Hiral's Blog

December 11, 2015

જિનાનો વાંચન પ્રેમ.

Note: આપણે બધાં આ જ ક્રમમાં વાંચતા અને વિચારતા થઇએ છીએ ને?

1) આમ તો બહુ જ નાનપણમાં (ચાર-પાંચ મહિનાનું શિશુ) તને બા(નાનીના) ખોળામાં બેસીને વાંચતા હતા ત્યારે

એમની સાથે ધોળા પાનામાં કાળા અક્ષરો પર હાથ અને કુતુહલથી ભરપૂર આંખ ફેરવતા જોઇ જ હતી.

પછી એ છાપું હોય કે ધર્મની ચોપડી. તું જે અદાથી વાંચતી (નજર ફેરવતી) એ તો તારો એ ફોટો જ તને શબ્દો કરતાં વધુ કહેશે.

આવી જ એક નોંધનીય વાત,

2) છ એક મહિનાની થયા પછી એક બુક લીડસમાં એક પાડોશીએ તને ગીફ્ટ આપેલી. પાક્કા પૂંઠાની બહુ જ સરસ એ ચોપડી.

પણ દાંત આવવા વખતે તેં એનાં ખૂણાં બહુ ચાવી નાંખ્યા. અને હાથથી ધીમે ધીમે બધા પૂંઠા અલગ પણ કરી દીધેલા.

પણ એ પછી રોજબરોજની વસ્તુઓનાં ચિત્રો (સ્પેલીંગ સાથે)ની ચોપડી તેં હોંશે હોંશે મારી સાથે અનેક વાર માણી.

તેં એને જરાય ના ફાડી. પણ એ દરમ્યાન તું બોલતા શીખી રહેલી અને સૌથી પહેલું વાક્ય ‘વોટ ઇઝ ધીસ?’ હતું.

હા હા હા, ત્યારે અમે એટલું બધું પેટ પકડીને હસેલા.

અમને થયું હવે તું ઝડપથી બોલતા શીખીશ પણ પછી આમ તો તું ખાસ બોલતી નંઇ, તૂટક તૂટક શબ્દોથી તારું કામ ચાલતું.

કદાચ ઘરમાં ગુજરાતી, બહાર અને ટી.વીમાં અંગ્રેજી અને હિન્દીમાં તું વધુ અટવાયેલી હોઇશ.

અને ઘરમાં પણ તો અમે બે જ ને!, સ્કાઇપ પર તને બધા મળે તોય જ્યાં સુધી તું બોલે નંઇ ખાલી તારા નાની અને માસી જ તને ઝીલી શકતાં.

બાકી તો બધા બે મિનિટમાં જ કંટાળી જાય ને ફરિયાદ કરે, (જિના તો કશું બોલતી નથી, એની મેળે રમ્યા કરે છે અમે વિડીયો બંધ કરીએ?)

મને બહુ લાગી આવતું પણ પછી ક્રમશઃ અહિં તું અને હું બંને નિયમિત હળી-ભળી શકીએ એવી ઘણી જગ્યાઓ મને મળી ગઇ.

3) સવા બે વરસની થઇ છતાં તું હજુ ઇશારાથી વધુ વાતો કરતી હતી. કંઇક ને કંઇક બોલે પણ તારી ‘ભગવાનની બોલી’ અમને સમજાતી નંઇ.

લંડનની લાઇબ્રેરી આપણું બીજું ઘર બની ગયેલું. સવારે સ્ટોરી ટાઇમ મીસ થઇ જાય તો પણ હું બપોરે તને લઇને જતી.

સાથે લાપસી, કેળું, ઓટ, થૂલી, થેપલાં સાથે રાખું એટલે આપણાં ખાસ્સા એવા બે થી ચાર કલાક ત્યાં મજેથી પસાર થતાં. તને ત્યાંનો ટોમેટો સૂપ પણ બહુ જ ભાવતો.

ઝારા અને ઉસ્માન(લાઇબ્રેરી વોલેન્ટીયર્સ) તને બહુ ગમતા. હોંશે હોંશે તું પ્રાણીઓનાં અવાજ કરતાં કરતાં અને એ જે બોલે તે ચિત્રો પર ઉત્સાહથી હાથ ફેરવતાં ફેરવતાં ત્યાંથી ઘણું પામી.

બપોરે હું ક્યારેક બીજાં બાળકોને ભેગા કરીને સ્ટોરી ટેલિંગ અને જોડકણાં ગાતી તો તને કેવી મજા પડતી?

હું એને કેમેરામાં કેદ નહોતી કરી શકી પણ તને એમાંથી સોશિયલ થવાની અને પોતાને વ્યક્ત કરવાની સમજ વધુ કેળવાઇ હશે અને તારી મમ્મી

બધાને મજા કરાવે છે એ જોઇને તારો ‘વટ’ પડી જતો એ પણ હું જોઇ શકતી.

ઘણુંખરું એ સમય દરમ્યાન તને ‘ચોપડી વાંચવાનો’ દેખાવ કરવાની અને મમ્મીની નકલ કરવાની ટેવ પડેલી.

બે-ત્રણ બહુ જ સરસ વિડીયો છે જેમાં તું તારી ભાષામાં સુંદર રીતે ‘હાવભાવ સાથે’ વાર્તાની ચોપડી વાંચી રહી છું.

છેક ત્યારથી રોજ રાતે તને એક વાર્તા ચોપડી વાંચીને સાંભળવાની અને એક વાર્તા માત્ર સૂતા સૂતા સાંભળવાની ટેવ પડી છે.

જેમાં ક્યારેક જ જ્યારે તું બહુ જ ઉંઘમાં હોય અથવા બહુ રમેલી અને થાકેલી હોય ચૂક પડે.

4) બાકી તો તેં જે રીતે વાંચતા શીખ્યું છે……

ધીમે ધીમે તું બોલતા શીખી. વાતે વાતે ‘કેમ’ પૂછતા શીખી પછી તો મારી ધીરજની આકરી કસોટી થતી.

રસ્તામાં, દુકાનોનાં હોર્ડીંગ્સ, બસ સ્ટોપ પર પોસ્ટર, ગટરનાં ઢાંકણાં સુધ્ધા તેં મારી પાસે વંચાવ્યા છે.

અને ચોપડી લઇને બેસીએ ત્યારે તો પૂછવું જ શું?

દરેક વખતે અને દરેક ચિત્રોમાં ‘કેમ?’ અને એના મારે વિસ્તારથી જવાબ આપવાનાં. અને દરેક વાક્યે તારું ‘કેમ?’….ઉફ્ફ્ફ્ફ

ચાર થી દસ પાનાંની ચોપડી પણ આપણે ચોપડી બહારની દુનિયા દૂર સુધી ફરી આવતાં.

વળી,

દરેક અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિન્હ, ઉદગાર ચિન્હ બધું જ તેં વંચાવ્યું છે. કોપીરાઇટનો માર્ક, પબ્લીશરનું નામ, લેખકનું નામ અક્ષરે અક્ષર

બુકનો તું આંગળી ફેરવતા ફેરવતા વંચાવતી. તું હજુ એ વાતે અચરજ પામે છે કે માત્ર ડાબેથી જમણે જ કેમ લખવા-વાંચવાનું?

એ ચાર-પાંચ મહિના તો મને જ ખબર જ છે.

ધીમે ધીમે તું જાતે જ ઘરનાં પોસ્ટર વગેરે પર હાથ ફેરવવા લાગી.

sun, sunny, fun, funny, hippo, cat, dog, bag વગેરે ઘણું ખરું તો તું નર્સરી શરુ થતાં પહેલાં જ જાતે જ વાંચતા થઇ ગઇ.

આ સમય દરમ્યાન ઘરે મહેમાન આવેલા અને તું કડકડાટ હિન્દી બોલતી થઇ ગઇ. જો કે એમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘બાલવીર’ નો ઘણો મોટો ફાળો ખરો.

5) તારા પપ્પા ઇન્ડીયાથી પંદર-વીસ વાર્તાની ચોપડીઓ લઇ આવ્યા. (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષાની થઇને)

તારી ધગશ અને એકાગ્રતા એકદમ પીક પર કહી શકાય.

તું એક સાથે પંદર વાર્તા મારી પાસે વંચાવતી. (બધું તો નહોતી સમજી શકતી ) પણ દરેક ચોપડી તને આખી પૂરી કરવી હતી.

બધું જ તને સાંભળી અને સમજી લેવું હતું. હું થાકી જતી. પણ તું હવે બીજી વાર્તા….હજુ બીજી વાર્તા…..હજુ એક વાર્તા……કર્યા કરતી.

ધીમે ધીમે તું નર્સરીમાં (ત્રણ વરસને સડા ચાર મહિનાની ઉંમરે) બીજા બાળકો સાથે સ્વતંત્ર રીતે રમવામાં વધારે મશગૂલ બનતી ગઇ અને છતાંય રાત્રે કે સવારે ચોપડી લઇને બેસવાની તારી ટેવ હજુય અકબંધ છે.

હવે તો તું અમુક નાની વાર્તાઓ ‘પાને પાને શું લખેલું છે’ ગોખીને વાંચવાનો ડોળ કરે છે.

બેટ્સીની સીરીઝ તો છેલ્લા બે મહિનાથી રીન્યુ અને રીઇશ્યુ કરાવવી પડે છે.

આખે આખી ચોપડી તને ગોખાઇ ગઇ છે. કયા પાને શું લખ્યું છે વગર સ્પેલીંગ આવડે

તું ચિત્ર જોઇને યાદશકિતના જોરે ‘મનની આંખોથી વાંચી શકે છે’

6) બરાબર સાડા-ત્રણ વરસની હવે તું થઇ.

પરમ દિવસે મારા ટેબલ પર પડેલી ‘લીવીંગ જયનીઝમ’ તું બહુ રસ લઇને વાંચી રહેલી.

તેં શરુઆત પાના પર લખેલા અંક (પાનાનંબર ) વાંચવાથી કરી અને પછી તારી શાળામાં અને તારા મનમાં ચાલતા વિચારો વાર્તા સ્વરુપે તું બોલતી રહેલી. અચાનક તારી નજર ‘સ્વસ્તિક’ ના ચિત્ર પર પડી અને તું રસોડામાં દોડતી આવી અને તેં મને બતાવ્યું.

થોડા દિવસ પહેલા દિવાળી અને પછી ગ્રહપ્રવેશ વખતે બનાવેલો ‘સ્વસ્તિક’ તને યાદ હતો.

તેં ચોપડીમાં સ્વસ્તિક અનુસંધાને શું લખ્યું છે તે સમજાવવા (વાંચવા) કીધું. બહુ સરળતાથી તેં પૂછ્યું ‘તો મમ્મી આપણને જે પણ જાણવું હોય બધું ચોપડીમાં હોય? ‘

મેં કીધું ‘બધું તો ના હોય પણ મોટાભાગનું મળી જ આવે’.

અને પછી તો તને બહુ રસ પડ્યો. મેં જે સમજાવ્યું ‘તું અંગ્રેજીમાં તારી રીતે અનુવાદ કરીને એને વાંચવા લાગી’.

અચાનક તેં સિધ્ધશીલા, સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ચિત્રો જોયાં અને એનાં વિશે વિગતે મારી પાસે જાણ્યું.

ફરીથી હું રસોડામાં ગઇ અને તેં જે સમજ્યું તે ‘અંગ્રેજીમાં તારી રીતે અનુવાદ કરીને એને વાંચવા લાગી’.

મારા માટે આ અહો સુખદ ક્ષણ હતી.

અત્યાર સુધી ઘણું ખરું દરેક જગ્યાએ ‘શી ઇઝ વેરી હેપ્પી ચાઇલ્ડ, ક્લેવર ચાઇલ્ડ, ક્રિએટીવ’ સાંભળતી અને મને તારી પાછળ મારી મહેનતનું જાણે પરિણામ મળતું એવી ખુશી થતી. પણ ઝીણા અક્ષરે લખેલી

ધાર્મિક ચોપડી અને એ પણ તું સાંભળવા, સમજવા અને વાંચવા ઉત્સુક છું એ તો જાણે તારાં પૂર્વભવનું ભાથું જ કહી શકાય.

હવે મને તારી ખાસ કશી ચિંતા નથી. હું તારા રસના વિષયો અને તને બરાબર સમજી શકું, સંભાળી શકું એ જ ઇશ્વરને પ્રાર્થના.

7) ગઇકાલે મને ઉઠવા-બેસવામાં બહુ જ તકલીફ થઇ રહી હતી. મેં લાઇટ ઓફ કરી અને તને કીધું સૂઇ જા.

પણ તેં બહુ જ આગ્રહ કર્યો કે ચોપડી વાંચ્યા વગર તું નંઇ જ સૂએ અને વાર્તા સાંભળવી જ છે.

હું ઉઠી નહિં શકું એવું તને બહુ સમજાવી તો તેં જાતે સ્ટૂલ લઇને લાઇટ ઓન કરી, ચોપડી લઇને મારી પાસે આવી.

આમેય તને ગોખાઇ ગયેલી તારી ફેવરેટ ‘બેટ્સીની’ વાત તું ઘણું ખરું જાતે જ વાંચી રહી (જો કે ચોપડી મારે ફરજિયાત પકડવાની હતી) પછી મારી પાસે લાઇટ બંધ કરીને આવી અને તારા બેઉ હાથ મારા ગળે વીંટાળીને તું સૂઇ ગઇ. આખા દિવસનો મારો થાક જાણે એક જ ક્ષણમાં ઉતરી ગયો.

આમ જ તું જીવનભર વાંચતી, વિચારતી, શીખતી રહેજે….તારો મનુષ્યભવ ચોક્કસથી સફળ થશે.

જો કે હવે તું ‘ડાબેથી જમણે વાંચવાનું’ એ વાત સ્વીકારી શકી છું છતાંય તારો સ્પેલિંગ તું ઉંધેથી (જમણેથી ડાબે) કેમ લખે છે? એ મને નવાઇ પમાડે તેવું છે.

 

 

 

 

 

 

 

 

 

 

4 Comments »

 1. Wonderful.
  ———
  છતાંય તારો સ્પેલિંગ તું ઉંધેથી (જમણેથી ડાબે) કેમ લખે છે?
  Consult a child specialist. There may be an abnormality.

  Comment by સુરેશ જાની — December 13, 2015 @ 2:07 pm | Reply

 2. so haapy Hiral ! you are ideal mother. your diary teaches lots of things to mothers. save this as a important document

  Comment by readsetu — December 29, 2015 @ 4:28 pm | Reply

  • Thanks so much. viraj is more or less same in terms of reading. i am so excited and happy following the same approach. he is 2.5 years old though but love books same as Jina 🙂

   Comment by hirals — September 11, 2018 @ 6:27 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: