Hiral's Blog

November 11, 2015

ક્રેઝી કિડ્સ, પરેશાન પેરન્ટ્સ !

Filed under: બાળ ઉછેર — hirals @ 2:26 pm

પ્રિય બચ્ચાંઓ,
આ તહેવારોની રજાઓમાં ઘેર આવો, ત્યારે ફરીવાર મનફાવે તેમ વર્તવા માટે તૈયાર રહેજો. બહાર બહુ ડિસિપ્લીનમાં રહ્યા છો. માટે ત્રાસ તો બધો ઘેર જ વર્તાવવાનો હોય ! મિલ્કશેઇક કે જ્યુસ તો તમને ભાવતા નથી. માટે એના અડધા કરેલા ગ્લાસ જ્યાં ને ત્યાં રખડતા છોડી જ દેજો. હું છું ને એ શોધી શોધીને લેવા માટે ! મોજાં હોલમાં એક આ છેડે ને એક પેલા છેડે જ ફેંકશોને બહારથી આવીને ? વીણી લઇશ. તમારી ગેઇમ્સ, તમારા પેપર્સ બધું એક-એક જગ્યાએ વેર વિખેર રહેશે, એ ય એકઠાં કરી દઇશ. ને તમે જ્યાં પણ હો, ત્યાં શાલ / બ્લેન્કેટ્સ ઢગલો કરી નીચે પડતા જ મુકજો. હું કાળજીથી એની ઘડી કરી, ફરી તમારી સેવામાં પથારીમાં મૂકી દઇશ.
અને દરવાજા… એને બંધ કરવા ફરજીયાત થોડા હોય ? ઉઘાડાફટાક છોડી દેવા. હું છું ને પાછળ પાછળ ફરીને એને બંધ કરવા માટે ! માટે સિરિયસલી, જરાય ફિકર ના કરશો. ભલે બારી-બારણા ખુલ્લા હોય તો ય એસી-પંખા ચાલુ હોય, બધા રૃમની લાઇટ્સ ચાલુ હોય. ઘરમાં કંઇ ક્લાઇમેટ કન્ટ્રોલ હોય ? ઓપન ડોર પોલિસી આપણે તયાં તો. આપણે તો પૈસાની રેલમછેલ છે ને! ધોધ વહે છે રૃપિયાનો. ઉડાવો તમતમારે!
અને તમારા પહેરાયેલા કે ભીના કપડાં અને ટુવાલ કોઇ પણ જગ્યાએ ઘા કરી જ દેવાના. આ તો તમારી ક્રિએટિવિટી કહેવાય નહિ ? કે એક નિશ્ચિત જગ્યાને બદલે નવી નવી જગ્યાએ એ મૂકીને મને એ શોધવાની રમત કરાવશો ને ? અને મેં કોઇ સફાઇ કરી હોય કે માંડ કરીને કોઇ જગ્યા ગોઠવીને રાખી હોય ત્યાં બધું ખાસ મૂકશો ને. હું તરત જ એ લઇ ફરી સફાઇ કરી નાખીશ. તમારા શૂઝ ભેગી આવેલી કાંકરીઓ પણ. તમે આ બધામાં જરાય તમારો કીમતી સમય વેડફતા નહિ. તમારું તો વૉટ્સએપ ચાલુ હશે ને ! એના પર જ ધ્યાન આપવાનું હોય ને. આફટરઓલ, તમારા બધા ફ્રેન્ડસ તો મોબાઇલની અંદર જ રહે છે ને ? તમારા મોબાઇલને ખલેલ પહોંચાડીને એમને થોડા ડિસ્ટર્બ કરાય ?
અને જ્યારે ભૂખ લાગે એટલે કહી જ દેવાનું. એમાં કોઇ અંદરોઅંદર કે અમારા બધા સાથે ચર્ચા કરવાની જ ન હોય, જેથી વારંવાર રસોઇ કરવી ના પડે કે બગાડ ન થાય. આ તો ઘર નથી, ફાઇવસ્ટાર હોટલનું કિચન છે. ચોવીસે કલાક ખુલ્લું. બસ, ઓર્ડર કરો એટલે માંગો તે હાજર. તમને કંઇ ના પડાય ? જ્યારે તમારે જે જોઇએ તે સેવામાં પ્રસ્તુત થઇ જશે. ફટાફટ કૂકિંગ કરવાની સ્તો ડિગ્રી લીધી છે મેં !
અને તમે જાતે કશું લેતા હો, તો જે આઇટેમ છેલ્લે લીધી હોય એ ત્યાં જ છોડી દેશો ને ? દૂધ, છાલ, ચોકલેટ રેપર, એંઠી ચમચી બધું જ. બગડી જાય તો શું ? ફેંકી દેવાનું. નવું લઇ આવવાનું. પૈસા ? પ્લીઝ, એ તો હું વધુ કામ કરીને કમાઇ લઇશ. અને પગલે પગલે તમારી પાછળ જ ચાલવા માટે જ તો મારે જીવવાનું છે. તમે જે કંઇ ઢોળતાં જાવ, એ કેટલું ઈમ્પ્રેસિવ લાગે, નહિ ?
ને જ્યારે જ્યારે તમે તરસ્યા હો, ત્યારે નવો જ ગ્લાસ લેવાનો. આગલો વધેલા પાણી સહિત એમ જ મૂકી દેવાનો. આપણે ઝાડ જ ઊગે છે, વાસણોનું તો. ને ઈલેકટ્રિસિટી, વૉટર બધું જ આખા જગતનું આપણા  માટે જ સાવ મફત છે.
તમારા મિત્રોને ત્યાં કે બહાર જવાનું છે ? અરે, વાહન ને લાયસન્સ મારા એના માટે તો લીધા છે. એનો ઉપયોગ કરવા માટે ય ત્યાં મૂકી જ જઇશું ને તેડી ય જઇશું. ક્રેડિટ કાર્ડસ પણ તમારા શૉપિંગ માટે જ બન્યા છે. એમાં કંઇ આગળથી જાણ કરવાની હોય ? જે કામ કરતા હોઇએ, એ પડતા મૂકી તમારી આગળપાછળ ફરવું એ તો અમારો ધર્મ છે. મને ખબર છે, તમારો સમય તો બહુ કીમતી છે. એ તો પ્રેમ રતન ધન પાયો કે સ્પેકટર જોવાના જ અગત્યના કાર્યોમાં જ વાપરવાનો હોય. ઘર શું વળી વિસાતમાં ? એની ગોઠવણીમાં મદદ તો બહુ તુચ્છ કામ કહેવાય.
ને મારા નાનેરાંઓ, તમને નવડાવવા ને તૈયાર કરવામાં તમારે ચીસાચીસ, દોડાદોડ અને ધમાલ કરવાની જ હોય. જસ્ટ બી યુ. જે ફીલ થાય એ એક્સપ્રેસ જ કરી દેવાનું. ગમે તે ચીજ લઇ ફાડીતોડી નાખવાની, ફેંકાફેંકી કરી બજાડી નાખવાની. મને ખિદમતનો મોકો મળશે. ખાવાપીવાથી લઇ વાળ ઓળાવવા કે કપડાં પહેરાવવા સુધી તમે ઝાલ્યા ન ઝલાવ, એમાં તો મને કેટકેટલી કસરત કરાવીને મારા પર કેવો ઉપકાર કરી રહ્યા છો. આવી રીતે મારા પર વિચાર કરી મારી નોંધ લેવા માટે હાર્દિક આભાર.
અને તમારા ચશ્મા, ગોગલ્સ. તમારી કેપ. તમારા ફોન. તમારી ચાવીઓ, તમારા કાગળો, તમારી બૂક્સ. અરે, આ રજાઓ એ બધું ફરી ફરી સાચવવા માટે તો પડી છે. અરેરે, એ શું બોલ્યા ? તમારે થોડું કંઇ એ બધું યાદ રાખવાનું હોય ? આખી રાત જાગીને પણ એ જ શોધવાનું હોય. દિવસ અને માટે તો ઉગે છે. પર્વ – ઉત્સવ કંઇ બધું સરખું રાખવા માટે થોડાં હોય. ઘરમાં આવો ને અસ્તવ્યસ્ત કરો, કચરો કરો એ માટે તો આવે છે રજાઓ, તમારી મજાઓ.
અને તમે જે મારા પર રાડો પાડો, આંખો પહોળી કરી મોં ફુલાવો. કયા શબ્દોમાં  આટલી ઝડપથી પ્રતિભાવ આપવા માટે આભાર માનું ? મુજ નાચીઝને ખબર કેમ પડે કે તમને આનંદ આપવામાં મારી ક્યાં – ક્યાં ભૂલ થાય છે ? તમને કંઇ ન્હાઇને તૈયાર થવાનું કે મોબાઇલ કે ટીવી બાજુ પર મૂકી જોડે આવવાનું કે વાત કરવાનું કહેવાય ? હાય હાય. તમને જ ખબર છે, તમારા માટે શ્રેષ્ઠ શું. તમારી મરજીની તો રાહ જ જોવાની હોય. તમે ઘેર આવ્યા એ જ મોટી વાત છે. સૂવા જ આવ્યા છો ને ? કામ જેવી મામુલી ચીજ તો પછી યે હું કરી શકું ને ! અને વેકેશનમાં કંઇ તમને ભણવાનું, સ્કૂલ એવું બધું યાદ દેવડાવવાનો અપરાધ કરાય ?
એક છેલ્લી વાત, તમારે હું કોઇ વાત કરું ત્યારે મોબાઇલમાંથી માથુ ઊંચુ કરીાને હોંકારો બિલકુલ નહિ દેવાનો. તમારા હેડફોન – ઈયરપ્લગ્સ હંમેશા ભરાવીને જ રાખજો હોં. વાતચીત તો સાવ નક્કામી બાબત કહેવાય. સમયસર સાથે જમવાનું કે સંબંધીસ્નેહીઓને ત્યાં એ માટે બેસવા જવાનું ય કંટાળાજનક જ કહેવાય. મારા વિશે ઓછી જાણીતી વાત એ કે તમારું ધ્યાન ખેંચવા માટે ગળું ફાડીને ચિલ્લાવું પડે, એ તો બહુ જ ગમે. ફેફસાંને દિવસમાં વગર પ્રાણાયામે કેટલી કસરત મળે ! આવા મોકા ખાસ આપવા. મહામહેનતે કરેલા શણગાર – સજાવટ વીંખીને પણ. અને બહાર જઇ તોફાન – વ્યસન કરીને આવી તક ફરી વાર આપવા માટે ય સલામ.
ઓહ, આ હોલિડેઝની કેવી હોંશ છે. તમને કટાક્ષ, આર્કેઝમ તો સમજાય છે ને ? ના ના,ન સમજાય તો મારા પર તાડૂકતા નહિ. તમે તો મારા દેવના દીધેલા, માંગી લીધેલા, અમારા લોહી ભરી ભરી પીધેલા…
લવ યુ, બેટાઝ, બેટીઝ… યોર્સ, ડિફોલ્ટ પેરન્ટ !

રજાઓ દરમિયાનની વ્યથાકથા વર્ણવતા એક પરદેશી બ્લોગમાં પ્રીતમવેડાં કરવાને બદલે આર.ડી.ની જેમ મૌલિક ફ્લેવર ઉમેરીને આ પત્ર લખ્યો છે, હીહીહી. અને આપણે ત્યાં કે બહાર મોટા ભાગે મમ્મીઓની માથે જ તહેવારનો ભાર આવી જતો હોય. અને ભારતમાં તો ભૂલકાંથી ટીનેજર સુધીના સંતાનો જ નહિ, એવી જ રીતે વર્તતા ને લાડ કરતા કે રીસાતા-ખીજાંતા હસબન્ડને ય મોટા ભાગે આ જ વાતો આમ જ લાગુ પડે ! દિવાળી જેવા અવસરે સૂંડલામોઢે ઘરનું કામ અને  વધુમાં આરામને બદલે પરિવારનું આ ધૂમધડામ !
ઈનફેક્ટ, આપણે ત્યાં બચ્ચે મન કે સચ્ચે, સારી જગ કી આંખ કે તારેની સદ્ભાવના પરાપૂર્વથી બહુ ફૂલીફાલી છે. પણ બધા જ છોકરા-છોકરી કંઇ નિર્દોષ, માસૂમ, ઈનોસન્ટ નથી યે હોતા. અજાણતા તો ઠીક, જાણી જોઇને મમ્મી-પપ્પાનો દમ કાઢી નાખે. ઉસ્તાદીના અવલ્લ પડીકાં હોય અમુક. ઝાલ્યા ઝલાય નહિ. કોઇકના ઘેર જઇ ભેંકડા તાણે. જીદે ચડી બીજાની હાજરીમાં પગ પછાડીને પહોળા કરે, પરાણે ખોટેખોટી વસ્તુઓ ખરીદવા કજીયા કરે. બહાર લઇ જવાય નહિ, ઘરમાં સચવાય નહિ. પશ્ચિમમાં નાના ટબૂડા-ટબૂડી એકદમ શાંત-ગુપચુપ હોય. આપણે ત્યાં અમુક તો ફિલ્મો જોવામાં ય રડોરોળ કરી બ્લેકમેઇલ કરે એમની એમની ટચૂકડી આંગલીના ટેરવે નાચવા માટે મા-બાપને ! ભારે ચંચળ અને રાડિયાચીડિયા હોય. વાતવાતમાં વાંકુ પડે, ત્રાગાં કરે. ધરાર પોતાનો કક્કો સાચો કરાવે. કોઇ શિખામણ, શિક્ષણ  ચાલે નહિ. તાલીમ કે પ્રેમ બધું પથ્થર પર પાણી.

સંશોધકો એકમત નથી, પણ આખી એક થિઅરી તો છે જ કે ભલે એકદમ ચાંપલીઠાવકી વાતો કરવાની ફેશન રહી,

બધા જ બાળકો ઉમદા ઉછેરથી કેળવાતા નથી.

અમુક કર્મ ગણો કે ડીએનએ, જન્મજાત જ એવી તાસીર લઇને આવે છે કે ઘર,

મા-બાપ – કોઇના દાબમાં રહે નહિ, સ્વતંત્ર ક્રિએટિવ હોય એમ નહિ, શેતાનના અવતાર હોય, લુચ્ચા કે લબાડ હોય. પેરન્ટ્સને ફિલ્ડિંગ ભરાવી એમની પિદૂડી  કાઢી નાખે !  નો  સાયકોલોજીકલ રિઝન, જસ્ટ બાયોલોજી.

અને રજામાં કે ફુરસદમાં આવા હાઇપર ક્રેઝી કિડ્સના પનારે પડયા હો, તો પેરન્ટિંગની સઘળી રંગબેરંગી પિપરમિન્ટ્સ ખટમીઠીમાંથી તીખીકડવી થઇ જાય ! નાના હોય ને તેડવામાં બાવડાં દુઃખે, એટલું જ મોટાંઓ મગજ દુખાડે ! પેરન્ટિંગની ડાહીડમરી વાતો તો બહુ થઇ, અને સાચી યે છે – પણ આ એક ડાર્ક સાઇડ ઓફ પેરન્ટિંગ છે, જે દિવાળીના બ્રાઇટ જોયને ગમ્મતને બદલે ગોકીરામાં ફેરવી મા-બાપને  ડબલ થકવી દે છે !
લેટ્સ ચેક, મા-બાપની આવી ગળચટી નહિ તેવી  વાસ્તવવાદી ઓળખાણ !

મમ્મી-પપ્પા બન્યા ક્યારે કહેવાઇએ ?
જ્યારે મનગમતી મીઠાઇ કે આઇસ્ક્રીમની હંમેશા શરમેધરમે કુરબાની જ દેવી પડે. ફેસ્ટિવ સીઝનમાં કશીક મનપસંદ કે કીમતી ચીજ ઘરમાં જ તોફાની બારકસોના હાથે તૂટે ને ભાંગે જ. ક્યારેક તો મગજ એવું બહેર મારી જાય કે ચાવીને બદલે રૃમાલથી દરવાજો ખૂલે. પર્સ / બેગમાં ફાઇલ્સ કરતાં એકસ્ટ્રા મોજાં કે ટોપી વધુ જગ્યા રોકે. ગમે ત્યારે માંડ મળેલી રજામાં શુભેચ્છાના ફોન અડધી વાતે ઉતાવળિયા અવાજે કિડને કન્ટ્રોલ કરવા કાપી નાખવા પડે. પતિ પત્નીને પબ્લિકમાં મમ્મી અને પત્ની પતિને ડેડી કહેવા લાગે ! દુકાનદાર સાથે બાળકને ફોસલાવવાની ભાષામાં હિસાબ થવા લાગે. કૂકર મૂક્યા પછી ગેસ ધીમી આંચે જ પરમેનન્ટ રહેવા લાગે. રમકડાં ને ચોપડાં ભેગા કરવા, એ જ જીમથી મોટો વર્કઆઉટ થઇ જાય. ”મમ્મી” કે ”પપ્પા” શૉપિંગ મોલમાં ક્યાંક દૂરથી કોઇકના અવાજમાં સંભળાય, તો ય હાંફળાફાંફળા થઇ એ બાજુ જોવાઇ જાય. ગમતી સીરિયલ કે ફિલ્મના ટ્રેક જ ચૂકાઇ જાય વચ્ચે વચ્ચે ઊભા થવાને લીધે ! બેગમાં પોતાની ચીજો કરતાં ડાઇપરનું વજન વધુ લાગે ! સવારે ઊઠવાનો સમય એ સૂવાનો સમય થઇ જાય.
આજે કશીક ધાંધલ ન થઇ, એમ હાશકારામાં જ દિવાળીના બધાં દીવડા મનમાં પ્રગટે ને થાય એની બીકમાં બધા ફટાડકા મનમાં ફૂટે ! બહાર રાજ કરતા હો પણ ઘેર બચ્ચાંલોગ લાતાલાતીથી વાળ ખેંચે, એ ય સહન થઇ જાય. બહાર ફરવા જવાના ઝગમગાટની વચ્ચે ‘પીપી લાગી’નું પંકચર તો અચૂક પડે જ ! બાળકના બિનજરૃરી ચીજો અપાવવાના ધમપછાડાને લીધે હોલિડે શૉપિંગ અડધેથી સંકેલી લેવું પડે. ગમે ત્યારે જાગવાના સમયે ઝોકાં આવે, અને ઊંઘવાના સમયે નીંદર ઊડી જાય ! જરાક ધીમી ચાલતી ફિલ્મો વધુ ગમવા લાગે, કારણ કે એ ટૂકડે ટૂકડે જોઇ શકાય ! છાપાંતો લીટા કરવાનું કેન્વાસ જ છે, એમ સ્વીકારવું પડે.
આમાં તો ક્યારેક ચેક પર સ્કેચપેનથી સહી થઇ જાય ! ટીવી પરના કાર્ટૂન શૉઝ ફેવરિટ મ્યુઝિક કરતાં વધુ ગોખાઇ ગયા હોય ! સ્ટોરમાં બિલ બનાવી બહાર નીકળો, ત્યારે અહેસાસ થાય કે બાળક તો ક્યાંક ગાયબ છે ! સાવ અજાણ્યા લોકો સાથે બાળકને લગતી વાતો થવા લાગે, ઊંઘવાના સમયે ફોન કરનારા માટે મનમાં ગાળો ફુટવા લાગે ! બહાર ફરવા જવાના લોકેશનમાં હીંચકા ને લપસણીને ફુડ કરતાં પ્રાયોરિટીઝ મળે. સગાંવ્હાલાં કરતાં સ્કૂલે તેડવામૂકવામાં મળતા અન્ય ગુમનામ મમ્મી-પ્પાને વહેલું હેપ્પી ન્યુ ઈયર કહેવાઇ જાય ! મોબાઇલમાં બચ્ચાંની એકેએક મૂવમેન્ટના વિડિયોઝ બધી ડેટાસ્પેસ ખાઇ જાય, ને બાકીનું બિલ ભૂલકાંએ ડાઉનલોડ કરેલી ગેઇમમાં વધી જાય. પિડિયાડ્રિશ્યનના નંબર ફેવરિટ કોન્ટ્કેટ્સમાં હોય. હોટ મૂવીઝની જગ્યાએ નોલેજ સીડીઝ ટેબલ પર આવી જાય. એક દિવસની શાંતિ માટે આખા અઠવાડિયાનું બોનસ આપી દેવાનું મન થાય.
ટૂંકમાં, તમે તમારા પેરન્ટ્સ તરફ માનથી જોવાની શરૃઆત કરો, એવી સિચ્યુએશન થઇ જાય !

અમેરિકન સરકારનો અંદાજ એમ કહે છે કે જે બાળક ૨૦૧૩માં જન્મ્યું હોય, એના ઘર, ખાધાખોરાકી, શિક્ષણનો ખર્ચ ૩,૦૪,૮૮૦ ડૉલર જેટલો જેટલો આવે. (૬૭થી ગુણતા જાવ રૃપિયા માટે !)
પણ લંડન, મેલબોર્ન, બર્લિનના સાયકિયાટ્રિસ્ટોના એક અભ્યાસામાં એવું તારણ નીકળ્યું કે બાળકના જન્મ સાથે વાર્ષિક ૬૬,૦૦૦ ડૉલર્સ યાને ૪૪,૨૨,૦૦૦ રૃપિયા જેટલી કિંમતનો ‘સ્ટ્રેસ’ પેરન્ટ્સને વળગે છે ! પિતાને ઓછો પણ માતાની બાબતમાં તો મોટો સ્ટ્રેસ ટાઇમ મેનેજમેન્ટનો લાગુ પડે. જે મા બન્યા પહેલાની નવરાશ કે મોકળાશ હોય એ પછી આજીવન ભાગ્યે જ પાછી સાંપડે ! ને ફાધરને ફાઇનાન્સીઅલ જવાબદારીનો સ્ટ્રેસ વધે. દિવાળી, ઈદ, ક્રિસ્મસ કોઇ પણ મોટા ઉત્સવ સમયે મોટા ભાગના કુટુંબોમાં છોકરાઓને કપડાં – મીઠાઇ – આતશબાજી – હરવાફરવાનું બજેટ કેમ અપાવવું એના છૂપા સ્ટ્રેસ બાપાઓના બ્લડપ્રેશર વધારી દેતા હોય છે ! માણવાને બદલે ભેગા કરવાને માટે બે છેડા તાણવાનું ટેન્શન આવી પડે છે.
એક બડી તોફાની મિજાજની ફિલ્મ આવી હતી. ‘વૉટ વી ડિડ ઓન અવર હોલિડે’. દાદાનો જન્મદિન છે. એક દીકરા સાથે દાદાજી રહે છે. જેની પત્નીને સાયોકોલોજીકલ પ્રોમ્લેમ છે, છોકરો શૉબાઝ વેપારી છે. પૌત્ર વિકસતા વિકસતા હીજરાઇ ગયો છે. બીજો દીકરો વિથ ફેમિલી ત્યાં આવે છે, જેમાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ છે. પત્નીને લફરું છે, પતિ ફેઇલ્યોર છે. નાના બાળકો તોફાની છે. બીજા પણ પાત્રો છે. ઘણાનો ડોળો દાદાની મિલકત પર છે, બધાને પોતાના પ્રોબ્લેમ્સ અને ઝગડા છે, પણ ઉજવણીના સમયે ઠાઠઠારો કરી મોઢું ઠાવકું રાખવાનું છે. એન્ડ સ્પોઇલર એલર્ટ ઃ દાદાજી નાના ગ્રાન્ડકિડ્સ સાથે દરિયાકિનારે સહેલગાહે જાય છે, અને એમને રમતા જોતાં જ જન્મદિને જ ચિરવિદાય લઇ લે છે. એમની વાતવાતમાં વ્યક્ત થયેલી ઈચ્છા મુજબ બાળકો જ એમની ત્યાં અંતિમવિધિ પતાવી દે છે, અને પછી થાય છે, હોબાળો, ગોટાળો અનેક બ્લેક હ્યુમરથી છલોછલ સિચ્યુએશન્સ એન્ડ ફાઇનલી હેપી એન્ડિંગ.
સદ્ગત દાદા એમાં ખાસ એક ડાયલોગ કહેતા. ‘આખરે તો કોઇને કોઇ રીતે આપણે બધા જ રિડિક્યુલસ છીએ. બેકાર અને બેવકૂફ, નાલાયક અને નકામા. કોઇને કોઇ નબળાઇ, અધૂરપ બધામાં હોય જ છે. પણ એ હોવા છતાં એના સહિત આપણને  ચાહી શકે, એ જ આપણા સ્વજન છે. એનું નામ જ પરિવાર !’
યસ, વ્હેર ધેર ઈઝ ફેમિલી ફીલિંગ, ધેર ઈઝ ઓલ્વેઝ ફેસ્ટિવલ રોલિંગ ! બાળક અચાનક વ્હાલ કરી હસી લે, તેમાં આ બધો ત્રાસ કે થાક ભૂલાઇ જાય, એ મોમેન્ટ્સ !

ઝિંગ થિંગ
બ્રિજ ઓફ આઇઝ ઃ સ્પીલબર્ગ – હેન્ક્સની …. કરતાં બ્રિજ પર ફોકસ કરતી  ઈન્ટેગ્રિટી એન્ડ હ્યુમનિટીની દિલચશ્પ દાસ્તાન.

લેખકઃ જય વસાવડા
ગુજરાત સમાચારમાં પ્રકાશિતઃ ૧૧/૧૧/૨૦૧૫/શતદલ 

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: