Hiral's Blog

July 16, 2010

જન્મદિવસની ઉજવણી -ઘરથી દુર એક નવું ઘર

Filed under: Experience to share,own creation,Thought — hirals @ 9:25 am

This article is dedicated to my friend smita….:)))

શુક્રવારની સાંજ હતી . હું ઓફિસેથી ઘેર જઇ રહી હતી.. સામાન્યરીતે શુક્રવારે ઓફિસેથી ઘેર આવીએ એટલે વીક-એન્ડ્નો અનેરો આનંદ હોય, વીક-એન્ડનાં પ્લાન હોય પણ આજે તો હું ઘેર વહેલી જઇ રહી હતી, તેમ છતાં એવો કોઇ ફરક નહોતો પડી રહ્યો. ઓફિસેથી ઘેર આવતાં રસ્તામાં જ હું વિચારી રહી કે ઘેર જઇને વાત કરવાવાળું કોઇ હશે નંઇ એટલે ઇચ્છા જ નહોતી થતી કે ઘેર જઉં. હું સ્વભાવે વાતોડિયણ. ખાસ કરીને મને ઘરનાં લોકો અને મિત્રો સાથે વગર કારણે વાતો કરવી બહુ ગમે. પણ બેંગલોરની નોકરી જોઇન કર્યા પછી એક મોટી તકલીફ કે અહીં કોઇ ગુજરાતી બોલવાવાળું નહોતું. ઓફિસમાં તો અંગ્રેજી જ બોલવું પડે. શરુઆત મેં પેઇંગ ગેસ્ટમાં રહેવાથી કરી, અને એ સાઉથ ઇંડિયન પી.જી હતું એટલે કોઇ ગુજરાતી -હિંન્દીમાં વાત કરનાર નહોતું. સવાર સવારમાં તો બધી કાબરીઓ ફોન પર મંડી હોય એવું જ લાગે. કોઇ તમિલમાં શોર મચાવે તો કોઇ કુર્ગીમાં કુ કુ કરે, કોઇ મલયાલમમાં ટેહુક્યા કરતું, મારાં રુમમાં રહેતી છોકરીનો અવાજ કાન ફાટી જાય એવો. એ સ્વભાવે વાતોડિયણ પણ અંગ્રેજીમાં ઠોકમઠોક શરુ કરી દે (એક નંબરની કાગડી.). હું તો સાવ પારેવું જ થઇ જઉં…..ધૂ ધૂ . ગુજરાતીમાં કરું એની ઠોકમઠોક પતે એટલે ઘેર ફોન કરીને.

બૅંગલોર આવ્યા પછી શરુઆતમાં તો ઘણી વાર એમ થેતું, હું અહીં આવી જ શું કામ? એક તો જ્યાં જુઓ ત્યાં લીકર શોપ, ચિકન-મટનની દુકાનો, કશે બાહર જવાનું મન થાય તો પણ બધે વેજ-નોન વેજ ભેગી જ રેસ્ટોરૅંટ અને ઉપરથી મારી સાથે ધેર આવ્યાં પછી ગુજરાતીમાં વાત કરનાર કોઇ નહોતું. ઓફીસમાં હોઉં ત્યાં સુધી કામમાં કાંઇ જ યાદ ના આવે, પણ ઘેર ગયા પછી ખાસ કરીને મારા વાતોડિયા સ્વભાવને કારણે વાત કરવાની મોટી તકલીફ. મને ઘેર આવીને હંમેશા સ્કૂલની, કોલેજની, ઓફિસની બધી વાત કરવાની ટેવ. પણ અહિં કોઇ મારી વાત પણ સાંભળનાર નહોતું. મારે કેમ છો- સારું છે બધા સાથે થાય. પણ કોઇ ગુજરાતી કે હિંન્દીભાષી બહેનપણી શોઘવી એ કઠિન કામ હતું. શરુઆતમાં અંગ્રેજીમાં બધી વાત કરતાં ના ફાવે અને ગુજરાતી બોલવાં માટે એક જ સહારો રહે ,ફોન કરવાનો (ઘેર કે મિત્રોને).

પણ તોયે હવે હું આ બધી રીતે ટેવાઇ રહી હતી.. બૅંગલોરમાં માંડ મારી એક ગુજરાતી ફ્રેંડ હતી અને હવે એની પણ બદલી થઇ ગઇ હતી. લગ્નવિષયક પાત્ર શોધવામાં પડે એવી જ મહેનત મને રુમ-પાર્ટ્નર (છોકરી) શોધવામાં પડી. અને સગાઇ પછી કે  લગ્ન પછી કેવી આતુરતાથી આપણા પ્રેમીની/પતિની રાહ જોઇએ, એવી જ દશા મારી પણ હતી. હું મારી રુમ-મેટની આતુરતાથી રાહ જોઇ રહી હતી.. આજે ઘર બહુ યાદ આવી રહ્યું હતું. કાલે મારો જન્મદિવસ છે. સામાન્ય રીતે, જન્મદિવસ એટલે વહેલા ઉઠવાનું, મમ્મી-પપ્પાને પગે લાગવાનું અને પછી, નાહી – ધોઇને નવાં કપડા પહેરીને દેરાસર સેવા-પૂજા કરવા જવાનું. દેરાસરમાં પૂજારીથી લઇને બહાર લાઇનમાં બેસેલાં બધાને મિઠાઇ અને અમુક રુપિયા દાનમાં આપવાનાં. સાધુ-સાધ્વી ભગવંતોના આશીર્વાદ લેવાનાં. ગુરુપૂજન કરવાનું. વાતમાં ને વાતમાં સહજતાથી હવે જ્ન્મદિવસે કરેલાં સંકલ્પ વિશે જણાવવાનું અને એમાં જ્ઞાની ભગવંતો આપણને સરળતાથી જીવનમાં સંકલ્પ કેવાં હોવા જોઇએ વિગેરે સુંદર રીતે સમજાવે. પછી એકાદ નિયમ લેવા જણાવે (આ સંકલ્પ, નિયમો એ મનની ચંચળતાને કાબુમાં લેવાની બાળપણમાં પડતી ટેવ પણ તો છે જ ને!) પછી ઘેર આવીએ અને સાથે ચા- નાસ્તો કરતી વખતે, આ બધી સરસ વાતો થાય. અને દિવસની શરુઆત થાય.

મમ્મીએ ખાસ કરીને આ દિવસે એવું ઠોકી ઠોકીને દિમાગમાં બેસાડેલું કે જન્મદિવસે ખાસ ભગવાનનો આ અમુલ્ય મનુષ્યભવ મળવા માટે આભાર માનવાનો અને આ દિવસે ખાસ આપણાં જીવન વિશે ચિંતન-મનન કરવાનું. એ દિવસે જાણે બસ પુણ્ય જ કરવાનાં. ગાય-કુતરાંને વધારે ઘી-ગોળ વાળી રોટલી. અને શક્ય હોય તો સાધર્મિક ભક્તિ. બપોરે અનુકૂળતા હોય તો સામાયિક કરવાનું અને સાંજે શક્ય હોય તો પ્રતિક્રમણ. ઘરે જમવામાં મિઠાઇ. ક્યારેક ઘરનાં બધા સાથે હોઇએ તો બહાર જમવા જઇએ. ક્યારેક મામા-ફોઇ કે માસીના ઘેર ગયા હોઇએ તો આઇસ્ક્રીમ પાર્ટી કરીએ (સદાબહાર વેનિલા ફેમિલી પેક). કોઇકવાર મારી બધી ફ્રેન્ડસને આમંત્રણ આપીએ અને ઘેર મમ્મી જાત-જાતની વાનગી બનાવે. મને તો એક સાથે આજે બધી ફ્રેન્ડસ, ઘર્ દેરાસર, ઉપાશ્રય, બધું યાદ આવી રહ્યું હતું.

અને એટલે જ આજે મને જરાય નહોતું ગમી રહ્યું. મમ્મી સાથે ફોન પર વાત થઇ. કાલે તારો જન્મદિવસ છે બેટા, હું હંમેશાની જેમ સ્નાત્ર ભણાવીશ, સામાયિક બોલાવીશ ને યોગ્ય દાન કરીશ. અને તું કેવી રીતે ઉજવીશ? બૅંગલોરની મૂળ કર્ણાટકી પ્રજા ખૂબ ધાર્મિક છે. બેંગલોરમાં જૂની બાંધણીના નાના-નાના મંદિરો ઠેક-ઠેકાણે છે. સોમવારે તો નજીકનાં મહાદેવ મંદિરની બહાર ૨-૩ કી.મી લાંબી લાઇન લાગે. વળી એક નાનું દેરાસર પણ ૪-૫ કી.મી જ દૂર હતું. નાનપણમાં મને ઘર નજીકનાં દહેરાસરનું ભારે વળગણ એટલે મેં બૅંગલોરમાં આવીને શરુઆતમાં જ નજીકનાં ધાર્મિક સ્થળોની જાણકારી મેળવી લીધી હતી. જો કે મને ભીડ કે અંધશ્રદ્ધા જરાયે પસંદ નંઇ એટલે હું હંમેશા મારી અનુકુળતાએ જ ખાલી ભગવાનને મળવા જઉં. એટલે મેં કીધું, સવારે દર્શન કરવા ચોક્કસ જઇશ. એક ચર્ચ પણ નજીકમાં હતું, ત્યાં જવા પણ વિચાર્યું. ઇશુ હોય કે ભગવાન મહાવીર, માર્ગ તો બધાનો એક જ છે. અહિંસા, કરુણા, દયા. મને આવી બધી જાત જાતની વાતો કરવી હતી.અને એટલે જ વધારે એકલું લાગી રહ્યું હતું. આવે ટાણે, ઘર બહુ યાદ આવે. બેંગલોરમાં આવે વખત થઇ ગયો હતો અને હવે આવતે મહિને જ હું ૧૫ દિવસ રજા પર જવાની હતી પણ તોયે, ક્યારેય જન્મદિવસ ઘરનાં લોકો વગર ઉજ્વ્યો નહોતો. સાંજે ઓફિસેથી આવીને હું ભૂતકાળના જન્મદિવસો યાદ કરી રહી હતી. હવે તો મારી રુમ એ જ મારું ઘર હતું. મારી રુમ-મેટની હું આતુરતાથી રાહ જોઇ રહી હતી. એટલામાં જ મારી રુમ-મેટે ફોન કરીને કીધું, આજે એને ઘરે આવતાં મોડું થશે. એટલે ના છુટકે હું રસોડામાં ગઇ અને મેં જમવાનું બનાવ્યું. અને મન મક્કમ કરીને જમી પણ લીધું. હું વિચારોની દુનિયામાં ખોવાયેલી હતી એટલામાં જ ડોર-બેલ વાગી. મને થયું સ્મિતા તો મોડી આવવાની છે, તો અત્યારે કોણ હશે? આમપણ બેંગલોરના રુમ-મેટ શોધવાનાં અનુભવ પછી હું થોડી શંકાશીલ થઇ ગઇ હતી. એટલાંમાં બહારથી સ્મિતાનો અવાજ સંભળાયો, ચુડેલ…..મેં હું તેરી દુશ્મન……દરવાજા ખોલ. કિતની દેર? મેં દરવાજો ખોલ્યો અને એને કીધું “તું તો લેટ આને વાલી થી” તો? કામ જલ્દી ખતમ હો ગયા ઓર સોચા તુ અકેલી બોર હોતી હોગીના મેરે બીના…….

આટલું બોલતાં બોલતાં સ્મિતા એટલી બધી ખુશ કેમ હતી એ ખબર ના પડી, કદાચ કોઇ ઘેર રાહ જોવે છે એ ખ્યાલે એ ખુશ હતી કે એ કોઇને બોર થવામાંથી બચાવી શકે છે એવાં પોતાના પર થતા ગર્વના ભાવથી ખુશ હતી? મને એનું આટલું બધું વગર કારણે ખુશ હોવું સહન નહોતું થયું કારણકે હું ઉદાસ હતી . એટલે મેં પણ ઉપરછલ્લું કીધું, બસ બસ, મેં કોઇ તેરે બીના બોર નહીં હોતી , હાં હાં હિરલબેન પતા હૈ. ફિર યે ઉદાસી ક્યું હૈ ચહેરે પે? સ્મિતા ચોપડી વાંચવામાં જ નંઇ પણ ચહેરો વાંચવામાં પણ એટલી જ હોંશિયાર હતી. અને હું જલ્દીથી મારી લાગણી વ્યક્ત નથી કરી શકતી એટલે એ મારી વાત સાંભળ્યા છતાંય મારો ચહેરો વાંચીને જ વાતનો દોર આગળ ચલાવી રહી હતી.., ઓર તુને કુછ ખાયા કી નહીં? સિમ્તા થોડા જ સમયમાં મારી સારી બહેનપણી (મારી વ્હાલી બેન જ) બની ગઇ હતી. હજૂ તો એ એમ. ટેકનાં છેલ્લા વર્ષમાં હતી અને અહીં બેંગલોરમાં એ પણ મારી જેમ એકલી અને નવી હતી, એ બેંગલોર એના ફાઇનલ ઇયરનાં પ્રોજેક્ટ માટે આવી હતી. એણે હાથ-પગ ધોયા, કપડાં બદ્લ્યાં અને દિવા-બતી કર્યાં. સિમ્તા સવાર-સાંજ બંને ટાઇમ દિવો કરતી અને ૧૫-૨૦ મિનિટ ખૂબ જ ભક્તિ-ભાવ પૂર્વક ભગવાનની પૂજા કરતી. પછી જ અન્ન નો દાણૉ પેટમાં મૂકતી (આ નિયમમાં એ બહુ નિયમિત હતી). મેં તો બૅંગલોર આવ્યા પછી બધું અભરાઇએ ચડાઇ દીધેલું. પણ એનાં આવવાથી હું પણ થોડી-ઘણી લાઇન પર આવી રહી હતી..  સ્મિતા પંજાબના એક નાના ગામમાંથી હતી, છેલ્લા નવ-દસ વરસથી હોસ્ટેલમાં રહીને જ ભણી હતી. એટલે ભગવાનને એણે પોતાના પાક્કા દોસ્તાર બનાવેલા. પણ જોવાની ખૂબી એ હતી કે એ કોઇ ક્લાસ-ટ્યુશન કે માતા-પિતાની દેખરેખ વગર પંજાબ બોર્ડમાં પણ છઠ્ઠા કે સાતમાં નંબરે આવી હતી. અને હવે આઇ.આઇ.ટીમાંથી એમ.ટેકનું ભણી રહી હતી.. હવે વધારે સ્મિતાપૂરાણ કહેવું હશે તો મારે અલગથી જ લેખ લખવો પડશે એટલે અહિં જ અટકું છું એનાં પ્રાથમિક પરિચય બાબતે. મેં એના માટે ખાવાનું ગરમ કર્યું અને પછી એણે જમીને વાસણ ધોયા. વાસણ ધોતા ધોતાં જ એણે ઔપચારિક જ વાત ચલાવી કે કાલે શનિવાર છે અને મારો જન્મદિવસ પણ તો હું કાલે શું કરવાની છું? એમ પૂછ્યું પણ ખરું અને મેં ટૂંકમાં જ પતાવ્યું, કારણકે મને બીક હતી કે એ મને વેદિયણ કહેશે જો હું એને મારા ભૂતકાળનાં જન્મદિવસની યાદો કહીશ તો. એણે પણ એ થાકી ગઇ છે અને આજે જલ્દી સૂઇ જશે કહીને પોતાનાં રુમમાં જઇને સૂઇ ગઇ. મને ખરાબ લાગ્યું, આમ તો આટલી લાગણી બતાવે છે, તો મારા જન્મદિવસમાં રસ ના લેવાય? પણ એ હજુ નવી જ બહેનપણી છે અને એણે શું કામ આટલી આત્મીયતા બતાવવી જોઇએ? એમ મન મનાવી ને હું પણ સૂઇ ગઇ.

અચાનક જ જાણે સપનું જોતી હોઉં એવું લગ્યું, બરાબર ૧૨ ના ટકોરા વાગી રહ્યા હતા અને સ્મિતા મારા માટે “હેપી બર્થ ડે ટુ યુ” ગીત ગાઇ રહી હતી, મને ખબર હતી કે હું સપનું જોઇ રહી છું એટલે મેં આંખ જોરથી બંધ કરી જેથી ઉંઘ આવે. પણ હવે એ મને રીતસર ઉઠાડી રહી હતી, હિરલ, બનિયાની ઉઠ (એકવાર એણે મારી જ્ઞાતી પૂછી અને મેં હિંન્દીમાં બનિયા કીધું એટલે ત્યારથી એણે મારું નામ બનિયાની પાડેલું.), ઉઠ, ઉઠ બનિયાની તું ખ્વાબ નહીં દેખ રહી, ઉઠ. મેં સચ મેં ગાના ગા રહી હું, અને હું સફાળી બેઠી થઇ. જોયું તો એણે નવો ડ્રેસ પહેરેલો અને એ પરી જેવી સુંદર દેખાતી હતી. એણે ફરીથી ગાયું. “હેપી બર્થ ડે ટુ યુ, મે ગોડ બ્લેસ યુ.” હું શું બોલું? એણે કીધું, તુજે ક્યા લગા? મેં સો ગઇ? મેં તો નાટક કર રહી થી. એનો હરખ સમાતો નહોતો કે આજે મારો જન્મદિવસ છે. અને એણે આગળ ચલાવ્યું આજ હમારે ઘરમેં મેરી બડી સિસ્ટર કા જન્મદિન હૈ, આજ મેં તુજે વીશ કિયે બિના, કૈસે સો સકતી હું? તુને જ્યાદા દિવાલી દેખી હૈ તો મૈંને કમ ભી નહીં દેખી.. એક વાર એક નાની વાતે દલીલનું સ્વરુપ પકડેલું અને કોઇ રીતે એ મારી વાત માની નહોતી રહી એટલે મેં બીજા દિવસે ઇંન્ટર્નેટથી સાબિતી આપેલી અને પછી કીધું કે મેં તારાથી વધારે દિવાળીઓ જોઇ છે, બસ ત્યારથી હંમેશા કંઇ પણ નવું, સરસ કરે એટલે સંભળાવે જ કે મૈંને ભી કમ દિવાલી નહિં દેખી..પણ એનાં વાણી-વર્તનમાં એક પ્રેમાળ-નાનીબેન જેવી આત્મિયતા હતી.. એણે મને નવો ડ્રેસ પ્રેઝંટ કર્યો. હું ના પાડું એ પહેલા જ મને કહે…જલ્દી સે તૈયાર હો જા, ફિર કેક કાટેંગે ઔર ફોટો ખીંચેગે. હું રાતના બાર વાગે તૈયાર થઇ. ત્યાં સુધીમાં તો એણે નાની થાળીમાં ટોસ્ટ અને ૮-૧૦ કેંડલ સરસ સજાવીને રાખ્યા હતા. હું તો એટલી બધી ખુશ થઇ ગઈ કે ના પૂછો વાત. મેં કેક કાપી. (ટોસ્ટ્નાં બે ટુકડા કર્યાં ) જીંદગીમાં પહેલી વાર મારા જન્મદિવસે મેં મૂવીમાં બતાવે એમ મીણબતીને ફૂંક મારી અને પછી અમે બંનેએ એક એક ટોસ્ટ ખાધો અને પછી મારા બનાવેલાં મેથીનાં ખાખરા. સ્મિતા આપણી ગુજરાતી વાનગીનાં નામ બાબતે બહુ હેરાન હતી.(૩- ઇડિયટ મૂવી પહેલાંની આ વાત છે.) કૈસે અજીબ નામ રખતે હો તુમ લોગ. ખાખરા, હાંડવા, થેપલા. આ બધા નામ એણે પ્રથમ મારી પાસેથી જ સાંભળેલા .હું એની સૌ પ્રથમ ગુજરાતી ફ્રેંડ હતી. તુમ લોગ સીધા-સાદા નહીં બોલ સકતે, સૂખી રોટી ઔર હલ્દીવાલે પરાઠે? યે થેપલા, ખાખરા સુનને મેં કિતના ભારી-ભયાનક લગતા હૈ ઔર ખાને મેં કિતના હલકા-ફૂલકા હૈ. હાંડવા તો સુનને કે બાદ કિસી જમાને મેં નહીં સમજતા કિ યે ખાને કી ચીઝ કા નામ હૈ. શરુઆતમાં તો ખાખરો જોઇને જ ડરે. મૈં એસા સૂખા નહીં ખા સકતી પણ એક વાર ચાખ્યા પછી યે અચ્છા હૈ યાર મેગી સે ભી જ્યાદા ઇંસ્ટન્ટ ફૂડ!

એણે મને બીજી પણ ગીફ્ટ આપી, વર અને વધુનાં પપેટ અને કીધું “ઇસ સાલ હિરલબેન કો એક્ષ્-વાય-ઝેડ ભાઇ મિલાદે ભગવાન. હિરલબેન કી શાદી તય કરા દે ભગવાન!. એકબાર તેરી શાદી તય હો જાયે ફિર મૈં ખૂબ સારે ગીતાં ગાવાંગી તેરે લીએ.” એકદમ પંજાબી લહેકા સાથે એણે કીધું. અત્યાર સુધી મારા માથા પર કારકિર્દી બનાવવાની ધુન સવાર હતી એટલે મને કોઇ સહજ ભાવે પણ લગ્નની વાત કરે તો ગમતું નંઇ, એક જાતની ચિઢ છુટતી કે છોકરીઓનું આખરી ધ્યેય ખાલી લગ્ન જ થોડું છે? પણ આજે સ્મિતાની પ્રેઝંટ અને એનો મારા લગ્ન માટેનો હરખ જોઇને મને એટલું સારું લાગ્યું કે હું એને ભેટી પડી. અને પછી મોડે સુધી વાતો કરી. એણે કીધું શામ કો માર્કેટ ગઇ થી, તેરે લીયે ગીફ્ટ લાને ઇસલિયે બોલા થા કિ લેટ હો જાયેગા. સમજી?. ઔર રાત કો તુજે બાત કરની થી ના મેરે સે? બટ મૈં જાન બુજ કે તુજે સડા રહી થી . ભગવાન ભી ખુશી દેને સે પહેલે થોડા દુઃખ દેતા હૈ, તો મૈં તો તુજે તેરે જીવન કે યાદગાર ખુશી કે પલ દેને વાલી થી રાત કો બારા બજે, વો ખુશી કી કિંમત તુજે ઇતની નહીં હોતી અગર મૈંને તુજે સડાયા નહીં હોતા. એનો મારા માટેનો પ્રેમ અને એની લાગણીસભર વાતો સાંભળીને મારી આંખ ઝળુ ઝળુ થઇ ગઇ.

બસ બસ અબ રો મત, આજ તેરા જ્ન્મદિન હૈ, ખુબ પુણ્ય કરેંગે પૂરા દિન, કુછ સ્પેસિયલ. મેરે પાસ એક આઇડિયા હૈ. અને એણે કીધું એમની કંપનીએ જે લોકલ શાળાને દતક લીધી છે એ છોકરાંઓને કાલે મળવા જઇશું. એમનાંમાં રસ લઇશું અને પછી લગભગ દર શનિવારે આપણે ત્યાંના ગરીબ બાળકોને ભણાવી શકીયે છીએ. મને આ વિચાર ખુબ ગમી ગયો. સામાન્યરીતે અમે શનિ-રવિમાં ખરીદી કરતાં, મોલમાં ફરતાં, કોઇ ફ્રેંડને મળતાં, કચરાપોતું કરતાં, કપડાં ધોતા, હરતા-ફરતાં ને મજા કરતાં અથવા કોઇ ટેકનીકલ સેમિનારમાં ભાગ લેતાં. પણ ગરીબ બાળકોને ભણાવવા જવાનો વિચાર મને ખૂબ બમી ગયો.

બીજા દિવસે અમે આખો દિવસ ત્યાંના બાળકો સાથે પસાર કર્યો. મને એટેલો બધો પ્રેમ મળ્યો એ એક દિવસમાં કે એ ક્યારેય હું શબ્દોમાં વર્ણવી નહીં શકું. શનિવારે અહીં મોટાભાગનાં વર્ગો ઇતર-પ્રવૃતિનાં રહેતાં. સવારે જ્યારે અમે ત્યાં ગયા, ત્યારે બેંગલોરની એક જાણીતી નૃત્યકાર એક પછી એક વર્ગને નૃત્ય શીખવતી હતી. એણે કર્ણાટકમાં શિવ સ્તોત્ર પર બાળકોને કથ્થક નૃત્ય શીખવ્યું. અમે પણ અમુક સ્ટેપ્સ છેલ્લી હરોળમાં રહીને શીખ્યાં :)) બીજાં વર્ગોમાં અમુક પ્રોફેશનલ્સ બાળકોને વાર્તા કહેતાં હતાં ,એક પ્રોફેશનલ છોકરો ફોટોગ્રાફીનો શોખીન અને ઘણાં સમયથી બાળકો એને ઓળખતાં અને એમનાં જાત-જાતનાં ફોટા એક વર્ગમાં લગાડેલાં હતાં. આજે આ મિત્ર એની ખૂબ જ વ્યસ્ત જોબની સાથે આઇપીએલમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ છે અને આ શાળામાં પણ વારે-તહેવારે એ એટલો જ વ્યસ્ત રહે છે .એક ક્લાસમાં ચિત્રનાં વર્ગો હતાં અને શનિવારે આ બધાં વર્ગો વોલેન્ટરી શિક્ષકો ચલાવતાં. જ્યારે એમનાં ટીચરે કીધું કે “ટુડે ઇઝ હિરલ આકા’સ બર્થ ડે” તો લગભગ આખા ક્લાસે મને એમનાં ડ્રોઇંગનાં ક્લાસમાં “હેપી બર્થ ડે હિરલ આકા” નાં શુભેછ્છા કાર્ડ બનાવીને આપ્યાં. આમેય બાળકોને ચિત્રની દુનિયામાં ખોવાઈ જવું ખૂબ ગમે છે. એકાદ કાગળ આપો . પેન્સિલ, રબ્બર ને કલર આપો. બાળક તેની દુનિયા ઘડીભરમાં ખડી કરી દે છે. એની મુક્ત અભિવ્યક્તિ તેમાં વ્યક્ત થાય છે. પણ આજે એમણે એમની અભિવ્યક્તિ મારા માટે ખાસ કાગળો પર ઉતારી હતી. શું સંબંધ હતો મારો આ ભૂલકાઓ સાથેનો? ગઇ કાલ સુધી તો મને આ શાળા વિશે કશી માહિતિ પણ નહોતી. આ ભૂલકાંઓ સાથે આજે મારો પ્રથમ પરિચય હતો. અમે આખા ક્લાસ સાથે ઘણાં બધા ફોટા પડાવ્યા. મેં છોકરાઓને કીધું સે ચીઝ, તો કહે સે ઇડલી, સે ઢોંસા,સે ઉત્તપ્પા. મારા ચહેરા પર આજે પણ ફોટામાં આ ઇડલી, ઢોંસા અને ઉત્તપ્પાની ખુશી કંઇક અલગ જ છે. મેં શાળાનાં પ્રિન્સીપાલને ખાલી કેટબરીની ચોકલેટો જ આપી હતી આખી શાળા માટે, પણ આટલાં બધા શુભેછ્છા કાર્ડ ! અને આટલો બધો પ્રેમ! સામાન્યરીતે આપણે એક મીઠી પપ્પી માટે પણ બાળકને ચોકલેટની લાલચ આપીએ છીએ. પરંતુ આ બાળકોને એવી કોઇ લાલચ મેં આપી નહોતી. આ બાળકોને તો એ ચોકલેટો શાળા છુટ્યા પછી ઘરે જતી વખતે મળવાની હતી. શું બાળકો (ગરીબ) ખરેખર આટલો બધો નિઃસ્વાર્થ પ્રેમ કરે?

હું વિચારી રહી કે સાચે જ જીવન કદી સીમિત રહેતુ નથી., એ વહેતું રહે છે….. ગઇકાલે તો હું કેટલી ઉદાસ હતી, બૅંગલોર મને કેટલું પારકું લાગતું હતું અને ઘરની યાદોથી મુક્ત થવું લગભગ અશક્ય જણાતું હતું. સામાન્યરીતે જીવનમાં બનતાં અણધાર્યા સુખદ કે દુઃખદ અનુભવો પાછળ ચોક્કસ કોઇક પ્રયોજન હોય જ છે એટલે હું આજના આકસ્મિક જન્મદિવસની ઉજવણીનું પ્રયોજન વિચારી રહી. . મમ્મીએ કહ્યું એમ વરસો સુધી જન્મદિવસે મેં ભગવાનનો મને મળેલાં અમુલ્ય મનુષ્યભવ માટે પાડ માનેલો,એટલે કદાચ ભગવાન સામેથી આજે મને જન્મદિવસ વીશ કરવાં આવેલાં આ બાળકોનાં સ્વરુપે? અમુલ્ય મનુષ્યભવનો ખરો અર્થ સમજાવવાં કે પછી નિઃસ્વાર્થ પ્રેમની વહેંચણીનો ડેમો બતાવવાં?

હું સ્મિતાની આ જીવન આભારી છું આવી અનોખી જન્મદિવસની ઉજવણી માટે.

નોંધઃ બધી સ્થૂળ વસ્તુઓ તો પોતાની જગ્યાએ જ હતી. લીકર શોપ, ચિકન-મટનની દુકાનો, નોન-વેજ રેસ્ટોરેંટ, પણ હવે મને બૅંગલોર ખરેખર ગમવા માંડ્યું. હવે મારું નવું મિત્રવર્તુળ મારો નવો પરિવાર હતો.

Advertisements

10 Comments »

 1. જીવનની સાર્થકતા એ આવા નાનાનાના આનંદને માણવામાં અને તેને સહુની સાથે વહેચવામાં જ તો છે. શાળાની મુલાકાત ખુબ ગમી. આપણે બધા થોડો સમય કાઢીને આવું કોઈ રચનાત્મક કાર્ય કરીએ તો કેવું સારું ! ખરી વાત છે, જન્મદિવસે માત્ર ઉજવણી જ ન કરતા જીવન વિશે ચિંતન-મનન પણ કરવું જોઈએ.

  Comment by Uday Trivedi — July 19, 2010 @ 5:20 am | Reply

 2. હિરલ, તમારો લેખ ખુબજ હ્રદય-સ્પર્શી લાગ્યો.

  જન્મ – દિવસ ને લઇ ને બનેલ ઘટના નું તમે સરસ વર્ણન કર્યું. સ્મિતા એ જે પ્રમાણે તમારા જન્મ દિવસ ની ઉજવણી કરી એ પર થી તો મને એવો ભાવ જાગ્યો કે એણે નાની બેન નહિ પણ “મમ્મી” તરીકે તમારું ધ્યાન રાખ્યું. બાળકો (ગરીબ હોય કે અમીર) તરફ થી હંમેશા નિઃસ્વાર્થ પ્રેમ મળતો જ હોય છે. સામાન્ય લોકો એક વખત પણ જો એ અનુભવે તો “બાળકો માં જ ઈશ્વર ની અનુભૂતિ થયા વિના ના રહે”.

  તમારું જી – મેલ આઈ ડી આપશો? મારું છે: er.nileshsmehta@gmail.com સમય મળે તમારી સાથે વાત – સત્સંગ કરવા ની ઈચ્છા છે.

  Comment by Nilesh Mehta — July 20, 2010 @ 12:37 pm | Reply

 3. અરે યાર
  મને પહેલા કહ્યુ હોત તો?મારા મોટા ભાઇ શ્રી ડો.જીતેન્દ્ર રાઓલ ત્યા બેન્ગ્લોર મા જ રહેછે.છેલ્લા ૩૦ વર્શ થી.એન.એ.એલ મા ડેપ્યુટી ડાયરેક્ટર અને વૈજ્ઞાનિક હતા.હમણા જ રીટાયર થયા છે.હમણા કોઇ કોલેજ મા માનદ પ્રોફેસર છે.એક ગુજરાતી ફેમીલી નો પરીચય થૈ જાત.હાલ આપ ક્યા છો?યુ કે છો?કંપની તરફ થી હશો?આ મોટા ભાઇ એ કેનેડા મા પી.એચ.ડી કરેલુ.અન્ગ્રેજી મા કવીતાઓ લખે છે.બે બુક્સ બહાર પડી છે.છે તો રાજ્પુત પણ બીલ્કુલ જૈન છે.કોઇ જૈન મુની રજ્પુત ના ઘેર જન્મ્યા હોય તેવુ લાગે છે.સ્મીતા ની વાતો સામ્ભળી થયુ કે અમે તમારી ઉમ્મર ના હોત તો કેવુ સારુ?સ્મીતા ની ફ્રેન્ડ્શીપ કરી લેત.

  Comment by Bhupendrasinh Raol — July 20, 2010 @ 10:08 pm | Reply

  • ભુપેન્દ્રભાઇ, સ્મિતાના ચાહકોની યાદી પહેલેથી જ ઘણી લાંબી છે. તમારી ઇચ્છા મેં એની કહી, તો હંમેશાની જેમ હસવા માંડી. ક્યારેક એના ચાહકો વિશે પણ લેખ લખવાની ઇચ્છા છે. કઇ હદ સુધી લોકો એની પાછળ ગાંડા થઇ શકે છે કે પછી એને એ કળા હસ્તગત છે એ એક સંશોધનનો વિષય છે. સાચે, જીવવું તો આવું જીવવું, એ એની આસપાસના દરેક લોકો માટે આટલી જ આત્મીયતાથી જીવી શકે છે. દિલથી એક જ દુઆ નીકળે કે સ્મિતાનું સ્મિત ક્યારેય ઝાંખુ ના પડે.

   તમારા મોટા ભાઇ વિશે જાણીને આનંદ થયો, તમે મને ઓળખાણ કરાવવા યોગ્ય વ્યક્તિ ગણી એ વાતે આપનો આભાર.

   તો તમે જૈન ધર્મ વિશે તમારા ભાઇ (પુર્વભવના જૈન મુનિ) પાસેથી આ બધું જ્ઞાન મેળવો છો એમને?

   Comment by hiral — July 21, 2010 @ 8:30 am | Reply

 4. ઉદય, નિલેશ, માધવ આપનો ખુબ ખુબ આભાર. મારું તાત્પર્ય કશું સ્પ્ષ્ટ નહોતું લખતી વખતે, બસ, સ્મિતા જ્યારે યાદ આવે ત્યારે જન્મદિવસની ઉજવણી પણ યાદ આવે અને જન્મદિવસ આવે તો સ્મિતા અચુક યાદ આવે. એની યાદમાં લખાઇ ગયું. અને તમને બધાને ગમ્યું એ મને અને સ્મિતાને પણ ગમ્યું. હા આ બધી નાની નાની વાતો જ કદાચ મનુષ્યભવને સાર્થક કરે છે. કુદરતે આપેલા નેચરલ કોલની જેમ આપણાં માનવબંધુઓ માટેનો પ્રેમ કે જીવમાત્ર પ્રત્યે પ્રેમ નેચરલ હોત તો કેવું સારું?
  -Hiral

  Comment by hiral — July 21, 2010 @ 8:35 am | Reply

  • કુદરતે આપેલા નેચરલ કોલની જેમ આપણાં માનવબંધુઓ માટેનો પ્રેમ કે જીવમાત્ર પ્રત્યે પ્રેમ નેચરલ હોત તો કેવું સારું?
   ઉપર નું વાક્ય આપે લખ્યું છે.એના માટે નેચરલ લાઈફ જીવવું પડે.એના માટે થઇ ને ધર્મો ની જરૂર જ નથી.કારણ ગોધરામાં રેલવેના ડબ્બા માં બફાઈ ગયેલો લાશો જોઇને તમને રડવું નહિ આવે જો તમે મુસલમાન હશો તો?અને ગુલબર્ગ સોસાયટી ના એક ઘર માં લાકડાના કબાટ માં જીવતી શેકાઈ ગયેલી પાંચ વર્ષ ની નાની બાળકી ની રોસ્ટેડ લાશ જોઇને તમારી આંખ માંથી આંશુ નહીં આવે જો તમે હિંદુ હશો તો?દરેક ધર્મ ની વાતો આવી જ છે.આપણે કાંદા,લસણ ખાતા નથી પણ બેંકો ઉઠાડી ને ગરીબોના લોહી ચૂસી જઈએ છીએ,આપણે માંસ ખાતા નથી,પણ ચામડા નાં બેલ્ટ અને પર્સ માટે નિર્દોષ પ્રાણીઓ ની કતલ માં અપરોક્ષ રૂપે ભાગ લઈએ છીએ.આપણે કતલખાના વિરુદ્ધ નારા લગાવીએ છીએ,પણ બોડી લોશન માં એજ પ્રાણીઓ ની ચરબી વાપરીએ છીએ.
   અમારા મોટાભાઈ શ્રી ને આવી બધી વાતો કરવાનો સમય મળ્યો નથી.એ ૩૦ વર્ષ થી બેંગ્લોર માં છે અમે ગુજરાત અને પછી અમેરિકા.તેઓ એ લગભગ દરેક ભારતીય મિસાઈલ પ્રોજેક્ટ માં કામ કરેલું છે.અમે પણ છેલા પાંચ વર્ષ થી કશું વાચ્યું નથી.આભાર

   Comment by Bhupendrasinh Raol — July 23, 2010 @ 1:03 am | Reply

   • ધર્મના નામે થતા અધર્મ વિશે તમારી વાતો સાચી છે. સૂક્ષ્મ અવલોકન અને સાચી વાત પકડવાની જગ્યાએ આપણે હું સાચો કે મારો ધર્મ મહાન ના મિથ્યાભિમાનમાં રાચતા હોઇએ છે. હું પોતે જાત અનુભવથી શીખી છું.(ખાસ કરીને ગુજરાત છોડ્યા પછી , મનુષ્યધર્મથી વિશેષ કાંઇ નથી.)

    તમારા ભાઇની કારકિર્દી ખરેખર સરસ કહેવાય. (એન.એ.એલ અમારા ઘર અને ઓફિસથી ઘણું નજીક હતું). તમે એમનું જીવનચરિત્ર પણ લખી શકો છો. અમને વધારે જાણવા મળશે.

    હું શોખથી વાંચુ છું અને અજાણતા જ મારું જૈનધર્મને સમજવાભણી વધારે ચિત્ત છે. પણ મારા સંસર્ગમાં આવતા કોઇપણ મુસલમાન કે કોઇપણ ક્રિશ્ચન પ્રત્યે એટલો જ આદર રાખી શકુ છું. શરુઆતમાં થોડું સારું-ખરાબ ચાલ્યા કરતું હતું. એક દિવસ ઘેર ફોન કરીને પણ કીધું હતું કે નથી ગમતું. તો મમ્મીએ એક જ વાત કરી હતી, કોઇ માણસ ચિકન ખાય તો એમાં તારે માણસ સાથે વેર કરવું? તું જૈનધર્મમાંથી આટલું જ શીખી? તારા ગુજરાતમાં રહેવાથી શું આ બધું બંધ થઇ જશે? ગુજરાતમાં શું કશે જ અરાજકતા કે ક્રુરતા નથી? પ્રકૃતિની સાથે ચાલતા શીખ અને પ્રેમભાવથી દરેકને અપનાવતા શીખ એ જ સાચો ધર્મ. દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા શીવાય કશો જ વાદ-વિવાદ સાચો નથી. તને મારે દેરાસર જ મોકલવી હોત ટીલા-ટપકાં કરવા તો આટલે દુર બૅંગલોર મોકલવાનો વિચાર પણ ના કરત. સાચો ધર્મ શું છે એ હવે તને જાત અનુભવથી સમજાશે.

    બસ, ત્યાર પછી ક્યારેય કોઇના માટે અભાવ નથી આવ્યો. મારી માણસ તરીકે શું ફરજ છે એ જ અગત્યનું બની ગયું.

    Comment by hirals — July 23, 2010 @ 8:21 am

 5. Hi Hiral

  This is an excellent article.

  I can see, that with little nourishment, you can become a great author and popular columnist in newspaper. You have written directly from your heart and the writing style, the flow, the dialogues and the building up a character (of your rommie Smita) is fantastic. You have talent. All the best

  Now about the content. Yes, I also appreciate your friend and your way of birthday celebration. It is thought provoking. Many people donate money. I believe one should also spare some time for less privileged people of our society.

  -Manish

  Comment by Manish — August 10, 2010 @ 5:53 am | Reply

 6. very touchy Hiral… in your age, your thinking is just great…
  lata aunty

  Comment by lata j hirani — December 2, 2013 @ 5:39 pm | Reply

 7. […] જન્મદિવસની ઉજવણી-ઘરથી દુર એક નવું ઘર ( હીરલનો બ્લોગ ) […]

  Pingback by ( 430) હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય ) | વિનોદ વિહાર — April 16, 2014 @ 11:50 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: