને બાળકોને એક મિનિટમાં કાબૂ કરી લે.

પણ આ રીતે આપણે બાળકોને શું શીખવીએ?

જો બાળક આપણું કહ્યું નથી કરતું તો એનાં એની પાસે ચોક્કસ કારણો હોય છે.

આવા અનુભવોમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે બાળક માટે વ્યક્તિત્વ વિકાસની સીડી બને છે.

જો આપણે

સૌથી પહેલાં તો આવી પરિસ્થિતિમાં ઇમોશનલી ડિટેચ થવું પડે.

આંતરિક શક્તિ કેળવવી પડે.

લોકો શું કહેશે એનો વિચાર પડતો મૂકીને

‘અસહ્ય પરિસ્થિતિમાં શાંત કેમ રહેવું? સમજ કેમ કેળવવી? વગેરે આપણું વર્તન એમને સમજાવશે’ એ વાત સતત યાદ રાખવી પડશે.

ધેટ ઇઝ ઓકે, આઇ અન્ડસ્ટેન્ડ, સમજું છું કે તારા માટે અઘરું છે, મને પણ તારી તકલીફ સમજાય છે,

તું શાંત થા, આપણે વાતને સમજીએ. હોઇ શકે મને તારી વાત સમજાઇ નથી રહી.

તું બોલ, તારે એનાં ઘરે જવું છે તો આપણે જઇએ જ છીએ ને બેટા.

હું તને બહુ જ પ્રેમ કરું છું. વગેરે પ્રેમ ભીના શબ્દોથી સતત બાળકને શાંત્વના આપવી એ પ્રથમ ફરજ છે.

ઘણીવાર બાળક એની જિદમાં રસ્તા પર આળોટે, વસ્તુ ફેંકે, આપણી પર શારિરીક જોર અજમાવે.

ત્યારે પણ જરાક કડક આંખ કરીએ તે બરાબર છે પણ અંતરમાં આવા સમયે તેના માટે માત્ર કરુણા અને પ્રેમ જ હોવા જોઇએ.

વિચારો સતત પ્રવાસ કરે છે. આંતરિક શક્તિ અને પ્રેમ બહુ ગજબના હથિયાર છે.

આ વાતો બાળકો આપણા વર્તનમાંથી જ શીખશે.

સૌથી પ્રથમ તો ઘરના દરેક સભ્યો સાથે આપણો પ્રેમાળ વ્યવહાર બાળકો માટે આદર્શ છે.

કોઇ સલાહ – સૂચન વગર જ બાળકો અનુકરણથી જ વધુ ઘડાય છે.

માતા તરીકેના રોલમાં જેમ જેમ ઓતપ્રોત થતી જાઉં છું સમજાય છે કે પોતાને જાણવાની,

પરમ પિતા પરમાત્માના ગુણો આત્મસાત કરવાની અનેરી તક એટલે માતા-પિતા બનવું.

બાળકો સતત આપણામાંથી શીખે છે.

જો આપણે ઘર અને બહાર બધે દરેકમાં પરમાત્મા જોઇને વર્તન કરતા હોઇશું તો ગજબનું સરળ જીવન છે.

અને એટલું જ સરળ પેરેન્ટીંગ.

વિરાજ બહુ સરળ છે. તરત માની જાય છે, વાતને સમજે છે. આવું ઘણી વાર ઘણાં બધા કહે છે.

મને પણ એ વાતે ગર્વ છે. પણ ઉંડાણથી વિચારું તો જાણે મારા વાણી-વર્તનનું પ્રતિબિંબ છે.

સાથે સાથે બાળક પૂર્વ ભવના સંસ્કાર સાથે જન્મે છે હંમેશા યાદ રાખવું. આપણે અમુક પ્રકારે આકાર આપી શકીએ પણ દરેક પોતાનો દીવો પોતે જ પ્રગટાવી શકે.

આપણું બાળક પણ આપણી જેમ જ એ ક્ષમતા સાથે આ ધરતી પર મનુષ્યભવમાં આવ્યું છે.

એની આત્માની શક્તિનો વિકાસ એ જ માત્ર આપણું કર્તવ્ય છે, બાકી બધું એની મેળે થઇ રહેશે.

સ્વભાવમાં સરળતા એ માતા બન્યા પછી મારો જીવનમંત્ર બન્યો છે.

અને તમારો?

September 4, 2019

નાની – મોટી ભૂલોની નાની-નાની પણ કિંમતી સજા

વિરાજ રસોડામાં કંઇક ગડમથલ કરી રહેલો. [3.5 years]

ઇલાઇચી ભરેલી પ્લેટને ભૂલથી હાથ લાગ્યો ને ધબાક દઇને પ્લેટ પડી.

આખા રસોડામાં ઇલાઇચી વેરાઇ.

હું રસોડામાં ગઇ કે શું થયું? વિરાજ ટેબલ નીચે છૂપાઇ ગયેલો.

બહાર જવાનું મોડું થઇ રહેલું પણ એને આમ છૂપાયેલો જોઇને એવું તો વ્હાલ આવ્યું.

પાસે જઇને મેં એને પ્રેમથી પૂછ્યું, ‘બેટા, ભૂલથી ઢોળાઇ ગઇ?’

એણે ડરતાં ડરતાં ‘હકારમાં માથું ધુણાવ્યું’.

મેં કીધું, કશો વાંધો નંઇ, હવે બધા દાણા ભરી લે.

મમ્મી જરાય વઢી નથી જાણી, એનામાં બમણું જોશ આવી ગયું.

મને નથી આવડતું.

અચ્છા, લઢ ખાવી છે?

પ્લીઝ , હેલ્પ મી મમ્મી.

મેં થોડા દાણા વીણ્યા ને કીધું હવે તું બધી ઇલાઇચી આવી રીતે આ પ્લેટમાં પાછા ભરી લે.

અને એણે ભરી લીધી. બે-પાંચ મિનિટે આવીને મને બતાવી ગયો.

મેં કીધું, શાબાશ. તેં ભૂલ સુધારી લીધી, મને બહુ ગમ્યું. નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખજે. ઓ.કે!

મને કહે, તું આવીને જોઇ લે, બધી ભરી લીધી ને?

કેવો હરખ એનાં ચહેરા પર.

અને મારા ચહેરા પર પણ.

મને એ કેવું તો વ્હાલથી ભેટ્યો ને જાણે કહી રહેલો, હું ચોક્ક્સ ધ્યાન રાખીશ અને ભૂલ કરીશ તો પણ સુધારી લઇશ.

—-

આજે જિનાની શાળાનો પહેલો દિવસ. [age: 7.5 years]

એ સમયસર ઉઠી ના શકી. સમયસર તૈયાર ના થઇ શકી.

બે-ત્રણ વાર એને પ્રેમથી  ટકોર કરી પણ એ એની મસ્તીમાં જ હતી.

શાળાએ મોડા પહોંચ્યા અને રજિસ્ટરમાં નામ લખવું પડ્યું.

રસ્તામાં જ એણે સૉરી ફીલ કરેલું એટલે હવે વધુ કશું કહેવા જેવું હતું જ નહિં.

મેં શાળાએ પહોંચીને માત્ર એટલું જ કીધું કે, નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખજે.

ઘેર આવીને આપણે ટાઇમ-ટેબલ બનાવશું.

રાત્રે સૂવાનું, સૂતા પહેલાં તૈયારી કરવાનું, સવારે કેટલા વાગ્યે ઉઠવું, અને કેટલા વાગ્યે ઘરેથી નીકળી જ જવું વગેરે

લીસ્ટ તું બનાવજે અને હું તારી મદદ તો કરીશ જ.

અત્યારે લીસ્ટ બનાવવા બે-ત્રણ વાર મારે આગ્રહ કરવો પડ્યો.

પણ પાછું એ એની મસ્તીમાં જ.

મેં પ્રેમથી પાસે બેસાડીને એને કીધું, પનીશમેન્ટ તો મળશે.

મને કહે, કેવી પનીશમેન્ટ?

‘I am willing to change my self, I am punctual. I value my time.’

દસ વખત આ પ્રમાણે લખવા કીધું. લખી રહી છે.

બહુ ધ્યાનથી, સુંદર અક્ષરોથી અને પૂરી નિષ્ઠાથી.

મારું કામ હતું એને સમયપાલન માટે માનસિક રીતે તૈયાર કરવી.

એને પોતાના કામ માટે જવાબદાર બનાવવી.

એણે દસ વાર લખી લીધું અને મને બતાવવા આવી.

તમે પણ એક નમૂનો જુઓ.

 

 

 

અમારી શાળા ગાંધી વિચારસરણીને વરેલી હતી.

અપવાદ સિવાય ક્યારેય કોઇ શિક્ષકે વિદ્યાર્થી પર હાથ ઉપાડ્યો હોય અવું ધ્યાનમાં નથી. મારા માતા-પિતાએ પણ ક્યારેય મારી પર હાથ ઉપાડ્યો નથી. મને એ વાતનો ગર્વ છે.

અંગુઠા પકડાવવા, ઉઠક-બેઠક કરાવવી (કાન પકડીને), છેલ્લી બેંચ પર ઉભા રહેવાની સજા, ક્લાસની બહાર ઉભા રહેવાની સજા થતી, કોઇ હોમવર્ક બે થી ૧૦ વાર કરવાની સજા વગેરે સજા થતી.

હું મારી સાત વરસની બાળકીને આ ઉપરાંત હકારાત્મક વાક્યો ૧૦-૧૫ વાર લખવાની સજા, કોઇ પુસ્તક વાંચીને મને સમજાવવાની, કોઇ ભાવતી વસ્તુનો બે દિવસ માટે ત્યાગ, ટી.વી કે સ્ક્રીનનો બે દિવસ માટે ત્યાગ વગેરે અવનવી સજા કરું જે મનોવિજ્ઞાનની રીતે પણ ઉપયોગી થાય.

ઘરના કામમાં દરેકે મદદ કરવી એ હું દરેકની ફરજ સમજું છું એટલે ઘરમાં કામ કરવાની સજા નથી કરતી. હા પશ્ચાતાપ રુપે વધુ નવકાર ગણવાનું ચોક્કસ સૂચન કરું.  કાંઇક ભૂલ થઇ જાય તો મંત્રજાપથી મન ઘડાતું હોય છે અથવા ગીલ્ટની ફીલીંગ થી મુક્ત બીજીવાર ભૂલ નહિં કરવા ઘડાતું હોય છે એવું હું માનું છું. પોતાને માફી આપવી એ બહુ જ જરુરી છે.

જ્યારે હું કોઇ માતા-પિતાને કે શિક્ષકને એમ કહેતા સાંભળું કે ‘વગર માર ખાધે કોણ મોટું થયું છે? ત્યારે મને બહુ જ પીડા અને આશ્ચર્ય થાય છે]

અપવાદ રુપે ક્યારેક આપણાથી ભૂલ થઇ જાય, ઘાંટો પડાઇ જાય, બાળક પર હાથ ઉપડી જાય તે કદાચ સમજી શકાય, પણ જો એ બધું બાળ ઉછેરમાં જરુરી છે એવી મનોવૃત્તિ હોય તો વાલી તરીકે આપણે બાળકને શું શીખવીએ છીએ?

મારા સાસુ મને હંમેશા યાદ અપાવે, પ્લીઝ તું આવેશમાં ના આવી જઇશ. શાંત થા, છોકરું છે, વગેરે શબ્દોથી એ મને શાંત કરે ત્યારે એમ થાય કે ઘરમાં સમજુ વડીલની હાજરી કેવી શીતળ છાંયા આપે.

મારામાં ધીરજ અને સમતાનો ગુણ કેળવવામાં મારા સાસુ-સસરાનો પણ એટલો જ સહકાર એમ કહેતાં મને ગર્વ થાય છે.

April 24, 2019

નાની-નાની વાતો

જિનાને ઘણાંની અમુક વર્તણુક કે અમુક વાર્તાલાપ પસંદ નથી પડતો.

જાણે એની એક બહેનપણી એને અતિશય ગમાડે છે અને જિનાને આ વાતથી તકલીફ છે. જે બહુ જ સ્વાભાવિક છે.

બહેનપણીનો આવો અતિશય આગ્રહ કે ‘જિનાએ માત્ર એની સાથે જ રમવું કારણકે એને જિના બહુ જ ગમે છે’ એ વાત સાથે જિનાનું બાળમાનસ સહમત નથી.

જિનાને બીજા લોકો પણ ગમે છે. પણ જિના એની બહેનપણીને કશું કહેતી નથી.

શરુઆતમાં જિના મને ફરિયાદ કરતી, પણ એના વતી હું બધે તો કેવી રીતે પહોંચીશ?

જિના પાસે કારણ જાણવા મળ્યું કે એની બહેનપણી દુઃખી થશે. બાળકો પોતે દુઃખી થવા તૈયાર હોય છે પણ બીજાને જલ્દી દુઃખી નથી કરી શકતા.

મેં એને ધીમે ધીમે માનસિક રીતે તૈયાર કરી. ક્યારેક વાર્તા કહીને તો ક્યારેક અમુક અનુભવો ટાંકીને.

જિના મક્કમતાથી એની બહેનપણીને વધારે દુઃખી કર્યા વગર એનું નવું સર્કલ બનાવી શકી.

પણ હજુ એની સામે આવા ઘણાં પડકાર છે.

કુટુંબમાં પણ અમુક વડીલ કે  ફ્રેન્ડસર્કલમાં મોટાઓ અમુક-તમુક આગ્રહ કરે છે જે જિનાને નથી ગમતું.

જિનાએ મને ઘણી ફરિયાદ કરી. મેં એની લડત એણે જ લડવી એવી માનસિક તાલીમ આપી.

પણ અહિં એ જ રીત જે જિનાએ એની બહેનપણી સાથે અપનાવી તે કામ નથી કરતી.

મોટાઓને માન આપવું તે એક વાત છે પણ વડીલ જ્યારે બાળકોની વાતનું માન નથી જાળવતા ત્યારે બાળક શું કરે?

જિનાએ તેવી વ્યક્તિઓથી વાત કરવાનું ટાળવા માંડ્યું છે. એણે એમ ધાર્યું કે તેઓ સમજી જશે. પણ એવું થતું નથી.

ત્યારે સવાલ એ થાય કે, શું કામ આપણે બાળકોને સાંભળી નથી શકતા? શું કામ આપણે એમને સમજી નથી શકતા?

શું કામ આપણે લાગણીના અતિરેકમાં બાળકોને આપણાથી દુર થવા મજબૂર કરીએ છીએ?

જવાબદાર કોણ? બાળકોને આપણે શું શીખવીએ છીએ? બાળકો સાથેનો આપણો વ્યવહાર નિર્દોષ હસવા-રમવાનો હોવો જોઇએ. નહિં કે આપણા આગ્રહને વશ થાય તો જ તેઓ સારા-ખોટા એવા ઢોળવાળો.

આસપાસમાં આવું બધું જોઉં ત્યારે દુઃખ થાય પણ આપણે માત્ર આપણાં બાળકોને મક્કમતાથી સાચું-ખોટું બતાવી શકીએ. બાકી એમનાં ગમા-અણગમા કે એમની લડત એમણે જાતે જ લડવી પડશે.

મને વિશ્વાસ છે કે જિના આવા અનુભવોથી સાચી દિશામાં ઘડાઇ રહી છે.

જિનાને એ વિશ્વાસ જરુર આપ્યો છે કે મમ્મી એની સાથે જ છે. જરુર પડશે ત્યારે મમ્મી વચ્ચે પડશે જ પણ ધીરજના ફળ મીઠાં.

એની લડત એ જાતે લડવા રાજી છે.

એક માતાના આશિષ.

March 22, 2019

વિરાજની કાલીઘેલી અને હકારાત્મક વલણ

અહિં પ્રી-સ્કૂલના લીધે એ ઘણાં રોજબરોજનાં અંગ્રેજી શબ્દો શીખ્યો છે. એની કાલી-ઘેલી સાંભળવાની એવી મજા પડે.

એનાં રોજ-બરોજનાં હાલનાં કેટલાંક શબ્દો:

‘વેઇટ’, ‘ડોન્ટ લાફ એટ મી’, ‘મી સીલી, મી ફની’, ‘માય ફોલ્ટ, સૉરી, ‘મી લીસન મમ્મી-પાપા, મી ગુડ બૉય, મેઇક સેન્સ’, ‘હાઉ લોન્ગ?’,

ઓલ મેસી, મી લાઇક ક્લીન, મી ડુ ટાઇડી મમ્મી, મી ગુડ બૉય.

દરેક વાતમાં ‘હા, ઓ.કે’

વિરાજઃ મમ્મી મી ટેઇક ધીસ બસ સ્કૂલે? પ્લીઝ?

મિલનઃ નો વિરાજ, ઘેર રમવાનું, સ્કૂલે નંઇ લઇ જવાની આ લેગો બસ. ટૂટી જાય.

વિરાજઃ ઓ.કે પપ્પા.

મિલન અને હું બેઉ વિચારીએ કે ‘હાંશ કેટલો ડાહ્યો છે એ પહેલાં જ વિરાજઃ ‘મી કીપ ધીસ બસ ઇન સ્કૂલ બૅગ પ્લીઝ?

—-

વિરાજ તને ખબર છે આ ક્યાં છે? જરા શોધાવને બેટા?

વિરાજઃ ઓ.કે મમ્મી

શોધવામાં લાગી જાય.

મેં પૂછ્યું, શું શોધવાનું છે ખબર છે?

વિરાજઃ આઇ ડોન્ટ નો. મી હેલ્પ યુ.

—-

પથારીમાં સૂતી વખતે સાથે રાખેલી વિરાજની રમવાની કાર ગાદલામાં, રજાઇમાં એને જડતી નહોતી.

મેં લાઇટ ચાલુ કરવાની ના કહી જેથી એ સૂઇ જાય તો બાજુના રુમમાં જઇને શોધે.

મેં કીધું અહિં ક્યાંથી મળશે? તો કહે, લાઇટ ચાલુ, આઇ સી હિયર. મી ફાઇન્ડ. નો પોબ્લેમ.

September 9, 2018

અઢી વરસનો વિરાજ.

બાળકની આ ઉંમર સતત કાળજી માંગી લે. મમ્મી બે મહિના માટે અહિં આવી તો જાણે કેટલો આરામ.

આ ઉંમરમાં બાળક હજુ માનો પાલવ પકડેલો જ રાખે. થોડીક વાર દૂર રમે પણ મા આસપાસમાં જોઇએ જ.

જાતજાતનું કુતુહલ અને જાતભાતના અખતરા બાળક આ ઉંમરમાં કરે.

બે વરસના બાળકની દિવસના સમયે ઉંઘ ધીમે ધીમે ઓછી થવા લાગે.

એમનામાં એટલી સ્ફૂર્તિ હોય આપણને રીતસરના હંફાવે.

શારિરીક અને માનસિક બેઉ રીતે ઘણીવાર થાકી જવાય.

જો પોઝીટીવીટીના ઇંન્જેક્શન પાસે ના રાખીએ તો બાળકની જિદ અને

તેઓ પૂરું બોલીને સમજાવી ના શકે ત્યારે તેમનો ઉકળાટ ઘણી વાર અસહ્ય થઇ પડે.

ત્યારે સતત બાળકની મનોદશા વિચારીએ તો પરિસ્થિતિ સમજવી સહેલી થઇ જાય.

શરુઆતમાં પંદર દિવસ વિરાજ મમ્મી(નાની) સાથે જરાય ભળ્યો નહિં, હજુય મમ્મી-મમ્મી તો એને બહુ જ છે.

મારી હાજરી એને આસપાસમાં જોઇએ નહિં તો એ ક્યારે આકળ-વિકળ થઇ જાય કહેવાય નંઇ.

મમ્મી બહાર આંટો મરાવવા લઇ જાય તો એવી ઝડપથી એની ટોબુ સાયકલ મારી મૂકે કે મમ્મી બૂમો પાડતી રહી જાય.

જિના સાથે હોય તો જ મમ્મી વિરાજને લઇને બહાર જાય નહિં તો એકલા હાથે એ ઝાલ્યો ઝલાય નંઇ.

એ હજુ બોલતા શીખે છે. બે-ત્રણ દિવસથી એકાદ – બે વાક્યો બોલ્યો છે બાકી તૂટક શબ્દોથી એનું કામ ચલાવે છે.

જે મોટેભાગે મને જ તરત સમજાય છે એટલે કદાચ એ સતત મારી હાજરી ઝંખે છે.

પાડોશી બહુ સારા છે. બાજુમાં એક ઘેર કૂતરી પાળેલી છે એટલે છેલ્લા ત્રણેક મહિનાથી નિયમિત વિરાજ એમની સાથે આંટો મારવા જાય.

ક્યારેક એ અને જિના વેકેશનમાં દિવસમાં ત્રણ વાર જુલી અને સ્ટેલા સાથે લટાર મારવા જાય.

કુદરતી ક્રિયાઓ ઘણી ખરી સમજે છે પણ રમતમાં જીવ હોય એટલે દસ વાર કહીએ તો પણ બાથરુમમાં જવાનું ટાળે અને પછી રુમ બગાડે.

મારો ચહેરો જોઇએ ને તરત ‘સૉલી’ એવું મીઠું બોલે કે આપણને એનાં પર બહુ વહાલ આવે.

એને પોટી ધોવડાવવું જરાય નહોતું ગમતું. ઘણીવાર રડાવ્યો છે. હવે ધોવડાવી લે છે.

બહુ જ ચંચળ છે.  પણ મોટેભાગે બધી વાતે ‘ઓકે મમ્મી’ એવું મીઠું બોલે કે બધો થાક ઉતરી જાય.

હાથી એને અતિશય પ્રિય છે. કાંતિ અંકલના ઘરેથી જાતજાતના હાથી ખૂણે ખાંચરેથી ચિત્રોમાં પણ ગોતી લાવેલો.

છેલ્લે કાંતિ અંકલે એને ત્રણ હાથી (જે તેઓ રાજસ્થાનથી શૉ પીસ તરીકે લાવેલા એને ભેટ આપ્યા છે.)

રોજ એ હાથી ફેમિલીની ઘણી કાળજી લે છે.

એ હાથીની જેમ ચાલે અને બધાને મજા કરાવે. અમારા અંગ્રેજ પાડોશ જૂન અને જૂલી બંનેને ‘હાથી’ શબ્દ ખબર છે.

એનાં મામા-મામી એક અઠવાડિયું આવેલા ત્યારે એમની સાથે બહુ સરસ ભળી ગયેલો.

નાની અને મામા-મામી સાથે આ વેકેશનમાં અમે ઘણું હર્યા-ફર્યા.

સફારીમાં તો ઘેલો ઘેલો થઇ ગયેલો. વાંદરા ગાડી પર ચઢી બેઠેલા તે વાત એનાં મામાને પણ કહેલી. ઘણું યાદ રહે છે.

આખું વેકેશન છોકરાઓ મન ભરીને પાર્કમાં રમ્યા. થેન્ક્સ ટુ નાની.

Next Page »

Blog at WordPress.com.