Hiral's Blog

May 8, 2015

બાળકનું ઘરમાંથી ઘડતર -૧

Filed under: બાળ ઉછેર — hirals @ 12:03 am

બાળકનું ઘરમાંથી ઘડતર- ૧

૧) તેમનાં દ્વારા પૂછાતાં ‘કેમ’ ના જવાબો પર આધાર રાખે છે. (અહિં પાંચ વરસથી નાનાં બાળકોના અનુસંધાને લખ્યું છે).

ઉદાહરણ તરીકે,
મને ડૅડી સાથે રમવું છે.
ડૅડી કેમ ઓફિસ જાય છે?
બેટા, દરેક જણે કામ તો કરવું જ પડે ને. તું રોજ રમવા(પ્લે-સ્કૂલ) જાય છે ને, તને મજા પડે છે. મમ્મી કમ્પ્યુટર પર કામ કરે છે, રસોઇ બનાવે છે, તારી સાથે રમે છે, મમ્મીને પણ મજા પડે છે. ડૅડી ઓફિસે જઇને કામ કરે છે અને પછી રમે પણ છે અને ક્યારેક ઘરકામમાં પણ મદદ કરે છે ને? બધાએ બધું કામ કરવું જ પડે. તું સ્કૂલે જઇશ એટલે મમ્મી પણ ઓફિસ જશે.
કેમ પણ ઓફિસ જવાનું?
ડૅડી કેમ ઓફિસ જાય છે એમ પૂછું છું.?
બેટા, ઓફિસ જઇએને તો પૈસા મળે.
ઓહ, એટલે પેલો સૂપ ૨.૫૦ £ માં ખરીદેલો તે?
તો કેમ પૈસા આપવા પડે સૂપ પીવા?
બેટા, દરેક વસ્તુનું મૂલ્ય ચૂકવવું પડે?
કેમ?
જો, ગઇ કાલે તારા માટે ડ્રેસ અને મમ્મી માટે સ્કાર્ફ ખરીદેલો, યાદ કર, તેં પૈસા આપેલા ને દુકાનદારને?
હમ્મ્મ. કેમ પૈસા આપવા પડે? તો જ વસ્તુ મળે?
હા, જો ગ્રોસરી સ્ટોર, કે કપડાંની દુકાન, રમકડાંની દુકાન, કે પછી રેસ્ટોરન્ટ, બધે જ તું પૈસા ચૂકવે છે પછી જ આપણે હાથમાં ખરીદેલી વસ્તુ અને એનું બીલ લઇને ઘરે આવીએ છીએ ને? (આમ તો ડૅબિટ કાર્ડ વાપરવાની આદત થઇ ગયેલી, પણ દીકરીને ખરીદી, અને હિસાબ-કિતાબ સમજાવવા કૅશ રાખતી થઇ ગઇ છું).
ઓહ, પૈસાથી કપડા મલે?
પૈસાથી રમકડાં મલે?
હા, પૈસાથી જ બધું મળે બેટા.
જો આપણે રહીએ છીએ એ ઘર, ઘરમાં બધો સામાન એ દરેક વસ્તુનું મૂલ્ય ચૂકવવું પડે. બસની, ટ્રેનની ટિકીટ ખરીદીએ, ત્યારે પણ પૈસા જોઇએ.
ઓહ, ઘર માટે પણ પૈસા જોઇએ? હા, એના માટે તો બૌ પૈસા જોઇએ, એટલે બૌ કામ કરવું પડે.
તો ડૅડી, ઘરે આવે એટલે જિનાને પૈસા આપે છે ને.
પછી જિના ઘર લઇ શકે, રમકડા લઇ શકે, સૂપ લઇ શકે.
હા, પછી તું એ પૈસા કેવા સાચવે છે. કેમ સાચવવાના?
બેટા, બચત કરવી પડે.
કેમ?
જ્યારે આપણે ક્યારેક કામ ના કરી શકીએ તો પણ આપણી પાસે પૈસા તો હોવા જોઇને ને!
અથવા કોઇ વસ્તુ મોંઘી હોય તો થોડી થોડી બચત કરીને પૈસા જમા કરવા પડે.
ઓહ, તો ડૅડી, પૈસા માટે ઓફિસ જાય?
હું પણ ઓફિસ જઇશ.

બે-ત્રણ કલાકે માસીનો ફોન આવ્યો તો એણે ઓફિસ-પૈસા અને બચત બધું વિસ્તારથી માસીને પણ સમજાવ્યું.

સાંજે ડૅડીને ફરીથી સમજાવ્યું તે વખતે મિલને બીજી ખાસ વાત ઉમેરી.
બેટા, આપણને જે કામ ગમે તેમાં દિલ રેડીને કામ કરવાનું, કામ કરવાની અને ઓફિસે જવાની ખરી મજા ત્યારે જ છે.પૈસા તો મળી જ રહે. પણ ખરી મજા કામ કરવામાં છે.
ઓહ, તું કામ કરે છે? ઓ.કે, હવે હું ડિસ્ટર્બ નહિં કરું.

—-
તમને કદાચ વાત વાંચતા કંટાળો પણ આવ્યો હોય, શક્ય છે.
પણ જો એવો જ કંટાળો ખરેખર બાળક ‘કેમ’ નું લીસ્ટ ચાલુ કરે ત્યારે પણ આવતો હોય તો એ બિલકુલ યોગ્ય નથી.

બાળઉછેરમાં તમે એના ‘કેમ’ ને કેટલી સહજતાથી રોજિંદી ઘટમાળ સાથે જોડીને એના પ્રશ્નોનું સમાધાન કરો છો તેની સાથે છે.

ક્યારેક
રસોઇ વખતે, તો ક્યારેક તૈયાર થતી વખતે, ક્યારેક નહાતી વખતે તો ક્યારેક ઘરકામ અને સફાઇ વખતે, ક્યારેક ખરીદી વખતે તો ક્યારેક કપડાંની -રમકડાંની પસંદગી વખતે, ક્યારેક રુતુઓ વિશે તો ક્યારેક દિવસ અને રાત વિશે, ક્યારેક પશુ-પક્ષી વિશે, ક્યારેક ખેલ-કૂદ વિશે, ક્યારેક સંવાદમાં બે-ત્રણ ભાષાના ઉપયોગ વિશે, ‘કેમ’ નું લીસ્ટ અને બાળકની તે સંવાદ વખતે સાંભળેલી મોટાભાગની વાતોનો અનુસંધાન બેસાડવાની કળા, પુનરાવર્તન વખતે તેમણે સમજેલી વાતને ફરીથી વધુ વિસ્તારથી સમજવાની કળા, તેમણે સમજેલી વાત ઘરની બીજી વ્યક્તિને-મિત્રોને સમજાવવાની કળા, આ બધું જ જન્મજાત છે.
દરેક વખતે બહુ જ ધીરજથી એમને સાંભળવા પડે, એમને સમજવા પડે, એમને સમજાવવા પડે. બાળક સાથેના સંવાદમાં બાળક બનવું જ પડે.

આમાં આપણે એમને શીખવીએ છીએ એવું કહીએ તો એ આપણું અભિમાન છે તેમ લાગે. હા, બાળક સાથેનો સંવાદ અથવા તેમનાં ‘કેમ’ નો જવાબ આપતી વખતે આપણાં વાણી-વર્તન બંનેનો બાળકના ઉછેર સાથે સીધો સંબંધ છે. અથવા એમનાં ઘડતરમાં આ બધા અનુભવો પાયાનું કામ કરે છે.

મોટેભાગે માતાઓના અનુસંધાનમાં ઘણું સારું-ખોટું લખાતું હોય છે, ચર્ચાતું હોય છે, પણ માત્ર માતા જ નહિં, ઘરમાં જે તે વ્યકિતને, બાળક જ્યારે સવાલો કરે અને એનાં એને સંતોષકારક જવાબો જ્યાંથી મળે તે એના માટે પરમ મિત્ર બને અને એના અતિ પ્રિય પણ. માતા, પિતા, દાદા, દાદી, માસા, માસી, મામા, ફોઇ, નાના, નાની બધાની આ મૂળભૂત ફરજ છે કે બાળક સાથે સંવાદમાં પૂરતી તકેદારી રાખે. એની સાથે વાત કરતી વેળા સ્માર્ટફોનને, કમ્પ્યુટરને, ટી.વીને બાજુએ મૂકી દે એ પણ એટલું જ અગત્યનું છે. જેમ મંદિરમાં પ્રવેશતાની સાથે મોબાઇલ સ્વીચ-ઓફ કરીએ છીએ તો બાળક તો સાક્ષાત ભગવાન જ છે, એ કેમ ભૂલી જઇએ છીએ? તે વખતે આપણાં મનોરંજનના સાધનો આપણા માટે ગૌણ બની જ જવા જોઇએ. આ વાત બાળક સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને એકસરખી લાગુ પડે છે. પછી એ નોકરી કરતી માતા હોય કે ગૃહિણી. પિતા હોય, દાદા-દાદી કે કોઇ પણ વડીલ.

ઘણુંખરું, બાળક જ્યારે એક સવાલમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો, લગભગ ૧૫ મિનિટથી ૨ કલાક સુધી સવાલ-જવાબ કરે છે.
આ સમયે મોટાંઓની ધીરજ બાળઉછેરનું અભિન્ન અંગ છે. તમે કયા પ્રશ્રનો કેવો ઉત્તર આપો છો, કેવી રીતે ઉત્તર આપો છો, એકમાંથી બીજી વાતે એને કેવી રીતે માહિતગાર કરો છો તે ઘણું અગત્યનું છે. ક્યારેક જોડકણાં પણ કે’વા પડે ને ક્યારેક વાર્તા પણ. આ કંઇ પહેલેથી નક્કી કરેલા પ્રશ્નોનો ગોખેલો જવાબ લખવાની વાત થોડી છે? ફરીથી અનુભવે લખું છું કે બાળકને સમજાવતી વખતે બાળક બનવું જ પડે.

ક્યારેક અતિશય કામમાં હોઇએ અને ‘જા આમને પૂછ કે તેમને પૂછ’ ઉતાવળે ભલે કહી દેતા હોઇએ પણ વારંવારનું આપણું આવું વલણ બાળકના મનમાં આપણા માટે ઉતરતી છાપ પાડે છે. બની શકે ભવિષ્યમાં તેમને અંદરખાને બહુ માન ના પણ ઉપજે. ભલે આપણે ‘વડીલને માન આપવાનું’ તેમ ઔપચારિક શીખવીએ, પણ બાળક જાતે જ કયા વડીલને દિલથી માન આપવું ને એનું બધું જ માનવું કે કયા વડીલને ‘ઠીક મારા ભૈ કરવું કે તેમનું સાંભળ્યું – ના સાંભળ્યું કરવું તે જાતે જ નક્કી કરી લેતું હોય છે.

પછી ભલે તે માતા હોય, પિતા હોય, દાદા હોય કે દાદી હોય કે ઘરનાં બીજાં કોઇ પણ વડીલ હોય.
ઘણીવાર અમુક વડીલોની ફરિયાદ હોય છે કે ગાંઠતો નથી, એનાં મૂળમાં આવી નાની નાની ઘણી અવહેલના હોય છે. બાળક એટલું નિર્દોષ હોય છે કે તે કોઇના ચઢાવ્યે ભાગ્યે જ ચઢે છે. એને જેની સાથે સંવાદ અને રમત રમવામાં મજા આવે તેના માટે એ સર્વસ્વ બની જાય છે અને એની સાથેની દોસ્તી એ દિલથી નિભાવે છે, કજિયો કરવો પડે કે જિદે ચઢવું પડે, બાળક પોતાની અંગત લાગણીઓને આપણાં મોટેરાંઓ જેટલું જ મહત્વ આપે છે.

અનુભવ બોલઃ ‘બાળક બનવાની કળા ક્યાંય શીખવાતી નથી’ એ માત્ર ‘બાળક માટેનો તમારો પ્રેમ જ તમને શીખવી શકે’.

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: