Hiral's Blog

June 30, 2015

મેં પણ નિર્ધાર કર્યો, હવેથી હું જગાનો બાપ પહેલા ને બીજા બધા પછી.

૨૧મી જૂનની એટલે કે ‘ફાધર્સ ડે’ ની તૈયારીઓ અમારા ઘરડાંઘરમાં ચાલી રહી છે.
બાળકો ભલે આ દિવસે પિતાને પોતાના ‘સુપર હીરો’ તરીકે સન્માન આપતા હોય. ભેટસોગાતો અને શુભેચ્છાકાર્ડ બનાવતી કંપનીઓને આવા દિવસો થકી ધીકતી કમાણી થાય છે. જો કે તેઓ ઉજવણી કરીને કમાય છે.
સિક્કાની બીજી બાજુ કંઇક આવી પણ છે.
વૃધ્ધાશ્રમોની વધતી સંખ્યા અને ત્યાં વસતી વેદનાની કરુણ કહાનીઓ, વડીલોના આંસુઓનું દસ્તાવેજીકરણ બીજા શબ્દોમાં સામાયિક, સમાચારપત્રો, ટી.વી, ન્યુઝચેનલ અને હવે તો સોશિયલ મિડીયા માટે ખાસ કરીને આ દિવસે કમાણીનું એક સાધન પણ છે.
એક ન્યુઝચેનલ વાળા અમારા વૃધ્ધાશ્રમની મુલાકાતે આવ્યા છે. મોટાભાગે બધાની આંખો ઉંડી ઉતરીગઇ છે એવા મારા ઘણાં મિત્રો ખાસ કશા વાર્તાલાપના મુડમાં નથી. પણ આ વૃધ્ધાશ્રમ માટેના એક દાનવીર ડૉક્ટરના વખાણ કરતા બે બોલ બધા વડીલો બોલે છે. ડૉક્ટર જગદીશ માત્ર ધન નહિં જરુરી દવાઓ પણ મફતમાં આપે છે એમ કહેતા વડીલો ગદગદ થઇ જાય છે.
ઘણાં માવતરને બહુ આકરી સજા મળી છે અને એમના દુઃખે હું પણ દુઃખી છું. મારી વાત જરા જુદી છે. મારી આ હાલત મેં જાતે કરી છે એ સત્યઘટના મારે બધાને કહેવી છે. પણ સાંભળે કોણ?
આ તો વેદનાનું દસ્તાવેજીકરણ કરવાનો દિવસ છે નહિં કે પશ્ચાતાપ કરવાનો. નહિં કે સત્યવાદી હરિશ્ચંદ્ર થવાનો. બધા લોકો ભેગા મળીને સંતાનો ખરાબ થઇ ગયા છે, છકી ગયા છે એવું બ્યુગલ વગાડે છે ત્યાં મારો સચ્ચાઇનો સૂર તો કોણ સાંભળે? મને આજે ન્યુઝચેનલને કે કોઇને પણ મળવાની ચોખ્ખી ના પાડવામાં આવી છે.
કેમ? નું રહસ્ય જાણવા મારી વાત તમારે સાંભળવી પડશે.

————

આ બંધ રુમમાં હું, મારી સચ્ચાઇ અને તમે જ છો. કદાચ તમે મારા જેવી ભૂલ ના કરો એ જ માત્ર મારો ઉદ્દેશ છે. બીજું કોઇ નહિં પણ મારો પુત્ર મારા ગયા પછી મારો પત્ર વાંચીને એની ભૂલ સુધારી લે એવી મારી ઇચ્છા છે.

——–

હવે હું તમને આજથી ત્રીસ વરસ પહેલાની હરિયાળી લીલીછમ ધરતી પર લઇ જાઉં છું.
મારો જગો દસમીમાં ૯૦% માર્ક્સથી પાસ થયો છે. જગાના આવા સરસ પરિણામથી ગામ આખામાં ઉત્સવ છે. ટી.વીમાં જગાનો ઇન્ટર્વ્યુ લેવાય છે. હરખભેર અમે પરિવાર સહ ગામ આખું એને ટી.વીમાં સાંભળવા ભેગું થ્યું છે. જગાને આગળ ભણવા હવે શહેરમાં જાવું છે ને મોટા દાક્તર બનવું છે એવું સાંભળીને સપનાની ધરતી પરથી એક ખેડૂત બાપ વાસ્તવિક ધરતી પર પટકાય છે.
નાનો ભાઇ ને એની વહુ જે શહેરમાં રહે છે, મારા જગાને ત્યાંનું સપનું અંજાયું છે. પણ કાકા-કાકીને પોતાના પ્રેરણામૂર્તિ માનતા જગાને ઘરમાં રાખવા કરતાં હોસ્ટેલ સારી એમ તેમનું કહેવું છે. મારા માવતરની રામ-લખનની બેલડી આજે એની કસોટીએ કાચી પડી રહી હતી. બાપાનું ઘણું કહ્યું તો ગગો નાનપણથી જ નહોતો કરતો. અને મેં હંમેશા છાવરેલો પણ ગગાએ એમના ઘેર રાખવાની વાતે જ મોં ફેરવેલું એટલે હવે એ મને અસહ્ય થઇ પડ્યું. જો કે એણે અને ભાભીએ હોસ્ટેલની ફી કે બીજી કોઇ મદદ જોઇએ તો પડખે જ છે એમ કીધેલું. જગો શનિ-રવિ ઘેર આવશે ને એના ભણવામાં રસ લેશે એમ પણ કીધેલું પણ જગાને હોસ્ટેલ દેખાડી એ વાતે મેં ગગા જોડે વેર બાંધ્યું.

મેં પણ નિર્ધાર કર્યો, હવેથી હું જગાનો બાપ પહેલા ને બીજા બધા પછી.

જગો હોસ્ટેલમાં દાખલ થયો. ગરીબગાય જેવો મારો છોકરો ધીમે ધીમે શહેરના રંગે રંગાતો ગ્યો. મને પણ બહુ સમજ ક્યાં હતી? જગાની મા પણ હું દિવસ કહું તો દિવસ ને રાત કહું તો રાત એવી પતિવ્રતા સ્ત્રી. જગાના ૯૦% નો નશો અફીણની જેમ અમને ચઢેલો. ગગાને ત્યાં જવાની મેં જ એને ના કહેલી. તોયે જગો ધ્યાન રાખીને ભણે તો છે ને! એમ બાપા પૂછતાને એટલે અમે જગાને ડારતા. પણ પાકી માટી બનતા પહેલા ગગો આછકલો થવા લાગ્યો. એને બારમીમાં ૬૬% માંડ આયા. પણ એને હજુય મોટા ડૉક્ટર જ બનવું હતું. એ બહુ રડ્યો, એનાં આંસુ જોઇને હુંય આકુળ-વ્યાકુળ થઇ ગ્યો.
ખેડૂતને ત્યાં ભરેલા કૂવા તો ક્યાંથી હોય? ભરેલા ખાબોચિયા ખાલી થઇ ગ્યા. પણ જગાનું લટકેલું મોઢું જોવાનું નો’તું.
એક ખેતર વેચવાની વાત મેં બાપાને કરી. એમણે ઘસીને ‘ના’ કહી દીધી. હવે? ગગા હામે હાથ લંબાવવો નહોતો. બૅંકમાં તપાસ કરી તો જમીન મારા નામ પર હોય તો પાંચ લાખની લોન મળતી’તી.

હવે મેંય પેંતરું રચ્યું. જમીન પર ખોટી સહીઓ કરી ને મારા નામે ચઢાઇ દીધી. સરપંચ, તલાટી બધાનું મોઢું બંધ કર્યું. જગો ડોનેશન સીટ પર દૂરની કોઇ કોલેજમાં દાખલ થ્યો. મેં એની ‘શિક્ષા માટે મારા સંસ્કાર નો સોદો’ કર્યો.
જગાના સંસ્કાર બગાડ્યા. બાપ થઇને બેટાના સંસ્કાર બગાડ્યા.

બૅંકના લૉનના હપ્તા ને બાપાની તબિયત એક સાથે ઘણી મુશ્કેલી આઇ. જોકે ગગો નિયમિત રુપે બાપાને એના ઘેર લઇ જવા કહેતો. શહેરમાં મોટા ડોક્ટરને બતાવવાનો કે હોસ્પિટલનો ખર્ચો ગગો જ આપતો. પણ મારે હવે એની સાથે ગયા ભવનું વેર વધતું ચાલેલું. ને ધીમે ધીમે એનોય અહમ ઘવાતો ચાલ્યો. આ બધું જોઇને બાપાએ જમીનની વહેંચણીનું નક્કી કર્યું ને મારી છેતરપીંડી ખુલ્લી થઇ ગઇ. મારી બંને બહેનો પણ એમની સાથે દગો થયો એમ આંતરડી કકડાવીને બોલી. ખેતર લેવા માટે મારી એક બહેને બાપાને એની શહેરની નોકરીના બચતના રુપિયા આલેલા એવી બધી આજીજી થઇ.

મને સ્વપ્નેય ખ્યાલ નંઇ વાત આટલી વધી જશે. પણ હવે જગાને એમ.બી.બી.એસ પછી આગળ ભણવું તું. મને આમ પણ હવે પુત્ર મોહ સિવાય કશું દેખાતું નહોતું. બાપા ય ગ્યા તેલ પીવા, એમણે એક ખેતર ત્યારે વેચ્યું હોત તો? જગા માટે એમની કોઇ ફરજ નંઇ? બહેને ખેતરના રુપિયા આલેલા તે પૈણ્યા પેલા, હવે એનો કેવો હક? ને એને કેવો દગો?

પુત્ર મોહમાં હવે હું પથ્થર દિલ માણસ થઇ ગયો. હુંય નામક્કર ગ્યો ને દગાથી પચાવી પાડેલું ખેતર વેચીને જગાને ફીના પૈસા આલ્યા.

દસ વરસે જગાએ મારું સપનું પુરું કર્યું. મોટી હોસ્પિટલમાં તગડા પગારની એને નોકરી મળી. સમાજમાં ખેડૂતનો દીકરો ડૉક્ટર થ્યો એ વાતે અમારું બહુ માન હતું. જગાના શહેરના ઘરની આસપાસના વિસ્તારમાં તો જગો ભગવાન હતો. ને અમે જગા ભગવાનના માવતર. ખુશીઓ તો રેલમછેલ. મારાને જગાની માના પેટે પાટા બાંધેલા વસૂલ થઇ ગયા. ને એવામાં સામેથી એક મોટા ઘરની દીકરીનું માંગુ આવ્યું. અમેરિકા ભણેલી ને બહુ ડાહી લાગી. જગાની મા અને મને હવે અમેરિકા દેખાવા લાગ્યું. ને જગાને એની અહિંની નોકરી નહોતી છોડવી તોયે અમે એને સમજાવ્યો કે અમેરિકા જવા મળે છે તો તક શું કામ જતી કરવી?

જગો ને એની લાડી અમને અમેરિકાય લઇ ગ્યા, એમના છોકરાં મોટા કરવામાં અમે બધું વિસારી ગ્યાં.

કુટુંબભાવના તો આમ પણ અમે પુત્ર મોહમાં વિસારે પાડી દીધેલી. કદાચ એની સજા અમને હવે મળવી શરુ થઇ.

નસીબ આડેનું પાંદડું ફર્યું. જગાની માને લકવા થ્યો ને એ પથારીવસ થઇ ગઇ. એની ચાકરી કોણ કરે? જગાને પણ અમેરિકામાં મોટું ઘર, મોટી ગાડીઓ લેવા હતાં. હવે એને એના પુત્રનો મોહ હતો.એનો પુત્ર ત્યાંની મોટી સ્કૂલમાં દાખલ કરેલો અને એ મુજબના સ્ટેટસ પ્રમાણે હવે એક અમેરિકન બાપને રહેવું હતું.

ખેડૂત અને ગામડિયા મા-બાપ હવે એને ભારે પડ્યા ને
એણે અમને દેશમાં મોકલી આપ્યા ને અહિં વૃધ્ધાશ્રમમાં સૌથી મોટા દાતા તરીકે અને અમે એના માવતર છીએ એવી જાણ કોઇને કરવી નહિં એવી શરતે વૃધ્ધાશ્રમના સંચાલકને ખરીદી લીધા છે.

આ વૃધ્ધાશ્રમમાં ડૉક્ટર જગાની બોલબાલા છે. એક ખેડૂતના દીકરા તરીકે એના દાખલા અપાય છે. એક દાનવીર અને સેવાભાવી ડૉક્ટર તરીકે એના દાખલા અપાય છે.પણ……

અને એક રસ્તો ભૂલેલો બાપ આ બધો તમાશો જોઇ રહે છે. એક ‘પથારીવશ મા’ દુનિયાદારીનો નવો તમાશો જોઇ રહે છે.

‘એક બાપે શિક્ષા માટે દીકરાના સંસ્કારનો સોદો કર્યો’ એ હકીકત કોઇની સામે આવતી નથી.

‘બાપ બનવા હું માણસાઇ ભૂલ્યો’ એ હકીકત કોઇની સામે આવતી નથી.

‘પતિવ્રતા સ્ત્રી’ બનવા જતાં જગાની મા એક ઉમદા માતા અને માણસ બનવાનું ચૂકી ગઇ એ હકીકત કોઇની સામે આવતી નથી.

ફાધર્સ ડે નિમિત્તે બધા પિતાઓને વિનંતી કે ‘શિક્ષા માટે સંસ્કાર’ ના બગાડશો. ‘પુત્ર મોહમાં માણસાઇનો સોદો ના કરશો’.

પુત્રને ડૉક્ટર બનાવવામાં કુદરતે જે વિધ્નો સર્જેલા એને સ્વીકારીને એનો સામનો કરીને જગાને ઉત્તમ માણસ બનાવ્યો હોત તો કદાચ આજે હું હર્યાભર્યા કુટુંબની વચ્ચે સુખેથી જીવતો હોત.

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: