Hiral's Blog

November 21, 2016

અવનવા પ્રયોગો.

Filed under: બાળઉછેરની બારાખડી — hirals @ 2:13 pm

આજે રાતે બટૂક જરા સરખું સૂતો. જો કે એ પાંચ વાગે તો ઉઠી જ જાય. એની ભેગી હું ય ઉઠી જાઉં.

પતિદેવને આજે બહુ વહેલા નીકળવાનું હતું. એટલે મેં તો રાતથી મનમાં બધી તૈયારીઓ કરી લીધેલી.

નાસ્તામાં બ્રેડ,બટર, ચીઝ, જામ એટલે સહેલું ને સટ. બીજી ઘણી આજની અને કાલની ખોરાકની તૈયારી વિશે મનમાં બધું વિચારી લીધેલું.

સવારનું તાપમાન ૧ ડીગ્રી જોઇને અમારા ત્રણેયનાં કોટ, ટોપી, સ્કાર્ફ, મોજાં બધી તૈયારીઓ કરીને હું સૂઇ ગયેલી.

પણ બટૂક અને ટબૂકની મમ્મી ઓફીસયલી પેપર પર હોવાના નાતે હું પતિદેવ પણ મોટો થયેલ બાળક જ છે એ ભૂલી જ ગઇ.

સવાર સવારમાં બધી ધમાલની વચ્ચે….’હીરલ, મારો બેલ્ટ જો જે ને જરા.’

આદતવશ બોલાઇ જવાયું, ‘હા જોઉં’ ને જોવા ગઇ પણ યાદ આવ્યું મેં તો બધી તૈયારી કરી છે હવે આ છેલ્લી ઘડીએ મારે કેમ શોધવું?

એટલે બાળકને ફોસલાવીએ એમ પ્રેમથી પૂછ્યું, ‘આ ઠીક નથી, સવારે વહેલા જવાનું હોય તો રાતથી બધી તૈયારી કરવાની ને?’

ને અમારા મોટા બાળકને ઓફિસના અને ટ્રેન પકડવાના ટેન્શનમાં હું જ મળી.

‘એક જરા બેલ્ટ માટે શું કહી દીધું? મારી જ ભૂલ થઇ, હવે તને તો મોકો મળી ગયો…..’

 

 

પણ ચાર વરસની મમ્મી તરીકે મારામાં થોડી તો બાળકના આવેગને ઝીલવાની તાકાત આવી ગયેલી. ‘આ બરાબર છે? આમ કે’વાનું મમ્મીને?, ખબર છે ને આપણે જે બોલીએ કોપી થશે.’

એટલે મામલો તુરંત થાળે પડી ગયો. આભાર બટૂક અને ટબૂકનો. હમ-તુમ બેઉ કેવા એકમેકને સાંભળતા ને  સમજતાં થઇ ગયા.

જેમતેમ પતિદેવે બેલ્ટ શોધ્યો ને થોડીવારે પર્સ શોધવાનું મિશન!

પણ એમને ચેલેન્જ બહુ ગમે એટલે આ વખતે મને કીધા વગર જ શોધવા માંડ્યું. મેં પણ બાળક પોતાની રીતે તૈયાર થતું હોય તો એને થવા દેવું. એમ જ ઘડાય! વિચાર્યું.

બીજા કામમાં જીવ પરોવ્યું. પતિદેવ વિચારે ઘણું, કહે પણ કે ‘સવારે હું મદદ કરીશ ને કરીશ જ.’ પણ પોતાની તૈયારી કરી રાખે તોય ઘણું? એમ તો કેમ કે’વાય?

એટલે હા, જો તેં આજે મને બોલાવ્યા વગર જ જાતે શોધી લીધી પોતાની વસ્તુઓ તો મને કેટલી સરળતા થઇ ગઇ એમ બોલીને ‘પ્રોત્સાહન’ જ આપવાનું.

મનોમન ‘જાણીતા હાસ્યલેખિકા કલ્પના દેસાઇનું વાક્ય – પ્રોત્સાહનનાં બે શબ્દોથી શાંતિ રહેતી હોય તો એમાં ખોટું ય શું છે? સમય અને મન બેઉ બગાડવા કરતાં તો સારું જ ને! ’ યાદ કર્યા. ફરીથી મેં પોતાને મનમાં ને મનમાં જ શાબાશી આપી.

ટબૂકનો નાસ્તો ને દૂધ બધું તૈયાર.

જો કે પતિદેવે ચ્હા ઉભરાઇ ના જાય એનું ધ્યાન રાખ્યું ને ચ્હા ગાળી પણ લીધી.

સવારના સાત વાગ્યે એ તો મારાં પ્રોત્સાહનનાં શબ્દો સાથે કામ પર ને હું?……..

બાળઉછેરનું અઘરું કામ – મારું પ્રોત્સાહન એટલે મારાં કિલકિલાટ ને ખિલખિલાટ ટબૂક ને બટૂક.  ભાવતું ભોજન બાળકો બહુ હોંશે હોંશે આરોગે એ પણ એક અલગ પ્રકારનો અવોર્ડ.

 

 

સવારનાં સાડા સાત અને તોય કશો રઘવાટ નહોતો. બરાબર જોયું સૂરજદાદા એની રોજની જગ્યાએ જ દેખાયા.

ખુશખુશાલ હું બટૂકને, ટબૂકને અને મને ત્રણેયનો ચ્હા, નાસ્તો, અને એ બંનેનું ન્હાવા-ધોવાનું પતાવીને હું ત્રણેયનાં ગરમ કપડાં વગેરે પહેરાવવાની તૈયારીમાં પડી.

પતિદેવને જરા ચ્હા બહુ જ ઉતાવળે પીવી પડેલી પણ એ મોટું બાળક, ક્યાં સુધી એની આળ-પંપાળ કરવી? એટલે આંખ-આડા કાન કર્યા.

દિવસની શરુઆત તો ઘણી સરસ થયેલી. પણ એ જ મારી એક નાનકડી ભૂલ…..

ટબૂકે જે રુમમાં સવાર સવારમાં રંગબેરંગી બ્લોકસનું ટાવર બનાવેલું….હરખઘેલી હું ઉતાવળે તૈયાર થવાના મોહમાં બટૂકને એ જ રુમમાં નીચે રાખ્યો.

રંગબેરંગી બ્લોક્સ એને થયું ‘લાલ ખાઉં કે પીળો?’, ‘વાદળી ખાઉં કે લીલો?’ ને ધબાક……

મારું આવી બન્યું…….ઉફ્ફ્ફ્ફ્ફ…

ટબૂકનો ભેંકડો કેમેય શાંત જ ના થાય….

જો બેટા, રડ નંઇ….

એં…એં…..

ને બટૂક તો એની મસ્તીમાં ‘લાલ ખાઉં કે પીળો?’, ‘વાદળી ખાઉં કે લીલો?’

ટબૂકે જોરથી એના હાથમાંથી ઝંટ્વ્યો ને હવે બટૂકનું એં…એં….

આજે તો જો કે બરાબર તૈયારી કરેલી અને તોય શાળાએ જવાનાં એક કલાક પહેલાં જ આ રામાયણ? ઉફ્ફ્ફ….આ તો મહાભારત……ખબર નંઇ.

પણ એ જ તો મજા છે.

‘હર ઘડી બદલ રહી હૈ રુપ જિંદગી. ……….’

વૈજ્ઞાનિક નહિં હોવા છતાં અને પ્રયોગશાળામાં નહિં જવા છતાં જાત-જાતનાં ને ભાત-ભાતનાં પ્રયોગો શરુ.

પણ ટબૂક કેમેય શાંત જ ના થાય.

જરાક માની જાય. શાંત થાય ને! એનું દુઃખી ર્હદય કકળી ઉઠે. પણ એણે કેમ મારો ટાવર તોડ્યો?

ઉં…..ઉં…..એં….એં…..

બાળકોને શાંત કરવાના મારા મને બે જ સહેલા અને ઉત્તમ રસ્તા છે.

૧) બાળવાર્તા

૨) એમનું ધ્યાન જે તે સંવેદનશીલ વાત પરથી બીજે લઇ જવું.

ચાર વરસના માતૃત્ત્વના કોર્ષમાં સૉરી પ્રયોગશાળામાં આ બે તારણ ઘણુંખરું વાતાવરણ તરત હળવું કરી દે.

જો કે જીવનમાં પણ આમ જ કરવા જેવું છે. ખરું ને!

જો કે આજે ઘણીબધી વાર અને બહુ કુશળતાપૂર્વક ટબૂકનું ધ્યાન બીજે દોરવું પડ્યું.

ટબૂકના એં…એં….ને ઉં….ઉં ના પગલે બટૂક પણ એં…એં….ને ઉં….ઉં…..

મને શાળાના સમયની ચિંતા પણ સાથે સાથે કરવાની! ઓફિસમાં કોઇના હાથ નીચે જ થોડી ડૅડલાઇન અને ટારગેટ લાઇન હોય?

અડધો કલાકમાં બધા પ્રયોગોનો કાર્યક્રમ પતાવી, બીજા અડધો કલાકમાં તૈયાર થઇને બરાબર સાડા આઠે ઘરની બહાર.

આહા! ૧ ડીગ્રી તાપમાનમાં મનને ત્યારે જે શીતળતા મળી. કુદરત પણ મારી તરફેણમાં છે વિચારી પાછી ખુશ.

 

 

સવા નવ વાગે ઘેર પાછા આવીને એજ દીનચર્યા.

ઘરકામ, બટૂકની સાર-સંભાળ. જો કે બટૂકનો દાંત આવવાનું અને ચાલવાનું એક સાથે થઇ રહ્યું હોઇ મારી તબિયત પર અસર થવા લાગેલી. પણ બાળકો એમની સાર-સંભાળની વ્યવસસ્થા કરીને જ આવતાં હશે?

એક પ્રોઢ કાકી મને આ દેશમાં જડી ગયાં જે બે કલાક ઘરે આવવા તૈયાર. એમને પણ દેશમાં મોકલવા થોડી કમાણી અને અમને પણ મજા.  મારો એક-શ્વાસે બધા મોરચે મંડાવવાની દીનચર્યામાં રાહતનો શ્વાસ ભળ્યો એ માટે પતિદેવનો અને જગતના નાથનો આભાર.

બટૂક રડવાનાં અને દાંત આવવાના લીધે ઘણો થાકેલો. તે પેલા કાકી આવતાં પહેલાં જ સૂઇ ગયો. કાકી તો ઘરકામમાં કલાકના હિસાબે કામ કરીને ગયાં. મને એમ કે બટૂક ભેળી હું ય જરા આંખ મીંચીશ તો રાહત થશે. પણ એટલામાં બટૂક ઉઠ્યો.

ખબર નંઇ પણ માંડ અડધો – પોણો કલાક સૂવે ને પાછો ફૂલ ચાર્જ હોય. બે-ત્રણ-ચાર કલાક લગીને નોન-સ્ટોપ ચાલવાના મહાવરામાં લાગે.

સતત બે પ્રેમાળ હાથ અને વાત્સલ્યભરી બે આંખો એને જોઇએ. એટલે કે હું!

મને ખરેખર જરા આરામ જોઇતો હતો. બટૂક થોડું સૂવે તો સારું પણ હવે માલીશ કે એને નવરાવવાનાં કોઇ હોશ મારાં થાકેલા મનમાં નહોતા.  સવાર સવારમાં બટૂકને ટબૂકનું એં…એં….ને ઉં….ઉં કેટલું થકવી નાંખે એ તો બાળકો સાથે આખો દિવસ રહેનાર જ સમજી શકે.

ઓફિસમાં આવી અણધારી કોઇપણ મુસીબતના સામના માટે ‘ખાસ અવોર્ડ’ હોય. મોટા પ્રમોશનો પણ હોય. ખરેખર વૈજ્ઞાનિક હોય એમને તો પ્રતિષ્ઠા પણ મળે. અહિં તો જરા આંખ મીંચાવાનું સુખ મળે એટલી જ મારી ઇચ્છા હતી.

બહુ મહેનતે જેવી અમારા બેઉની આંખ બંધ થઇને બારણે ડીંગ – ડૉંગ.! પાછી હાંફળી-ફાંફળી હું બટૂક ઉઠે નહિં એની ચિંતા સાથે બારણું ખોલ્યું.

એમેઝોનથી ઑર્ડર કરેલાં ‘બેબી-ડાયપરની બેગ’.

સગવડતા માટે ઇન્ટરનેટ અને ઓનલાઇન શૉપિંગ છે એ બધી વાતો પોકળ,

બટૂકનાં ડાયપર ઘરઆઅંગણે જોઇને હમણાં સુધી ખુશી થતી એની જગ્યાએ આજે ખરેખર રડવું આવ્યું. બે ઘડી આંખ મીંચવાનું સુખ પણ છીનવાઇ ગયું.

રુકેંગે નહિં….ઝૂકેંગે નહિં……મા તરીકેનો આવો મુશ્કેલ પડાવ ડગલેને પગલે……

મારી મા ને અને જગતની સર્વ માતાઓને વંદન કરીને જમવાનું શરુ કર્યું. બટૂકમાં ભગવાન વસ્યા તે આજે મને નિરાંતે ખાવા મળ્યું.

જમીને તૈયાર થઇ ને બટૂક ઉઠ્યો. ‘ઉપરવાલે કે યહાં દેર હૈ-અંધેર નહિં’……

બટૂકને તૈયાર કરીને ટબૂકને લેવા શાળાએ.

ઘરે જઇને આજે દસ દિવસથી ટાળી રહેલી એવાં ઘણાં બધાં અગત્યના રીમાઇન્ડર ટબૂકની શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ માટે સેટ કરવાનાં છે એનું લીસ્ટ વિચારતાં વિચારતાં જ પાનખરમાં ખરતાં પાન જોઇને જરા મનનાં મહેલમાં વિચાર બદલાયો.

માત્ર વૃક્ષોને જ નહિં બધાનાં જીવનમાં આમ સમય ખરે છે. ખરતાં સમય સાથે પાકટ થઇ ગયેલાં પીળાં-સૂક્કા પાન ખેરવવાંની માત્ર આવડત જ કેળવવાની ને! એ કેળવવાના પ્રયત્નમાં છું એટલે જ તો ટબૂક-બટૂકને મારા જીવનનાં વસંત તરીકે વધાવી શકું છું. વાહ! મનોમન એક શાબાશી સાથે મારી ટબૂકનો હરખઘેલો ચહેરો મારી નજરની સામે!

Advertisements

1 Comment »

  1. માત્ર વૃક્ષોને જ નહિં બધાનાં જીવનમાં આમ સમય ખરે છે. ખરતાં સમય સાથે પાકટ થઇ ગયેલાં પીળાં-સૂક્કા પાન ખેરવવાંની માત્ર આવડત જ કેળવવાની ને!
    આ જ સાચી જીવવાની રીત. જે આવે તેનો પૂર્ણ પ્રેમથી સ્વીકાર.

    Comment by સુરેશ — November 22, 2016 @ 1:26 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: