Hiral's Blog

July 20, 2014

અત્તરકયારી..લીલાલહેર છે..

લીલાલહેર છે..

બસ અહીં તો લીલાલહેર છે, ખુશહાલી ચારેકોર છે
ના કોઇ ફરિયાદ છે, બસ દિલથી સઘળું સ્વીકાર છે.

હમણાં જીવનના સાત દાયકા વીતાવી ચૂકેલા કનુકાકા ઘણાં સમય પછી મળ્યા.
કેમ છો કાકા ? એમ મેં પૂછયું ત્યારે મનમાં હતું કે હમણાં ફરિયાદોના ઢગલા ઠલવાશે. સામાન્ય રીતે મોટી ઉમરના લોકોને અવારનવાર આવી કોઇ ફરિયાદ કરવાની અને અતીતના વખાણ કરવાની આદત હોય છે. હવે પહેલા જેવા દિવસો નથી રહ્યા, પહેલા જેવી મજા કે પહેલા જેવા માણસો નથી રહ્યા વગેરે વગેરે ફરિયાદો તેમને અચૂક હોય છે. કાકાને પણ એવી કોઇ ફરિયાદ અચૂક હશે જ. એવી માન્યતા સહજ રીતે મારા મનમાં હતી.

પણ મારા આશ્વર્ય વચ્ચે કાકાએ હસીને જવાબ દીધો..બસ લીલાલહેર છે.અને પછી તો કાકાએ વાતો કરી ફકત ખુશાલીની..ફકત આનંદની.એમની હકારાત્મક વાતો સાંભળીને મન ખુશ થઇ ગયું. સામાન્ય રીતે વૃધ્ધો પાસે અનેક ફરિયાદો હોય છે.અમારા જમાના જેવું હવે કશું નથી બચ્યું એમ કહેતા એ વડીલો પોતાના ભવ્ય ભૂતકાળની વાતોથી બીજાને કંટાળો આપતા રહે છે. કનુકાકાને આજના વર્તમાનથી કોઇ ફરિયાદ નથી એ સાંભળવું મને બહું સ્પર્શી ગયું. વડીલોની આવી મનોવ્રુતિને જ હેલ્ધી મનોવ્રુતિ કહેવાય ને ?
સાથે આવી જ એક વાત યાદ આવી.

એક બાળકે રસ્તા પર પડેલા પથ્થરના ઢગલામાંથી નીચા નમીને એક પથ્થર ઉંચકી લીધો. પથ્થરે ખુશ થઇને વિચાર્યુ.
આજ સુધી હું નકામો આ તુચ્છ પથ્થરો વચ્ચે પડયો હતો. હવે છોકરાએ એક મકાનને નિશાન બનાવીને પથરો ફેંકયો. પથ્થરે વિચાર્યું.
વાહ ! ઊડવામાં કેવો આનંદ આવે છે.
હવે બાળકે પથ્થરને એ ઓરડામા બિછાવેલા ગાલીચા પર ફેંકયો.
પથ્થર કહે,
હવે ખૂબ ફરી લીધું. હાશ હવે થોડી વાર આરામ કરીશ.
પરંતુ ત્યાં એક નોકરે તેને ઉપાડીને બારી બહાર સડક પર ફેંકી દીધો. એણે પોતાના ભાઇબંધ પથ્થરોને કહ્યુ,

હું હમણાં જ વૈભવી સામ્રાજય ભોગવીને ફરીથી મારા ભાઇબંધો પાસે આવી ગયો છું.
આવી જ એક બીજી વાત યાદ આવે છે.
એક સૂકાયેલા વૃક્ષને બે જણા સાથે મળીને કાપતા હતા. કૂહાડીના ઘા ધડાધડ પડતા હતા. નાના-મોટાં ટુકડાં વૃક્ષથી અલગ થઇને નીચે પડતા હતા. જોતજોતામાં તો એક વૃક્ષનું લાકડામાં રૂપાંતર થઇ ગયું. તે જોઇને એક વ્યક્તિએ તેને પૂછયું
‘તને કેટલું દુ:ખ થતું હશે નહીં? તું સૂકાઇ ગયું એટલે તને કાપી નાખે છે. લોકો ખરા નિર્દયી બની ગયા છે.’
લાકડાના તે ટુકડાએ હસીને જવાબ આપ્યો.
‘ના રે, દુ:ખ શાનું? અત્યારે ભલે મને કાપી નાખ્યું છે. એક લીલાછમ વૃક્ષમાંથી હું હવે લાકડાનો ટુકડો બની ગયો છું. પરંતુ એનું દુ:ખ શા માટે? હવે હું બીજી રીતે જીવીશ.’
‘એટલે? બીજી વળી કઇ રીતે?’
‘અરે, હવે હું સરસ મજાનું ટેબલ કે ખુરશી બનીશ…મારી ઉપર બેસીને કોઇ જમશે..કોઇ નાનકડું બાળક મારી ઉપર બેસીને કિલકિલાટ કરશે..અને હું ફરી મહોરી ઉઠીશ.
કે પછી હું કોઇ નાનકડી ટીપોય બનીશ… મારી ઉપર કોઇ સરસ મજાનું ફલાવરવાઝ ગોઠવાશે..સુંદર મજાના ફૂલોથી હું યે સુશોભિત થઇ ઉઠીશ.
કે પછી કદાચ ખાલી કોઇ નાનકડું સ્ટૂલ બનીશ તો પણ શું? કોઇને ઉપર ચડવામાં મદદરૂપ તો બની શકીશ ને?
બસ…મારું જીવ્યું સાર્થક…અને કદાચ આમાંથી કશું ન બની શકું તો કોઇ ગરીબના ઘરનો ચૂલો તો જરૂર સળગાવી શકીશ.
બસ, એટલું કરી શકીશ તો યે મને કોઇ અફસોસ નહીં હોય. કોઇ પણ રીતે કોઇને કામ આવી શકું એટલે મારું જીવન તો સાર્થક જ ને?
આવી જીવન દ્રષ્ટિ આપણી પણ બની જાય તો ?
ગમે તે અવસ્થામાં ખુશ રહેવાનું. કોઇ ધારે તો પણ દુ:ખી કરી જ કેમ શકે? સંજોગો તો આપણે ફેરવી શકતા નથી. પરંતુ દરેક પરિસ્થિતિને અનુકૂળ બનવાની કળા તો જરૂર શીખી શકીએ. અને બસ પછી તો લીલાલહેર છે.
આપણે સૌએ શૈશવમાં પેલા આનંદી કાગડાની વાર્તા જરૂર સાંભળી હશે. એ વાર્તા આપણા બાળકોને પણ વારંવાર સંભળાવવા જેવી છે. કયારેક ભવિષ્યમાં એ વાર્તાની યાદ તેને મદદરૂપ જરૂર બની શકે.
આમ પણ અન્ગ્રેજીમાં કહ્યું છે કે Laugh and world will laugh with you , weep and weep alone..
રોજ મરે એને કોણ રડે ? આવી કહેવત સાચી જ છે ને ? રોજ રોદણા રડતી વ્યક્તિ , કે રોજના રોતલ ચહેરા કોને જોવા ગમે ?
અને જે પોતે હસી ન શકે,પોતે ખુશ ન હોય તે બીજાને કેવી રીતે હસાવી શકે કે બીજાને કેવી રીતે ખુશ રાખી શકે ?
દરેક અવસ્થામાં આપણે ખુશ રહી શકીએ..સાથે સાથે અન્યને પણ કઇ રીતે મદદરૂપ બની શકીએ તેનો વિચાર કરી શકીએ તો આપણું દુ:ખ તો કયાંય વિસરાઇ જાય. અને કદાચ બીજાને મદદરૂપ થતાં થતાં આપણી પરિસ્થિતિનો પણ કોઇ ઉકેલ મળી આવે…બીજાને શીખવતા શીખવતા આપણો પોતાનો પાઠ આપમેળે પાકો થઇ જ જાય ને ?
સુખ અને દુખ તો ઘટ સાથે ઘડાયેલા છે એનો હસીને સ્વીકાર કરવો એ માનવજીવનનું ગૌરવ છે. અને ત્યારે જ પેલા સૂકાં લાકડાની માફક આપણે મહોરી ઉઠીએ…દુ:ખમાં યે મહોરવાની કે જીવનના સંઘર્ષો વચ્ચે અડીખમ રહેવાની આ જીવનકલા આપણે પણ શીખી લઇએ તો ?
પવનના સૂસવાટા બોલતા હોય, વાયરાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય, એવા વાવાઝોડાના સમયે એક નાનકું તણખલું સ્વાભાવિક રીતે જ દૂર દૂર ફેંકાઇ જવાનું.. પરંતુ ત્યારે એવા સમયે પણ એક ક્ષુદ્ર તણખલું આનંદથી હસીને ગાઇ શકે છે. અરે, વાહ.. મેં તો આસમાનની સહેલ કરી લીધી.
એક તિનકેને કિસી તૂફાનકે સાથ ઉડકર જબ લિયા આકાશ છૂ…
નાનકડાં તણખલાની પણ જો આ જીવનદ્રષ્ટિ હોય તો આપણે તો માનવી છીએ..ઇશ્વરનું પરમ સર્જન છીએ.. પરમાત્માનો એક અંશ છીએ.. આપણે આવી જીવનદ્રષ્ટિ કેમ ન કેળવી શકીએ? સુખમાં તો સૌ કોઇ હસી શકે..ગાઇ શકે.. સંઘર્ષની ક્ષણે ગાઇ શકીએ, પીડાની પળોમાં પણ જીવનસંગીત ચાલુ રહી શકે અને ચહેરા પર સ્મિતની હળવી લહેરખી ફરકી શકે તો જીવનમાં કોઇ ફરિયાદને અવકાશ ન રહે. જે આપણા હાથની વાત નથી એનો હસીને કે રડીને સ્વીકાર કરવાનો જ છે તો હસીને શા માટે ન કરવો?
ઇશ્વરમાં જો ખરેખર માનતા હોઇએ તો આપણી શ્રધ્ધામાં કચાશ કેમ ચાલે? સર્જનહાર પર ભરોસો રાખવો તો પછી પૂરો જ રાખવો જોઇએ ને? અને તો જ આપણે આનંદથી કહી શકીશું..
લીલાલહેર છે ભાઇ, અમારે તો લીલાલહેર છે.

Nilam Doshi

http://www.gujaratguardian.in/E-Paper/07-20-2014Suppliment/index.html

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: