Hiral's Blog

November 24, 2015

બાળઉછેર માત્ર માતાની જવાબદારી?

Filed under: બાળ ઉછેર,મનની વાત — hirals @ 1:54 pm

બાળઉછેર માત્ર માતાની જવાબદારી?
—-
જવાબ છે હા અને ના.
કેવી રીતે?

બાળકને (આપણે અહિં ૧ થી ૪ વરસના બાળકની વાત વિચારીએ), શું જોઇએ?

સમયસર ખાવા પીવાનું, સૂવાનું, ઘણું રમવાનું (નવું નવું રમવાનું), હરવાનું, ફરવાનું, નવું નવું જાણવાનું, નવું નવું જોવાનું, વાતે વાતે કેમ પૂછવાનું, લીસ્ટ હજુ લંબાવી શકીએ.
ક્યારેક તેઓ જાતે ખાવાનો આગ્રહ રાખે, ક્યારેક ધરાર જાતે ના જ ખાય. ક્યારેક એક એક કોળિયો કોઇ મોં મા મૂકી આપે અને પોતે રમ્યા કરે એવો જ મૂડ હોય.
ક્યારેક જાતે કપડાં પહેરવાનો આગ્રહ રાખે, ક્યારેક ધરાર જાતે ના જ પહેરે.
ક્યારેક ઘણી વાર્તા સાંભળવી હોય (કદાચ તમે થાકી જાઓ), ક્યારેક તમારું કશું જ ના સાંભળે.
ક્યારેક પેન જોઇતી હોય શરીરે ચિતરામણ કરવા, ક્યારેક દિવાલો રંગવા.
ક્યારેક તમને વ્હાલ કરે અને કહ્યું કરે તો ક્યારેક તમને કશું જ ના કરવા દે (કકળાટ કરે, જિદ્દ કરે).
ક્યારેક ધમપછાડા કરે તો ક્યારેક શાંતિથી કંઇક મથ્યા કરે.
ક્યારેક રડે, ઘણું હસે અને તમને વાતે વાતે થકવી કાઢે એનું નામ બાળક.

હા, બાળકો આવા જ હોય.

અને એમનાં દરેક વર્તન પાછળ એમનાં પોતાનાં કારણો હોય અને એ મનાવવાનો એમનો આગ્રહ હોય.

તેઓ આ રીતે રમીને, હસીને તો ક્યારેક રડીને, ક્યારેક જિદ કરીને, નવું જાણીને, એમનાં મૂડ પ્રમાણે વર્તીને, એમનું કહ્યું ધરાર મનાવડાવીને, તો ક્યારેક નમતું જોખીને તમારી વાત માનીને ક્રમિક વિકાસ કરે.
આમાનું કશું જ કોઇ પણ બાળક માટે નિશ્ચિત ના હોય. બધાં બાળકો જુદાં હોય અને છતાં આ બધું બધાનામાં સાવ સામાન્ય હોય.

એક નાનું કામ જેમ કે કદાચ તમને નજીકનાં મોલમાં કે શાકભાજીની દુકાને શાક લેવા જવું હોય જે માત્ર ૧૫ મિનિટનું જ કામ હોય.
પણ તમારી સાથે ૨ થી ૩ વરસનું બાળક હોય તો તમને ૪૫ મિનિટથી ૧ઃ૩૦ કલાક લાગે.
૩ થી ૪ વરસનું બાળક હોય તો ૩૦ થી ૪૫ મિનિટ લાગે. ક્યારેક વધારે પણ લાગી શકે તો અહો આશ્ચર્ય ક્યારેક તમે ના ધારેલું હોય એવી ઝડપથી તમારું કામ પતી જાય.

હવે મજા ત્યારે આવે કે આ બધું રોજનું હોય. ૨૪ કલાકમાંથી તેઓ સૂએ તેટલાં કલાક અને તમને સૂવા મળે તેટલાં કલાક આરામ.
બાકીનો બધો સમય આ બધું નોનસ્ટોપ અને અનિશ્ચિત હોય.
તમને થાય, આમાં શું નવું?

નવું એ છે કે
આ બધી ગતિવિધી ધીરજથી અને હસતા મોઢે કરવા અપાર પ્રેમ, વાત્સલ્ય અને ધીરજ જોઇએ.

એ બધું રાતોરાત કેવી રીતે આવડી જાય?
હા, માતા આ બધું સહજતાથી કરી શકે. (જો એને સહકાર હોય તો, અને સહકાર ના હોય તો પણ. કેવી રીતે અને કેવો સહકાર માતાઓને જોઇએ? તે અલગ મુદ્દો પછીથી ચર્ચીએ.)

બાળકોને માત્ર સ્કીલ ડેવલેપમેન્ટ જ નહિં પણ મૂલ્યો અને રીતભાત પણ પ્રેમથી , ધીરજથી એમને બિલકુલ અભાવ ના આવે અને સમજીને આચરણમાં મૂકે તેવું માહોલ આપવું પડે.
આ માટે માત્ર માતા જ નહિં, પરિવારનાં સભ્યોનું વર્તન, આડોશ-પાડોશ, સામાજિક માળખું, બાળકો માટેની સપોર્ટ સિસ્ટમ બધું જ જોઇએ અને જોઇએ અને જોઇએ જ.
માત્ર માતાનો વાંક કેવી રીતે કાઢી શકાય? એ રીતે બાળઉછેર માત્ર માતાની જવાબદારી કેવી રીતે કહી શકાય?
પહેલાં સંયુક્ત કુટુંબપ્રથા હતી. પછીથી વિભક્ત કુટુંબપ્રથામાં પણ આડોશ-પાડોશ, સગાં – સ્નેહી બધાંની અવર જવર વગેરે ઘણું સામાન્ય હતું. આ બધી વાતે મોટેભાગે ફરજ અને વાત્સલ્ય હતાં.
હવે કોઇને પણ કોઇના માટે સમય નથી. મોટેભાગે વડીલો પણ ઘરમાં ટી.વીનો મોહ ત્યાગી શકતાં નથી. બાળકનાં મન પર આની શું અસર થશે વગેરે વિશે સમજતાં હોવાં છતાં સહજતાથી
પોતાનો મોહ જાળવીને પણ ક્યારેક માતાની ફરજ કહીને છટકી જતાં હોય છે. પુરુષો પણ આ મારું કામ નંઇ કહીને છટકી જાય. તો સામાજિક માળખું એકલા હાથે સ્ત્રી કેવી રીતે સંભાળી શકે?
જ્યારે એની સાથેની અને આસપાસની ઘણી સ્ત્રીઓ પણ અત્યંત વ્યસ્ત હોય? ઘરે રહેતી માતા માટે પણ બાળઉછેરની સપોર્ટ સિસ્ટમ સિવાય આ બધું ઘણું અઘરું અને કપરું છે.
વળી નવી બનેલી માતાઓ કંઇ રાતોરાત પુનઃજ્ન્મ ધારણ કેવી રીતે કરી શકે? એને પુરુષ સમોવડી તૈયાર કરી હોય અથવા એ પોતે પણ કારકિર્દીની દોડમાં અત્યંત વ્યસ્ત હોય. એકદમથી એનાં માટે પણ બધું નવું હોય ત્યારે
એને ‘જવાબદારવિહીન સ્ત્રી’ કે એવાં સંબોધનથી શું એને સહકાર આપી શકાશે?
હવે સપોર્ટ સિસ્ટમની વાત કરીએ. જે હું યુ.કે અને ભારતના મારા અનુભવના આધારે ટાંકી રહી છું.

૧) અહિં મંદિર અને ચર્ચ બંને જગ્યાએ હું જાઉં છું.
રવિવારે સવારે ચર્ચમાં ૧ થી ૧ઃ૩૦ કલાકની પ્રાર્થના સભા હોય.
તેમાં પહેલા ૧૦-૧૫ મિનિટ બેન્ડ અને મ્યુઝિક સાથે બાળકોને મજા પડે એવી નાનકડી પ્રાર્થના હોય.
બાળકો અને માતાઓ માટે પ્રથમ બે હરોળ હોય.
બાળકો મસ્તીથી રમતાં હોય. એમનાં માટે જાતજાતનાં રંગબેરંગી ધ્વજ હોય જે મ્યુઝિક સાથે તેઓ લહેરાવી શકે. ઠુમકી શકે.
સ્ટેજ પર જાય કે ના પણ જાય તેમને કશું જ બંધન ના હોય. આ ૧૦-૧૫ મિનિટ એમની જ હોય.
(હા, અહિં સાહિત્યમાં બાળકોને ભગવાન નથી કહેતાં પણ એમનાં માટે માહોલ તો ભગવાની પૂજા જેવું જ હોય છે.)
પછી ૫ થી ૭ જણાંની સ્વૈછિક કાર્યકર્તાઓની ટુકડી હોય. જેઓ એક અલગ ખંડમાં કે જે પ્લે ગ્રુપ જેવું હોય ત્યાં એઇજ ગ્રુપ પ્રમાણે બાળકોને સાચવે.
રમાડે. જોડકણાં કહે, ચિત્રો દોરવા કે ગુંદરકામ જેવી પ્રવૃત્તિ કરાવે અને બાળકો ત્યાં એમની ઉંમરના બાળકો સાથે મજા મજા કરે.

માતા-પિતાને બાળકનો નંબર આપે. માતા-પિતા કે વાલી ચર્ચમાં નિરાંતે પ્રાર્થના સભામાં ભાગ લે. એમનું મન શાંત થાય.
એમનામાં ધીરજ, કરુણાનાં ગુણો વધુ બળવત્તર બને. કોઇ બાળકને વાલીની જરુર પડે તો પ્રાર્થના સભાની સ્ક્રીન પર મેસેજ પોપ અપ થાય.
અને કોઇને પણ ખલેલ પહોંચાડ્યા વગર જે તે વાલી બાળક પાસે બાજુનાં ખંડમાં પહોંચી જાય.
સૌથી વધુ અગત્યનું સરખાં સંજોગો વાળા માતા-પિતા સહજતાથી હળી-ભળી શકે, તેમનાં સંતાનો એકબીજાનાં દોસ્ત બની શકે.

અઠવાડિયે એકવાર પણ આવું કેવું સારું લાગે? અને પછી આખો દિવસ બાળક પણ ખુશ અને તમે પણ.

જ્યારે મંદિરમાં? પેસતાં જ બોર્ડ હોય. ‘મહેરબાની કરીને તમારાં બાળકોને કંટ્રોલમાં રાખશો’.

(અહિં પણ અને ભારતમાં પણ)
તમે જો ભૂલથી પણ નાનાં બાળક સાથે મંદિરમાં જાઓ અને આવી પ્રાર્થના કે ભજનમાં બેસો, કોઇ તમારા બાળકને તો ભાગ્યે જ સાચવે (તમને થોડી શાંતિની પળો મળે), બધા ભગવાનને મૂર્તિમાં જ ભજે અને માતાઓને ટોક્યા જ કરે.
બિચારી માતા, બિચારાપણાંના ભાવ સાથે , બાળક પર ચિઢાઇને તો ક્યારેક ટોકવા વાળાઓ પર ચિઢાઇને પોતાનું રુટીન શરુ કરે. એ બીજું કરી પણ શું શકે? એ બિચારી માતા છે. છોકરાંઓને કંટ્રોલમાં રાખવા એનું પરમ કર્તવ્ય છે.
સમાજનો, આસ-પાસનો આમાં શું રોલ? તેઓ તો બધાં વ્યસ્ત છે. તેઓ તો બધાં ભગવાનને ભજી રહ્યાં છે. ત્યાં આ છોકરાંનો કકળાટ? મંડી પડે માતા ઉપર છાણાં થાપવા. ‘બેન બહાર જાઓ , બેન બહાર જાઓ અને મોઢાં તો કેવાં બગાડે?’
આ મારો જાત અનુભવ છે. બંને જગ્યાએ.

અપવાદરુપ કિસ્સામાં એક વખત એક કાકાએ મારી બેબીને બહાર આંટો મરાવેલો. એટલું સારું લાગેલું. જિના તો હજુ એમને દાદા કહીને યાદ કરે છે. તેમણે પણ કીધું અમારે તો રોજનું છે. તું પહેલી વાર આવી છે, નિરાંતે બેસ. મારે તો આજે બાળ ભગવાન.

 

૨) લાઇબ્રેરી કલ્ચર અને બાળકો
—–
અહિં લાઇબ્રેરી પણ દરેક એરિયામાં હોય.  એમાં બાળવિભાગ અલગ હોય. બાળકો માટે ત્યાં નિત નવી પ્રવૃત્તિ હોય. અરે,શાળાએ જતાં બાળકોને હોમવર્ક વગેરેમાં મદદ કરવા માટે પણ સ્વૈછિક કાર્યકર્તાઓની ટીમ લાઇબ્રેરી તરફથી કાર્યરત હોય.
૦ થી ૫ વરસનાં બાળકો માટે રોજ અડધોથી ૧ કલાક જોડકણાં શેશન, અને સ્ટોરી ટેલીંગ હોય.
ત્યાં રમકડાં પણ હોય. માતાઓ રોજ ૧ કલાક અહિં આવીને રીલેક્ષ થઇ જાય. બાળકો મજેથી બધાં જોડકણાંમાં રસ લે. સ્ટોરી ટેલીંગ ચિત્રો સાથે હોય.
બાળકને કશો જ આગ્રહ ના હોય કે એણે જોડકણાં ગાવાં કે વાર્તા સાંભળવી. એમ જ રોજ રોજ બીજાં બાળકોનું જોતાં જોતાં તેઓ પણ ધીમે ધીમે આ બધી પ્રવૃત્તિમાં ભાગ લે.
મજા કરે.
ક્યારેક ચિત્ર દોરવાનું કે કંઇક ક્રાફ્ટ બનાવવાનું લાઇબ્રેરી તરફથી આયોજન હોય.
બાળકો આ બધું મજાથી કરે અને માતાઓને તે વખતે ઘણી હળવાશ મળી રહે. ઘેર આવીને બાળક પણ ખિલખિલ હોય.
શેશન પછી પણ બાળકો આ બાળવિભાગમાં છૂટથી રમે, હસે, મજા કરે. કોઇ રોક ટોક ના હોય.
ક્યાંક ટોય લાઇબ્રેરીની પણ સુવિધા હોય.
૩) ચિલ્ડ્રન સેન્ટર (કાઉન્સીલ સપોર્ટેડ અને વોલેન્ટરી)
——-
૧ પાઉન્ડની ફી સાથે ૨ કલાકનું બાળકોને રમવાનું આ શેશન હોય.
અહિં જાત જાતનાં રમકડાં હોય. બાળકો સાથે વાલી ઘણુંખરું માતાઓ હોય. અને નિયમિત મળવાથી સમાન સંજોગોવાળી માતાઓની અહિં બહેનપણીઓ પણ બની જાય.
માતાઓ રિલેક્ષ થાય અને બાળકો એમની રીતે આરામથી ૨ કલાક રમે. મસ્તી કરે. જાતજાતની પ્રવૃત્તિઓ કરે.
બાળકો આ બધું મજાથી કરે અને માતાઓને તે વખતે ઘણી હળવાશ મળી રહે. ઘેર આવીને બાળક પણ ખિલખિલ હોય.

4) હોસ્પિટલ કે હોટલ અહિં બધે જ કલર પેન્સિલ, કાગળ હોય. બાળકોને કોઇ ભાગ્યે જ ટોકે.
હોસ્પિટલમાં ભલે બે કલાક બેસવાનું હોય, બાળક રંગકામની પ્રવૃત્તિમાં ડુબી જાય. (કોઇ કશું ચોરી ના જાય).
હોસ્પિટલમાં તો બાળકો માટેનો આકર્ષક પ્લેરુમ હોય. ક્યાંય જઇએ માતાઓ અને બાળકોને પ્રાધાન્ય હોય.
સ્ટે એટ હોમ, ઘરે રહેતી માતાઓમાં ધીરજ , પ્રેમ અને વાત્સલ્યનાં ગુણો આપોઆપ વિકસવા લાગે.
જ્યારે ભારતમાં ઘણું ખરું માતાઓ ગમે તેટલું મથે મોટાભાગે ક્રિટીસીઝમનો ભોગ કેમ બનતી હશે?
શું કામ પ્રોત્સાહનનાં બે શબ્દો માટે તે ક્યારેક આખી જિંદગી તરસતી હશે?

 

5) કારકિર્દી અને માતાઃ

જો કોઇ સ્ત્રી માતા બને અને બે-ત્રણ વરસ કારકિર્દીમાંથી વિરામ લેવાનું વિચારે તો પણ એને ઘણો સ્ટ્રેસ થાય એવી માનસિકતા વાળો આપણો સમાજ છે. ભારતમાં વ્યક્તિની પોતાની લાયકાત,. ધગશ, આત્મવિશ્વાસ વગેરે કરતાં વધુ એનાં સર્ટીફિકેટ, અનુભવનાં સર્ટીફિકેટમાં તારીખોનું મુલ્યાંકન થાય.

યુ.કે , યુ.એસ.એમાં કરિયર બ્રેક લીધેલી માતાઓને ફરીથી નોકરી પર સૉરી કારકિર્દી શરુ કરવામાં ખાસ વિચારવું પડતું નથી.

ફરીથી ભણવું હોય કે નોકરી કરવી હોય, લાઇન બદલવી હોય વગેરે માટે

દરેક ચિલ્ડ્રન સેન્ટરમાં આવી માતાઓ માટે અલગ કાઉન્સેલિંગ કોર્સીસ હોય છે. તેમાં તમને ઘણું હકારાત્મક વિચારતાં કરી દે તેવી વાતો જોવા-જાણવા મળે. વળી નોકરીના ઇંન્ટર્વ્યુમાં પણ તમને કોઇ ‘નકામી વ્યકિત’ તરીકે નહિં જોતાં એક માતા તરીકે આદરથી જોવે અને વર્તે. તમારામાં બે-ત્રણ વરસમાં ઘણીવાર દસ વરસનાં વિરામમાં જે બીજા ગુણો વિકસ્યા હોય તેના તરફ હકારાત્મક વલણ દાખવે. ધીમે ધીમે બે-ત્રણ મહિનામાં તો આવી માતાઓની કારકિર્દી પાટે ચઢી જ જાય.

કારકિર્દીમાં વિરામ દરમ્યાન પણ યુ.કે , યુ.એસ.એમાં તમને માનથી જોવે. બાળકો માટે ભોગ આપો છો એ વાતે પ્રોત્સાહનનાં બે શબ્દો બોલે.

જ્યારે ભારતમાં,

જો સ્ત્રી નોકરી કરતી હોય તો એની સરખામણી ‘ભારતીય સંસ્કૃતિ અને સ્ત્રી માટે બાળઉછેર’ કેટલાં અગત્યનાં છે તેવી સ્ત્રીઓ સાથે થાય. જો નોકરી ના કરતી હોય તો બિચારી ‘હાઉસવાઇફ’ માં એની ગણતરી થાય. સરવાળે એ જે પણ કરે એને પ્રોત્સાહન ઓછું અને કંપેરીઝન , કંપલેઇન્સનો ભોગ વધારે બનવું પડે. એ પણ એક કારણ છે કે ભારતમાં પ્લે ગ્રુપ, કિંડર ગાર્ડન, ટ્યુશન વગેરે ગલીએ ગલીએ ફુલે ફાલે છે.

 

આ બધું હોવા ઉપરાંત યુ.કે, યુ.એસ.એમાં બાળકોને રમવા માટે પાર્ક અને ખુલ્લી જગ્યાઓ તો ખરી જ.

જાત અનુભવે લખું છું.

(હું યુ.કેમાં ત્રણ જુદા શહેરમાં રહી છું અને ત્રણેય શહેરમાં આ મારો જાત અનુભવ છે).

યુ.કેમાં મને એક માતા તરીકે મારામાં બદલાવ લાવવો ઘણો સરળ લાગ્યો છે જ્યારે ભારતમાં થોડો સમય પણ રહી છું લોકો બહુ જ કંપેરીઝન, અને કંપલેઇન કરતાં હોય છે.
સહકાર ઓછો અને માતાઓએ શું અને કેવી રીતે કરવું જોઇએ એનું સલાહપુરાણ જ વધારે જોયું છે.

હા, રુષિમુનિયોએ અને બધાએ બાળઉછેરની જવાબદારી સ્ત્રીની ગણી છે. સાચી વાત છે. સ્ત્રીમાં મમતા, વાત્સલ્ય, ધીરજ અને પ્રેમ કુદરતી છે. એ જનની છે પણ ક્યાંક એને માતા તરીકેનાં માન-પાન ઓછાં થતાં ગયાં છે.
એને માતા તરીકે વધુ સહન કરવાનું આવે ત્યારે એ સ્ત્રી ઘણીવાર બળવો પણ પોકારે છે. આપણે એને માનભેર સમજી શકીશું? (અપવાદરુપ કિસ્સામાં સ્ત્રી જિદ્દી અને ઝનુની હોય, વધુ પડતી કારકિર્દીલક્ષી હોય તો શું પરિવાર થઇને સમજણથી બાળકોને સાચવી શકીશું?)
બીજું તો કંઇ નંઇ શું બાળકોમાં ભગવાન જોઇને એને ભજી શકીશું? એમની સાથે રમી શકીશું? શું માતાઓને યોગ્ય સપોર્ટ સિસ્ટમ આપવી આખા પરિવારની અને સમાજની જવાબદારી નથી?
માતાઓને આવી સપોર્ટ સિસ્ટમ દિવસનાં માત્ર બે કલાક જ પૂરતી છે. બાકીનાં કલાકો એ હસી-ખુશી બધું જ કરશે બાળકનાં વિકાસ માટે.

એક વહાલસોઇ દીકરીમાંથી એક સ્ત્રી તરીકે, એક પત્ની તરીકે, એક વહુ તરીકે, એક ભાભી, કાકી તરીકે , એક માતા તરીકે ક્રમશઃ જે બદલાવ પોતાનામાં લાવે છે એને એક વાર વધાવી તો જુઓ. આટલો સપોર્ટ પણ એને ઘણું પ્રોત્સાહન આપશે.

Children are not a distraction from more important work. They are the most important work.

એક બીજી આડવાતઃ શું આપણે બધાએ આપણાં ઘરનાં, આસપાસનાં પુરુષો નથી જોયાં જે ઘરે મોડા આવે અને માતા કે પત્ની જાગતી બેઠી હોય (એ પણ દિવસભરની થાકેલી હોય) તમને કાળજી ભરેલા સ્વરે ખાવનું પૂછે, કેમ મોડું થયું એમ પૂછે અને પુરુષોનો જવાબ હોય (ઘેર આયા એટલે તારી કચકચ ચાલુ. આ જવાબ એક પુત્રનો પણ હોઇ શકે છે એક પતિનો પણ અને એક પિતાનો પણ.)આ બધું જોઇને મોટી થતી પુત્રી ક્યારેય આવી અપમાનિત જિંદગી નહિં જીવવા મનથી મજબૂત બનતી હોય છે). શું સ્ત્રી ઘરે રહે અને કાળજીથી જાગે તો એને પ્રેમ ભરેલા વચનોનો હક પણ નથી? માત્ર એટલે કે એક માતા છે? આમ પૂછવું એની જવાબદારી અને અપમાનિત થવું એનું નસીબ છે?

Advertisements

9 Comments »

 1. બહુ જ કામની ચર્ચા. આજનું જિદ્દી ભટુરિયું આવતીકાલનું જવાબદાર નાગરિક બનવાનું છે, પહેલા ચાર વર્ષમાં જે ઓપરેટિંગ સિસ્ટમ અને સ્કીલ સોફ્ટવેર જમા થાય છે – એની પરથી આખી જિંદગીની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થાય છે.
  ——–
  મા કે બાપ બન્નેની આ બ્લ્યુ પ્રિન્ટ સારી નીકળે તે માટે જવાબદારી છે. ચીલાચાલુ અને ગયા જમાનાના કુટુમ્બોમાં આ જવાબદારી મા ને ફાળે, અને યોગ્ય રીતે જ આવતી હતી. કારણકે

  ૧. માતાઓ નોકરીઓ કરતી ન હતી
  ૨. સ્ત્રીની સહનશક્તિ અને સમજ નિર્વિવાદ રીતે વધારે હતી
  ૩ નવ મહિના ભાર વેંઢારવાની અને પ્રસુતિની પીડા વેઠવાના કારણે બાળક સાથે તેનો લોહીનો સંબંધ બાપ કરતાં ઘણો …ઘણો પ્રગાઢ હતો.

  આ બધું નવી પેઢીમાં બદલાઈ ગયું છે. આથી બાપે પણ આ જવાબદારીનો અડધો નહીં તો પા ભાગ પણ ‘શેર’ કરવો પડે – નિર્વિવાદ રીતે

  ———–
  પણ વધારે અગત્યની વાત એ છે કે, જ્યારે બાળક મોટું થાય છે, અને બહારની હવા અનુભવવા લાગે છે – ત્યારે એને એની આડ અસરોથી મુક્ત શી રીતે રાખવું , અથવા એના દૂષણોથી બચવા એની પોતાની અંદર શક્તિ શી રીત પેદા કરવી, તે માટે કોઈ શિક્ષણ યુવાન / યુવતિઓને આજની શિક્ષણ પ્રથા આપતું નથી. શિક્ષણમાં સ્કીલ ડેવલમેન્ટ ( પ્રતિયોગિતા વિકાસ?) પર અને સફળ/ શ્રેષ્ઠ થવા પર જે ભાર મૂકાય છે – એનો સોમો ભાગ પણ ‘માણસ’ બનવા પર મુકાતો નથી.

  આ લખનારની મતિ આવું બધું વિચારતાં મુંઝાઈ જાય છે.
  સકાજશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ આ તાતી જરૂરિયાત અંગે ક્યારે જાગશે?

  Comment by સુરેશ — November 24, 2015 @ 2:54 pm | Reply

 2. વિચારતા કરી મુકે તેવી વાત છે.

  Comment by Atul Jani (Agantuk) — November 24, 2015 @ 3:46 pm | Reply

 3. comment from a friend (kalpna patel).
  Hi Hiral, I am sending a private msg since I was not able to comment on the one the post regarding mothers responsibility for child care. I just wanted to mention I am with you in your thoughts. It was a different era when man were capable of fulfilling not only needs but desires as well of his wife and kids. Now’s a days forget about fulfilling desires sometimes wife is needed to go contribute just to fulfill basic needs of household. And ladies do it graciously without complaining. But when it comes to husbands to help their wife in caring for his own child they start to bring back Indian culture so they can easily get away with this responsibility.

  Comment by hirals — November 24, 2015 @ 4:18 pm | Reply

 4. Nice to know more about experience from abroad. I agree with your view and going through similar experience of kid as parent.

  For a kid, after coming to earth, first they do not understand gravitational force. Once they are familiar with it, they do not understand, clock/time/wrist watch. For a kid, be on time at school is out of scope of understanding.

  I remember a quote, “when a kid born, the couple also born as parents”, (not remember exact wordings). Yes, as parents we need to have lots of compassion.

  At our home, we have not subscribe to cable TV, DTH connection. I encourage other parents to at least be aware about TV programmes, we play in present of kids.

  About temple, I have different experience of Swaminarayan temple. Just let me share. They organize weekly Satsang. At same time, they also organize weekly activities for kids. So parents can attend Satsang. May be similar to church in UK, that you shared experience.

  I had another experience of another temple. They also organize weekly Satsang in basement of a building. A small temple at ground floor. We requested to extend cable and arrange speaker at ground floor, so mothers with kids can be at ground floor and attend the discourse. Later on we did not follow up with them for this action.

  A kid has lot of potential. Recently The Art of Living started a course for 8 to 18 years kids to develop their 3rd eye (intuition power), and there are amazing results.

  Comment by Manish Panchmatia — November 25, 2015 @ 5:34 am | Reply

 5. હીરલ, અત્યારે હું પૌત્રના ઉછેરમાં મદદ કરી રહી છું ત્યારે કેટલીય બાબતો મારા ધ્યાનમાં આવી છે જે માતા તરીકે જોવાની ફૂરસદ મારા વ્યસ્ત જીવનમાં મને નથી મળી. છ મહીનાનો મારો પૌત્ર આરિવ હું તેને સમજુ તે કરતાં તે મને વધારે સમજે છે. ભૂખ્યો હોય અને રડે ત્યારે દૂધ ગરમ કરવાની પાંચ મિનિટ તેને છાનો રાખવા વન, ટુ, થ્રી…ગણવાનું શરૂ કરૂં કે તે તરત શાંત થઈ જાય છે કારણ કે તે જાણે છે કે હવે હું તેને આ ગણતરીને અંતે દૂધ આપીશ. એકવર્ષથી નાના બાળકને આ ટેવ થોડા દિવસમાં પાડી શકાય પણ પછી આ ગણતરીનો આડૅધડ તેને છાના રાખવા ઉપયોગ કરીએ તો બાળકનો વિશ્વાસ ગુમાવવો પડે. મારા પગ ઘોડિયા બાજુ વળે અને તેને ન સૂવું હોય તો ઘોડિયાને જોયા પહેલાં દિશા પરથી જાણી ઊંહું ઊંહું કરવા માંડે કેટલીકવાર હું તે તરફ વસ્તુ લેવા તેને તેડીને જતી હોવ તે સમજ સાથે રડવાનું મુલત્વી રાખે અને જો ઘોડિયામાં મૂકું તો રડે. હાલરડું શરૂં કરતાં જ જો તેનો વિચાર બદલશે તો શાંત થઈ જશે અને નહીતર વધુ જોરથી રડશે અને મારૂં હ્રદય પીગડાવી ધાર્યું કરશે. ઊઠે ત્યારે હંમેશ હસતો જ ઊઠે અને મને જોઈ ખુશીના હાથપગ ઉછાળી તેડી લેવા પ્રેમથી મજબૂર કરશે. સદનસીબે તે ખુશમિજાજી છે પણ ક્યારે રડીને મને પીગળાવી અને ક્યારે હસીને તે તેના હાથની વાત છે. તેની ભાષા અને જરૂરિયાત સમજવાથી તેનામાં ધીરજ વિકસે છે. કેટલાંક બાળકો ઊઠતાની સાથે જ રડે છે. સંભાળ રાખનારની અણસમજણનો ભોગ બનેલ બાળકો કંકાસ વધારે કરતાં હોય છે જે આખી જીંદગી ચાલુ રહે છે. સમાજની વાત તો બીજા પગથિયાની છે. ઘરના વાતાવરણમાં પહેલાં પગથિયે જ પાર વગરની ભૂલો્ને કારણે પ્રેમ, વિશ્વાસ અને ધીરજ જેવા ગુણોના બીજ રોપાતા નથી. બીજાને હાત કરી બાળકને છાનું રાખવા મથતાં માબાપ બાળકને અન્ય ઉપર રોષ ઠલવતાં શીખવે છે અને તે ય અજાણપણે! માતાઓને શિક્ષણ એ આજના સમયની તીવ્ર માંગ નહી સંતોષાય તો આવતાકાલના નાગરિકો અને સમાજની ફરીયાદ વધવાની છે ઘટવાની નથી .

  Comment by અક્ષયપાત્ર/Axaypatra — November 25, 2015 @ 4:37 pm | Reply

 6. હિરલબેન;
  તમારો આ આર્ટીકલ વાંચ્યા વગર બાળ ઊછેરની ચર્ચામાં મારો અભિપ્રાય આપેલ. આજે આર્ટીકલ વાંચ્યો ત્યારે સમજાયું કે બાળ ઊછેરનો મુદ્દો તો અહીં ગૌણ છે. મુખ્ય મુદ્દો અને ફરિયાદ છે કે, હાલના ભારતમાં/ભારતિય સામાજીક ઢાંચામાં સ્ત્રીઓએ ખુબ સહન કરવું પડે છે અને તેમની પરિવારમાં, સમાજમાં કે અન્ય ક્ષેત્રોમાં કદર થતી નથી. આજે આ ભાવના/ફરિયાદ મોટાભાગની સ્ત્રીઓની હોય છે.
  માનવ જાતીના ઈતિહાસ પર નજર કરશો તો જણાશે કે સ્ત્રીઓનુ શોષણ દરેક સભ્યતાઓએ કર્યું છે તેમાં કોઈ બે મત નથી. કેટલાંક ધર્મો તો સ્ત્રીમાં આત્મા જ નથી હોતો તેવું માનતા. સ્ત્રીને એક કોમોડીટી જ ગણતા અને તેનો વ્યવસાય કરતી અનેક સભ્યતાઓ હતી. આપણે ભુતકાળ ભુલી જઈએ તો આજે પણ કહેવાતા ધર્મો, સભ્ય સમાજોમાં સ્ત્રીનુ સ્તર નીચું રાખવામાં આવ્યું છે.
  જેમ કે જૈન ધર્મ આજે પણ કહે છે કે સ્ત્રી દેહે નિર્વાણ સંભવ નથી. નિર્વાણ માટે તો પુરુષ દેહ જ ધારણ કરવો પડે. અને તેથી જ ગમેતેટલી સીનિયર સાધ્વીજી હોય તેણે નવાસવા જૈન સાધુને નમન કરવું પડે છે.
  સ્વામિનારાયણના સાધુઓ તો સ્ત્રી દર્શન પણ ઘોર પાપ સમજે છે. ઈસ્લામની તો કાંઈ વાત જ કરવા જેવી નથી. સરિયતના અનેક કાયદાઓ પચાવવા અશક્ય છે. એ પચાવવા કટ્ટર મુસલમાન હોવું જરુરી છે તો જ પચે.
  ખ્રિસ્તીઓમાં શિક્ષણનુ પ્રમાણ વધુ છે તેથી ચાલાકી પણ વધુ છે. બહારથી દેખાતી સમાનતા, ભિતર ઝાંખો તો ખોખલી છે.
  હિન્દુઓના શાસ્ત્રો ભલે કહેતાં હોય કે જ્યાં સ્ત્રીઓની પુજા થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. પરંતુ દરેક હિન્દુમાં પછી તે સ્ત્રી હોય કે પુરુષ, પણ દિકરાના જન્મનો જેટલો હરખ હોય છે તેટલો દીકરીના જન્મનો નથી હોતો. કારણ? કારણ છે હિન્દુ સંસ્કારીતતા અને હિન્દુ માનસિકતા.
  આજે નારી તું નારાયણીના નારા કેમ લગાવવા પડે છે? કાંઈક ગરબડ જરુર છે. હિન્દુ મુસ્લીમ ભાઈ ભાઈના નારા બુલંદ થાય તે જ બતાવે છે કે હિન્દુ મુસલમાનમાં કાંઈક ગરબડ છે. હવે હિન્દી ચીની ભાઈ ભાઈના નારા બંધ થયા. કારણકે અત્યારે ભારત- ચીન વચ્ચે યુધ્ધની પરિસ્થિતી નથી. વળી જો યુધ્ધ છેડાય તોા આ નારા બુલંદ થઈ જશે.
  બીજી બાજુ સ્ત્રી સ્વાતંત્યતાની બુમરાણ મચાવતાં અનેક દિશાહીન નારી સંગઠનો પોતપોતાની ખીચડી પકાવવામાં સંલગ્ન છે. આ બધું રાજકારણના એક ભાગ મુજબ ચાલે છે. અને આ રાજકારણ કેવળ રાજકિય પક્ષોજ ખેલે છે તેમ નથી. આપણી દરેકની ભિતર એક રાજકારણી જીવી રહ્યો છે જે કેવળ પોતાને લાભ ક્યાં છે તે જ જુએ છે અને તેને સમર્થન આપે છે. થોડો કપટી રાજકારણી હોય તો બહાર કાંઈક જુદું બોલે અને ભિતર કાંઈક જુદું હોય. મારે દેખ્યે, સ્ત્રીઓ પ્રત્યેનુ વલણ દરેક સમાજમાં ન્યાયી નથી જ.
  સ્ત્રીઓ જે કામો કરે છે જેમકે ઘર સંભાળ, બાળ ઉછેર, રસોઈ,અને બીજા અનેક. ( હવેતો અર્થ ઉપાર્જન પણ.) તે કામોને તુચ્છ/હલકા સમજવામાં આવે છે અને આવા સંસ્કાર રેડવામાં માં નો પણ ફાળો હોય છે. પુરી જન્મથી નિરાશ થતી અનેક મા ને મેં જોઈ છે. હવેની આધુનિક નારી તેનો ભાવ બહાર પ્રગટ નથી કરતી પણ જરા ખોતરો કે તરત અસલિયત છતી થતી હોય છે.જરુર છે આપણી માનસિકતા બદલવાની. આપણી માનસિકતા બદલાશે તો સમાજ આપોઆપ બદલાઈ જશે. સમાજ આખરે તો આપણા જેવા લોકોનો સમુહ માત્ર છે. તેનુ કોઈ અલગ અસ્તિત્વ નથી. પણ આપણુ ફોકસ સમાજ બદલા પર વધુ અને જાત બદલવા તરફ ઓછું છે અને તે જ મૂળભુત કારણ છે સમસ્યાનુ.
  બીજું આપે પ્રશ્ન ઊઠાવ્યો છે કે બાળ ઊછેરની/ઘર સંભાળની જવાબદારી કેવળ સ્ત્રીની જ શા માટે?
  મારે દેખ્યે જ્યાં પ્રેમનો અભાવ હોય ત્યાં હક્ક અને જવાબદારી પ્રવેશ કરી જાય અને જેવી હક્ક અને જવાબદારીની વાત આવે કે જીવનમાં ઝેર ઘોળાવાની શરુઆત થઈ જાય. હક્ક અને જવાબદારી પ્રેમ અભાવુ સુચક છે. પછી મોટાભાગના ભારતિય દંપતી સંસ્કારવશ/ભયવશ લગ્ન જીવન નિભાવતા હોય તે જુદી વાત છે. પશ્ચિમના દેશોમાં સંસ્કાર જુદા છે અને છુટાછેડા લેતા બદનામીનો ભય પણ ઓછો છે તેથી ત્યાં લગ્નપ્રથા ડામાડોળ છે. અને ભવિષ્યમાં ભારતમાં પણ આજ પરિસ્થિતિ બનશે તેમાં કોઈ મિનમેખ નથી. બુધ્ધીનો આંક (આઈ.ક્યુ) વધી જાય અને લાગણી/ભાવનાનો આંક (ઈ.ક્યુ.) ઘટી જાય ત્યારે આવા પરિણામો સહજ છે. વધતા ભણતરની સાથે અને ઘટતાં લાગણીના સંબધો સાથે આવું જ બને તે સ્વાભાવિક છે.
  બીજું પાશ્ચિમના સમૃધ્ધ દેશોમાં મળતી બાળકોની સુવિધાઓથી આપ પ્રભાવિત છો. આવી સુવિધાઓથી પ્રભાવિત થવું સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ ઈચ્છેકે આવી સુવિધાઓ મળવી જોઈએ. પરંતુ સાથે સાથે બન્ને દેશોનીાર્થિક, સામાજીક, રાજકિય પરિસ્થિતી સમજવી જરુરી છે જેથી ન્યાયી ચિંતન કરી શકાય.ામેરિકા, યુકેની પર કેપિટલ ઈન્કમ સામે ભારતમાં પર કેપિટલ ઈન્કમ નહિવત છે. સરેરાશ અમેરિકન તેની આવકના ૩૦%થી વધુ રકમ ડયરેક્ટ ટેક્ષ ભરે છે. જ્યારે ભારતમાં કદાચ ૨%થી વધુ નથી. અમેરિકા, યુકેમાં ટેક્ષ ચોરીનુ/ભ્રષ્ટાચારનુ પ્રમાણ નહિવત છે, જ્યારે ભારતમાં ખુબ વધુ છે. ટાટા-બીરલા સાથે ઝુંપડપટ્ટીના નાગરિકની સરખામણી જેવી આ વાત છે.
  આપે રજુ કરેલ સમસ્યાના મૂળમાં પ્રેમ અને સમજનો અભાવ મુખ્ય છે.

  Comment by Sharad Shah — November 26, 2015 @ 6:37 am | Reply

  • આદરણીય શરદ અંકલ,

   તમારા બધા અભિપ્રાયો, વિચારો બીજાને વિચારતાં કરી દે તેવાં છે. ગઇકાલનાં બાળૌછેર સંબંધી તમારા અવલોકનો બહુ જ ગમ્યા.

   તે ઉપરાંત ધર્મોમાં સ્ત્રીને જે રીતે સ્ત્રી તરીકે અમુક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે એ વાતે તો મને પણ ઘણી વાર બહુ જ દુઃખ થાય છે.

   જૈન સમાજના સાધ્વી વિશે આપે જે વાત કરી તે વાત મેં મારી ટીન-એજમાં ઘણાં આચાર્યોને અને સાધ્વી મહારાજોને કરી હતી પણ આવી વાતો તરફ કોઇને ધ્યાન આપવાની જરુર નથી જણાતી.

   Comment by hirals — November 26, 2015 @ 5:17 pm | Reply

 7. સુશ્રી હિરલબેનનો લેખ અને પ્રતિભાવો મનનીય છે. સંયુક્ત કુટુમ્બમાં ઉછેર, દેશ પરદેશની પરિસ્થિતિ અને દાદા-દાદીની અહીં પરદેશમાં, કૌટુમ્બિક ભૂમિકામાં ખૂટતી ભૂમિકા ભજવવાની તકથી સઘળું અનુભવ્યું છે. આપ સૌની વાત સો ટકા સાચી છે. એક બીજાના પૂરક બનવાની હોડ લાગે તો , આ પ્રશ્ન એટલો હળવો બની જાય છે કે નવી પેઢી લાખેણી બની મોટી થઈ શકે, એવું અનુભવ્યું છે. ફક્ત પૈસા નહીં..હૂંફથી અમીરી બાળપણને મળે છે…પછી વિકાસની પૂર્તિતો કરવી જ રહી..ઉદ્યમથી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Comment by Ramesh Patel — November 26, 2015 @ 10:24 pm | Reply

 8. […] આખો મનનીય લેખ આ લીંક પર ક્લિક કરીને વાંચો. […]

  Pingback by ( 824 ) બાળ ઉછેર વિષય પર હિરલ શાહના બે મનનીય લેખો .. | વિનોદ વિહાર — December 11, 2015 @ 11:39 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: