Hiral's Blog

January 31, 2013

કમાણી

આમ તો માન્યા માં ન આવે એવી વાત હતી. પણ અહીં વાત માન્યા વગર છૂટકો પણ ન હતો,
હજુ હમણાં જ કલિયુગ નો પરિચય થાય એવી ઘટના જીવનમાં બની હતી.
દિલમાં એવો ચચરાટ હતો એ ઘટના નો કે એ પછી જીવનમાં તરત બની રહેલી સાવ ઉલટી ઘટનાને મનમાં બેસવા જગ્યા જ નહોતી મળી રહી.

ઘર તો અમને પસંદ પડેલું , કિંમત પણ અમને બરોબર લાગી અને અમે સોદો કરવા જ ગયેલા,
માત્ર એક જ અવઢવ હતી કે ઘરમાં અત્યારે એક કુટુંબ રહે છે તેઓ સમયસર ઘર ખાલી તો કરશે ને?
મારાથી સાગરભાઈને પૂછ્યા વગર ના રહેવાયું કે તેઓ તમારા શું સગા થાય?
એમણે કહ્યું કે તેઓ અમારા કોઈ સગા નથી, બસ માણસાઈનો નાતો છે. અમને સાંભળીને વધુ આશ્ચર્ય થયું, એટલે સાગરભાઈએ વાત આગળ ચલાવતા કહ્યું કે , ‘પહેલા એ લોકો અમારા અપાર્ટમેન્ટમાં એમના એક સંબંધીને ત્યાં રહેતા હતા. મારા મમ્મીને એમની સાથે સારો મનમેળ બેસી ગયેલો, પહેલો સગો પાડોશી એ નાતે અમારો સંબંધ દિવસે ને દિવસે વધુ આત્મીયતા વાળો થતો ગયો.
અમારું ખાધે પીધે સુખી પરિવાર. હું મારા માતાપિતાનું એકનું એક સંતાન, રાજસ્થાનથી અમદાવાદ આવીને હું સી.એ નું ભણ્યો હતો. મેં ખુબ મહેનત કરેલી અને ધીમે ધીમે ઘર અને ઓફીસ ખરીધા. મારી પત્ની સેજલ પણ પરિવારમાં દુધમાં સાકરની જેમ ભળી ગયેલી. અમે ભલે મારવાડી જૈન , પણ અમારા પરિવારમાં કોઈ જડ રિવાજોને સ્થાન નહિ, સેજલને પુરતી મોકળાશ હતી. અને એ પણ એટલા જ ભરેલા મનની છે. સેજલને કોઈ ભાઈ નથી. અને મારા સાળી અને સાઢુ ભાઈ વિદેશ સ્થાયી થયેલા. લગ્ન બાદ ૩ વરસે અમારા ઘરે પારણું બંધાયું અને અમે વધુ સુખી હોવાનો અહેસાસ કરી રહ્યા હતા. પણ એવામાં સેજલના માતાનું અવસાન થાયું .

એ જરાક અટક્યા અને એમણે ઉમેર્યું

‘મેં પહેલા કીધું એમ અમે મારવાડી જૈન ખરા પણ મારા બા, બાપુજી ઘણાં મોટા મનના, અમારા બધાનો આગ્રહ હતો કે સેજલના બાપુજી અમારી સાથે રહે, પણ એમનું મન દીકરીને ઘેર રહેવામાં સંકોચાતું હતું. મને પણ સમજાતું નહોતું કે શું કરવું?
મેં સેજલને લગ્ન પહેલાં જ વચન આપેલું કે તારા માતાપિતાનો હું મારા માતાપિતાની જેમ જ આદર કરીશ . એમને ક્યારેય દીકરાની ખોટ નહિ સાલે.
સદનસીબે સેજલના માતાપિતા આ વાતનો ગર્વ પણ કરી શકતા કે એમના બેઉ જમાઈ દીકરાથીય અધિક છે.
અને એટલે જ બાપુજી એકલા ગામડે રહે એવું અમે કોઈ નહોતા ઈચ્છતા. પણ સમજાતું નહોતું કે શું કરવું?’

સેજલે વિચાર કર્યો કે નજીકમાં આપણે ભાડે ઘર ગોતીએ, જેથી બાપુજી આપણી આંખની સામે રહે અને એમનું મન પણ ના કચવાય.
મારી તો સહમતી હતી જ અને મારા માતા પિતા પણ આ વાતે તરત સહમત થઇ ગયા. સેજલ તો બીજા જ દિવસથી નજીકમાં ભાડે ઘર ગોતવા લાગી. યોગાનું યોગ અમારી ઉપરના માળે મકાન વેચવાની વાત સાંભળી . ઘર ખરીદવું એ નાનીસુની વાત નથી પણ જો એક જ અપાર્ટમેન્ટમાં બાપુજી રહી શકે તો વધુ સારી વાત કહેવાય એ વિચારે મેં ઘણી ખેંચ તાણ કરી અને ઘર વેચાતું લેવા પ્રયત્ન કર્યો. સેજલે તો ના કહી કે ખરેખર બાપુજી કેટલો વખત અહિં રહેશે એ કહેવું મુશ્કેલ છે અને મારા બાપુજી માટે તમે કેટલું કરશો? એ થોડી ઢીલી પડી ગઈ . પણ મારું તો એક જ કહેવું હતું કે જો હું એમનો સગો દીકરો હોત તો શું પૈસાનો વિચાર કરત? ભાડે ઘર માટે પણ કોઈએ પૈસાનો વિચાર નથી કર્યો, જેવા મારા બાપુજી એવા તારા બાપુજી. લગ્નને ત્રણ વરસ થયા . હવે શું મારું કે શું તારું?
એ તો પડશે એવા દેવાશે અને સૌ સારા વાના થશે, મારી વાતથી સેજલમાં પણ હિંમત આવી અને અમે સોનું પણ વેચ્યું અને તાણીતુસીને આ ઘર ખરીધું કે બાપુજી અમારી નજરની સામે રહે. મારો દીકરો એમની સાથે પણ રમી શકે, એમની સાથે રહી શકે.બાપુજી તો થોડો વખત રહ્યા ને એક વાર સાળીને ઘેર ગયા તો ત્યાં મારા સાઢુભાઈએ જવેલરીની દુકાન કરી આપી, જે કામમાં બાપુજીને વધુ રૂચી હતી એટલે એ પછી ત્યાં જ સ્થાયી થઇ ગયા.હવે એમના મનમાં ય દીકરીને ત્યાં ના રહેવાય એવો સંકોચ નહોતો રહ્યો.

આટલી ચોખવટ પછી સાગરભાઈએ ઉંડો શ્વાસ લીધો અને કીધું,
હા, તો આ થઈ એક વાત કે આ ઘર કેવી રીતે ખરીધ્યું અને શું કામ ખરીદ્યું.
અને હવે બીજી વાત કે જે કુટુંબ અત્યારે ત્યાં રહે છે એમના વિષે.

ઘર લેતી વખતે ઇન્વેસ્ટમેન્ટ જેવો કોઈ વિચાર કરેલો નહિ. હું મારા કામને આગળ ધપાવવામાં વ્યસ્ત હતો. એવામાં આ જશોદાબેનને ઘરની તકલીફ પડી. એમનો દીકરો 9માં ધોરણમાં ભણે. મારી મમ્મીએ કહ્યું કે આપણું ઘર ખાલી છે તો ભલે ને એ લોકો ત્યાં રહેતા. અમને બધાને પણ આ વાત ગમી. છોકરો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી આ ઘર તમારું જ છે એમ સમજીને રહો એમ મેં વચન આપેલું છે. આજે વિવાન પાઈલોટ થઈ ગયો. એ વાતની અમને બધાને ખુશી છે.

મેં એને કોઈ આર્થિક મદદ નથી કરી પણ એક રૂપિયાનું ભાડું નથી લીધું. ખરું પૂછો તો બાપુજી બીજી દીકરી સાથે સ્થાયી થયા પછી જો ઘર ખાલી હોત તો હું વેચી દેત। પણ વિવાન ના ભણતરનો વિચાર કરીને મેં એ ઘર વેચવાની ક્યારેય વાત નથી કરી. અને એને નસીબ કહો તો નસીબ કે આ ઘરના ભાવ મને મારી ખરીદ કિંમત કરતા 5થી 6 ગણા મળી રહ્યા છે. જશોદા બેનનું કહેવું છે કે આ મોંઘવારીમાં એ દીકરાને ભણાવી શક્યા કારણકે એમને દુ:ખના દિવસોમાં માથે છાપરાની ચિંતા નહોતી. પણ મને એવું નથી લાગતું. હવે મેં નવું આગવું ઘર બાંધ્યું છે. એ પણ બધું અનાયાસ જ ગોઠવાઇ ગયું. સસ્તા ભાવે પ્લોટ લીધેલો. ત્યારે એ વિસ્તાર અમદાવાદની હદમાં નહોતો। મને અમદાવાદમાં પ્લોટ ખરીદવો પરવડે તેમ નહોતો। વિવાનનો વિચાર કરીને મેં અમદાવાદની બહાર હાઈવે પર પ્લોટ ખરીધો. અત્યારે એ વિસ્તાર અમદાવાદની હદમાં છે એ વાતનો ખ્યાલ મને ત્યારે નહોતો. હવે અમે નવા બંગલે રહેવા ગયા છીએ, અમારો ફ્લેટ કે જેમાં અમે અત્યાર સુધી રહ્યા તે હવે ખાલી છે . વિવાન અને જશોદા બેન એમાં રહેશે. મારી ગણતરી ૨ થી 3 વરસની છે. ત્યાં સુધી વિવાન થોડું સેવિંગ કરી શકાશે. દુનિયાદારીથી પરિચિત થશે. હજુ તો છોકરાના હાથમાં પહેલો પગાર નથી આવ્યો. એ મારા માટે નાના ભાઈ જેવો જ છે. વરસ દહાડો એ ઉડાઉડ કરશે . થોડું હરશે ફરશે, પછી સેવિંગ કરીને ધીમે ધીમે એ પણ ઘર ખરીદી શકશે. ત્યાં સુધી એ લોકો મારા ફ્લેટમાં રહેશે. અને મારું ઘર પણ વપરાતું રહેશે. ઘરમાં દીવા – બત્તી થશે.

સાંભાળીને અમને સુખદ આશ્ચર્ય થયું . સાગરભાઈ સાથે વાત કરીને ઘણું જાણવા શીખવાનું મળ્યું . પણ એમ થોડી કોઈની વાતોમાં આવીને ઘર માટે હા પાડી દેવાય? પણ અહી નાં પાડવા જેવું ય કશું નહોતું. અમે છેલ્લા ૨ વરસથી ઘર શોધી રહ્યા હતા. અમારો ફ્લેટ વેચ્યાને પણ હવે તો ૧ વરસ થવા આવ્યું પણ અમને અમારા બજેટમાં બધી રીતે અનુકુળ ઘર મળી જ નહોતું રહ્યું.
જો કે મારા માતા પિતાએ પણ મકાન બાબતે આવી ભલાઈ કરેલી. જેમાં એમણે પણ ભાડું નહોતું લીધું. અત્યારે અમે એક સંબંધી ને ઘેર રહી રહ્યા હતા. એ બધા તો અમેરિકા રહેતા હતા અને અમને કોઈ ઘર ખાલી પણ નહોતું કરાવી રહ્યું અને અમારી પાસેથી તેઓ પણ ભાડું નહોતા લઇ રહ્યા. પણ બંને વખતે અમે સગા – સંબંધીમાં અરસ પરસ ઉપયોગી થયા હતા.
એટલે ઉપરની વાત હજુ એકદમથી ગળે નહોતી ઉતરી રહી. સાગરભાઈ અમારા હાવ ભાવ ઓળખી ગયા કે શું? એમણે તરત ઉમેર્યું, બહુ વિચારો નહીં , મારામાં વિશ્વાસ રાખો, મને પણ સારા પડોશની, સારા માણસોની એટલી જ જરૂર છે, મારે પણ તમને ઘર વેચવું છે એટલે જ તમને આટલી બધી માંડીને વાત કરી.

ખરેખર આ ઘર અમને બધી રીતે અનુકુળ લાગી રહ્યું હતું, એટલે સાગરભાઈની વાત સાંભળ્યા પછી સાગરભાઈ પર કે જશોદા બેન પર અવિશ્વાસ કરવા જેવું ય કશું નહોતું લાગી રહ્યું.
અને અમે ઘર ખરીદવા માટે સહમત થયા. રૂપિયાની લેવડ દેવડ, બેંકની લોન, ઘરના કાગળિયાં, બધી વાતોની વિગતે ચોખવટ કરી અને અમે ત્યાંથી રજા લીધી.
અમે બીજા દિવસે જશોદા બહેનને મળ્યા. વિવાન સાથે પણ વાતો થઈ. અપાર્ટમેન્ટ ના રખેવાળથી લઈને દરેકે એક જ વાત કહી અને બધા સાગરભાઈને અને સેજલબેનને દેવતા માણસ માને છે.

બીજી વારની મુલાકાત માં અમે દસ્તાવેજની તારીખ નક્કી કરી. અમને આગળના મકાનમાલિક અને એક દલાલનો એટલો કડવો અનુભવ હતો કે અમે હજુ ખુબ મુઝવણમાં હતા. સાગરભાઈ એ અમારી પાસેથી ટોકન પણ ના લીધા. સકનના ૧0૧ રૂમાં અમે આ બધી વાતો નક્કી કરી. મારી મમ્મીની બહુ ઈચ્છા હતી કે ડીલીવરી પછી હું નવા ઘરેથી વિદાય થઉં , એટલે એ રીતે થોડી ઉતાવળ કરીને એમણે જશોદાબેન અને વિવાન ને એમના ઘરમાં વાયદા મુજબ શિફ્ટ કર્યા. અનિવાર્ય સંજોગોના કારણે નક્કી કરેલા દિવસે અમે દસ્તાવેજ ના કરી શક્યા તોય એ વાતનો વસવસો સાગરભાઈને એટલો બધો હતો કે એમણે અમને જે તે નક્કી કરેલા દિવસે ઘડો મુકવા આગ્રહ કર્યો, જેથી હું નવા ઘરેથી વિદાય થાઉં. મારી મમ્મીની હોંશની એ માણસે દિલથી કદર કરી.
પણ દસ્તાવેજ કર્યા વગર કે રૂપિયાની લેવડ દેવડ વગર, એમ જ થોડું કોઈનું ઘર આપણું થઈ જાય? હું તો નવા ઘરે ગયા વગર જ જે તે નક્કી કરેલા દિવસે વિદાય થઈ. થોડા દિવસો પછી અમે દસ્તાવેજ કર્યો.

આજે તો આ વાતને છ મહિના ઉપર થઈ ગયા, પણ ફોન પર મારી મમ્મી ઘણી વાર સાગરભાઈના, જશોદાબેનના, અપાર્ટમેન્ટના વહીવટના , ખાસ કરીને ત્યાંના આડોશ -પાડોશના બધાના વખાણ કરે છે.
સાગરભાઇના શબ્દો હજુય કાનમાં ગુંજે છે કે માત્ર રૂપિયા કમાવા એ જ કમાયું નથી, પણ થોડી ઘણી અગવડ વેઠીને પણ સંબંધો કમાવા, આશીર્વાદ કમાવા એ રૂપિયા કરતાય વધુ સુખ આપે છે.

Advertisements

3 Comments »

 1. હુ આ બ્લોગ વાંચી ને અત્યંત પ્રભાવિત થયો છુ, અને આ બ્લોગ વાંચ્યા પછી હું એજ આશા રાખીશ કે મને પણ સાગરભાઈ અને જશોદાબેન જેવા સારા મહાનુભાવો , પાડોશી મળે। ધન્ય છેતે લોકોની જીંદગી માં આ મહાન લોકો મળ્યા.

  Comment by HiralPandya — April 30, 2013 @ 10:28 am | Reply

 2. નમસ્કાર!
  આપનો બ્લોગ ”hiral’s blog” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  Comment by Gujaratilexicon — July 24, 2013 @ 9:56 am | Reply

 3. hats off to Sagarbhai/Sejalben. sajal nayane j sagar bharaay…

  Comment by Chirag — July 30, 2013 @ 9:23 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: