રે જીવ માન ના કીજીએ, માને વિનય ન આવે રે,
વિનય વિના વિદ્યા નહિ, તો કીમ સમકિત પાવે રે? |૧|
સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે,
મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તો કિમ લહીએ જુક્તિ રે? |૨|
વિનય બડો સંસારમાં, ગુણમાં અધિકારી રે,
માને ગુણ જાયે ગળી, પ્રાણી જો જો વિચારી રે |૩|
માન કર્યું જો રાવણે, તો તે રામે માર્યો રે,
દુર્યોધન ગર્વે કરી, અંતે સવી હાર્યો રે |૪|
સૂકાં લાકડાં સારીખો, દુ:ખદાયી એ ખોટો રે,
ઉદયરતન કહે માનને, દેજો દેશવટો રે |૫|