Hiral's Blog

December 6, 2015

બાળકો અને ઘરમાં કંકાસ.

Filed under: બાળ ઉછેર,મનની વાત — hirals @ 1:48 am

તુંડે તુંડે મતિર્ભિન્નતા. એ હિસાબે એવું કયું ઘર હોય જ્યાં બિલકુલ મતભેદ ના હોય?

હુતો-હુતી બે જણ હોય તોય મતભેદ રહે. મા-દીકરી વચ્ચે પણ મતભેદ થાય ને પિતા-પુત્ર, ભાઇ-ભાઇ, ભાઇ-બહેન, નણંદ-ભાભી, ટુંકમાં દરેક બે વ્યક્તિ વચ્ચે ઓછા-વત્તા અંશે મતભેદ તો રહે જ.

પણ માતા-પિતા બન્યા પછીની મુખ્ય ફરજમાં આ પણ એક ફરજ છે કે માતા-પિતા વધુ સુમેળથી રહે. કારણકે બાળકની સૌથી નજીક તેઓ જ છે.

અને ઘરનાં દરેકની ફરજ છે કે માતા આનંદમાં રહે તેવું વાતાવરણ પૂરું પાડે.

જો કે આ તો એકદમ આઇડિયલ વાત થઇ. આવું તે થોડું શક્ય બને?

પણ મારા મતે માતા-પિતા બન્યા પછી જીવનની અગ્રિમતા બાળકને મળે છે. બાળક ખિલખિલ કરતું રહે એ જ જે માતા-પિતાનું મુખ્ય ધ્યેય હોય તેઓ ધીમે ધીમે

વધુ સુમેળ સાધે છે.

ગમે તેટલો સ્વતંત્ર ઉછેર પામેલી દીકરી પણ જો બાળકના જન્મ પછી બાળઉછેરને પ્રાધાન્ય આપે તો એ આપોઆપ વધુ સહિષ્ણુ, વધુ ઉદાર અને જતું કરવાની ભાવનાવાળી બનશે.

આવું જ પિતાની વાતમાં પણ છે. પુરુષ તરીકેનો અહમ એક વાત છે અને બાળકના જન્મ પછી બાળઉછેરમાં થોડો ઘણો રસ જે પુરુષો દાખવે તેઓ પણ

ક્રમશઃ વધુ રુજુ સ્વભાવવાળા બનશે. ઘરકામમાં પણ હવે પહેલાં કરતાં વધુ રસ લેતાં થશે.

જો કે જેમ માતાના જીવનમાં પરિવર્તન આવે છે, ઘરમાં એની જવાબદારીઓ વધે છે તેમ પુરુષો પણ હવે વધુ આર્થિક સધ્ધરતા માટે વધુ પ્રયત્નશીલ બને છે.

પોતપોતાની જગ્યાએ તાણ બંને અનુભવે છે એટલે માતા નોકરી કરતી હોય કે ના કરતી હોય, થોડીઘણી ખટપટ તો રહે જ.

તો શું કરવું?

૧) નિયમિત યોગાસન, પ્રાણાયામનો અભ્યાસ કરવો. ભલે ૧૦ મિનિટ. બાળક સાથે હોય તો એને પણ સાંકળવું. એમ કરતાં કરતાં જ તો એને આ બધા સંસ્કાર મળે છે.

૨) દિવસમાં થોડીક ક્ષણો પણ ભક્તિ માટે કાઢવી. બની શકે તો સવાર-સાંજ એકાદ કલાક ભકિતસંગીતથી ઘરનું વાતાવરણ રમણીય બનાવી દેશે.

૩) આ સિવાય પણ માતાના મોઢે ગવાયેલી સ્તુતિઓ/પ્રાર્થાનાઓ બાળકને બહુ જ ગમે છે. જે તેમનામાં ઉંડા સંસ્કાર રેડશે.

બાળક વધુ શાંત અને હસમુખ બનશે. અને તો જ તો વધુ એકાગ્ર બનશે.

૪) ખાવા-પીવામાં નિયમિતતા ઉપરાંત સાત્વિક ભોજન અને ઘરની સાદી રસોઇ સરવાળે મન પ્રફુલ્લિત રાખવામાં ઘણી લાભદાયી છે.

જંક-ફૂડ, તળેલા નાસ્તાના પેકેટ્સ વગેરેથી બાળક આડકતરી રીતે ચિડીયું બની શકે. આપણે પણ. એવું મેડિકલ સાયન્સ કહે છે.

આથી બને તેટલું ખાવા-પીવાની રીતભાત પર ખાસ ખ્યાલ રાખવો. મૂડ સ્વીંગ, તાણ વગેરેમાં આનાથી ઘણી રાહત રહે છે.

૫) બાળકને મોટાંઓની જેમ બે ટાઇમ પેટ ભરીને ખાવા જેવો કોઠો ન હોય આથી દર ત્રણ-ચાર કલાકે જેટલું એ ખાઇ શકે તેટલું જ ખાવાનું આપવું.

૬) લાડમાં આવીને અકરાંતિયું ખવડાવવા જતાં બાળક ખાવા માટે વધુ નારાજગી વ્યક્ત કરતું બની શકે એ વાતની પણ કાળજી રાખવી.

આવી ઝીણી ઝીણી કાળજીથી આપણો ઘણો સમય અને શકિત પણ બચે છે એ કેમ ભૂલાય?

૭) ઘણાં ઘરોમાં મોડે સુધી જાગવાની રીતના લીધે ક્યારેક બાળક પણ આવી રીત અપનાવે છે. પણ તેમને સમયસર વહેલા જમાડીને વહેલાં સૂવડાવવાં.

જેથી તેઓ સ્ફૂર્તિમાં રહે અને આપણને પણ પોતાના માટે થોડોક સમય મળી રહે.

‘વહેલા સૂઇ વહેલા ઉઠે, બળ-બુધ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર’ વગેરે ઉક્તિઓ બાળકને કહેતા રહેવી.

જેથી તેઓના મનમાં પણ સારા સંસ્કારની વાતો દ્રઢ બનશે.

૮) માતા-પિતાએ હવે ઘણી બધી વાર્તાઓ, બોધકથાઓ, નિયમિત વાંચવી અને બાળકોને કહેવી. બાળક ભલે બોલી શકતું નથી પણ જે ત્વરાથી એ વ્યાકરણ સહિત બોલે છે

તે જ બતાવે છે કે તેઓ બધું જ ધ્યાન દઇને સાંભળે છે અને સમજી શકે જ છે.

૯) ઘરમાં હવે પહેલાંની જેમ કામની ધારી નિયમિતતા ના પણ રહે છતાં સ્વચ્છ અને રમણીય ઘર રાખવું. આથી બાળકો માંદા નહિં પડે. વળી બાળકોને પણ દરેક વખતે રમી રહે એટલે ‘ઇટસ ટાઇડી અપ ટાઇમ’ ,

‘સ્વચ્છતામાં જ પ્રભુતા’,

 

એમ બોલતાં બોલતાં કામમાં વાળવા. એમની નાની નાની મદદને પ્રોત્સાહિત કરવી જેથી ધીમે ધીમે તેઓ ઘરને સ્વચ્છ રાખવામાં રસ દાખવશે અને માતા-પિતાને અકળામણ કે ઘરકામની તાણ ઓછી વર્તાશે.

બાળકોને ગીત, કવિતા વગેરે બહુ ગમે. એટલે દરેક નાના-મોટાં કામને અનુરુપ સુભાષિતો, કવિતા વગેરે ગોતી રાખવાં જેમકે

ચોખ્ખું ઘરનું આંગણું

ચોખ્ખો ઘરનો ચોક;
ચોખ્ખો ઘરનો ઓટલો
ચોખ્ખાં મેડી ગોખ.
ચોખ્ખાં ઘર, કપડાં થકી,
માણસ બહુ સોહાય,
શરીર ચોખ્ખું રાખીએ,
રોગ કદી નવ થાય.
નાહ્યેથી તન સાફ રહે,

સાચેથી મન સાફ.
મન, તન, ઘર છે સાફ,
દૂર રહે નિત પાપ.

૧૦) બાળક સાથે જેટલો સંવાદ વધુ કેળવાશે તેટલું આપણું મન પણ પ્રફુલ્લિત રહેશે જેથી આપણને પણ થાક ઓછો લાગશે

અને વધુ આત્મીય સંબંધથી ઘરમાં પણ વધુ સુમેળ રહેશે.

૧૧) બાળક જો ઘરમાં વધુ કંકાશ જોશે તો એ વધુ ચિડીયું, જિદ્દી, રોતલ બની શકે અને એનો આવો સ્વભાવ એના ભવિષ્ય માટે તો ખતરારુપ છે જ પણ

આપણને પણ વધુ તાણ અપાવનારો બને. જેથી ‘કમ ખાઓ ગમ ખાઓ’, ‘હવે બાળક માટે જીવવાનું છે’, વગેરે સ્વભાવમાં વણીને પણ પ્રયત્નપૂર્વક કંકાશથી,

નિંદા-કૂથલીથી દૂર રહેવું.

૧૨) ગમતી પ્રવૃત્તિ માટે અઠવાડિયે ઓછામાં ઓછા બે કલાક પણ ફાળવવા. જેથી આપણને કંઇક ગમતું કર્યાનો સંતોષ મળે અને આપણું મન શાંત બને.

૧૩) બગીચા વગેરે ખુલ્લી જગ્યાએ બાળકને નિયમિત લઇ જવાથી વાલી અને બાળક બંનેને ચોખ્ખી હવા વગેરે તો મળે જ છે. સાથે સાથે સરખી ઉંમરના બાળકો

અને તેમનાં વાલી સાથે પરિચય કેળવાશે અને વિચારોની આપ-લેથી વાલીને પણ વધુ સારું લાગશે. નહિં તો ભાગદોડની જિંદગીમાં સાવ નાનાં ભૂલકાની ઉંમરના

બાળકો અને એમનાં વાલીઓનો પરિચય કેમ કરીને થશે?

૧૪) બાળકોને લઇને અઠવાડિયે એકવાર નિયમિત લાઇબ્રેરી પણ જઇ શકાય. ત્યાં અચૂક કંઇક ને કંઇક મનને ગમે તેવું અને વાલીને ઉપયોગી વાંચવાનું મળી રહેશે.

ભલેને એકાદ ફકરો પણ પણ વાંચીએ. કામનો વાંચેલો એકાદ ફકરો પણ દર નવું અઠવાડિયું સારી રીતે પસાર કરવામાં મદદરુપ થઇ શકે.

બાળકોનો પણ પુસ્તકો સાથે પરિચય થશે. અને આપણો પણ સામાજિક તંતુ બનેલો રહેશે જે મનને શાંત બનાવશે.

૧૫) આ સિવાય, બાળકના રસ રુચિ મુજબ સ્વીમિંગ વગેરે પ્રવૃત્તિઓ સાથે સંકળાવવું. કસરતની કસરત અને એ બહાને આપણો સામાજિક તંતુ પણ બનેલો રહે અને આપણું તથા

બાળકનું મન પ્રફુલ્લિત રહે.

૧૬) બાળક સાથેની કોઇપણ પ્રવૃત્તિમાં બાળકને સલાહ-સૂચનો નહિં આપતાં બાળક બનીને કામ લેવું. હસતાં-રમતાં એમની સાથે કામ પાર પાડવું.

પંદર મિનિટના કામ માટે નાનાં બાળકો (શિશુ) એકાદ કલાકનો સમય લે એવી બધી કાળજી રાખીને એ પ્રમાણે કામનું આયોજન કરવું.

જેથી આપણને અકળામણ કે ચિડીયાપણું ના થાય અને બાળકને પણ એની ઇચ્છા મુજબ વ્યક્ત થવાની, વિકસવાની તક મળી રહે.

એનાં માટે બધું જ નવું હોય એટલે એને ઘરમાં તૈયાર થવાથી લઇને બહાર આવતાં-જતાં માણસને જોવાં, શોપિંગ, રસ્તા પર ચાલવું બધું જ સમય લઇને કરવું હોય.

એ એનો હક છે એટલે ખોટી ઉતાવળનો આગ્રહ બાળકો પાસે ના રાખવો.

૧૭) દરેક બાળક ખાસ છે અને દરેક બાળક અલગ છે. કોઇનાં બાળક સાથે કે કોઇની રહેણી-કરણી સાથે ખોટી સરખામણીથી દૂર રહેવું.

બાળકને જે તે ઉંમરે જે જરુરી છે તે આપણાં તરફથી મળી રહે તે વાત પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરવું. બાળક સાથે બાળક બનીને વર્તમાનમાં જીવવાની ટેવ પાડતાં જવું. ખાસ કરીને સ્નેહ, પ્રેમ અને લાડ-દુલાર. ધ્યાનમાં તો એ જ રાખવાનું ને કે આપણું બાળક ક્રમશઃ આત્મવિશ્વાસુ, આત્મનિર્ભર બને.

પહેલાં ભાખોળિયા ભરે, પછી ચાલે, દોડે, કૂદે, અને ધીમે ધીમે બધી વાતે આત્મનિર્ભર બનતું થાય.લોકો સાથે હળતું-ભળતું થાય.

૧૮) ટુંકમાં આપણે બાળક પાસેથી જે અપેક્ષા રાખીએ છીએ તેવા આપણે પોતે બનવા પ્રયત્નશીલ રહેવું.

આમ કરવાથી મુખ્ય ફાયદો એ છે કે ધીમે ધીમે આપણે પણ બાળક જેવા નિર્દોષ અને ગમતીલા બનવા લાગીએ. પછી કંકાશ તો બહુ દુરની વાત બની જાય નંઇ?

બાળક ઘરમાં જેટલું પ્રફુલ્લિત વાતાવરણ જોશે અથવા તો જેટલી પ્રફુલ્લિતતા માતાના ચહેરા પર જોશે એટલું જ પ્રફુલ્લિત બનશે.

એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.

note: (૧ થી ૫ વરસના બાળકના અનુસંધાને)

Advertisements

1 Comment »

  1. […] આખો મનનીય લેખ આ લીંક પર ક્લિક કરીને વાંચો. […]

    Pingback by ( 824 ) બાળ ઉછેર વિષય પર હિરલ શાહના બે મનનીય લેખો .. | વિનોદ વિહાર — December 11, 2015 @ 11:39 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: