Hiral's Blog

December 13, 2010

થેન્કસ

શચી અને મારી વચ્ચે કાંઇક વાત ચાલી રહી હતી અને એકદમ જ એ બોલી, ‘જવા દે ને આખો પરિવાર જ એવો છે. મેં કીધું, કોઇ એક જણ સાથે મનમેળ નથી એટલે આખા પરિવાર માટે ઉતરતો અભિપ્રાય? તો આપણે કેવા? એવું કશું વિચારવાનું જ નંઇ?’ એટલે મને કહે, ‘તને નંઇ સમજાય. ‘

થોડા દિવસ પછી, મારી સાથે પણ કંઇક આમ જ બન્યું. અહિં એક જણ મિલનનાં ઓફીસ સ્ટાફમાં ગુજરાતથી જ છે. આપણે અહિં એનું નામ ચિંતન રાખીશું. અહિં શરુઆતથી જ ચિંતનની છાપ સારી નહોતી. મોઢે કંઇ ને પાછળ કંઇ. અને બોલે એટલે લબલબિયો કાચબો. અને કોની પીઠમાં સ્વાર્થ માટે ક્યારે છરો ભોંકે કંઇ કહેવાય નંઇ. શરુઆતમાં તો મેં એનાં માટે કશો ઉતરતો અભિપ્રાય નહોતો રાખ્યો. પણ ધીમે ધીમે અનુભવથી સમજાયું કે ખરેખર ચિંતન સાચે જ મૂલ્યવિહિન માણસ હતો. થોડા મહિનાઓ પછી ચિંતને એની પત્નીને અહિં બોલાવી લીધી. પણ ચિંતનના ખરાબ સ્વાભાવને કારણે લગભગ અમે બધા એની પત્ની મમતાથી દૂર જ રહેતાં. પણ મારાં મને મને પ્રશ્ન કર્યો કે ચિંતનનાં વાંકે આપણે એની પત્નીને એકલી પાડી દઇએ તો આપણે કેવાં? મને અંદર અંદર ખૂંચતું કે બિચારી એની પત્નીનો શું વાંક? એટલે મેં એની પત્ની એકલી ના પડી જાય એટલે એનાંથી મિત્રતા કરી લીધી અને જાણવા મળ્યું કે મમતા ચિંતન જેવી ખરાબ નહોતી. ઘણીવાર એને અને ચિંતનને બોલવાનું પણ થઇ જતું અને મમતાની હંમેશા દલીલ રહેતી કે તમે કામથી જ કામ રાખો. વગેરે. મમતાનાં પરિચયથી મને થયું કે નાહક ચિંતનનાં વાંકે મમતા એકલી પડી જાય છે. સારું જ થયું કે મેં મમતાને સાવ એકલી ના પાડી દીધી.

હવે એકવાર શચી સાથે વાતમાં ને વાતમાં ચિંતનની કોઇ વાત નીકળી અને એ તરત જ બોલી ‘જવાદે ને, મમતા પણ કંઇ ઓછી નંઇ હોય’. મેં દલીલ કરી કે ‘ચિંતન જેવો છે એવો પણ આપણે મમતાને એકલી ના પાડી દેવાય. ગમે તેમ તોયે આપણે બધા ઇંડિયન છીએ’. એટલે એ તરત બગડી. એમ કહેને કે ‘તમે ગુજરાતી એક થઇ ગયા છો?’ એટલે મેં કીધું, ‘તું જરા વધારે પડતું બોલી રહી છે’. શચી મને ઘણાં સમયથી ઓળખતી હતી એટલે તરત જ વાત વાળતાં બોલી, કે ‘ટોપલામાં એક કેરી બગડેલી હોય તો બીજીને બગાડે જ ને?’ પણ અહિં હું મમતાને ઓળખતી હતી એટલે મેં પણ દલીલ કરી કે ‘આપણે માણસ છીએ શચી, કેરી નંઇ? અને આપણે કોઇ બંધ ટોપલામાં પણ નથી. બધાંને વિચારશક્તિનું મોકળું મેદાન મળેલું છે’.

પણ શચીનો અણગમો હજુ મમતા માટે હતો જ. એટલે થોડી ક્ષણો તો વાતાવરણ ગંભીર બની ગયું. મમતાની વાતે મારી અને શચી વચ્ચે મતભેદ થઇ રહ્યાં હતાં. શચી એની વાત છોડવા તૈયાર નહોતી અને સામે પક્ષે મારું પણ એવું જ હતું કે શચી કોઇ એકનાં વાંકે નાહકનો બીજા માટે ઉતરતો અભિપ્રાય બાંધે છે. બસ, થોડી ક્ષણો કોઇ કંઇ બોલ્યું નંઇ અને અમે બંને જણાં પોતપોતાની રીતે મનમાં જ બોલતાં રહ્યાં. પણ અચાનક મને એની કેરી અને ટોપલાં વાળી વાત પરથી જૂનો બોધપાઠ વાળો અનુભવ યાદ આવ્યો. અને મેં એને વાત કહેવા માંડી.

હું સીધી જઇ પહોંચી રમતનાં ધૂળિયા મેદાનમાં. ત્યારે હું લગભગ ૯-૧૦ વરસની હતી. મારી ખાસ બહેનપણી મુદ્રાના ઘેર હું અવારનવાર રમવા જતી. એની બાજુનાં જ ઘરમાં અમારા જેટલી જ એક પિન્કી નામની છોકરી રહેતી. એ પણ અમારી સાથે રમવા આવતી. એક વખત અમે ૬-૭ જણાં રમવા માટે ભેગા થયાં. પણ જેવી પિન્કી આવી કે બે છોકરીઓ બોલી કે ‘તું અમારી સાથે નંઇ રમી શકે’. પિન્કી રડુ રડુ થઇ ગઇ. મુદ્રા તરત જ વચ્ચે પડી કે પિન્કી આપણી સાથે જ રમશે એટલે એ બે છોકરીઓ તરત બોલી કે ‘તો અમે નંઇ રમીએ’. અને એકે બીજાનો હાથ પકડીને મોઢું મચકોડ્યું અને એ બંને છોકરીઓ જતી રહી. અમારે છૂટ્ટી સાંકળ રમવું હતું અને એમાં વધારે જણ હોય તો જ મજા આવે એટલે હું પેલી બે છોકરીઓને મનાવવા એમની પાછળ ગઇ. તો એમાંથી એક છોકરીએ કીધું કે ‘પિન્કીનાં પપ્પા ચોર છે અને એમને પોલીસ પકડીને લઇ ગઇ છે’. અને એમણે મને પણ સમજાવી કે આપણાંથી પિન્કી સાથે ના રમાય.

હું પણ બાળમાનસ, પિન્કીનાં પપ્પા ચોર છે એવું જાણ્યું એટલે મને પણ મમ્મી-પપ્પાએ શીખવાડેલી વાતોનો જેવો આવડ્યો એવો અર્થ કરીને મેં પણ નક્કી કર્યું કે સાચે જ પિન્કી સાથે ના રમાય. અને મેં એક ખૂણામાં મુદ્રાને બોલાવીને આ વાત કરી. મને ખબર હતી કે મુદ્રા હું કહીશ એમ જ કરશે. એ મારી પાક્કી બહેનપણી હતી. અને મેં એને આખી વાત એવી રીતે કરી જેથી મુદ્રાને પણ એવું જ લાગવું જોઇએ કે જોયું હિરલ એની કેટલી સારી બહેનપણી છે!

પણ મુદ્રા તો તરત મારા ઉપર બગડી. અને એણે કીધું કે ‘હા, એને ખબર છે કે પિન્કીનાં પપ્પાને પોલીસ પકડીને લઇ ગઇ છે. એટલે મેં કીધું ‘તને ખબર છે? અને તોયે તેં આટલી મોટી વાત મારાથી છુપાવી?’ એક સુપરહિટ સિરિયલમાં રાગિણી જે અદાથી રડું રડું થઇને આ વાક્ય બોલે છે એવી જ રીતે મેં પણ મુદ્રાને કીધું, ‘એનાં પપ્પા ચોર છે અને તોયે તારે પિન્કી સાથે… ?’ એટલે તરત જ મુદ્રાએ મને વચ્ચે અટકાવી ‘એનાં પપ્પા ચોર નથી, ખાલી પોલીસ પકડીને લઇ ગઇ છે’ વચમાં મારું ધ્યાન પિન્કી ઉપર ગયું. અને જો કે મને એને જોઇને દયા આવી ગઇ. પણ હવે વાત વટની હતી કે મુદ્રાને કશી ખબર નથી પડતી.

એટલે મેં દલીલ કરવી શરુ કરી, તો મુદ્રા મને કહે, ‘તને પિન્કી માસુમ નથી લાગતી? ‘ આ એક સવાલથી મારું મન પિન્કી માટે કુણું તો પડ્યું પણ તોયે મેં મુદ્રાને કીધું કે ‘એક ટોપલામાં એક કેરી બગડેલી હોય તો બધાને બગાડે. આપણે પિન્કી સાથે રમીએ તો…’ અને મુદ્રા હવે સાચે જ મારા ઉપર બગડી અને બોલી ‘હિરલ, પહેલી વાત કે આપણે કેરી નથી. માણસ છીએ. અને બીજી વાત કે ચોરીનો ગુનો હજુ સાબિત નથી થયો અને ત્રીજી વાત, આપણે ચોરી કરીએ તો ટીચર આપણને વઢે છે. આપણાં મમ્મી-પપ્પાથી કોઇ બોલવાનું બંધ નથી કરી દેતું એવી જ રીતે, જો તારાં મમ્મી-પપ્પાથી કોઇ વાર ભૂલ થઇ જાય અને બધાં તારાથી બોલવાનું બંધ કરી દે તો?’ મને મુદ્રાની વાત સાચી લાગી અને હવે મારો વટ પણ થોડો વધારે ઢીલો થયો અને મને સમજાયું કે મુદ્રા મારી વધારે કાળજી લઇ રહી હતી. હું નંઇ. અને જેવી પિન્કી ઉપર નજર ગઇ તો જોયું કે એ રડતી રડતી એનાં ઘેર જતી રહી.

મને પણ આ ના ગમ્યું કે પિન્કી અમારા લીધે રડી એટલે હું અને મુદ્રા એનાં ઘેર પાછળ પાછળ એને મનાવા ગયાં. જોયું તો ઘરમાં સાવ અંધારું હતું. પિન્કીનાં મમ્મી રડી રહ્યાં હોય એવું લાગ્યું. અમે બારણું ખુલ્લું હતું છતાં બારણે ટકોરાં મારી રહ્યાં હતાં. અને જોયું તો પિન્કી ખૂબ ગુસ્સામાં બારણું ખોલવા આવી અને બોલી કે મારે જ નથી રમવું તમારી સાથે. એનો ગુસ્સો અને મુદ્રાની સમજણ જોઇને હું તો રીતસરની ગળગળી થઇ ગઇ. પિન્કીનાં ગમે તેવા ગુસ્સા છતાં મુદ્રાએ એને પ્રેમથી પૂછ્યું કે ‘પિન્કી મારી સાથે પણ નંઇ રમે?’ બોલતાં બોલતાંમાં જ પિન્કી જાણે બારણું ધક્કો મારીને બંધ કરવા ગઇ. ‘ના કોઇની સાથે નથી રમવું મારે’. એટલામાં જ પિન્કીનાં મમ્મી આવ્યાં અને એમણે લાઇટ ચાલુ કરી અને અમને કહે, ‘આવ બેટા, અંદર આવ, મુદ્રાને કહે ‘તું જ સમજાવ પિન્કીને કે થોડું જમી લે. ક્યારની કહું છું કે થોડીવાર રમવા જઇ આવ, થોડું ખાઇ લે, પણ “ના” એનાં પપ્પા આવે એટલી જ વાર છે’ અને બોલતાં બોલતાં એ અંદર રુમમાં જતાં રહ્યાં.

મને સાચે જ હવે મારા માટે ખરાબ લાગી રહ્યું હતું કે મેં મુદ્રાને ખૂણામાં ના બોલાવી હોય તો? ખોટું રમવાનું મૂકીને મોટાઓની જેમ વર્તવા ગઇ એમાં હવે આખી સાંજ બગડી. વિચારતાં વિચારતાં જ હું અને મુદ્રા પલંગ પર બેઠાં. ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત હતું. મને યાદ છે કે પિન્કી હંમેશા બધું સરસ ગોઠવીને જ રાખતી પણ આજે બધું ઉલ્ટું થઇ રહ્યું હતું. પિન્કી હજુ ગુસ્સામાં જ હતી. અને થોડીવારે અમે જેવું આવડ્યું એવું સમજાવીને એની સાથે જ જમવા બેઠા. થોડીવારમાં પિન્કી રમવાના મૂડમાં આવી ગઇ અને અમે ઘરમાં જ બેસીને ઇંડોર ગેમ્સ રમ્યાં. જો કે મને બરાબર યાદ છે કે ‘પિન્કી કેટલી ચૂપ ચૂપ થઇ ગયેલી!’ જે મને જરાય નહોતું ગમ્યું. થોડીવારે અમે રમીને છૂટાં પડ્યાં ત્યારે બારણે મુકવા આવતી વખતે અત્યાર સુધી ચુપ ચુપ રમી રહેલી પિન્કી કહે ‘થેન્કસ’. એનું થેન્ક્સ આજેય ર્હદયમાં એવું જ અકબંધ છે. અને જતાં જતાં મેં મુદ્રાને કીધું ‘થેન્ક્સ’. તો મુદ્રા હસીને કહે ‘થેન્કસ તો પપ્પાને’ .

હું સળંગ બોલી રહી હતી તે હવે અટકી અને તરત શચી બોલી ‘થેન્કસ’.

Advertisements

3 Comments »

 1. સર્વના સમાવેશ સાથે, અભિપ્રાયો અને સામાજિક મૂલ્યોની અવળી અસરની વાત ખૂબ સરસ પ્રસંગાત્મક રીતે મુકાઈ છે.

  Comment by Pancham Shukla — December 17, 2010 @ 2:02 pm | Reply

  • Thanks 🙂

   Comment by hirals — December 17, 2010 @ 5:41 pm | Reply

 2. This post also has excellent content and writing style. You first build context. It has story element. Description. Flashback. A nice message to bring change in society and to change our thought pattern. Very good. A reader just lost in the flow of story and at the end, retrospect about his/her own action in similar situation. Emotional heart touching story.

  Keep writing.

  Manish

  Comment by Manish — December 21, 2010 @ 12:25 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: