Hiral's Blog

April 16, 2017

એક માતાની ડાયરી-6

Filed under: એક માતાની ડાયરી — hirals @ 3:39 pm

દરેક બાળક એકદમ અલગ અને એકદમ ખાસ હોય છે એવું સત્ય છેલ્લા પાંચ વરસમાં અનેકવાર વિચારવાથી લગભગ આત્મસાત થઇ ગયું છે.

આ સત્ય જેટલું વધુ મનમાં ઘુંટાય છે તેટલું દરેક બાળક જ નહિં પરંતુ દરેક વ્યક્તિ માત્ર માટે એવી જ લાગણી જન્મે છે કે દરેક જણ એકદમ અલગ અને એકદમ ખાસ છે.

જો કે મારું નકારાત્મક મગજ ઘણીવાર બંડ પોકારે ને સામેના માણસની અતિશય ભૂલો(અવગુણો) ખૂબ સરળતાની શોધે, પણ મહામહેનતે આ સત્ય ‘કે દરેક જણ એકદમ અલગ અને એકદમ ખાસ છે’ હવે વધુને વધુ ઘુંટવાના પ્રયત્નમાં રહું છું. સમતા પ્રાપ્ત કરવાનો આ શ્રેષ્ઠ વિચાર મને એક માતા થવાના પ્રયત્નમાંથી જ જડ્યો છે.

ક્યારેય નહિં વિચારેલું પણ જિના અને વિરાજની સાર-સંભાળ, ઘર સંભાળ એકલે હાથે (મિલન તો અતિશય વ્યસ્ત) આ જવાબદારી નિભાવવાથી મને ઘણો ફાયદો આંતરિક રીતે થયો છે એ

વાત અહિં ખાસ નોંધીશ જેથી કેવા પણ સંજોગો હોય હું આ મહામૂલા ફાયદાને વિસારું નહિં.

કારકિર્દીની દોડે મને ઘણી સ્વાર્થી બનાવેલી. મારા જ માર્કસ આવવા જોઇએ. મારો રેન્ક જળવાવવો જોઇએ. બીજા બધા જાય ભાડમાં. આવું સંજોગો અનુસાર ઘણીવાર અજ્ઞાનતાવશ વિચારેલું છે.

પણ બાળક અને ઘરની જવાબદારીએ મને દુનિયાના દરેક માતા-પિતાને આદરથી જોતાં શીખવ્યું. એ મહાન મૂડી અનુભવ વગર લગભગ અશક્ય છે.

કારણકે બહારની દુનિયાની ચકાચોંધ, વાહવાહી, પૈસો કમાવવાથી વધતો અહંકાર ક્યારેક આપણને ઘણાં અથવા ક્યારેક માતા-પિતાને તુછ્છતાથી જોતા કરી શકે.

પણ નિઃસ્વાર્થ પ્રેમ, ત્યાગ, સમર્પણ અને એ પણ દ્રઢતાથી અને મક્કમ મનોબળ જાળવીને પણ વ્યક્તિત્વ વિકાસ થઇ શકે એ તો આત્માનુભવે જ સમજાયું.

ઘણીવાર વિચારું છું જેટલું ગાંધીજી વિશે શીખ્યા એનાથી અડધું પણ દરેક બાળકને કસ્તુરબા અને ગાંધીજીના કસ્તુરબા વિશેના ઉંચા વિચારો વિશે શીખવવું જોઇતું હતું.

મોહનદાસ ક્યારેય પૂતળીબાઇ અને કસ્તુરબા વગર ગાંધીબાપુ બની જ ના શક્યા હોત.

પૂતળીબાઇ અને કસ્તુરબાના ચરિત્રો આપણી પેઢી ભણી હોત તો કેટલું સારું થાત?

Advertisements

January 3, 2017

સાડાચાર વરસની જિના વિશે મારાં અનુભવો.

ગઇકાલે રાતે અચાનક જિના ‘રખે કદી તું ઉછીના લેતો પારકા તેજ ને છાયા’ ગાવા લાગી.

નવજાત બાળકી જિનાએ આ પ્રાર્થના મારા મુખે ઘણીવાર સાંભળેલી.

એ આરતી, સ્તુતિઓ, પ્રાર્થના, ઘણાં ફિલ્મી ગીતો સુંદર રીતે મારી સાથે ઘણીવાર લલકારે છે…..

એમાં આવતાં શબ્દોના અર્થ પૂછે છે અને બસ પૂછ્યા જ કરે છે.

૧૭-૧૧-૨૦૧૬ના રોજ અચાનક જિનાને ગુજરાતી મુળાક્ષર લખતાં શીખવાની તાલાવેલી લાગી.

એણે એકજ વાર જોઇને લગભગ ૨૦ જેટલાં મુળાક્ષર ખુબ સુંદર રીતે અને કૉપી કર્યાં.

મેં એને હાથ કે આંગળી પકડીને ક્યારેય નથી લખતાં શીખવ્યું. અને છતાંય એને સુંદર રીતે અંગ્રેજી અને ગુજરાતી (ઘણાંખરા મુળાક્ષર)

મરોડદાર લખતાં ફાવવા લાગ્યું?

નવ-દસ મહિનાની જિનાને હંમેશા જાતે ખાવા દીધું એટલે?

નવ-દસ મહિના જિનાને પીંછી ચલાવવાની ઇચ્છા હોય તો રંગકામ કરવા દીધું પેન હોય કે ચોક એને રંગવા દીધું એટલે કે?,

૧૫-૧૮ મહિનાની જિનાને કાતરકામ કે મારી સાથે લોટ બાંધવાની ઇચ્છા હોય એને કરવા દીધું એટલે કે?

મેં એને ક્યારેય રોકી-ટોકી નહિં એટલે કે?

કદાચ એટલે જ. એ આપોઆપ લખતાં શીખી રહી છે.

એની ધગશને લીધે દરેક તહેવારોમાં કંઇક નવું ઘરને શણગારવાની ઘણી મજા પડે છે.

ક્રિસમસ ડેકોરેશનમાં એ જાતજાતની ડિઝાઇન સુંદર રીતે કાપી.

ઓરીગામી પ્રત્યે એને ઘણો લગાવ છે. કાગળ સુંદર રીતે ફોલ્ડ કરીને ચોક્કસ આકારો આપી શકે છે.

—-

ગણતરી જાણે એને ઇશ્વરની અનેરી ભેટ છે.

—–

પિયાનો બહુ જ ગમે છે. સંગીત પ્રત્યે લગાવ પણ મેડિટેશનનો પ્રકાર જ છે ને!

—-

રસોડામાં મારી સાથે વાતો કરવાનાં લીધે એને ઘણી આરોગ્ય સંબંધી વસ્તુઓ અને એનાં ફાયદા-નુકશાન સબંધી પણ ઘણી ખબર પડે છે.

એ જ્યારે વાતો કરે ત્યારે ખ્યાલ આવે કે કેટલી ઝીણવટથી એ બધું અવલોકન-પ્રશ્નોત્તરી અને જાણકારી મેળવે છે.

—-

યોગ, પ્રાણાયામ વગેરે કોપી કરવું, કેવી કસરત કયા દુખાવામાં કામ લાગી શકે વગેરે પણ એનો શોખનો વિષય છે.

—-

સ્વીમીંગ પણ ઘણું ગમે છે. એક વરસથી બંધ કર્યું છે અને વારેવારે ચાલુ કરવાની જિદ કરે છે. આ ટર્મથી શક્ય બની શકશે એવું લાગે છે.

—-

બાળકોને બાળવાર્તાની સાથે સાથે કુટુંબના સભ્યોની બાળપણની વાતો અને દરેકની ખાસયિતો અને

પ્રેરણાદાયી પ્રસંગો અદ્ભુત ગમે છે અને ઘણું શીખવે છે.

દુનિયાને બદલી નાંખનાર મહાનુભાવો વિશે શીખશે ત્યારે શીખશે પરંતુ પાંચ વરસ સુધીમાં

ઘરનાં સભ્યો વિશેની વાતોમાંથી ઘણું ગ્રહણ કરે છે.

—-

ઘરકામ, સાફસફાઇ બધામાં યથાશક્તિ રસ લે છે.

—-

સ્ટેજ ફીયર બિલકુલ નથી ઉલ્ટું સ્ટેજ પર પર્ફોર્મ કરવું ઘણું ગમે છે.

—-

બધા સાથે સહેલાઇથી ભળી શકે છે. બહુ જ માયાળુ છે. વાતો બનાવીને વ્હાલા થતાં પણ આવડે છે.

—-

મારા મતે,

બાળકના હાથમાંથી દુધનો પ્યાલો ઢોળાઇ જાય ત્યારે તમે શું અને કેવી રીતે પ્રત્યાઘાત આપો છો

એવાં અગણિત બનાવો જે એ પાંચ વરસની ઉંમર સુધી અનુભવે છે એનો સીધો સંબંધ તમારા

બાળકના વ્યક્તિત્વ વિકાસ સાથે છે.

ચાઇલ્ડ પ્રોડીગી તરીકે એનાં પ્રત્યે ધ્યાન આપવું કે એ દિશામાં પ્રયત્નો કરવા?

કે એની પોતાની ઝડપ જ યોગ્ય છે?

બાળમાનસ પર અને લાંબા ગાળે એની શું અસરો હોઇ શકે?

ચાઇલ્ડ પ્રોડીગી તરીકે ઝડપભેર ઘણું શીખીને વાહ વાહ મેળવીને ભવિષ્યમાં કેવા પડકારો હોઇ શકે?

એ વિશેનાં કેસસ્ટડી વિશે જાણકારી ક્યાંથી મળી શકે?

સવાલો ઘણાં છે.

મારાં માટે સવાલો ઘણાં છે.

December 12, 2016

તને મમ્મી મમ્મી થાય.

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તું ઊભો થવા જાય,

ધડામ દઇને પડી જાય ને

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને દાંતમાં ખણ થાય,

પીડા એવી કે જે મલે તે મોંમા

પછી મમ્મીને ચિંતા થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને કૂદવાનું મન થાય,

કૂદતા હજુ ફાવે નંઇ ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને રમવાનું મન થાય,

એકલા રમવું ગમે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને ભૂખ લાગી જાય.

બોલતાં હજુ આવડે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

હાલરડાં સાંભળી સૂતો કેવો સોહાય,

ઉંઘમાં સૂ સૂ ્છી છી,

તારી ઉંઘ ઉડી જાય ને,

તને મમ્મી મમ્મી થાય.

 

જરાક મમ્મી આઘી થાય ને

તને માની ગેરહાજરી વર્તાય,

બોલાવતાં હજુ આવડે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

 

બહાર ફરવું ગમે તને ને

ઝટપટ તૈયાર થાય,

જેકેટની ગરમી ગમે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

 

રસોઇ કરીએ જ્યારે,

તારો વાસણપ્રેમ ઉભરાય,

કુકરની સીટી વાગે જ્યાં,

તને મમ્મી મમ્મી થાય.

 

માલીશ બહુ ગમે તને,

તું ખિલખિલ ખિલખિલ થાય,

બાથસીટનું બંધન ગમે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દીદી દીદી જોઇને એને,

તું ઘેલો ઘેલો થાય,

દીદી જો એની મસ્તીમાં રમે તો

તને મમ્મી મમ્મી થાય.

 

ઓફિસેથી આવે પપ્પા

તું ફેરફુદડી ખાય,

ચક્કર જેવું લાગે ને,

તને મમ્મી મમ્મી થાય.

 

ઓફિસેથી આવે પપ્પા

તું ઘોડો ઘોડો થાય.

હાલક ડોલક તું નાનું બાળ,

તને મમ્મી મમ્મી થાય.

 

ફોન આવે મમ્મીનો જો

એ વાત કરવા જાય.

તને પણ વાત કરવી હોય ને

તને મમ્મી મમ્મી થાય.

 

સંતાકુકડીની ગમે બહુ

મમ્મીને ગોતવા જાય,

જો તરત તને દેખાઉં નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

સૌની સાથે ભળે ખરો

તું ખિલખિલ ખિલખિલ થાય

મમ્મી જેવું વ્હાલ જડે નંઇ ને,

તને મમ્મી મમ્મી થાય.

 

કમ્પ્યુટર પર કામ કરું

તું ટેબલ નીચે ભરાઇ જાય,

પગ પકડે મારા,

તને મમ્મી મમ્મી થાય.

 

ચોપડી લઇને બેસું વાંચવા

તને ચિત્રો ગમતાં જાય ને

શું લખ્યું છે એ સમજવા,

તને મમ્મી મમ્મી થાય.

 

કપડાં સૂકવે પપ્પા તારા

તને કેડમાં લઇ ગાય,

તને સૂકવવા આપે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

November 6, 2016

નવું વરસ

Filed under: એક માતાની ડાયરી — hirals @ 1:31 pm

પરોઢિયાના ચાર વાગ્યે મહિનાનો દીકરો બટૂક ત્રીજીવાર ઉઠીને ચાલવાના મહાવરામાં લાગેલ છે.

મને બાથરુમ લાગી છે અને ના છૂટકે આસપાસમાં કશું મોંમા નહિં મૂકી દે વિચારીને હું ઝટપટ બાથરુમમાં જાઉં છું.

ધીમે ધીમે એને પકડતાં આવડ્યું છે વિચારી હું બેત્રણ મિનિટ માટે ઉંચા જીવે બાથરુમ જાઉં છું.

પણ બસ એક મિનિટ અને પલંગમાં નિરાંતે સૂતેલી દીકરી ટબૂકના વાળ ખેંચે છે.

બટૂકના કોઇ પીંજરામાં રડે નહિં બીકે મેં એને છૂટ્ટો મૂકેલો પણ એને રમવું છે, પણ શું કરે?

અને બીજી મિનિટે ઉંઘમાં વાળ ખેંચાવાના લીધે ટબૂક જાગી જાય છે ને રડે છે.

માથું દુખતું હોવા છતાં બીજા રુમમાંથી ઉંઘમાંથી ઉઠીને પતિદેવ ભાગીને આવે છે અને

ત્રીજી મિનિટ પહેલાં હું પાયજામાનું નાડું બંધ કર્યું ના કર્યું ને બટુક પાસે આવું છું.

 

એકાદ કલાકની મહા મહેનતે અમે બંનેને સૂવાડાવવા મથીએ છીએ.

બંનેને હવે મમ્મી જોઇએ છે. ટબૂકને વાર્તા સાંભળવી છે અને અથાક ધીરજથી એનાં પપ્પા ટબૂકને અને હું બટૂકને સૂવડાવીએ છીએ.

ને બટૂક વળી પાછો સાડા પાંચ વાગે જાગે છે.વળી મહા મહેનતે એને સૂવડાવવા મથું છું પરંતુ બધી મહેનત વ્યર્થ. અઠવાડિયાની રજાઓ પછી આજે ટબૂકને શાળાએ જવાનું છે.

બરાબર સાડાસાતે બટૂકને હવે થાકીને સૂવું છે. રઘવાયા જીવે નવા વરસની શરુઆત થાય છે.

સસ્સ્સઅવાજ ના કરીશ. ભાઇ ઉઠી જશે.

જલ્દી કર. દૂધ પી લે. પ્લીઝ બેટા, અલાર્મ બંધ થાય પહેલાં યુનિફોર્મ પહેરીને રેડી જોઇએ હોં.

પ્લીઝ….સ્સ્સ્સ્સ્સ…..

જેમ તેમ ઝડપથી સ્નાન કરીને હું આવું છું કે નવું વરસ છે પહેલાં દીવાબત્તી કરીશ.

પણ…….

મેસેજ પર મેસેજ બીપ બીપ….ક્યાં મોરો નહિં તો પતિદેવનો અને બટૂક પાછો જાગી જાય છે.

એને છાનો રાખતાં અમે જેમ તેમ ઊંચા જીવે ચ્હા પીએ છીએ.

જલ્દી….જલ્દી…..જો અલાર્મ બંધ થતાં પહેલાં તું બૂટમોજાં પહેરીને તૈયાર જોઇએ.

ને હું તૈયાર થાઉં છું. અરે, હજુ તેં હેરબેન્ડ પણ નથી પહેરી? કેટલી વાર?

વચ્ચે વચ્ચે ટબૂકને પ્રોત્સાહન આપવાનું ચૂકાય નહિં એનું ખાસ ધ્યાન રાખું છું.

ઓહ….બૂટ નથી મળતાં? પાછું આજે મોડું…..અમે બૂટ શોધવામાં પાછા રઘવાયા (કેટલીવાર નક્કી કર્યું કે બધું શાંતિથી, પણ અમે પણ તો માત્રચારવર્ષનાં માતાપિતા છીએ.)

અરે, બેટા. પછી રમજે ભાઇ સાથે……હા, ના, …….પાછી રકઝક ને

જેમ તેમ બધું ૧૦ મિનિટમાં સમેટીને હું એને શાળાએ મૂકવા જાઉં છું.

સમયસર બધું સચવાઇ જવાના લીધેમેરેથોન રેસજીત્યાનો આનંદ માણું છું અને જાતને શાબાશી આપવાનું ચૂકાય નહિં એનું ખાસ ધ્યાન રાખું છું.

 

 

આવીને વળી જરાક શાંતિ મળશે વિચારું છું પણ દીકરાને જરા શરદી જેવું છે એટલે એની સરભરા અને આળપંપાળ.

ધવરાવવું, ખવરાવવું, માલીશ અને બીજા ઘણાં મોરચા પર એક શ્વાસે મંડાઉ છું.

જેમ તેમ એને રમાડતાં, સંભાળતાં અમુકતમુક કામ પતાવું છું. મોબાઇલમાં સતત મેસેજીસ આવે છેનૂતન વર્ષાભિનંદન‘.

અમુક યાદો, અમુક ચીડ, અમુક રઘવાટ, બટૂકને સૂવડાવીને થોડી મિનિટો મેસેજીસ અને મોબાઇલ ચેક કરું છું.

હજુ ખાવાનો કોળિયો મોંમાં મૂકુને બટુક પાછો જાગી જાય છે. જેમ તેમ ખાઇને એને પાછો સૂવડાવીને તૈયાર થાઉં છું.

બટૂકને લઇને ટબૂકને શાળાએથી ઘેર લાવું છું. રસ્તામાં ફૂલો ને પાનખરનાં પાંદડા વીણતાં અમે પોણો કલાકે ઘેર પહોંચીએ છીએ.

વળી પાછું, બેટા પહેલાં કપડાં બદલ….અરે, ભાઇને એની રીતે રમવા દે….. કેમ આમ, શાળામાં શું કર્યું? કલાક એક બધી દીનચર્યા ચાલે છે.

બટૂક હવે જરા થાક્યો છે. પણ ટબૂકને હવે એની સાથે રમવાનો મૂડ છે.

એટલે આડોશપાડોશમાં અને પાસે રમતાં બાળકો સાથે એને માંડ સેટ કરીને બટૂકને સૂવડાવી રહી છું.

અને અડધો એક કલાકની મારી મહેનત પર પાણી ફરી વળે છે.મારું બાળપણ, મમ્મી, પપ્પા, ભાઇ, બહેન, ફળિયું, કેટલાં બધાનો અહેસાન નજર સામે તરવરે છે અને….

ડીંગડોંગ….મમ્મી, બાથરુમ લાગી છે. ટબૂક અને એની બહેનપણી હસતાં હસતાં છૂટા પડે છે.

રડું કે હસું એની દ્વિધામાં હું કશું વિચારું પહેલાં

બટૂક અને ટબૂક બંનેને હવે મમ્મી જોઇએ છે. રમું છું. વાર્તા કરું છું. મને બાથરુમ લાગી છે પણ ટબૂકને હવે ટી.વી યાદ આવ્યું છે.

 

હું બટૂકને નહિં જોઉં…..મમ્મી, ‘રાવણ કેમ ખરાબ માણસ હતો?…..’ઉફ્ફ્ફ્ફ્ફ….

હું જેમતેમ ઉંચા જીવે બાથરુમ જાઉં છું. બટૂકને એનાં પાંજરામાં રાખું તો છું પણ ઉંચા જીવે નાડું પકડીને દોડું છું.

નવા વરસના મોહમાંચાઇલ્ડ સેફ્ટી જેટલું મહત્વવુમન ક્લોથ સેફ્ટીનું છે એનું ભાન મને મોડું થયું વાતે પસ્તાવો કરું તે પહેલાં …..

 

મમ્મ્મી…..કેટલી વાર?,…..રેસ્ક્યુ, …….બટૂક પડી જતે હમણાં?…..

તને પોટી થઇ રહ્યું તું કે? હજુ ઘણાં સવાલના જવાબ આપવાના છે.

મમ્મી રાવણ કેમ ખરાબ માણસ હતો? રામે કેમ માર્યો? મમ્મી હેલોવીનમાં કેમ ડરાવે?……

જોકે હવે આવા સવાલો મને ડરાવતાં નથી. આનાંથી પણ ભયાનક પડાવ હું સફળતાપૂર્વક પસાર કરી ચૂકી છું વાતે સવાલોથી ડરીને વાળ ખેંચવાને બદલે હરખાઉં છું.

 

માંડ બટૂકને સૂવડાવું છું ને દર થોડીવારે બાળકોટ્રીક અથવા ટ્રીટમાટે બારણે આવે છે.

પોણો કલાક તો ઠીક ચાલ્યું. દર દસ મિનિટે બાળકો ઘેર આવતાં. અને ટબૂકને મજા મજા થઇ ગઇ.

પણ ઓહ……ડોર બેલ બંધ કરતાં ભૂલી ગયેલી. એક જણે ડોરબેલ વગાડી ને બટૂકનું બ્યુગલ વાગ્યું. હવે ટબૂકને પણ કુદરતી કોલ્સ અને બારણે પણ હાજરી.

એક સાથે બધા મોરચાં સંભાળતાં સંભાળતા જેમ તેમ ખાવાનું બનાવતાં (થોડીક આગોતરી તૈયારી સાથે) ટબૂકને ખવરાવું છું.

સાડાસાતે બંનેને સૂવા લઉં છું. નવું વરસ છે પણ આરતી વગેરે કરવાના કોઇ હોશ તનમનમાં બચ્યાં નથી. પતિદેવ હજુ ટ્રેનમાં છે જાણીને

રડું કે હસું એની દ્વિધામાં આરામથી પથારીમાં બાળકો સાથે લાંબી થાઉં છું, જો કે સતત મલ્ટીપ્રોસેસીંગ, સવાલજવાબ, વાર્તા કથન વગેરે ચાલુ છે બટૂકને હજુ ચાલવું છે. ટબૂક તો સૂઇ ગઇ પણ હવે મને કકડીને ભૂખ લાગી છે.

 

 

બટૂક હજુ એની મસ્તીમાં છે. પતિદેવ સવા નવે ઘરમાં આવે છે અને બારણાંના અવાજથી માંડ આંખો મીચેલ બટૂક પાછો જાગે છે.

અને મારી આંખોમાં પતિદેવને આવકારવાની જગ્યાએ અલગ નારાજગીના ભાવ જોઇને ધીમે પગલે રસોડામાં જાય છે.

માંડ મને ખાવાનો અવસર પ્રાપ્ત થાય છે પણ હવે થાકેલા મગજને જરા આરામ મળે વિચારી આંગળીઓ મોબાઇલ હાથમાં લે છે.

પતિદેવની નારાજગી યોગ્ય છે એનો બબડાટ કાને અથડાય છેતારી જગ્યાએ હું જો સમયે મોબાઇલ હાથમાં લેત તો? (ભાષણ સાંભળવું પડત હુંય મનમાં બોલું છું) પણ હું લાચાર છું.

માંડ દસ મિનિટ ઇન્ટરનેટ બ્રાઉઝ કરવાની આઝાદી પતિદેવ સાથેની પાંચ મિનિટની રકઝક પછી મેળવું છું. મોબાઇલમાં બાળકો પછીનો કપલનો રોમાન્સ એટલેબંને પોતપોતાના મોબાઇલમાં’ એવી ઇમેજ પતિદેવને મોકલું છું અને ખાવાનો કોળીયો મોંમાં મૂકું પહેલાં બટૂક પાછો એંએં….

શશ્સ્સ્સ્સ્સ….અવાજ નંઇ. ટબૂક ઉઠી જશે. અને ઝટપટ જેમ તેમ કોળીયા ભરીને બટૂકને બાથમાં લઉં છું.

થાકેલા પતિદેવ રસોડું આટોપવા જાય છે, ઘણી ભૂલો કરશે પણ પિતાની ખામીઓને ગાંધીજીના ત્રણ વાંદરાની જેમબૂરા મત દેખો નું સૂત્ર વિચારું છું‘.

ઘરકામમાં એની ખામીઓને મારી ખૂબીઓ સાથે નહિં સરખાવું એવું ફરી ફરીને મનમાં ઘૂંટું છું.

આજના દિવસની સિધ્ધી કે બટૂકે કશું આડુંતેડું મોંમાં નથી મૂક્યું અને ધબાક કરીને માથું નથી અફાડ્યું વાત વિચારીને મને (સૉરી અમને બધાને શાબાશી આપું છું.)

દીવાબત્તી, આરતી કશું સમયસર સચવાયું નહિં પણ મમ્મીનું સૂત્રસમય વર્તે સાવધાનવિચારીને બટૂકને સૂવડાવતાં સૂવડાવતાં મનમાં ને મનમાં નવા વરસનેઆવકારું છું.

 

 

 

 

 

 

 

 

 

Blog at WordPress.com.