Hiral's Blog

October 1, 2015

આપણે બાળકોને શું શીખવીએ છીએ?

Filed under: બાળ ઉછેર,મનની વાત — hirals @ 12:42 pm

શું આપણે એમને બોલતા શીખવ્યું?
જવાબઃ ના, એ તો સાંભળીને જ શીખી જાય.

એમને ભાષાનું જ્ઞાન શીખવ્યું?

જવાબઃ ના, તોયે કેવું વ્યાકરણની ભૂલ વગર ૨-૩ ભાષા અઢીથી ત્રણ વરસનું બાળક બોલી શકે છે. (શરત એ કે આપણે એક જ ભાષા કે એવો આગ્રહ ના રાખ્યો હોય)

બસ તો પછી, બીજી બધી વાતે જેટલું વધુ જોશે, અવલોકન કરશે, રસ લેશે, કુતુહલવૃત્તિ વધારશે એટલું જ સર્જનાત્મક અને આત્મવિશ્વાસુ બનશે.

બાળકને શું શીખવી શકાય કે શીખવવું જોઇએ? અને ખરેખર તો શીખવવું કે નંઇ? શિક્ષણની વાત તો પાંચ વરસનું થાય પછીની છે પણ એ પહેલાનાં પાંચ વરસ (1825 દિવસ) ક્ષણે ક્ષણે બાળક ગજબનાક ત્વરાથી શીખી છે.
સામાન્ય રીતે અત્યારે ગાડરિયો પ્રવાહ થઇ ગયો છે. સાવ નાનાં બાળકોને કોમ્પિટીશન માટે તૈયાર કરવાનો. ઘણીવાર મને પ્રશ્ન થાય શું આ યોગ્ય છે? જેમ કે,
ચિત્રો દોરતા,
સ્કેટિંગ,
સ્વીમિંગ,
ડાન્સ,
સંગીત,
વાંચતા,
લખતા,
આવું તો ઘણું લાંબુ લીસ્ટ બને.
પણ સવાલ એ છે કે કેવી રીતે? અને બીજો સવાલ એ છે કે શું ખરેખર શીખવવું જોઇએ?

તો શું શીખવવાનું નંઇ?
મારા મતે,
સામગ્રી આપવાની,
એ એની દુનિયા જાતે જ ઉભી કરે ને કરે જ. આપણામાં ધીરજ જોઇએ, જે નથી. મને તો બહુ અઘરું લાગે છે.

ઉદાહરણ તરીકે, દોઢ-બે વરસના બાળકની વાત કરીએ.
બાળકને એક કાગળ અને પેન આપીએ. જો કે ઘણું ખરું કેટલાક માતા-પિતા બાળકને કાગળ, પેન આપશે જ નંઇ. અથવા આપશે તો બાજુમાં ચોકીપહેરો કરશે અને આમ નંઇ ને આમ પકડ, અહિં નહિ અને અહિં લીટા કર. પછી કંટાળીને બાળક પાસેથી પેન ઝૂંટવી લેશે (રડે તો આકરા થશે અને પોતે આળ-પંપાળ નથી કરી રહ્યા એવો ગર્વ પણ લેશે.
હા, પણ શાળામાં એકદમથી બધો રસ લે એવો આગ્રહ રાખશે. શું આ યોગ્ય છે? બાળકના આત્મવિશ્વાસને ઠેસ લાગવાની શરુઆત ઘરથી જ થાય છે. એને જોઇતું હતું અને એની પાસેથી ઝૂંટવી લીધું, બાળક પણ આવું જ શીખશે. કે થોડીવાર સામેનું માણસ રડે પણ આપણે તો બરાબર જ કર્યું કહેવાય. વાત આડા પાટે ચઢી જાય તે પહેલાં મૂળ વાત પર આવીએ,

દોઠ- બે વરસનું બાળક હશે તો જેમ તેમ લીટા કદાચ ના પણ કરે, કાગળ ફાડી દેશે.
આપણી પ્રતિક્રિયાઃ સલાહોના ડોઝ.
એકાદ અઠવાડિયા પછી ક્યાં તો દિવાલ રંગવી શરુ કરશે ક્યાં શરીરે ચીતરામણ કરશે.
આપણી પ્રતિક્રિયાઃ સલાહોના ડોઝ.

જરાક કહેવું પડે તે સ્વાભાવિક છે પણ બાળક રસ લે છે કે નંઇ, અથવા એની જાતે જ એના મૂડ પ્રમાણે શીખવાની મોકળાશ આપણે નથી જ આપતાં.

અઢી-ત્રણ વરસનું થતા સુધીમાં વારંવાર એને આવી ટીકા-ટીપ્પણીઓના શિકાર થવું પડે છે. ધીમે ધીમે એ ટેવાતું જાય છે. સ્વીકારી લે છે કે એને નથી આવડતું. અથવા એને નહિં આવડે અથવા તો કોઇ શીખવશે પછી જ એને આવડશે (જાતે શીખવાની એની આવડત ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે)
બીજી રીતે ઘરમાં યોગ્ય વાતાવરણ હશે તો શાણપણથી ડાહ્યું થતું જશે, મા-બાપને ખુશ રાખવા એ કહે એમ કરતું થશે. માતા-પિતા પોરસાશે. બાળક કેવું કહ્યું કરે છે એ વાતે ગર્વ કરશે.
એ જે પણ કરે એમાં એની ભૂલો કાઢશે, એને સુધારાવશે અને પછી શાબાશી આપશે. આવું લગભગ ૫-૭ વરસનું થાય ત્યાં સુધી થતું જ રહેશે. પછી બાળક મોટું થયું છે એવું સ્વીકારાશે અને બીજી રીતના સલાહ-સૂચનો એના જીવનમાં પ્રવેશશે.

સરવાળે બાળકને જન્મજાત મળેલી સર્જનાત્મકતા, કુતુહલવૄત્તિ, વગેરે ક્રમશઃ કુંઠિત થતા જશે.

ઉંડાણથી તપાસીશું તો બાળક પરાવલંબી થતું જશે, પોતે જે પણ કંઇ કરે છે એમાં ભૂલો હશે જ એવી ગ્રંથિ એને અજાણતાં અપાતી જશે. એને પોતે કરેલું પોતાની મરજીથી કરેલું કશું પણ ક્યારેય ગમશે નંઇ, લોકોના અભિપ્રાય પર એને વધુ ભરોસો બેસશે.
આ વાત આગળ જતાં બધે જ ધીમે ધીમે એને પરાવલંબી બનાવશે. ભલે ને નોકરી કરીને આત્મનિર્ભર હોવાનો દાવો કરે.
એટલે જ કદાચ ઘણી સ્ત્રીઓને ખરીદી ,પોતાના દેખાવ, રસોઇ દરેક નાની નાની બાબતે અભિપ્રાય પૂછતી અને પરાવલંબી જોઇ છે.
પુરુષો પણ આ મારું કામ નંઇ કહીને અથવા તો મને કોઇનું પીઠબળ નહોતું વગેરે વાતે આત્મવિશ્વાસ ગુમાવી દીધેલા જોઇજ છીએ ને!
ભણે અને નોકરીએ લાગે એટલે વાહ, વાહ ભલે મળે પણ આવો ઉછેર આધ્યાત્મિક પ્રગતિ કે જાતને ઓળખવામાં ઘણો અવરોધરુપ છે એવું મને લાગે છે. ઘણું કરી શકવાની તાકાત સાથે આ ધરતી પર આવીએ છીએ તોયે ખાસ કશું ઉકાળી શકતા નથી.
ઝીણવટથી તપાસું છું જાતને તો લાગે છે કે આપણને દરેકમાં ખામી દેખાય છે. આપણું માનસતંત્ર મોટેભાગે નકારાત્મક વિચારે છે એનાં મૂળ કદાચ આપણાં ઉછેરમાં જ છે. ગમે તેટલું આધ્યાત્મિક બનીએ, મોટી મોટી વાતો વાંચીએ એનું ઉંડાણ આપણને નાનપણમાં ‘આમ નંઇ, જો આમ કરવાનું, આવી રીતે કરવાનું’
એવા સલાહો અને શીખવવાના ડોઝ સાથે આપણો ઉછેર થાય છે. એ જ પ્રક્રિયા આપણે આપણાથી નાના માટે અપનાવીએ છીએ અને પછી કાળક્રમે દરેક માટે. અને પછી તો બધે જ બધી વાતે આપણને ટીકા કરવાની કે નકારાત્મક વિચારવાની ટેવ પડતી જાય છે. જેમ છે તેમ, જેવું છે તેવું સામેના પાત્રોને સ્વીકારવાની આપણી કોઇ તૈયારી જ નથી હોતી કારણકે આપણને પણ સાવ નાનપણથી જ એવી ટ્રેનિંગ મળી છે અને એ જ આપણે વારસામાં પણ આપીએ છીએ.

કેવી રીતે આવું થતું અટકાવી શકીએ?
મારા મતે,
બાળકને કશું કહેવું નહિં પણ યોગ્ય વાતાવરણ પૂરું પાડવું, (જો કે આજકાલ શાળાઓમાં આવું થવું બહુ જ મુશ્કેલ છે તેમ છતાંય ઘરમાં તો કરી જ શકીએ), બાળક હસતું રમતું રહે, બધી વાતોમાં રસ લેતું રહે અને એને ભરપૂર પ્રેમ મળે બસ એટલી જ આપણી જવાબદારી છે. બાકી બધું ઉંમર ઉંમરનું કામ કરે જ. કુદરત છે જ.

દા.ત.
કાગળ, રંગો , પાટી-પેન, નોટા આકર્ષક ચાર્ટ, સંગીતના થોડા સાધનો, ઘરકામમાં એમને હસતા-રમતા ભેળવવા, અને રોજના નિત્યક્રમમાં એમને નવું નવું જોવા જાણવાનું મળી રહે એવું વાતાવરણ આપવું,
તેઓ જાતે જ કંઇકને કંઇક ગડમથલ કરી કરીને શીખશે જ ને શીખશે જ અને તો જ આપણને પણ ખબર પડશે કે બાળક શેમાં રસ લે છે? અથવા બધે જ થોડો થોડો રસ લેશે અને ધીમે ધીમે વધુને વધુ સર્જનાત્મક બનતું જશે.

એકાદ વરસનું બાળક હોય ત્યારથી એમને ખોળામાં લઇને રોજ થોડું વાંચવું.(ચિત્રો સાથે) (એમને વાંચતા શીખવવાની જરુર જ નંઇ પડે) અને તે વખતે ધીરજથી એમને સાંભળવા અને જે કહે કે પૂછે બધી વાતમાં રસ લેવો. વાંચવું અગત્યનું નથી એમને રસ પડે એ અગત્યનું છે એ વાતનો ખ્યાલ રાખવો.
જેમ બોલતા આવડી ગયું તેમ વાંચતા અને ધીમે ધીમે લખતા પણ આવડી જ જશે. (તમારે એનો હાથ નહિં પકડવો પડે અને ઝડપથી શીખશે જ અને શીખશે જ), એનામાં હકારાત્મક અભિગમ કેળવાશે. બાળક આત્મવિશ્વાસુ બનશે, એની સર્જનાત્મકશક્તિ ખીલવવાનો સરળ રસ્તો એ જ છે કે આપણે ધીરજ કેળવીએ અને તેઓને સલાહ – સૂચન , ટિપ્પણીઓ અને એવી વાતોથી દૂર રાખીએ. તેઓ જાતે ઘણું ઘણું કરી શકશે. અને આપણને જ ગર્વ થશે ને થશે જ. અને તો જ આપણો સમાજ પણ હકારાત્મક અભિગમ વાળો બની શકશે.

નોંધઃ ભૂલો હું પણ કરું છું, ફર્ક એ છે કે સતત પ્રયત્નશીલ છું કે ઓછી ભૂલો કરું.

Advertisements

2 Comments »

 1. કેટલી સરસ, સમજણભરી વાતો તું લખે છે ! મા-બાપે આ શીખવાની બહુ જ જરૂર છે. અમે પેરન્ટીંગમાં આવું જ શીખવી છીએ.
  જ્યારે લોકોને કહીએ ત્યારે પહેલો સવાલ એ હોય કે પેરન્ટીંગ વળી શીખવાની વાત છે ! પણ મોટાભાગે બધા આવું જ કરતાં હોય છે જે કડી ન કરવું જોઈએ.
  અને સ્પર્ધા તો એની આવડત ને અને એના આત્મવિશ્વાસને ખાતાં કરી દે છે..

  Comment by readsetu — October 1, 2015 @ 4:29 pm | Reply

 2. એક બાળકીને દિલ દઈને ઉછેરી રહેલી એક આધુનિક માતાએ આ લેખમાં એમની અનુભવ સિદ્ધ વાત કહી છે. બાળકોનો ઉછેર કરી રહેલ દરેક માતા-પિતાએ ગાંઠે બાધવા જેવો આ લેખ ઉપયોગી છે.

  આજનાં બાળકોની ગ્રહણ શક્તિ ગજબની હોય છે .એમની માનસિકતાને બરાબર જાણીને એને પહેલાંથી જો યોગ્ય માર્ગ દર્શન આપવામાં આવે તો એમના ભાવી રાહ માટે એ ખુબ કામ કરી જાય છે.

  Comment by Vinod R. Patel — October 2, 2015 @ 4:05 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: